ચાંદ્રમાસના નામ અને અધિક માસ
શું આપ જાણો છો કે આપણાં મહિનાઓના નામ કઈ રીતે પાડવામાં આવ્યાં છે ? શુક્લ અને કૃષ્ણ પક્ષની 15–15 તિથિઓ મળીને કુલ 30 તિથિનો એક મહિનો બને છે. આ મહિનો ચાંદ્રમાસ તરીકે ઓળખાય છે. દરેક ચાંદ્રમાસને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. આ નામ જે-તે માસની પૂનમના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે પરથી આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જો પૂનમના દિવસે ચંદ્ર ‘ ચિત્રા ’ નક્ષત્રમાં સ્થિત હોય તો તે મહિનો ‘ ચૈત્ર ’ કહેવાય છે. એ જ રીતે ‘ વિશાખા ’ નક્ષત્રમાં હોય તો તે મહિનો ‘ વૈશાખ ’ તરીકે ઓળખાય છે વગેરે વગેરે. સમય જતાં આ પદ્ધતિમાં સ્થૂળતા આવતાં ચાંદ્રમાસના નામો સૂર્ય રાશિ આધારિત રાખવામાં આવેલ છે. દરેક માસની અમાવસ્યા પૂર્ણ થાય કે તરત જ બીજા માસની શુક્લ પ્રતિપ્રદા શરૂ થાય છે. તે સમયે સૂર્ય જે રાશિમાં થઈ હોય તેનાં આધારે તે મહિનાનું નામ નક્કી થાય છે. જેમ કે શુક્લ પ્રતિપ્રદાના આરંભ સમયે ‘ મીન ’ રાશિમાં સૂર્ય હોય તો તે માસનું નામ ‘ ચૈત્ર ’ રહેશે (તે માસની પૂનમે ચંદ્ર મોટે ભાગે ‘ ચિત્રા ’ નક્ષત્રમાં સ્થિત હોવાની સંભાવના રહે છે). તે જ રીતે જો સૂર્ય ‘ મેષ ’ રાશિમાં સ્થિત હોય તો તે માસનું નામ ‘ વૈશાખ ’ રહેશે ...