ચાતુર્માસ
ચોમાસું શબ્દ ક્યાંથી આવ્યો હશે ? ચોમાસું એટલે કે - ચૌમાસું. ચૌ એટલે ચાર અને માસું એટલે કે માસ અને આમ ચોમાસું એટલે કે ચાતુર્માસ. અષાઢ માસની શુક્લ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ એકાદશી દેવશયની , હરિશયની અને પદ્મનાભાનાં નામથી પણ ઓળખાય છે. ચાતુર્માસની અવધિ કાર્તિક માસની શુક્લ એકાદશી સુધી રહે છે. જેને દેવઉઠી , દેવોત્થાની કે હરિપ્રબોધિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ચાર મહિનાઓ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં રાજા બલિના દ્વાર પર અનંત શૈયા પર શયન કરે છે. આથી આ ચાર મહિનાની અવધિ દરમિયાન માંગલિક કે શુભ કાર્યો જેવાં કે વિવાહ , ઉપનયન , દિક્ષાગ્રહણ , ગૃહપ્રવેશ , યજ્ઞ , ગોદાન , પ્રતિષ્ઠા વગેરે વર્જિત છે. સૂર્યના કર્ક રાશિ પ્રવેશ સાથે આરંભ થનાર ચાતુર્માસ સૂર્યના તુલા રાશિ પ્રવેશ સાથે સમાપ્ત થાય છે. એ સાથે જ ભગવાન શ્રી વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે. ત્યારબાદ માંગલિક કાર્યોનો આરંભ થઈ જાય છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં હરિ શબ્દ સૂર્ય , ચંદ્ર , વિષ્ણુ , વાયુ વગેરે અનેક અર્થોમાં પ્રયોજાયેલો છે. હરિશયન અર્થાત આ ચાર માસ દરમિયાન વાદળ અને વરસાદને લીધે સૂર્ય અને ચંદ્રનું તેજ ક્ષીણ થ...