હોળાષ્ટક
હોળાષ્ટક એટલે કે જાણે હોળીના પર્વના આગમનની જાણ કરતો દરવાજે પડતો ટકોરો !! નામ અનુસાર જ હોળાષ્ટક હોળી અગાઉના આઠ દિવસ હોય છે. પરંતુ આ વખતે સાત દિવસ છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલાં હોળાષ્ટક 1 માર્ચ સુધી રહેશે. પૂર્ણિમા તિથિનો ક્ષય હોવાથી એક દિવસ ઓછો રહેશે. હોળાષ્ટકની સાથે જ હોળીની ઉત્સાહપૂર્વક વિધિવત તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ આઠ દિવસોને જો કે અશુભ દિવસોની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે . આ દિવસો દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો જેવા કે ગૃહપ્રવેશ , વિવાહ-લગ્ન , વિવાહ સંબંધી વાતચીત વગેરે વર્જિત છે. આની પાછળ જ્યોતિષિક અને પૌરાણિક બંને કારણો છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી ભોળાનાથે ક્રોધમાં આવીને કામદેવને ભસ્મ કરી નાખ્યાં હતા અને તે દિવસથી હોળાષ્ટકની શરૂઆત થઈ હતી. જ્યોતિષ અનુસાર અષ્ટમીના ચંદ્ર , નવમીના સૂર્ય , દસમના શનિ , એકાદશીના શુક્ર , દ્વાદશીના ગુરુ , ત્રયોદશીના બુધ , ચતુર્દશીના મંગળ અને પૂર્ણિમાના રાહુ ઉગ્ર સ્વભાવના બની જાય છે. આથી માનવ મસ્તિષ્કની યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા નિર્બળ બને છે. ખોટાં નિર્ણયો લેવાને લીધે હાનિ ન પહોંચે તે માટે જ હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત છે.