દાનનો મહિમા – અન્નદાન
ભોજનનો બગાડ કરવો એ અપરાધ છે. પરંતુ પોતાની પાસે રહેલું ભોજન કોઈ જીવ સાથે વહેંચીને ન ખાવું એ એથી પણ મોટો અપરાધ છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે ક્યારેય પોતાના એકલાં માટે રાંધવું ન જોઈએ. ભોજન ગ્રહણ કરતાં પહેલાં તેનાં પાંચ અંશ ઋષિઓ , માનવો અને ગાંધર્વો (પ્રાણીઓ અને પક્ષીઓ) માટે અલગ રાખવાં જોઈએ. જે પંચગ્રાસ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં ગાય , શ્વાન , કીડી , કાગડા અને આંગણે આવતાં ભૂખ્યાં મનુષ્ય માટે ભોજનનો ભાગ કાઢવાની પ્રથા છે. અન્નદાન એ સૌથી શ્રેષ્ઠ દાન ગણાય છે. જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે હકીકતમાં આપણે ગત જન્મોના કાર્મિક ઋણની ચૂકવણી કરતાં હોઈએ છીએ. દાનથી આપણી ભૌતિક વસ્તુઓનો ભોગ કરવાની આસક્તિ છૂટે છે. આસક્તિ છૂટે ત્યારે જ શરીર છૂટી શકે. કોઈપણ પ્રકારની આસક્તિનો ત્યાગ કરવાની શરૂઆત દાનથી જ થઈ શકે. દાન વૃદ્ધાવસ્થામાં મૃત્યુને સરળ બનાવી શકે છે. જ્યારે દાન કરીએ છીએ ત્યારે વિચારો અને મનમાં ખુલ્લાંપણું આવે છે. કહેવાય છે કે જ્યારે આપણે કોઈને કશુંક આપીએ છીએને ત્યારે એ અનેકગણું થઈને આપણી પાસે પરત આવે છે.