મંગળના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ


૧૦ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ૧૪.૨૫ કલાકે મંગળ મહારાજ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં મંગળ અગાઉથી ભ્રમણ કરી રહેલાં સૂર્ય અને બુધ સાથે જોડાણ કરશે. હાલ શુક્ર મહારાજ ૨૧ નવેમ્બર, ૨૦૧૯ સુધી વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. શુક્રનું મંગળની રાશિમાં હોવું અને મંગળનું શુક્રની રાશિમાં હોવું એ ગોચરમાં શુક્ર અને મંગળ વચ્ચે પરિવર્તન યોગની રચના કરશે. આ પરિવર્તન યોગ મંગળને અનિર્ણયાત્મકતાની સ્થિતિ આપી શકે છે. કઈ દિશામાં જવું તેની સમજ ન પડે. આપણાં વિચારો અને નિર્ણયો વારંવાર બદલાતાં જણાય. નવગ્રહોમાં મંગળ એ સેનાપતિ છે અને સેનાપતિ સદાય ચોક્ક્સ, જાગૃત અને એકાગ્ર હોય તે જરૂરી છે. પરંતુ શુક્ર સાથે મંગળનો પરિવર્તન યોગ મંગળને બેધ્યાન અને બેખબર કરી શકે છે. શુક્રના કારકત્વ અને ફળને લગતી બાબતો વધુ મહત્વની બને. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી મંગળ મહારાજ તુલા રાશિમાં ભ્રમણ કરશે. ત્યારબાદ પોતાની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી જશે.

મંગળના તુલા રાશિમાં પ્રવેશ સાથે અત્યાર સુધી શનિ અને મંગળ વચ્ચે રચાઈ રહેલો પરસ્પર દ્રષ્ટિયોગ ભંગ થશે. મંગળ શનિની દ્રષ્ટિની પકડમાંથી મુક્ત થતાં તણાવમાં કમી આવે. સામાન્ય રીતે મંગળને લોકો સાથે હળવું-મળવું પસંદ નથી. પરંતુ તુલામાં મંગળના ભ્રમણનો આ એકમાત્ર કાળ એવો છે કે જ્યારે તેનામાં લોકોને હળવા-મળવાની ઈચ્છા જાગૃત થાય છે. આ સમય દરમિયાન નવી-નવી ઓળખાણો કરવી કે સામાજીક વર્તુળનો વ્યાપ વધારવા જેવી પ્રવૃતિઓ કરી શકાય. તુલા એ શુક્રની રાશિ છે અને શુક્ર સુંદરતા, પ્રેમ અને લગ્નનો કારક ગ્રહ છે. મંગળના તુલા ભ્રમણ દરમિયાન આપણે સુંદર રીતે દલીલો કરીને અન્યોના હ્રદય જીતવાની કોશિશ કરીએ છીએ‍!! આપણી બધી જ ઉર્જા ભાગીદાર પાછળ ખર્ચ થાય છે. નવી પ્રેમની, લગ્નની કે વ્યવસાયની ભાગીદારીઓ રચાય શકે છે. આ સમય દરમિયાન એકલાં રહીને કોઈ કાર્ય કરવાં કરતાં અન્ય લોકોની મદદ વડે કાર્ય પૂર્ણ કરવું સરળ રહે. અગ્નિતત્વ ધરાવતો પૌરુષીય ગ્રહ મંગળ જ્યારે સ્ત્રી ગ્રહ એવાં શુક્રની રાશિમાં પ્રવેશે ત્યારે કુમળો પડે છે અને તેની સમગ્ર ઉર્જા નવા સંબંધો બનાવવામાં અને પ્રેમાળ ભાગીદારીઓ રચવામાં ખર્ચ થાય છે.

૧૦ નવેમ્બર, ૨૦૧૯થી ૨૫ ડિસેમ્બર, ૨૦૧૯ સુધીનું મંગળનું તુલા રાશિમાં ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે નીચે વર્ણવેલ છે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીનાં ગ્રહો પર રહેલો છે.

મેષ (અ, , ઈ): મંગળ સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. સપ્તમભાવ જીવનસાથી, લગ્નજીવન અને ભાગીદારીનો નિર્દેશ કરે છે. આ સમય જીવનસાથી અને વ્યાવસાયિક ભાગીદારીને લગતી બાબતો મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. સંબંધોમાં તણાવનો અનુભવ થાય. જીવનસાથી અને ભાગીદાર સાથે ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખવું. ઉગ્ર અને બિનજરૂરી દલીલો કરવાથી દૂર રહેવું. આ સમય દરમિયાન વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણનો અનુભવ થઈ શકે છે. ૨૧ નવેમ્બર સુધી જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. જો કે આ સમય દરમિયાન જીવનસાથીને લીધે નાણાકીય લાભ થઈ શકે છે. કુટુંબની સહાયને લીધે પણ મંગળના તુલા ભ્રમણ દરમિયાન નાણાકીય લાભ થઈ શકે છે. મંગળનું આ ભ્રમણ અનિર્ણયાત્મકતાની સ્થિતિનો અનુભવ કરાવી શકે છે.

વૃષભ (બ, , ઉ): મંગળ ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ રોગ અને શત્રુનો નિર્દેશ કરે છે. આ સમય દરમિયાન આપની શારીરિક ઉર્જા અને ઉત્સાહ બની રહેશે. સમગ્ર ધ્યાન નોકરી અને કામ પર કેન્દ્રિત રહે. વધુ મહેનત દ્વારા સારું પરિણામ પ્રાપ્ત કરવાની કોશિશ કરો તેવું બને. આપના આ અભિગમની ઉપરી અધિકારીઓ પણ પ્રશંસા કરે. શત્રુઓ અને હરીફો પર હાવી રહી શકો. ભાગીદારીના વ્યવસાયમાં ભાગીદાર સાથે મતભેદ કે દલીલો થઈ શકે છે. દરેક વ્યક્તિ સાથે બિનજરૂરી દલીલો અને ઘર્ષણમાં ઉતરવાથી દૂર રહેવું. જીવનસાથી સાથે પણ તણાવનો અનુભવ થઈ શકે છે. ખાસ કરીને ૨૧ નવેમ્બર સુધી જીવનસાથી કે ભાગીદારને લીધે કાનૂની તકરારો ન થાય તેની કાળજી રાખવી. ૨૧ નવેમ્બર સુધી જીવનસાથીના આરોગ્યની પણ કાળજી લેવી. આ દરમિયાન યાત્રાઓ કરી શકાય.

મિથુન (ક, , ઘ): મંગળ પંચમભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ વિદ્યા અને સંતાનનો નિર્દેશ કરે છે. કામના સ્થળે મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. અમુક સહકર્મચારીઓ હેરાનગતિનું કારણ બની શકે. વિરોધીઓ કામના સ્થળનું વાતાવરણ દૂષિત કરી શકે. નાણાકીય ખર્ચાઓ વધી શકે છે. શેરબજારમાં કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાથી દૂર રહેવું. સંતાનોનું વર્તન કે આરોગ્ય ચિંતા કરાવી શકે. ખાસ કરીને ૨૧ નવેમ્બર સુધી સંતાનના આરોગ્યને લગતી અથવા ગર્ભધારણને લગતી મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. ૨૧ નવેમ્બર સુધી નાણાકીય રોકાણો કરવામાં પણ તકેદારી રાખવી જોઈએ. સાચી નીતિ અને મૂલ્યોના માર્ગને પકડી રાખવો. મંગળના તુલા ભ્રમણ દરમિયાન પેટને લગતાં રોગોથી સાવધાન રહેવું. વિદ્યાર્થીમિત્રો ચીડિયાપણાંનો અનુભવ કરી શકે છે.

કર્ક (ડ, હ): મંગળ ચતુર્થભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ સુખ, સ્થાવર સંપતિ, વાહન અને માતાનો નિર્દેશ કરે છે. આ સમય દરમિયાન માનસિક શાંતિ જોખમાય શકે છે. મનમાં ઉદ્વેગ રહે. કુટુંબના સભ્યો સાથેના વર્તન-વ્યવહારમાં કાળજી રાખવી. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું તેમજ માતા સાથે દલીલો કરવાથી દૂર રહેવું. વિજાતીય પાત્ર કે જીવનસાથી સાથે પણ યોગ્ય વર્તન કરવાની કાળજી રાખવી. આ સમય સ્થાવર સંપતિની ખરીદી કરવા માટે અનુકૂળ રહે. સગા-સંબંધીઓ અને મિત્રો સહાયરૂપ બની શકે છે. ૨૧ નવેમ્બર સુધીનો સમય વધુ સકારાત્મક રહેવાની શક્યતા છે. આ સમયનો પૂર્ણ લાભ ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. ૨૧ નવેમ્બર સુધી યાત્રાઓ કરી શકાય અને સંતાનો સાથે આનંદપૂર્ણ સમય વીતાવી શકાય છે. સર્જનાત્મક કાર્યો થઈ શકે. પ્રતિભા ખીલી ઉઠે.

સિંહ (મ, ટ): મંગળ તૃતીયભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ સાહસ, ટૂંકી યાત્રાઓ અને નાના  ભાઈ-બહેનોનો નિર્દેશ કરે છે. આ સમય દરમિયાન સાહસ, આત્મવિશ્વાસ અને ઉર્જામાં વૃદ્ધિનો અનુભવ થઈ શકે છે. જીવનમાં આવતી દરેક પ્રકારની મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકો. સ્વપરાક્રમથી વ્યવસાયમાં વિકાસ અને પ્રગતિ કરવી શક્ય બને. નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. ઉપરી અધિકારીઓના સાથ અને સહકારની પ્રાપ્તિ થાય. ભૂતકાળમાં હેરાન કરનાર વિરોધીઓને હરાવી શકાય. જીવનસાથી મદદરૂપ બને. નાણાકીય ખર્ચાઓ વધી ન જાય તેની કાળજી રાખવી. વધુ પડતાં જોશ અને ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય લેવાથી દૂર રહેવું. અન્યોની બાબતમાં બિનજરૂરી દખલ કરવાથી દૂર રહેવું. પડોશીઓ સાથે મધુર સંબંધ બનાવીને રાખવાની કોશિશ કરવી.

કન્યા (પ, , ણ): મંગળ દ્વિતીયભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ ધન, કુટુંબ અને વાણીનો નિર્દેશ કરે છે. નાણાંને લગતી બાબતોમાં મુશ્કેલી પેદા થઈ શકે છે. થોડું નાણાકીય નુક્સાન થવાની પણ સંભાવના રહે. લોન મળવામાં હેરાનગતિ થાય. ૨૧ નવેમ્બર સુધી નાના ભાઈ-બહેનોને લીધે ધનલાભ થઈ શકે. વાણીમાં કડવાશ ન ભળે તેની કાળજી રાખવી. અન્યથા વાણીને લીધે નકારાત્મક પરિણામની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં રહેલાંઓની વિકાસની ગતિ રૂંધાતી હોય તેવું લાગી શકે. ઉપરી અધિકારીઓ સાથે દલીલો કરવાથી દૂર રહેવું. હરીફો અને વિરોધીઓ છબી બગાડીને દબાણ પેદા કરી શકે છે. કૌટુંબિક જીવનમાં પણ તણાવનો અનુભવ થઈ શકે છે. કુટુંબના સભ્યો સાથે શાંતિ જાળવી સંબંધ ટકાવી રાખવાની કોશિશ કરવી. ચહેરા પર કોઈ ઘા કે ઈજા ન થાય તેની કાળજી રાખવી.

તુલા (ર, ત): મંગળ પ્રથમ/લગ્નસ્થાનમાંથી ભ્રમણ કરશે. આ ભાવ દેહ અને મસ્તકનો નિર્દેશ કરે છે. સંબંધોમાં ક્રોધ ભાગ ભજવી શકે છે. નજીકની વ્યક્તિઓ પર ક્રોધ કરવાથી દૂર રહેવું. જીવનમાં સરળતા બનાવી રાખવા અન્યો પ્રત્યેના આપના વલણ બાબતે સાવધ રહેવું. આ સમય દરમિયાન કોઈ નવા સાહસની શરૂઆત કરવાથી દૂર રહેવું જોઈએ. વિરોધીઓ મુશ્કેલી પેદા ન કરે તે બાબતે કાળજી રાખવી. ધીમી ગતિ અને અવરોધ સાથે આવકનો સ્ત્રોત બની રહે. ખાસ કરીને ૨૧ નવેમ્બર સુધી ધનઉપાર્જનને લગતી પ્રવૃતિઓમાં તલ્લીન રહી શકાય. ભૌતિક અને સાંસારીક ઈચ્છાઓ પ્રબળ બનવાની શક્યતા રહે. પરિણીત યુગલો વચ્ચે ગેરસમજ થઈ શકે છે. જીવનસાથી પ્રત્યેના આપના આક્રમક અને ઉગ્ર વલણને લીધે લગ્નજીવનમાં તણાવ પેદા થઈ શકે. અકસ્માત કે પડવાં-આખડવાંથી ઈજા ન પહોંચ તેનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક (ન, ય): મંગળ બારમાં ભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ વ્યય અને હાનિનો નિર્દેશ કરે છે. બિનજરૂરી વસ્તુઓ પર વધુ પડતાં ખર્ચાઓ થવાની સંભાવના રહે. વૈભવી અને મોજશોખની વસ્તુઓ ખરીદવા પાછળ નાણાકીય વ્યય થવાની સંભાવના રહે. નાણાકીય સ્થિતિ તંગ બની શકે છે. નોકરીના સ્થળે વધુ મહેનત કરવાં છતાં ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓનો સાથ મળવામાં મુશ્કેલીનો અનુભવ થાય. શારીરિક આરોગ્ય પણ ચિંતાનું કારણ બની શકે. અનિદ્રા, પેટ સંબંધી રોગો કે માનસિક ચિંતા પીડાનો અનુભવ કરાવે. જો વ્યક્તિગત કુંડળીમાં યોગ બનતાં હોય તો આ સમય દરમિયાન હોસ્પિટલની મુલાકાત લેવી પડી શકે છે અથવા વાઢકાપ-સર્જરીમાંથી પસાર થવું પડી શકે છે. ૨૧ નવેમ્બર સુધી પરદેશની યાત્રા કરવાના યોગ પ્રબળ બને.

ધનુ (ભ, , , ઢ): મંગળ અગિયારમાં ભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ લાભનો નિર્દેશ કરે છે. સામાન્ય નાણાકીય આવક થવામાં સરળતાનો અનુભવ થઈ શકે છે. આમ છતાં વધુ આવકની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો પડે. આવક થવામાં અનુભવાતાં વિલંબ અને અવરોધ ચિંતાનું કારણ બની શકે. આવકના અન્ય સ્ત્રોતોની શોધ ચલાવી શકો. વિદેશથી ધનલાભ થઈ શકે. વિરોધીઓ અને હરીફોને હરાવી શકાય. પ્રેમમાં પડેલાંઓ આ સમય દરમિયાન સાવધ રહેવું. પ્રિયજન સાથે ગેરસમજ સંબંધને બગાડી શકે છે. પરિણીત યુગલો પણ વિચારોમાં મતભેદ અને સમજણના અભાવને લીધે લગ્નજીવનમાં મુશ્કેલીનો અનુભવ કરી શકે છે. કઠોર અને કડવી વાણીનો પ્રયોગ કરવાથી દૂર રહેવું. ૨૧ નવેમ્બર સુધીનો સમય ભૌતિક બાબતો કરતાં આધ્યાત્મિક બાબતોમાં વધુ પ્રગતિ કરાવી શકે છે.

મકર (ખ, જ): મંગળ દસમભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ કર્મ અને આજીવિકાનો નિર્દેશ કરે છે. થોડાં મતભેદ અને અવરોધ બાદ કાર્યસ્થળે સફળતાની પ્રાપ્તિ થઈ શકે. કાર્યસ્થળે આપની વિરુદ્ધ કોઈ યોજનાઓ ન ઘડી રહ્યું હોય તે બાબતે સાવધ રહો. આર્થિક રીતે આ સમય લાભદાયી પૂરવાર થઈ શકે છે. કામને લીધે નાણાકીય પુરસ્કારની પ્રાપ્તિ પણ થઈ શકે. કાર્યસ્થળે સ્ત્રી સહકર્મચારી મદદરૂપ બની શકે. નવા સંબંધ જીવનમાં ખુશી લાવી શકે. સમાજ કે સંસ્થામાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. આપની તથા આપના જીવનસાથીની શારીરિક તંદુરસ્તી બની રહે. સંતાનો માટે આ સમય પ્રગતિજનક રહે. લોન માટે અરજી કરી હોય તો મળવામાં સરળતા રહે. નજીકની વ્યક્તિઓના વિશ્વાસને જીતવાની કોશિશ કરવી જોઈએ.

કુંભ (ગ, , , ષ): મંગળ નવમભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ ભાગ્ય, ધર્મ, પિતા અને ગુરુનો નિર્દેશ કરે છે. નાની એવી બીમારીઓ સિવાય મંગળનું આ ભ્રમણ શુભ રહેશે. ખાસ કરીને ૨૧ નવેમ્બર સુધી સારી તકોની પ્રાપ્તિ થઈ શકે. નોકરી કે વ્યવસાયમાં પરિવર્તન કે બદલી થઈ શકે છે. આજીવિકાને લીધે યાત્રાઓ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળતો જણાય. આ ભ્રમણ દરમિયાન નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આમ છતાં આવક હેતુ કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે. ગુરુ કે શિક્ષકનું માન-સન્માન જળવાય રહે તેની કાળજી રાખવી. પિતા, નાના ભાઈ-બહેનો અને સહકર્મચારીઓ સાથે મધુર સંબંધ જાળવી રાખવાં વિચારીને બોલવું. વિરોધીઓ અને હરીફો ચિંતાનું કારણ બની શકે છે. વિજાતીય પાત્ર તરફથી સાથ અને સહકારની પ્રાપ્તિ થઈ શકે.  

મીન (દ, , , થ): મંગળ અષ્ટમભાવમાંથી ભ્રમણ કરશે. આ ભાવ આયુષ્ય અને વારસાકીય ધનલાભનો નિર્દેશ કરે છે. ૨૧ નવેમ્બર સુધી પિતા દ્વારા વારસાગત ધનસંપતિની પ્રાપ્તિ થઈ શકે છે. આરોગ્ય માટે મંગળનું આ ભ્રમણ પ્રતિકૂળ ગણી શકાય. ઘા કે ઈજાઓ ન થાય તેની કાળજી રાખવી. કોઈ પણ પ્રકારના શારીરિક જોખમો ઉઠાવવાથી દૂર રહેવું.  અન્યોની સાથે લડાઈ-ઝઘડાંઓ વહોરી લેવાથી દૂર રહેવું. કાર્યસ્થળે અનુકૂળ સહકારની પ્રાપ્તિ ન થાય. નોકરી કે વ્યવસાયના સ્થળે વિજાતીય પાત્ર મુશ્કેલી ઉભી કરી શકે છે. લોન માટે અરજી કરી હોય તો તે મળવામાં પણ મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. ઘર અને કુટુંબથી દૂર રહેવાના સંજોગો ઉભા થઈ શકે છે. ૨૧ નવેમ્બર સુધી વિદ્યાર્થીમિત્રોને ઉચ્ચ અભ્યાસમાં અવરોધ અને અડચણોનો સામનો કરવો પડી શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર