વાસ્તુ અનુસાર સીડી ચઢાવે સફળતાની સીડી


વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવેલી સીડી જીવનમાં સફળતાની સીડી ચઢાવી શકે છે. ઘરનું નિર્માણ કરતી વખતે પૂજાઘર, શયનકક્ષ, રસોઈઘર વગેરેના વાસ્તુ ઉપર જ વધારે ધ્યાન આપવામાં આવે છે. જ્યારે ઘણીવાર સીડીઓની અવગણના કરવામાં આવે છે. પરંતુ સીડીઓનો વિચાર કરવો પણ અત્યંત મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાથી આપણે જાણી શકીએ કે સીડીઓ આપણી સફળતા અને અસફળતાને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણી સફળતાનો આધાર સીડીની રચના પર રહેલો છે. આ કારણે ઘરના નિર્માણમાં સીડીઓ પર ધ્યાન આપવું આવશ્યક હોય છે. આવો વાસ્તુશાસ્ત્રના આધારે સીડીઓની બનાવટના નિયમો સમજીએ.

૧. સીડી ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં અથવા નૈઋત્ય કોણમાં (દક્ષિણ-પશ્ચિમ) બનાવવી શુભ રહે છે. નૈઋત્ય કોણમાં સીડી સૌથી ઉત્તમ રહે છે.

૨. ઘરના ઈશાન કોણમાં (પૂર્વ-ઉત્તર) સીડી ન બનાવવી જોઈએ. તેનાથી ઈશાનકોણ કપાતાં ઘરમાં ધનનું આગમન પ્રભાવિત થઈ શકે છે.

૩. વાસ્તુના બ્રહ્મસ્થાન એટલે કે ઘરના બરાબર વચ્ચેના ભાગમાં ક્યારેય સીડી ન હોવી જોઈએ. બ્રહ્મસ્થાન વાસ્તુપુરુષનું કોમળ અને આવશ્યક સ્થાન છે. તેના પર વજન પરિવારમાં વિષાદ, બીમારી કે નિર્ધનતાનું કારણ બની શકે છે. આજકાલ બ્રહ્મસ્થાન પર લીફ્ટનું નિર્માણ કરવામાં આવે છે. જે અસફળતાનું કારણ બની શકે છે.

૪. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અગ્નિ કોણ (પૂર્વ-દક્ષિણ) કે વાયવ્ય કોણમાં (ઉત્તર-પશ્ચિમ) સીડી ન બનાવવી જોઈએ. પરંતુ જો બનાવવી જ પડે તેમ હોય તો વજનમાં હલકી બનાવવી જોઈએ. ઓછું સ્ટીલ વાપરીને બનાવી શકાય. આ કોણમાં સીડી બનાવતી વખતે પણ સીડી માટેના અન્ય વાસ્તુ નિયમોનું પાલન કરવું.

૫. સીડી ઘરની ઉત્તરની અથવા પૂર્વની દિવાલ સાથે જોડાયેલી ન હોવી જોઈએ. ઓછામાં ઓછું ત્રણ ઈંચનું અંતર રાખીને સીડી બનાવવી. દક્ષિણની અથવા પશ્ચિમની દિવાલ સાથે જોડાયેલી સીડી બનાવી શકાય.

૬. જો કોઈ જૂના ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં બનેલી સીડી હોય તો તેનો વાસ્તુદોષ સમાપ્ત કરવા હેતુ છત પર દક્ષિણ-પશ્ચિમ દિશામાં એક ઓરડો બનાવી શકાય છે.

૭. સીડીનો પ્રારંભ જમીનના ઢાળથી ન થવો જોઈએ.

૮. સીડીના પગથિયાં હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશાથી પ્રારંભ થવાં જોઈએ તથા તેનો અંત દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં થવો જોઈએ.

૯. સીડીનું ચઢાણ ઘડીયાળના કાંટાની દિશામાં (ક્લોકવાઈઝ) હોવું જોઈએ.

૧૦. સીડી સળંગ ન હોતાં વચ્ચે ટપ્પો કે સ્થિર જગ્યા આવે તે શુભ છે.

૧૧. સીડીના પગથિયાંની સંખ્યા હંમેશા વિષમ/એકી એટલે કે ૫, , , ૧૧... હોવી જોઈએ. સીડીમાં પગથિયાંની સંખ્યા સમ/બેકી એટલે કે ૪, , , ૧૦... ન હોવી જોઈએ.

૧૨. સીડીના પગથિયાંની સંખ્યામાં ક્યારેય શૂન્ય ન હોવું જોઈએ. અર્થાત ૧૦, ૨૦, ૩૦...ની સંખ્યામાં પગથિયા ન હોવાં જોઈએ.

૧૩. એક મત મુજબ પગથિયાંની સંખ્યાને ૩ વડે ભાગતાં શેષ ૨ વધે તે ઉત્તમ કહેવાય. જેમ કે ૫, ૧૧, ૧૭, ૨૩, ૨૯... વગેરે સંખ્યામાં પગથિયા રાખવાં શુભ રહે.

૧૪. ગોળાકાર સીડી અશુભ માનવામાં આવે છે. ઘણાં ઘરોમાં લોખંડની ગોળ સીડી ઘરની બહાર બનાવવામાં આવે છે, જે અશુભ છે.

૧૫. સીડી ભવનના એક જ કોણમાં હોવી જોઈએ. ચારેય તરફથી ભવનને ઘેરાયેલી સીડીઓ ન બનાવવી જોઈએ. આવી સીડીઓ મૃત્યુદાયક હોય છે.

૧૬. જો સીડીને દરવાજો હોય તો ઉપરના દરવાજા કરતાં નીચેનો દરવાજો ૯ થી ૧૨ ઈંચ ઊંચો હોવો જોઈએ. છેલ્લે સૌથી ઉપરના દરવાજાની ઉપર છાપરું હોવું જોઈએ.

૧૭. જો સીડી ઘરની અંદર બનેલી હોય તો તે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે ન બનાવવી જોઈએ.

૧૮. જો સીડી ઘરની બહાર બનેલી હોય તો તે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને ઓળંગતી ન હોવી જોઈએ તેમજ તેની સામે પણ ન હોવી જોઈએ.

૧૯. લીફ્ટ અને સીડી બંને સામસામે આવતાં હોય તો તે શુભ છે. બંનેના ભાર અને અશુભતામાં ઘટાડો થાય છે.

૨૦. સીડીની નીચેની જગ્યાનો કોઈપણ ઉપયોગ કરવો ન જોઈએ. ત્યાં કોઈએ રહેવું ન જોઈએ. ઓફિસમાં પણ તેની નીચે બેઠક વ્યવસ્થા ન રાખવી જોઈએ. તેનો ઉપયોગ નકામી વસ્તુઓના સંગ્રહ માટે કરી શકાય.

૨૧. સીડીમાં ઉપર કે નીચે ધન રાખવાથી ધનનો નાશ થાય છે.

૨૨. સીડીની સામે થાંભલો કે પિલર ન હોવો જોઈએ.

૨૩. ઘરના ઉપરના માળે જવાની સીડી અને ઘરના બેઝમેન્ટમાં જવાની સીડી એક જ ન હોવી જોઈએ. બંને સીડીઓ અલગ રાખવી.

૨૪. ઘરમાં પ્રવેશ કરતાં અંદર નીચે સીડી દ્વારા ઊતરી જવાતું ઘર અશુભ તેમજ પડતી લાવનારું ગણાય છે.

૨૫. વ્યાપારિક સંકુલમાં વપરાતી સ્વયંસંચાલિત સીડી (Escalator) બ્રહ્મસ્થાનમાં ન હોય તેનું ધ્યાન રાખવું.

૨૬. સીડીઓમાં થયેલી ભાંગ-તૂટ તુરંત ઠીક કરાવી લેવી જોઈએ. સીડીઓ એ સફળતાનું ચિહ્ન છે અને ભાંગેલી-તૂટેલી સીડીઓ સફળતામાં અવરોધ પેદા કરે છે.

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
બહેન , ઘણો ઉપયોગી લેખ.
જ્ઞાન માં ઘણો વધારો થયો.
Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, આપને લેખ ઉપયોગી બન્યો તે જાણીને આનંદ થયો. આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા