ધનુ રાશિમાં ગુરુ ૨૦૧૯ : સત્ય અને ધર્મની સ્થાપના


હાલમાં જ સમગ્ર ભારત દેશે હર્ષોલ્લાસપૂર્વક દિવાળીનું પર્વ મનાવ્યું. જ્યોતિષ જગતની દિવાળી કહી શકાય તેવી ઘટના આગામી ૫ નવેમ્બરના રોજ બનવા જઈ રહી છે. ૫ નવેમ્બર, ૨૦૧૯ના રોજ વહેલી સવારે ૦૫.૨૪ કલાકે દેવગુરુ બૃહસ્પતિ વૃશ્ચિક રાશિમાંથી સ્વરાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યાં છે. પોતાની જ રાશિમાં ગુરુનો પ્રવેશ દેશ-દુનિયા અને આપણાં સૌ માટે ઈશ્વરીય આશીર્વાદ લઈને આવશે. આ અગાઉ લગભગ ૧૨ વર્ષ પહેલાં નવેમ્બર ૨૦૦૭થી ડિસેમ્બર ૨૦૦૮ સુધી ગુરુએ સ્વરાશિ ધનુમાં ગોચર ભ્રમણ કર્યું હતું.

ગુરુ એક રાશિમાં આશરે ૧૩ માસ રહે છે. રાશિચક્રનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લગભગ ૧૨ વર્ષ લાગે છે. ૧૨૨ દિવસ સુધી વક્રી રહે છે. ધનુ અને મીન રાશિનો સ્વામી છે. બુદ્ધિશાળી અને શાસ્ત્રોમાં પારંગત એવો ગુરુ બધાં ગ્રહોમાં સૌથી વધુ શુભ ગ્રહ ગણાય છે. જ્ઞાન, ડહાપણ, વિદ્યા, સંતાન, સંપતિ, ધર્મ, ન્યાય, સત્યપ્રિયતા, પ્રમાણિકતા અને પરોપકારનો કારક ગ્રહ છે. આવા શુભ ગુરુના ગોચર ભ્રમણનું કંઈ ને કંઈ શુભ ફળ વ્યક્તિગત જન્મકુંડળી અનુસાર અવશ્ય મળે છે.  

વૃશ્ચિક એ જળરાશિ છે અને ધનુ અગ્નિરાશિ છે. જ્યાં જળ રાશિ પૂરી થાય અને અગ્નિ રાશિની શરૂઆત થાય એ સંધિસ્થળને ગંડાંત તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૯ના વર્ષમાં ગુરુ ત્રીજી વખત ગંડાંત ક્ષેત્ર પાર કરવા જઈ રહ્યો છે. આ અગાઉ ૧૫ માર્ચ, ૨૦૧૯ થી ૬ મે, ૨૦૧૯ સુધીના લાંબાં ગાળા માટે ગુરુ ગંડાંત ક્ષેત્રમાં રહ્યો હતો. તે વિશે વિગતવાર લેખ ‘ગંડાંતના ગુરુની ગડમથલ’ અહીં પોસ્ટ કરેલ હતો. ગંડાંતમાં ગુરુના ભ્રમણનું ફળ જાણવા માટે એ લેખ વાંચી શકશો. હવે ફરી ૧ નવેમ્બર, ૨૦૧૯ થી ૯ નવેમ્બર, ૨૦૧૯ સુધીના ટૂંકા સમયગાળા માટે ગુરુ ગંડાંત ક્ષેત્રમાં ભ્રમણ કરશે. ગંડાંતમાં ગુરુનું ગોચર ભ્રમણ દેશ-દુનિયાની તેમજ વ્યક્તિગત પરિસ્થિતિને અસ્થિર કરી શકે છે. આ સમય ધીરજપૂર્વક પસાર કરવો અને કોઈ મોટાં કે મહત્વના નિર્ણયો લેવાથી દૂર રહેવું. ગુરુના અગાઉના ગંડાંત ભ્રમણ માર્ચથી મે ૨૦૧૯ દરમિયાન જે ઘટનાઓ કે પ્રશ્નો ઉદ્ભવ્યાં હોય તે ફરી સપાટી પર આવી શકે છે. જ્ઞાન અને ડહાપણનો કારક એવો ગુરુ જ્યારે ગંડાંત ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે જ્ઞાન અને ડહાપણ પ્રદાન કરવા શક્તિમાન રહેતો નથી.

ધનુ રાશિમાં હાલ શનિ અને કેતુ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. અત્યાર સુધી વૃશ્ચિક રાશિમાં એકલો ભ્રમણ કરી રહેલો ગુરુ હવે ધનુ રાશિમાં શનિ અને કેતુ સાથે જોડાશે. ગુરુ અને શનિનું સાથે જોડાવું એ એક દુર્લભ સંયોગ છે. આ ઘટના દર ૨૦ વર્ષે બને છે. આ અગાઉ ૨૦૦૦ની સાલમાં ગુરુ અને શનિનું જોડાણ થયું હતું. જો કે હાલ ગુરુ અને શનિ અંશાત્મક યુતિમાં નથી આવી રહ્યાં. ગુરુ ૬ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ કેતુ સાથે અંશાત્મક યુતિ કરશે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ શનિ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી જશે. ત્યારે ગુરુ અને શનિ છૂટાં પડી જશે. પરંતુ ગુરુ ઝડપી ચાલથી ૩૦ માર્ચ, ૨૦૨૦ના મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. અહીં ફરી ગુરુ અને શનિ ભેગા થશે. ૧૪ મે, ૨૦૨૦ના રોજ મકર રાશિમાં ગુરુ વક્રી થશે. વક્રી ભ્રમણ કરતાં ૩૦ જૂન, ૨૦૨૦ના રોજ ફરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આમ વચ્ચે લગભગ ત્રણેક મહિના જેટલો સમય ગુરુ મકર રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ૧૪ મે, ૨૦૨૦ના રોજ વક્રી થયેલો ગુરુ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ માર્ગી થશે. 

ધનુ રાશિમાં ભ્રમણ કરતાં વચ્ચે ત્રણેક મહિના જેટલો સમય મકર રાશિમાં જતો ગુરુ નીચનો બને છે. પોતાની નીચ રાશિમાં ભ્રમણ કરતો હોવાં છતાં વર્ગોત્તમી બનતો હોવાથી ગુરુ બળવાન રહેશે. ધનુના ૨૬ અંશ ૪૦ કળા થી મકરના ૦૩ અંશ ૨૦ કળા સુધી ગુરુ વર્ગોત્તમી બને. જન્મલગ્ન કુંડળીમાં જે રાશિમાં  ગ્રહ રહેલો હોય તે જ રાશિમાં નવમાંશ કુંડળીમાં તે ગ્રહ રહેલો હોય તો તે વર્ગોત્તમી ગ્રહ કહેવાય છે. ધનુ રાશિમાં ગુરુના ભ્રમણની વિશેષતા છે કે શરૂઆતમાં અને અંતમાં મળીને આશરે છ મહિના જેટલો સમય ગુરુ વર્ગોત્તમી રહે છે. વર્ગોત્તમી રહી બળવાન બનવાથી ગુરુ પોતાનું શુભ ફળ પ્રદાન કરવા વિશેષ શક્તિમાન બનશે.

ગુરુ ધનુ રાશિમાં પ્રવેશ કરતાં શનિ અને કેતુના પ્રભાવ હેઠળ છે. આથી શરૂઆતથી જ ગુરુ મહારાજ સંપૂર્ણ શુભ ફળ આપવાની શરૂઆત કરી દે તેવી અપેક્ષા ન રાખવી. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના શનિ મકર રાશિમાં જશે અને ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ના કેતુ વૃશ્ચિક રાશિમાં જશે. ત્યારબાદ ગુરુ મહારાજ સ્વરાશિ ધનુમાં અન્યો ગ્રહોના પ્રભાવ હેઠળથી મુક્ત બની પોતાનું સંપૂર્ણ શુભ ફળ પ્રદાન કરવા સમર્થ બનશે. આથી ધનુ રાશિમાં ગુરુના ભ્રમણ વિશેષ શુભ પ્રભાવ અંતના ૨ મહિના દરમિયાન જોવા મળશે.

ગુરુના ધનુ રાશિમાં ગોચર ભ્રમણની અગત્યની તારીખો:

ગંડાંતમાં ગુરુ: ૧ નવેમ્બર ૨૦૧૯ થી ૯ નવેમ્બર, ૨૦૧૯

ગુરુનો ધનુ રાશિમાં પ્રવેશ: ૫ નવેમ્બર, ૨૦૧૯

ગુરુનો અસ્ત: ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯ થી ૭ જાન્યુઆરી, ૨૦૨૦

ગુરુ-કેતુ અંશાત્મક યુતિ: ૬ જાન્યુઆરી, ૨૦૨૦

ગુરુનો મકર રાશિમાં પ્રવેશ: 30 માર્ચ, ૨૦૨૦

ગુરુનો ધનુ રાશિમાં પ્રવેશ: ૩૦ જૂન, ૨૦૨૦

ગુરુ વક્રી: ૧૪ મે, ૨૦૨૦

ગુરુ માર્ગી: ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦

ગુરુનો મકર રાશિમાં પ્રવેશ: ૨૦ નવેમ્બર, ૨૦૨૦  

ગુરુ એ આપણાં જ્ઞાન, ડહાપણ, સમજ અને અનુભવનો વિસ્તાર કરનારો ગ્રહ છે. ધાર્મિક આસ્થા, સકારાત્મક્તા, વિકાસ, ઉદારતા અને સમૃદ્ધિ પ્રદાન કરનારો છે. ધનુ રાશિ કાળપુરુષની કુંડળીનું નવમસ્થાન છે, જે ધર્મભાવ તરીકે પણ ઓળખાય છે. દેવોના ગુરુ અને ધર્મના જ કારક એવાં ગુરુ મહારાજ જ્યારે ધર્મભાવમાંથી પસાર થાય ત્યારે ધર્મ અને અધ્યાત્મ અંગે નવી સમજ ઉઘાડે છે તેમજ જ્ઞાન પ્રદાન કરે છે. ઈશ્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા વધુ મજબૂત બને છે. ફિલસૂફી અને ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવાની રુચિમાં વધારો થાય છે. સત્ય, ન્યાય, પ્રમાણિકતા અને કરુણા જેવા ગુણોનો વિકાસ થાય છે. ગુરુની સાથે યુતિમાં રહેલાં ગ્રહો શનિ અને કેતુ પણ તપ, સાધના, વૈરાગ્ય અને અધ્યાત્મના જ સૂચક છે.

ધનુ રાશિ અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. અગ્નિતત્વ હોવાથી આપણે આપણાં વિચારો અને માન્યતાઓમાં વધુ દ્રઢ બનીએ છીએ અને જો કોઈ આપણાં વિચારો કે માન્યતાઓ સાથે અસહમતિ દર્શાવે તો તે સહી શકતાં નથી. ખાસ કરીને ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધા બાબતે દ્રઢતામાં વધારો થાય છે. અન્યોની લાગણી કે સન્માનને ઠેંસ પહોંચે તેમ હોય છતાં સત્ય બોલવાનો આગ્રહ રાખીએ છીએ. અગ્નિતત્વ વિચારોને અમલમાં મૂકાવે છે. ધનુ રાશિમાં ગુરુના ભ્રમણ દરમિયાન ગણતરીપૂર્વકની જોખમ ઉઠાવવાની વૃતિ વધી શકે છે. આપણે વધુ આત્મવિશ્વાસ અને હિંમતપૂર્વક કાર્યોને પૂર્ણ કરવા તરફ આગળ ધપીએ છીએ. નવું-નવું શીખવાં-જાણવા અને અન્યોને શીખવાડવાં માટે ઉત્સુક બનીએ છીએ. ધનુ રાશિમાં ગુરુના ભ્રમણનો સમય છૂટી ગયેલો અભ્યાસ ફરી શરૂ કરવા માટે કે કોઈ નવા કોર્સમાં જોડાવા માટે શ્રેષ્ઠ રહે છે. ગુરુ વિસ્તાર અને વૃદ્ધિ કરનારો છે. જ્ઞાનની વૃદ્ધિ કરે, ડહાપણની વૃદ્ધિ કરે એ સાથે-સાથે શરીરમાં મેદવૃદ્ધિ પણ કરી શકે છે. દેશ-દુનિયા માટે ગુરુનું ધનુ રાશિમાં ગોચર ભ્રમણ લોકોને માતૃત્વ, બાળઉછેર અને પોષણ અંગે જાગૃત કરનારું અને જ્ઞાન પ્રદાન કરનારું બની રહે.

જ્યોતિષશાસ્ત્રમાં જન્મલગ્નેશ અને ચંદ્રલગ્નેશનું ગોચર ભ્રમણ સૌથી વધુ મહત્વ ધરાવે છે. આથી ધનુ કે મીન રાશિના ચંદ્ર કે જન્મલગ્ન ધરાવનાર જાતકો માટે આ ભ્રમણ વિશેષ મહત્વપૂર્ણ સાબિત થશે. દ્વિસ્વભાવ રાશિઓ/જન્મલગ્ન મિથુન, કન્યા, ધનુ અને મીન માટે ગોચરમાં પંચમહાપુરુષ પૈકીના હંસ મહાપુરુષ યોગની રચના થશે. આ યોગને લીધે આ જાતકોને અનેક શુભ તકો, સકારાત્મકતા, દૈવીય આશીર્વાદ અને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે.

હવે પછીના લેખમાં આપણે બારેય જન્મરાશિઓ/જન્મલગ્નને ધનુ રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈશું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર