શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

આદિત્ય હ્રદય સ્તોત્ર સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે. વાલ્મીકી રામાયણમાં અગત્સ્ય ઋષિએ ભગવાન શ્રીરામને આદિત્ય હ્રદય સ્તોત્રથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી. અગત્સ્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રીરામે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કર્યો અને રાવણનો વધ કરી શક્યા.

આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની  દિશામાં લઈ જઈ શકાય છે. ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે. આ સ્તોત્રમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.  નિયમિત આ સ્તોત્રના પાઠ કરવાથી સૂર્યના ગુણો આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ થઈ શકે છે. રોગોનો નાશ થઈને સ્વસ્થ-તંદુરસ્ત જીવન જીવવામાં સહાય મળે છે. માનસિક શાંતિ, ધ્યાન અને સ્થિરતાનો અનુભવ કરી શકાય છે.

વિનિયોગ

ૐ અસ્ય આદિત્ય હૃદયસ્તોત્રસ્યાગસ્ત્યઋષિરનુષ્ટુપછન્દઃ, આદિત્યહૃદયભૂતો ભગવા‌ન્‌ બ્રહ્મા દેવતા નિરસ્તાશેષવિઘ્નતયા બ્રહ્મવિદ્યાસિદ્ધૌ સર્વત્ર જયસિદ્ધૌ ચ વિનિયોગ:

ઋષ્યાદિન્યાસ

ૐ અગસ્ત્યઋષયે નમઃ, શિરસિ । અનુષ્ટુપ્‌છન્દસે નમઃ, મુખે। આદિત્ય-હૃદયભૂત-બ્રહ્મદેવતાયૈ નમઃ હૃદિ । ૐ બીજાય નમઃ, ગુહ્યે । રશ્મિમતે શક્તયે નમઃ, પાદયો: । ૐ તત્સવિતુરિત્યાદિગાયત્રીકીલકાય નમઃ નાભૌ ।

કરન્યાસ

ૐ રશ્મિમતે અંગુષ્ઠાભ્યાં નમઃ । ૐ સમુદ્યતે તર્જનીભ્યાં નમઃ । ૐ દેવાસુરનમસ્કૃતાય મધ્યમાભ્યાં નમઃ । ૐ વિવસ્વતે અનામિકાભ્યાં નમઃ । ૐ ભાસ્કરાય કનિષ્ઠિકાભ્યાં નમઃ । ૐ ભુવનેશ્વરાય કરતલકરપૃષ્ઠાભ્યાં નમઃ ।

હૃદયાદિ અંગન્યાસ

ૐ રશ્મિમતે હૃદયાય નમઃ । ૐ સમુદ્યતે શિરસે સ્વાહા । ૐ દેવાસુરનમસ્કૃતાય શિખાયૈ વષટ્ । ૐ વિવસ્વતે કવચાય હુમ્ । ૐ ભાસ્કરાય નેત્રત્રયાય વૌષટ્ । ૐ ભુવનેશ્વરાય અસ્ત્રાય ફટ્ ।

(આ પ્રકારે ન્યાસ કરીને નિમ્નલિખીત મંત્ર દ્વારા સૂર્યદેવનું ધ્યાન ધરીને નમસ્કાર કરવાં જોઈએ)

ૐ ભૂર્ભૂવ: સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્‌ ।

(ત્યારબાદ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ)

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર

તતો યુદ્ધપરિશ્રાન્તં સમરે ચિન્તયા સ્થિતમ્‌ । રાવણં ચાગ્રતો દૃષ્ટ્વા યુદ્ધાય સમુપસ્થિતમ્‌ ॥ ૧ ॥

દૈવતૈશ્ચ સમાગમ્ય દ્રષ્ટુમભ્યાગતો રણમ્‌ । ઉપગમ્યાબ્રવીદ્‌ રામમગસ્ત્યો ભગવાંસ્તદા ॥ ૨ ॥

એ તરફ શ્રી રામચંદ્રજી યુદ્ધથી થાકેલા અને ચિંતિત યુદ્ધના મેદાનમાં ઊભા હતા. આ દરમિયાન રાવણ પણ યુદ્ધ માટે તેમની સમક્ષ હાજર થયો. આ જોઈને ભગવાન અગસ્ત્ય મુનિ, જે દેવતાઓ સાથે યુદ્ધ જોવા પધાર્યા હતા, શ્રી રામ પાસે ગયા અને કહ્યું. ૧-૨

રામ રામ મહાબાહો શ્રૃણુ ગુહ્યં સનાતનમ્‌ । યેન સર્વાનરીન્‌ વત્સ સમરે વિજયિષ્યસે ॥ ૩॥

આદિત્યહૃદયં પુણ્યં સર્વશત્રુવિનાશનમ્‌ । જયાવહં જપં નિત્યમક્ષયં પરમં શિવમ્‌ ॥ ૪ ॥

સર્વમઙ્ગલમાઙ્ગલ્યં સર્વપાપપ્રણાશનમ્‌ । ચિન્તાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ્‌ ॥

દરેકના હ્રદયમાં રમણ કરનાર મહાબાહો રામ! આ શાશ્વત ગોપનીય સ્તોત્ર સાંભળો. વત્સ!  આનો જપ કરવાથી તમે યુદ્ધમાં તમારા બધા શત્રુઓ પર વિજય મેળવી શકશો. આ ગોપનીય સ્તોત્રનું નામ 'આદિત્યહ્રદય' છે. આ સૌથી પવિત્ર અને તમામ શત્રુઓનો નાશ કરનાર છે. આના જપથી હંમેશા વિજયની પ્રાપ્તિ થાય છે. આ નિત્ય અક્ષય અને પરમ કલ્યાણકારી સ્તોત્ર છે. સંપૂર્ણ મંગળોમાં પણ મંગળ છે. આનાથી તમામ પાપોનો નાશ થાય છે. આ ચિંતાઓ અને દુઃખોને દૂર કરનાર તેમજ આયુષ્યની વૃદ્ધિ કરનાર ઉત્તમ સાધન છે. ॥ ૩-૫  

રશ્મિમન્તં સમુદ્યન્તં દેવાસુરનમસ્કૃતમ્‌ । પૂજયસ્વ વિવસ્વન્તં ભાસ્કરં ભુવનેશ્વરમ્‌ ॥

સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વી રશ્મિભાવનઃ । એષ દેવાસુરગણાઁલ્લોકાન્‌ પાતિ ગભસ્તિભિઃ ॥

એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ । મહેન્દ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાં પતિઃ ॥

પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ । વાયુર્વહ્નિઃ પ્રજાઃ પ્રાણ ઋતુકર્તા પ્રભાકરઃ ॥

આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન્‌ । સુવર્ણસદૃશો ભાનુર્હિરણ્યરેતા દિવાકરઃ ॥ ૧૦

હરિદશ્વઃ સહસ્ત્રાર્ચિ: સપ્તસપ્તિર્મરીચિમાન્‌ । તિમિરોન્મથનઃ શમ્ભુસ્ત્વષ્ટા માર્તણ્ડકોંઽશુમાન્‌ ॥ ૧૧

હિરણ્યગર્ભઃ શિશિરસ્તપનોઽહસ્કરો રવિઃ । અગ્નિગર્ભોઽદિતેઃ પુત્રઃ શઙ્ખઃ શિશિરનાશનઃ ॥ ૧૨ ॥

વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ ઘનવૃષ્ટિરપાં મિત્રો વિન્ધ્યવીથીપ્લવંગમઃ ॥ ૧૩ ॥

 આતપી મણ્ડલી મૃત્યુઃ પિઙ્ગલઃ સર્વતાપનઃ । કવિર્વિશ્વો મહાતેજા રક્તઃ સર્વભવોદભવઃ ॥ ૧૪ ॥

નક્ષત્રગ્રહતારાણામધિપો વિશ્વભાવનઃ તેજસામપિ તેજસ્વી દ્વાદશાત્મન્‌ નમોઽસ્તુ તે ॥ ૧૫ ॥

ભગવાન સૂર્ય પોતાના અનંત કિરણોથી સુશોભિત (રશ્મિમાન) છે. તેઓ નિત્ય ઉદય પામનાર (સમુદ્યન), દેવો અને અસુરો દ્વારા નમસ્કૃત, વિવસ્વન નામથી પ્રસિદ્ધ, પ્રભાનો વિસ્તાર કરનાર (ભાસ્કર) અને સંસારના સ્વામી (ભુવનેશ્વર) છે. તમે તેમનું પૂજન કરો (રશ્મિમતે નમઃ, સમુદ્યતે નમઃ, દેવસુરનમસ્કૃતાય નમઃ, વિવસ્વતે નમઃ, ભાસ્કરાય નમઃ, ભુવનેશ્વરાય નમઃ - આ નામ-મંત્રો દ્વારા). સંપૂર્ણ દેવતાઓ તેમનું જ સ્વરૂપ છે. તેઓ તેજ તથા પોતાના કિરણોથી જગતને સત્તા તેમજ સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. તેઓ પોતાના કિરણો પ્રસારીને દેવો અને દાનવો સહિત સમગ્ર જગતનું પાલન કરે છે. આ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સ્કંદ, પ્રજાપતિ, ઇન્દ્ર, કુબેર, કાલ, યમ, ચંદ્રમા, વરુણ, પિતર, વસુ, સાધ્ય, અશ્વિનીકુમાર, મરુદગણ, મનુ, વાયુ, અગ્નિ, પ્રજા, પ્રાણ, ઋતુઓને પ્રગટ કરનાર તથા પ્રભાના પુંજ છે. તેમનાં નામ આદિત્ય (અદિતિ પુત્ર), સવિતા (જગતને ઉત્પન કરનાર), સૂર્ય (સર્વવ્યાપક), ખગ (આકાશમાં વિચરનાર), પૂષા (પોષણ કરનાર), ગભસ્તિમાન (પ્રકાશમાન), સુવર્ણસદૃશ, ભાનુ (પ્રકાશક), હિરણ્યરેતા (બ્રહ્માંડની ઉત્પત્તિનું બીજ), દિવાકર (રાત્રિના અંધકારને દૂર કરીને દિવસનો પ્રકાશ ફેલાવનાર), હરિદશ્વ (દિશાઓમાં વ્યાપક અથવા લીલા રંગના ઘોડાવાળા), સહસ્ત્રાર્ચિ (હજારો કિરણોથી સુશોભિત), સપ્તસપ્તિ (સાત ઘોડાવાળા), મરીચિમાન (કિરણોથી સુશોભિત), તિમિરોન્મથન (અંધકારનો નાશ કરનાર), શમ્ભુ (કલ્યાણનું ઉદ્ગમસ્થાન), ત્વષ્ટા (ભક્તોના દુ:ખ દૂર કરનાર અથવા જગતનો સંહાર કરનાર), માર્તંડક (બ્રહ્માંડને જીવન પ્રદાન કરનાર), અંશુમાન (કિરણ ધારણ કરનાર), હિરણ્યગર્ભ (બ્રહ્મા), શિશિર (સ્વભાવથી સુખ આપનાર), તપન (ગરમી પેદા કરનાર), અહસ્કર (દિનકર), રવિ (સર્વના સ્તુતિના પાત્ર), અગ્નિગર્ભ (અગ્નિને ગર્ભમાં ધારણ કરનાર), અદિતિપુત્ર, શંખ (આનંદરૂપ તેમજ વ્યાપક), શિશિરનાશન (શીતનો નાશ કરનાર), વ્યોમનાથ (આકાશના સ્વામી), તમોભેદી (અંધકારને નષ્ટ કરનાર), ઋગ્‌, યજુઃ અને સામવેદના પારગામી, ઘનવૃષ્ટિ (ભારે વર્ષાનુ કારણ), અપાં મિત્ર (જળને ઉત્પન કરનાર), વિન્ધ્યવીથીપ્લવંગ (આકાશમાં તીવ્ર વેગથી ચાલનાર), આતપી (ગરમી ઉત્પન્ન કરનાર), મણ્ડલી (કિરણસમૂહને ધારણ કરનાર), મૃત્યુ (મૃત્યુના કારણ), પિંગલ (ભૂરા રંગવાળા), સર્વતાપન (સર્વને તાપ આપનાર), કવિ (ત્રિકાળદર્શી), વિશ્વ (સર્વસ્વરૂપ), મહાતેજસ્વી, રક્ત (લાલ રંગવાળા), સર્વભવોદ્ભવ (સર્વની ઉત્પત્તિના કારણ), નક્ષત્ર, ગ્રહ અને તારોના સ્વામી, વિશ્વભાવન (જગતની રક્ષા કરનાર), તેજસ્વીઓમાં પણ અતિ તેજસ્વી અને દ્વાદશાત્મા (બાર સ્વરૂપમાં અભિવ્યક્ત) છે. (આ બધા નામોથી પ્રખ્યાત સૂર્યદેવ!) આપને નમસ્કાર છે ॥ ૬-૧૫ ॥

નમઃ પૂર્વાય ગિરયે પશ્ચિમાયાદ્રયે નમઃ । જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમ: ॥ ૧૬

જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ । નમો નમઃ સહસ્ત્રાંશો આદિત્યાય નમો નમઃ ॥ ૧૭

નમઃ ઉગ્રાય વીરાય સારઙ્ગાય નમો નમઃ । નમઃ પદ્મપ્રબોધાય પ્રચણ્ડાય નમોઽસ્તુ તે ॥ ૧૮

બ્રહ્મેશાનાચ્યુતેશાય સૂરાયાદિત્યવર્ચસે । ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ ॥ ૧૯

તમોઘ્નાય હિમઘ્નાય શત્રુઘ્નાયામિતાત્મને । કૃતઘ્નઘ્નાય દેવાય જ્યોતિષાં પતયે નમઃ ॥ ૨૦

તપ્તચામીકરાભાય હરયે વિશ્વકર્મણે । નમસ્તમોઽભિનિઘ્નાય રુચયે લોકસાક્ષિણે ॥ ૨૧

પૂર્વગિરિ-ઉદયાચલ તથા પશ્ચિમગિરિ-અસ્તાચલના રૂપમાં આપને વંદન છે. જ્યોતિર્ગણો (ગ્રહો અને તારાઓ)ના સ્વામી અને દિનના અધિપતિ આપને પ્રણામ છે. આપ જયસ્વરૂપ, વિજય અને કલ્યાણના દાતા છો. આપના રથમાં હરિત રંગના ઘોડાઓ જોડાયેલાં રહે છે. આપને વારંવાર નમસ્કાર છે. સહસ્ર કિરણોથી શોભિત ભગવાન સૂર્ય! આપને વારંવાર પ્રણામ છે. આપ અદિતિના પુત્ર હોવાને કારણે આદિત્ય નામથી પ્રસિદ્ધ છો, આપને નમસ્કાર છે. ઉગ્ર (અભક્તોને માટે ભયંકર), વીર (શક્તિ-સંપન્ન) અને સારંગ (શીઘ્રગામી) સૂર્યદેવને નમસ્કાર છે. કમળોને વિકસિત કરનાર પ્રચણ્ડ તેજધારી માર્તણ્ડને પ્રણામ છે. (પરાત્પર-રૂપમાં) આપ બ્રહ્મા, શિવ અને વિષ્ણુના પણ સ્વામી છો. સૂર તમારી સંજ્ઞા છે, આ સૂર્યમંડળ તમારું જ તેજ છે, તમે પ્રકાશથી પરિપૂર્ણ છો, સહુને સ્વાહા કરી નાખનાર અગ્નિ તમારું જ સ્વરૂપ છે, તમે રૌદ્રરૂપ ધારણ કરનાર છો; આપને પ્રણામ છે. તમે અજ્ઞાન અને અંધકારને નાશ કરનાર, જડતા તેમજ શીતના નિવારક અને શત્રુનો નાશ કરનાર છો, તમારું સ્વરૂપ અપ્રમેય છે. તમે કૃતઘ્નોનો નાશ કરનાર, સંપૂર્ણ જ્યોતિઓના સ્વામી અને દેવ સ્વરૂપ છો; આપને પ્રણામ છે. તમારી પ્રભા તપાવેલાં સુવર્ણ સમાન છે, તમે હરિ (અજ્ઞાનને હરણ કરનાર) અને વિશ્વકર્મા (સંસારની સૃષ્ટિ કરનાર) છો. તમે અંધકારના નાશક, પ્રકાશસ્વરૂપ અને જગતના સાક્ષી છો. આપને નમસ્કાર છે. ૧૬-૨૧ Top of Form

 નાશયત્યેષ વૈ ભૂતં તમેષ સૃજતિ પ્રભુઃ । પાયત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભસ્તિભિઃ ॥ ૨૨

એષ સુપ્તેષુ જાગર્તિ ભૂતેષુ પરિનિષ્ઠિતઃ । એષ ચૈવાગ્નિહોત્રં ચ ફલં ચૈવાગ્નિહોત્રિણામ્‌ ॥ ૨૩

દેવાશ્ચ ક્રતવશ્ચૈવ ક્રતૂનાં ફલમેવ ચ । યાનિ કૃત્યાનિ લોકેષુ સર્વેષુ પરમપ્રભુઃ ॥ ૨૪

એનમાપત્સુ કૃચ્છેષુ કાન્તારેષુ ભયેષુ ચ । કીર્તયન્‌ પુરુષઃ કશ્ચિન્નાવસીદતિ રાઘવ ॥ ૨૫

પૂજયસ્વૈનમેકાગ્રો દેવદેવં જગત્પતિમ્‌ । એતત્ત્રિગુણિતં જપ્ત્વા યુદ્ધેષુ વિજયિષ્યતિ ॥ ૬ ॥

અસ્મિન્‌ ક્ષણે મહાબાહો રાવણં ત્વં જહિષ્યસિ । એવમુક્ત્વા તતોઽગસ્ત્યો જગામ સ યથાગતમ્‌ ॥ ૭ ॥

રઘુનંદન! આ ભગવાન સૂર્ય જ સંપૂર્ણ ભૂતોનો સંહાર, સૃષ્ટિ અને પાલન કરે છે. આ જ પોતાના કિરણોની ગરમી પહોંચાડે છે અને વર્ષા કરાવે છે. આ સર્વ ભૂતોમાં અંતર્યામી રૂપથી સ્થિત રહીને તેમનાં સૂઈ જવા પર પણ જાગતા રહે છે. આ જ અગ્નિહોત્ર તથા અગ્નિહોત્રી પુરુષોને મળનાર ફળ છે. (યજ્ઞમાં ભાગ ગ્રહણ કરનાર) દેવતા, યજ્ઞ અને યજ્ઞોના ફળ પણ આ જ છે. સંપૂર્ણ લોકોમાં જેટલી ક્રિયાઓ થાય છે, તે બધાનું ફળ આપવામાં આ જ પૂર્ણ સમર્થ છે. રાઘવ! વિપત્તિમાં, કષ્ટમાં, દુર્ગમ માર્ગમાં અને કોઈ ભયના અવસર પર જે કોઈ પુરુષ આ સૂર્યદેવનું કીર્તન કરે છે, તેને દુઃખ ભોગવવું પડતું નથી. એટલે તમે એકાગ્રચિત્ત થઈને આ દેવાધિદેવ જગદીશ્વરની પૂજા કરો. આ આદિત્ય હૃદયના ત્રણ વખત જપ કરવાથી કોઈપણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. મહાબાહો! તમે આ ક્ષણે જ રાવણનો વધ કરી શકશો. આમ કહીને અગસ્ત્યજી જેમ આવ્યાં હતાં તે જ પ્રકારે ચાલી ગયા. ૨૨-૨૭

એતચ્છુત્વા મહાતેજા નષ્ટશોકોઽભવત્‌ તદા । ધારયામાસ સુપ્રીતો રાઘવઃ પ્રયતાત્મવાન્‌ ॥ ૮ ॥

આદિત્યં પ્રેક્ષ્ય જપ્ત્વેદં પરં હર્ષમવાપ્તવાન્‌ । ત્રિરાચમ્ય શુચિર્ભૂત્વા ધનુરાદાય વીર્યવાન્‌ ॥ ૯ ॥

રાવણં પ્રેક્ષ્ય હૃષ્ટાત્મા જયાર્થ સમુપાગમત્‌ । સર્વયત્નેન મહતા વૃતસ્તસ્ય વધેઽભવત્‌ ॥ ૩૦

અથ રવિરવદન્નિરીક્ષ્ય રામં મુદિતમનાઃ પરમં પ્રહૃષ્યમાણઃ નિશિચરપતિસંક્ષયં વિદિત્વા સુરગણમધ્યગતો વચસ્ત્વરેતિ ॥ ૩૧

તેમનો ઉપદેશ સાંભળીને મહાતેજસ્વી શ્રીરામચંદ્રજીના શોક દૂર થઈ ગયો. તેમણે પ્રસન્ન થઈને શુદ્ધચિત્તથી આદિત્યહદયને ધારણ કરી ત્રણ વખત આચમન કરી શુદ્ધ થઈને ભગવાન સૂર્યની તરફ જોતાં તેનો ત્રણ વાર જપ કર્યો. આનાથી તેમને ઘણો હર્ષ થયો. પછી પરમ પરાક્રમી રઘુનાથજીએ ધનુષ ઉઠાવીને રાવણ તરફ જોયું અને ઉત્સાહપૂર્વક વિજય પ્રાપ્ત કરવાં આગળ વધ્યાં. તેમણે પૂરો પ્રયત્ન કરીને રાવણના વધનો નિશ્ચય કર્યો. આ સમયે દેવતાઓની વચ્ચે ઊભાં રહેલાં ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને શ્રીરામચંદ્રજી તરફ જોયું અને નિશાચરરાજ રાવણના વિનાશનો સમય નજીક જાણીને હર્ષપૂર્વક કહ્યું – રઘુનંદન! હવે જલ્દી કરો!૨૮ – ૩૧

www.VinatiAstrology.com

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા