ચંદ્ર - મંગળનો લક્ષ્મીયોગ

જન્મલગ્ન કુંડળીમાં ચંદ્ર અને મંગળના સંબંધથી બનતાં યોગને લક્ષ્મીયોગ અથવા ધનયોગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર-મંગળ યોગ ત્રણ પ્રકારે રચાય છે.

૧. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ એક જ ભાવમાં યુતિમાં રહેલાં હોય.

૨. ચંદ્ર અને મંગળ પરસ્પર એકબીજાં પર દ્રષ્ટિ કરી રહેલાં હોય. અર્થાત ચંદ્રથી સાતમા ભાવમાં મંગળ કે મંગળથી સાતમા ભાવમાં ચંદ્ર રહેલો હોય. ઉદાહરણ તરીકે વૃષભ રાશિમાં ચંદ્ર અને વૃશ્ચિક રાશિમાં મંગળ રહેલો હોય અથવા કર્ક રાશિમાં ચંદ્ર અને મકર રાશિમાં મંગળ રહેલો હોય.

૩. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ પરસ્પર કેન્દ્રભાવમાં રહેલાં હોય. જો કે આ યોગ ઉપર વર્ણવેલ બે યોગ કરતાં નબળો અથવા ઓછું ફળ આપનાર હોય છે. આ ઉપરાંત ચંદ્ર અને મંગળ વચ્ચેનો પરિવર્તનયોગ પણ ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગનું ફળ પ્રદાન કરી શકે છે.


ચંદ્ર એ શ્વેત રંગ, શીતળ પ્રકૃતિ, જળતત્વ, સ્ત્રી સ્વભાવ, સત્વગુણ ધરાવનાર ગ્રહ છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. વૃષભ રાશિમાં ઉચ્ચત્વ અને વૃશ્ચિક રાશિમાં નીચત્વ ધારણ કરે છે. ચંદ્ર એ મન અને માતાનો કારક ગ્રહ છે. સૂર્યથી દૂર રહેલો ચંદ્ર પ્રભાવી, બળવાન અને શુભ ગણાય છે. તેથી વિપરિત સૂર્યથી નજીક રહેલો ચંદ્ર ક્ષીણ તેમજ પાપી સ્વભાવનો બને છે. આ કારણે જ પૂર્ણિમાના દિવસે તેમજ તેની આસપાસ ચંદ્ર પૂર્ણરૂપે બળવાન અને શુભ પ્રભાવ ધરાવનાર હોય છે. જ્યારે અમાવસ્યાના દિવસે કે તેની આસપાસ ક્ષીણ અને પાપી સ્વભાવ ધરાવનાર બને છે.

મંગળ રક્ત વર્ણ, ઉષ્ણ પ્રકૃતિ, અગ્નિતત્વ, પુરુષ સ્વભાવ, તમોગુણ ધરાવનાર ગ્રહ છે. મંગળ મેષ રાશિનો સ્વામી છે. મકર રાશિમાં ઉચ્ચત્વ અને કર્ક રાશિમાં નીચત્વ ધારણ કરે છે. મંગળ એ બળ, સાહસ, પરાક્રમ અને સામર્થ્યનો કારક છે. બળવાન અને શુભ સ્થિતિમાં રહેલો મંગળ પોતાના સાહસ અને પરાક્રમનો ઉપયોગ સકારાત્મક દિશામાં કરે છે. પરંતુ જ્યારે નિર્બળ અથવા પાપપ્રભાવ હેઠળ રહેલો હોય ત્યારે નીચ કાર્યો તેમજ નૈતિક પતન કરાવી શકે છે.

ચંદ્ર અને મંગળની યુતિ જળ અને અગ્નિનો સંબંધ છે. જળ અને અગ્નિના મિલનથી વરાળ બને છે. સકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો વરાળથી ટ્રેન પણ ચાલી શકે અને નકારાત્મક રીતે એ જ વરાળ બાળીને-દઝાવીને વિનાશલીલા પણ નોતરી શકે છે. ચંદ્ર-મંગળનો યોગ શુભ પ્રભાવમાં હોય ત્યારે જાતક બળ અને પરાક્રમ દ્વારા પ્રવૃતિમય બનીને ધન-સંપતિની પ્રાપ્તિ કરે છે. જાતકની આર્થિક સ્થિતિ સુદ્રઢ બનાવવામાં ચંદ્ર-મંગળનો યોગ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જો આ યોગ શુભ પ્રભાવમાં હોય તો ઉચિત અને સારા માધ્યમો અને પ્રવૃતિઓ દ્વારા સંપતિ એકઠી કરે છે. અશુભ પ્રભાવ હેઠળ ચંદ્ર–મંગળનો યોગ અનુચિત અને અનૈતિક માધ્યમો કે પ્રવૃતિઓ દ્વારા સંપતિ એકઠી કરવાનું વલણ ધરાવનાર હોય છે. નિમ્નતમ કક્ષાએ સ્ત્રી અને શરાબ દ્વારા કમાણી કરનાર હોય છે. જન્મકુંડળીમાં શુભ સ્થાન અને શુભ પ્રભાવમાં રહેલો ચંદ્ર-મંગળ યોગ જાતકને પ્રતિભાશાળી, બુદ્ધિમાન તેમજ ધનવાન બનાવે છે.

જન્મકુંડળીમાં ચંદ્ર-મંગળ યોગ ધરાવનાર જાતક સામાન્ય કરતાં વધુ ઊંચાઈ, પહોળું લલાટ, પહોળી છાતી, સ્નાયુશક્તિ તેમજ આકર્ષક અને મોહક વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. ચંદ્ર એ મન છે અને મંગળ એ ઉર્જા, બળ અને સાહસ છે. ચંદ્ર-મંગળનો યોગ ધરાવનાર જાતક ઉર્જાથી ભરપૂર લાગણીપ્રધાન જીવન જીવનાર હોય છે. વીજળીની ગતિએ વિચારે છે. બુદ્ધિ અને વાકચાતુર્યથી લોકોને પોતાને આધીન કરી વશીભૂત કરનાર હોય છે. પોતાની લાગણીઓ અને સંવેદનાઓ પર બળપૂર્વક કાર્ય કરનાર હોય છે. તેમની લાગણીઓ ઝડપથી દુભાઈ શકે છે. સંરક્ષણાત્મક અભિગમ ધરાવનાર હોય છે. પોતાની માતાના પડખે ઊભાં રહેનાર હોય છે. એટલું જ નહિ, સામાન્ય રીતે જીવનમાં કોઈપણ સ્ત્રીની પડખે ઊભાં રહેનાર હોય છે. પોતાની જાતને ખાતર લડત લડવામાં કે પોતાની જાતની પડખે ઊભાં રહેવામાં પણ પાછી પાની કરતાં નથી. પોતે જેની કાળજી લે છે તેના વતી લડત લડવાં હંમેશા તૈયાર રહે છે. ચંદ્ર-મંગળ યોગ ધરાવનાર જાતકો સ્ત્રીઓ વતી, સ્ત્રીઓને ખાતર કે સ્ત્રીઓની સામે લડત લડી શકે છે. ઘણીવાર સ્ત્રીઓના નેતા બનનાર કે સ્ત્રીઓને દોરનાર માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. નારીવાદી કે સ્ત્રી અધિકારવાદી હોઈ શકે છે. ચંદ્ર-મંગળ યોગ ધરાવનાર જાતકો પ્રવૃતિમય રહીને લાગણીઓને પોષે છે. શારીરિક સક્રિયતા કે શ્રમ તેમને ખુશી અને આનંદ પ્રદાન કરે છે. ઘણીવાર એકલાં રહેવાનું કે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તેમની લાગણીઓ અને સંવેદનાઓ બદલાતી રહે છે. એક પ્રકારની લાગણીપ્રધાન આક્રમકતા જોવા મળે છે. લોકોની લાગણીઓને સ્પર્શનાર આક્રમક નેતા બની શકે છે. ક્રોધ સાથે પ્રતિક્રિયા આપનાર હોય છે. ઘણીવાર તુરંત અને ઝડપી પ્રતિક્રિયા આપનાર હોય છે. ઝડપ પસંદ કરનાર હોય છે. ઉતાવળથી ખાઈ-પીએ છે. જ્યારે કાર્યો ઝડપથી આગળ વધી રહ્યાં હોય કે ઉકલી રહ્યાં હોય ત્યારે ખુશીનો અનુભવ કરે. જીવનમાં પુરુષ દ્વારા ટેકો મળી રહ્યો હોય તેવું લાગે. ઘરમાં હંમેશા પ્રવૃતિમય અને સક્રિય વાતાવરણ રહે તેવું ઈચ્છે. જીવનમાં આવતી સ્પર્ધાઓ બાબતે સહજતા અનુભવે છે. તેમનાં માટે સ્પર્ધા આનંદનું સાધન બની રહે છે. ચંદ્ર-મંગળનો યોગ ધરાવનાર જાતકો માટે સ્પર્ધાઓ જીતવી જરૂરી હોય છે. ઘરમાં પણ સ્પર્ધાત્મક વાતાવરણ રહેલું હોય છે. માતા કે માતા સમાન સ્ત્રીઓ સાથે સ્પર્ધામાં ઉતરે છે. નીડર વ્યક્તિત્વ અને જોખમો ઉઠાવવાની આદત ધરાવતાં હોય છે. સક્રિયપણે પોતાના ઘર અને પરિવારની તેમજ દેશની સુરક્ષા કરે છે. આ યોગ ધરાવનાર જાતકોને પોતાને શું જોઈએ છે અને તે કઈ રીતે મેળવી શકે તેની જાણ હોય છે. પોતાને જે વ્યક્તિ કે વસ્તુ ગમે છે તેને પામવાં તેની પાછળ પડી જાય છે. ચંદ્ર માતાનો કારક ગ્રહ છે અને જ્યારે ચંદ્ર-મંગળનો યોગ હોય ત્યારે ઘણીવાર માતા સાહસી કે ક્રોધી સ્વભાવ ધરાવનારી હોય છે. સ્વતંત્ર પ્રકૃતિની અને હિમતવાન માતા હોઈ શકે છે. એવી માતા હોઈ શકે કે જેણે જીવનમાં હિંસાનો અનુભવ કર્યો હોય. માતા શારીરિક રીતે સક્રિય રહેનાર હોય છે. ઘણીવાર સાહસિક પ્રવૃતિઓ કે રમત-ગમતમાં ભાગ લેનારી માતા હોય છે. માતા જાતકને સ્પર્ધાત્મક બનવામાં મદદરૂપ બને છે.

અશુભ પ્રભાવ હેઠળ આ યોગ હોય ત્યારે જાતક માતા સાથે લડાઈ-ઝઘડાંઓ કે દલીલો કરે છે. માતા પ્રત્યે ક્રોધ ધરાવનાર હોય છે. સ્ત્રીઓ પ્રત્યે આક્રમક વલણ ધરાવનાર હોય છે. ઘણીવાર માતા ક્રોધી સ્વભાવ ધરાવનાર હોય છે. જાતક પર શારીરિક જુલમો ગુજારનાર હોય છે. ચંદ્ર જો નિર્બળ હોય તો માતાનું સ્વાસ્થ્ય ચિંતા કરાવે છે. માતા સાથેનો સંબંધ મધુર ન રહે. જાતકનું મન અસ્થિર રહે છે. આ યોગ ધરાવનાર જાતકો આદતવશ હિંસા કરે છે. ઘરેલું હિંસાનું આચરણ કરી શકે છે.

ચંદ્ર-મંગળનો યોગ જાતકને મેડિકલ ડોક્ટર, મેડિકલ રિપ્રેઝન્ટેટીવ, ફાર્માસિસ્ટ કે કેમિસ્ટ બનાવી શકે છે. દવાની દુકાન ધરાવનાર, ખાતર કે જંતુનાશક દવાઓ વેચનાર હોઈ શકે છે. હોમિયોપેથી કે નેચરોપેથી સાથે સંકળાયેલાં હોઈ શકે છે. ટેકનીકલ વિષયોનું જ્ઞાન ધરાવનાર હોય છે. જો જન્મલગ્ન સ્થિર રાશિનું ન હોય તો ઘણી બધી મુસાફરીઓ કરનાર હોય છે. મંગળ એક રાશિમાં આશરે ૪૫ દિવસ સુધી રહે છે. ચંદ્ર એક રાશિમાં આશરે સવા બે દિવસ સુધી રહે છે. સામાન્ય રીતે  ૨૫ થી ૩૩ ટકા કુંડળીઓમાં આ યોગ બનતો જોવા મળે છે. જ્યારે ગુરુની દ્રષ્ટિ વગર આ યોગ બનતો હોય ત્યારે જાતક ધન-સંપતિની પ્રાપ્તિ તો કરે છે, પરંતુ માનસિક સુખ-શાંતિની અનુભૂતિથી વંચિત રહે છે. ઘણીવાર પોતાના જ સગા-સંબંધીઓને દગો આપનાર હોય છે. પોતે પણ જીવનમાં દગા-ફટકાંનો ભોગ બનનાર હોય છે. ક્રોધ, કઠોર સ્વભાવ, અહમ, ઉતાવળીયાપણું અને અન્યો પર વર્ચસ્વ જમાવવાની વૃતિ જોવા મળી શકે છે. અશુભ ભાવાધિપતિ કે અશુભ ગ્રહોના સંબંધથી ચંદ્ર-મંગળ યોગ અપરાધિક પ્રવૃતિઓ પણ કરાવી શકે છે. કર્ક, મકર કે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-મંગળ યોગ શુભ લક્ષ્મીયોગની રચના કરે છે. કર્કના ચંદ્ર અને મકરના મંગળની પ્રતિયુતિ  કે વૃષભના ચંદ્ર અને વૃશ્ચિકના મંગળની પ્રતિયુતિ પણ ધન-સંપતિ બાબતે શુભ ફળ પ્રદાન કરનાર હોય છે. જન્મકુંડળીના દ્વિતીય, નવમ, દસમ અને એકાદશભાવમાં બનતો ચંદ્ર-મંગળ યોગ ઉત્તમ આર્થિક સ્થિતિ પ્રદાન કરનાર હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા