ચંદ્ર - મંગળનો લક્ષ્મીયોગ
જન્મલગ્ન કુંડળીમાં ચંદ્ર અને મંગળના સંબંધથી બનતાં યોગને લક્ષ્મીયોગ અથવા ધનયોગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર-મંગળ યોગ ત્રણ પ્રકારે રચાય છે. ૧. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ એક જ ભાવમાં યુતિમાં રહેલાં હોય . ૨. ચંદ્ર અને મંગળ પરસ્પર એકબીજાં પર દ્રષ્ટિ કરી રહેલાં હોય. અર્થાત ચંદ્રથી સાતમા ભાવમાં મંગળ કે મંગળથી સાતમા ભાવમાં ચંદ્ર રહેલો હોય . ઉદાહરણ તરીકે વૃષભ રાશિમાં ચંદ્ર અને વૃશ્ચિક રાશિમાં મંગળ રહેલો હોય અથવા કર્ક રાશિમાં ચંદ્ર અને મકર રાશિમાં મંગળ રહેલો હોય. ૩. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ પરસ્પર કેન્દ્રભાવમાં રહેલાં હોય. જો કે આ યોગ ઉપર વર્ણવેલ બે યોગ કરતાં નબળો અથવા ઓછું ફળ આપનાર હોય છે. આ ઉપરાંત ચંદ્ર અને મંગળ વચ્ચેનો પરિવર્તનયોગ પણ ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગનું ફળ પ્રદાન કરી શકે છે. ચંદ્ર એ શ્વેત રંગ , શીતળ પ્રકૃતિ , જળતત્વ , સ્ત્રી સ્વભાવ , સત્વગુણ ધરાવનાર ગ્રહ છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. વૃષભ રાશિમાં ઉચ્ચત્વ અને વૃશ્ચિક રાશિમાં નીચત્વ ધારણ કરે છે. ચંદ્ર એ મન અને માતાનો કારક ગ્રહ છે. સૂર્યથી દૂર રહેલો ચંદ્ર પ્રભાવી , બળવાન અને શુભ ગણાય છે. તેથી વિપરિત સૂર્યથી નજ...