શનિના અશુભ ફળના લક્ષણો

Raja Ravi Varma, Public domain, via Wikimedia Commons

જ્યારે જીવનમાં શનિની નાની કે મોટી પનોતી આવે અથવા શનિની મહાદશા કે અંતર્દશા આવે ત્યારે શનિનું શુભ અથવા અશુભ ફળ તીવ્ર સ્વરૂપે પ્રગટ થાય છે. શનિ શુભ ફળ પણ આપી શકે છે. પરંતુ, જો શનિ અશુભ ફળ આપી રહ્યો હોય તો તેનાં લક્ષણો ક્યાં હોઈ શકે?

  • કાર્યોમાં અવરોધ અને વિલંબનો સામનો કરવો પડે. કાર્યમાં જવાબદારી અને બોજનો વધારો થાય. કામમાં શોષણ થતું હોય તેવું લાગે. કામ વધુ હોય અને વળતર ઓછું મળતું હોય તેવું બની શકે. કામનું શ્રેય ન મળે. કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે.

  • મલિન, નકામી ચીજ-વસ્તુઓથી ભરેલી, જૂની, સગવડોનાં અભાવવાળી જગ્યાએ રહેવું પડે કે સ્થળાંતર થાય. રહેઠાણની આજુબાજુ મલિનતા, ગંદા નાળાઓ, કચરાના ઢેર કે ઝૂંપડપટ્ટી જેવાં વિસ્તાર હોઈ શકે છે.

  • કઠણ પથારીમાં સૂવું પડે.

  • આર્થિક ખેંચનો અનુભવ થઈ શકે છે. ઘણીવાર પૈસાની જરૂર હોય ત્યારે જ હાથવગાં ન હોય. વોલેટ/પર્સ ઘરે ભૂલી જવાય કે ખોવાય જાય. ગણતરીઓ કરી-કરીને પૈસા ખર્ચ કરવાનો વખત આવે. અન્યો પાસેથી ઋણ લેવું પડે. ઋણ પરત કરવામાં મુશ્કેલીનો અનુભવ થાય.

  • આર્થિક અસલામતી અને ડરનો અનુભવ થાય.

  • જૂના, ફાટેલાં, ઘસાઈ ગયેલાં, વપરાયેલાં/ઊતરેલાં વસ્ત્રો પહેરવા પડે. સુંદર વસ્ત્રો, આભૂષણો, સાજ-સજાવટ, શૃંગારનો અભાવ વર્તાય. દેખાવમાં ઝાંખપ આવે. દેખાવ દારિદ્રયપૂર્ણ બને.

  • જૂતા-ચપ્પલ ખોવાઈ, ઘસાઈ કે ચોરાઈ જાય. જૂના, ફાટેલાં, ઘસાઈ ગયેલાં જૂતા-ચપ્પલ પહેરીને ચલાવવું પડે.

  • આંખો ઊંડી ઉતરે કે આંખોની આજુબાજુ કાળા કુંડાળા દેખાય. ચહેરા પર દાઝના નિશાન પડે. વજનમાં ઘટાડો થઈ શકે છે. ચહેરા ઉપર અચાનક ઉંમર ચાડી ખાવાં લાગે. ઉંમર વધી ગઈ હોવાનો અહેસાસ થઈ શકે છે.

  • નોકર-ચાકર વર્ગ કે હાથ નીચે કામ કરતાં માણસો દ્વારા કે માણસોને લીધે અપમાનનો ભોગ બનવું પડે. અન્ય લોકો તમારી સાથે નોકરો જેવો વ્યવહાર કરી શકે છે.

  • કોઈ કલંક કે જૂઠાં આક્ષેપોનો ભોગ બનવું પડી શકે છે.

  • આરોગ્યના પ્રશ્નો સતાવી શકે. શરીરમાં ઉર્જાનો અભાવ વર્તાય. હાડકાં નબળાં પડે. દાંતના પ્રશ્નો સતાવે. વાળ ઝડપથી ખરે. લાંબો સમય ચાલનારી બિમારી લાગુ પડે.

  • માનસિક ચિંતા, તણાવ, બોજ, અને ડરનો અનુભવ થાય. નિરાશા કે અવસાદનો ભોગ બનવું પડે. ભાવનાત્મક સમસ્યાઓ સતાવી શકે. નકારાત્મક વિચારો આવે. અનિદ્રાનો રોગ લાગુ પડી શકે.

  • માતા-પિતાથી, વતનથી કે ઘરના સુરક્ષિત કે આરામપ્રદ વાતાવરણથી દૂર થવું પડે. જાણે કે નાનું બાળક ચાલતાં શીખતું હોય અને અચાનક મા એનો હાથ છોડી દે ત્યારે બાળકને થાય એવી લાગણીનો અનુભવ થાય. મસ્તક પરથી છત્ર હટી જાય. પોતાની જાતે પોતાની સંભાળ રાખતાં શીખવું પડે. એકલતા લાગી શકે છે.

  • આજુબાજુના વાતાવરણમાં કડકાઈ અથવા શિસ્તનો અનુભવ થઈ શકે. જીવનની વાસ્તવિકતાનો પરિચય થાય. જીવન જાણે કે થંભી ગયું હોય તેવું લાગે. 

ટિપ્પણીઓ

Devangi એ કહ્યું…
Very interesting articles.. i am interested to learn astrology if you teach online or by pdfs.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા