ગુરુના ધનુ ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ


આગામી તારીખ ૦૫ નવેમ્બર, ૨૦૧૯ના રોજ વહેલી સવારે ૦૫.૨૪ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યાં છે. ધનુ રાશિમાં ગુરુ ૨૦ નવેમ્બર, ૨૦૨૦ સુધી ગોચર ભ્રમણ કરશે. વચ્ચે ૩૦ માર્ચ, ૨૦૨૦થી ૩૦ જૂન, ૨૦૨૦ના ત્રણેક મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન ગુરુ મકર રાશિમાં રહેશે. ધનુ રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ.  

અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે.

મેષ (અ, , ઈ): ગુરુ નવમભાવમાંથી ભ્રમણ કરશે. અત્યાર સુધી અષ્ટમભાવમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ કરતાં નવમભાવમાં ગુરુનું ભ્રમણ શુભ ફળ પ્રદાન કરનાર રહે. ભાગ્યની વૃદ્ધિ થાય. બૌદ્ધિકતા, તંદુરસ્તી, આત્મવિશ્વાસ, ખુશી, રચનાત્મકતા અને સકારાત્મકતામાં વધારો થાય. જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા તીવ્ર બને. આ સમય સારા કર્મો કરીને વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો રહે. આનંદદાયી અને લાભદાયી લાંબી તેમજ ટૂંકી મુસાફરીઓ થાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસમાં વૃદ્ધિ થાય. ગુરુ, સંત કે શિક્ષકના આશીર્વાદ અને સ્નેહની પ્રાપ્તિ થઈ શકે. પિતા, નાના ભાઈ-બહેનો, સંતાન અને પૌત્ર-પૌત્રીઓ સાથેના સંબંધો મધુર બને. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. શેરબજાર અને કમ્યુનિકેશનથી લાભ થાય. લેખન અને અધ્યાપન સાથે સંકળાયેલાં જાતકો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ નીવડે. પરિણીત યુગલો માટે આ ભ્રમણ સંતાનજન્મને આવકારવા માટે શુભ રહે. વડીલોને પૌત્ર-પૌત્રીના જન્મની ખુશી મળે. નવયુવાનોના જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. વિદ્યાર્થીમિત્રોની યાદશક્તિ અને ગ્રહણશક્તિમાં વધારો થાય તેમજ ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય.

વૃષભ (બ, , ઉ): ગુરુ અષ્ટમભાવમાંથી ભ્રમણ કરશે. આ ભ્રમણ વિચારો, માન્યતાઓ અને મૂલ્યોમાં બદલાવ લાવનારું સાબિત થાય. જીવન અને વ્યક્તિત્વમાં સર્વાંગી પરિવર્તન લાવનારી ઘટનાઓ ઘટે. આત્મમંથન દ્વારા કષ્ટો પર કાબુ મેળવી શકાય. મનને સમજવાની ચાવી જડી આવે. જીવનની ગુપ્ત અને રહસ્યમય બાબતો કે વિદ્યાઓ જાણવાની રુચિમાં વધારો થાય. જ્યોતિષ અને અધ્યાત્મમાં ઊંડા ઉતરી શકાય. વારસાગત ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બને. જીવનસાથી દ્વારા પણ નાણાકીય લાભ થવાની સંભાવના રહે. પરદેશ સાથે સંકળાયેલી બાબતોથી લાભ રહે. વિદેશયાત્રા આડેનાં અવરોધો દૂર થાય. નવી સ્થાવર મિલકત અને વાહનની ખરીદી થઈ શકે. કુટુંબના સભ્યોને સાથે જોડીને રાખી શકાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. આરોગ્ય બાબતે સાવધ રહેવું. આ ભ્રમણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ તબિયતની વિશેષ કાળજી રાખવી. એપ્રિલથી જૂન ૨૦૨૦ સિવાયનો સમય સંતાનજન્મને આવકારવા માટે પ્રતિકૂળ ગણી શકાય. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી. સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકો માટે આ ભ્રમણ લાભદાયી નીવડે.

મિથુન (ક, , ઘ): ગુરુ સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગ રચાશે. જીવનમાં સકારાત્મક ઉર્જા, દૈવીય આશીર્વાદ તેમજ અનેક શુભ તકોની પ્રાપ્તિ થાય. વ્યક્તિત્વનો વિકાસ સાધી શકાય. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. સપ્તમભાવનો ગુરુ કોઈ વધુ પ્રયત્ન વગર સરળતાથી વિવાહસંબંધ આપે. પ્રેમમાં પડેલાંઓને માતા-પિતાના આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે. પરિણીત જાતકો જીવનસાથી સાથે રહેલાં મતભેદો દૂર કરીને ફરી લગ્નજીવનની મધુરતાનો આનંદ માણી શકે. અલગ પડવાનું વિચારી રહેલાં યુગલો એકબીજાને એક તક આપી નિર્ણય પર પુનર્વિચાર કરી શકે. નવી વ્યાવસાયિક ભાગીદારીઓ રચાય શકે તેમજ ભાગીદાર દ્વારા ધનલાભ થવાની શક્યતા રહે. એક કરતાં વધુ સ્ત્રોતથી નાણાકીય આવક થાય. પોતાનાં શોખની પૂર્તિ હેતુ નાણાકીય ખર્ચાઓ થાય. જાહેર સામાજીક માન- સન્માન, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે. નાના ભાઈ-બહેનો અને મિત્રો સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ, મહાત્વાકાંક્ષાઓ અને ધ્યેયની પૂર્તિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં મિત્રો મદદરૂપ બને.

કર્ક (ડ, હ): ગુરુ ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. એપ્રિલથી જૂન ૨૦૨૦નો સમય વધુ સકારાત્મક રહેવાની સંભાવના છે. ધનુ રાશિનો ગુરુ શારીરિક તંદુરસ્તી બાબતે સભાન બનાવે. તંદુરસ્તીની જાળવણી હેતુ નાણાકીય ખર્ચ થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી બીમારીનું કારણ જાણી શકાય. યોગ્ય ડોક્ટર કે યોગ્ય સારવાર મળી રહે. આરોગ્યપ્રદ ટેવો અપનાવી શકાય. રોજબરોજના કાર્યો કરવામાં સરળતાનો અનુભવ થાય. આપના માટે યોગ્ય ન હોય તેવી વસ્તુઓ, બાબતો કે વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ ન અનુભવાય તે બાબતે સભાન રહેવું. કાર્યક્ષેત્રના વાતાવરણમાં સુધારાનો અનુભવ થાય. નોકરીમાં બઢતી મળવાની સંભાવના રહે. નવી નોકરી શોધવામાં સરળતા રહે. સહકર્મચારીઓના પૂર્ણ સહકારની પ્રાપ્તિ થાય. વિદેશ સાથેના વ્યવસાયથી લાભ થાય. વકીલ અને ડોક્ટર જાતકો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ રહે. સહેલાઈથી નવી લોન મળી શકે છે. પુરુષાર્થ દ્વારા નાણાકીય આવકમાં વૃદ્ધિ થઈ શકે. મોસાળપક્ષ સાથેના સંબંધો મધુર બને. કોઈ પ્રાણી પાળવા માટે કે પાલતું પ્રાણી ઘરે લઈ આવવા માટે આ ભ્રમણ અનુકૂળ રહે. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

સિંહ (મ, ટ): ગુરુ પંચમભાવમાંથી ભ્રમણ કરશે. બૌદ્ધિક વિષયોમાં રુચિ જાગે. બુદ્ધિકૌશલ્ય દ્વારા ભાગ્યનું નિર્માણ કરી શકો. સર્જનાત્મકતા અને કલ્પનાશીલતા ખીલી ઉઠે. પરિણીત યુગલો માટે સંતાનજન્મને આવકારવાં માટે આ સમય શ્રેષ્ઠ રહે. પહેલેથી સંતાન ધરાવતાં જાતકોના સંતાન સાથેના સંબંધ મધુર બને. સંતાનને લીધે સુખ અને આનંદની અનુભૂતિ થાય. સંતાન તેમનાં જીવનમાં પ્રગતિ કરે. યુવાનોના જીવનમાં પ્રણયસંબંધનું આગમન થઈ શકે છે. હ્રદય પ્રેમની નાજુક અનુભૂતિ કરે. જીવનને માણવાની ઈચ્છા ધરાવો. મનોરંજન અને રમત-ગમત પાછળ સમય વ્યતીત કરી શકાય. શરીરમાં મેદવૃદ્ધિ થવાની સંભાવના રહે. નવા મિત્રો મળે કે લાંબા સમયથી વિખૂટાં પડી ગયેલાં મિત્ર સાથે ફરી મેળાપ થાય. શેરબજારથી લાભ થવાની સંભાવના રહે. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. પિતા અને મોટા ભાઈ-બહેનોનો સહકાર મળે. ધાર્મિક વલણમાં વધારો થાય. ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ થઈ શકે. મંત્રજાપથી આધ્યાત્મિક ઉન્નતિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ રહે. અભ્યાસમાં ઈચ્છિત પ્રગતિ કરી શકાય. ઉચ્ચ અભ્યાસ માટે સાનુકૂળતાઓ પેદા થાય.

કન્યા (પ, , ણ): ગુરુ ચતુર્થભાવમાંથી ભ્રમણ કરશે. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગ રચાશે. સકારાત્મકતાનો આનંદ માણી શકો. લાંબા સમયથી ચતુર્થભાવમાં શનિ-કેતુના ભ્રમણ બાદ હવે ગુરુ આવવાથી રાહતની અનુભૂતિ થાય. મકાનમાંથી ઘર બનવાની શરૂઆત થાય. ઘર-પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. ઘરમાં સુખ, આનંદ અને સલામતીની અનુભૂતિ થાય. નવી સ્થાવર મિલકત કે વાહનની ખરીદી થઈ શકે છે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. ઘર માટે સુખ-સગવડોના સાધનોની ખરીદી થઈ શકે. માનસિક શાંતિનો અનુભવ થાય. બહારની દુનિયાની પળોજણો કરતાં મનની શાંતિ વધુ અગત્યની બને. ઘરમાં રહીને કામ કે અભ્યાસ કરી શકાય. માતા સાથેનો સંબંધ મધુર બને. પરદેશ રહેતાં લોકો માટે વતનની મુલાકાત લેવી શક્ય બને. કૌટુંબિક પરંપરાઓ સાથે જોડાણ સાધી શકાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય અનુકૂળ રહે. નવી નોકરી મળવામાં સરળતા રહે. વ્યવસાય ક્ષેત્રે નવા સાહસની શરૂઆત કરી શકાય. બિનજરૂરી ખર્ચાઓ વધી ન જાય તેની કાળજી રાખવી. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી જરૂરી બને. સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકોને સફળતા મળે.

તુલા (ર, ત): ગુરુ તૃતીયભાવમાંથી ભ્રમણ કરશે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. પુસ્તકો વાંચવા, લેખનકાર્ય કરવાં, નવા કોર્સમાં જોડાવા કે કશુંક નવુ શીખવા માટે આ ભ્રમણ યોગ્ય રહે. મીડિયા અને કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકો માટે આ ભ્રમણ શ્રેષ્ઠ રહે. લખાણો, સંવાદ અને ચર્ચાઓ દ્વારા લાભની પ્રાપ્તિ થાય. વાતચીતો અર્થસભર અને ઊંડાણભરી બને. સર્જનાત્મક અભિગમ ખીલી ઉઠે. વિચારોને યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકો. લેખકો માટે આ ભ્રમણ ઈશ્વરની કૃપા વરસાવનાર રહે. ભાઈ-બહેનોની વધુ નજીક જઈ શકાય. તેમની સાથેનાં સંબંધ મધુર બને. પડોશીઓ અને સંબંધીઓ મદદરૂપ બને. વારંવાર લાંબા અને ટૂંકા યાત્રા-પ્રવાસો થઈ શકે છે. યાત્રાઓને લીધે કાર્યની વૃદ્ધિ થાય. બદલી થઈ શકે. વ્યવસાયમાં ભાગીદારીમાં કાર્ય થઈ શકે. નવી ભાગીદારી અને નવી મિત્રતા રચાય શકે છે. નાણાકીય આવકમાં વધારો થાય. અપરિણીત જાતકોના લગ્ન થવાની પ્રબળ સંભાવના રહે. પરિણીત જાતકો લગ્નજીવનમાં સુખ-શાંતિની અનુભૂતિ કરી શકે. સામાજીક વર્તુળમાં વધારો થાય. ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષાઓની પૂર્તિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે આ ભ્રમણ અનુકૂળ રહે. 

વૃશ્ચિક (ન, ય): ગુરુ દ્વિતીયભાવમાંથી ભ્રમણ કરશે. આર્થિક પ્રગતિ થાય. નાણાકીય આવક અને નફામાં વૃદ્ધિ થાય. ભૂતકાળની આર્થિક સમસ્યાઓ દૂર થાય અને ભવિષ્ય માટે બચત કરી શકાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે. નોકરીમાં બઢતી મળી શકે છે. નવી નોકરી મળી શકે છે. ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓના સાથ-સહકારની પ્રાપ્તિ થાય. નવા કાર્યોની શરૂઆત થઈ શકે. અટકેલાં કાર્યો આગળ વધે. આ સમય લોન લેવા માટે અરજી કરવા કે નાણાકીય સંસ્થાઓ સાથે કરારો કરવા માટે અનુકૂળ રહે. કુટુંબના સભ્યો સાથેના સંબંધ મધુર બને. કુટુંબમાં શુભ અને માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ શકે. પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે. વાણી દ્વારા વિચારોને વાચા આપવામાં સરળતા રહે. વાણીની મધુરતા લોકોને સાંભળવા મજબૂર કરે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થાય. શારીરિક તંદુરસ્તી અને સુખાકારી બની રહે. ડોક્ટરોની મુલાકાત લેવાથી બચી શકાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. વિદ્યાર્થીમિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.

ધનુ (ભ, , , ઢ): ગુરુ પ્રથમ/લગ્નભાવમાંથી ભ્રમણ કરશે. સાડાસાતી પનોતીની તક્લીફોમાંથી રાહત મળતી જણાય. માથા પરથી બોજ ઉતરી ગયો હોય તેવી હળવાશનો અનુભવ થાય. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગની રચના થશે. જીવનમાં આનંદ, ઉત્સાહ, ઉમંગ અને સકારાત્મકતાનો સંચાર થાય. ભાગ્યનો સાથ મળી રહે. શારીરિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થાય. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા રહે. આમ છતાં દેખાવ બાબતે સભાન બનો અને કસરત-યોગ-ધ્યાનની શરૂઆત થાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન આરોગ્ય પ્રત્યે સચેત રહેવું. અપરિણીત જાતકોના લગ્ન થવાની પ્રબળ સંભાવના બને. પરિણીત જાતકોના લગ્નજીવનમાં રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમજ જીવનસાથી સાથેનો સંબંધ મધુર બને. ગુરુનું આ ભ્રમણ સંતાનજન્મને આવકારવાં માટે પણ શ્રેષ્ઠ રહે. યુવા જાતકો જીવનમાં પ્રણયની અનુભૂતિ કરી શકે. પ્રિયજન સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. આનંદદાયક લાંબી મુસાફરીઓ અને ધાર્મિક સ્થળોની યાત્રાઓ કરી શકાય. સ્વબળે નાણાકીય આવકમાં વૃદ્ધિ શક્ય બને. વિદ્યાર્થીમિત્રોની અભ્યાસ પ્રત્યેની રુચિમાં વધારો થાય. અભ્યાસમાં ઈચ્છિત પ્રગતિ થઈ શકે.  

મકર (ખ, જ): ગુરુ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. એકાંતમાં કે આશ્રમમાં ધ્યાન-યોગ કે ચિંતન કરવાથી સુખની અનુભૂતિ કરી શકાય. આધ્યાત્મિક શિબિરોમાં જોડાઈ શકાય. ગૂઢ અને રહસ્યમય બાબતોનો અભ્યાસ કે સંશોધન હાથ ધરી શકાય. કોઈ પણ જાતની અપેક્ષા વગર અન્યોની સેવા કરવાનું વલણ રહે. શાંત અને ખલેલ વગરની નિદ્રા માણી શકાય. સ્પષ્ટ સ્વપ્ન સંકેત મળી શકે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી શકે છે. શુભ અને માંગલિક કાર્યો કે દાન-ધર્માદા હેતુ નાણાકીય ખર્ચ થઈ શકે છે. ખાસ કરીને જાન્યુઆરી ૨૦૨૦ સુધી બિનજરૂરી ખર્ચાઓ ન થાય તેનું ધ્યાન રાખવું. નવી સ્થાવર મિલકત કે વાહનની ખરીદી થઈ શકે. નોકરચાકર વર્ગને લીધે રહેતી સમસ્યાઓ હળવી બને. વિદેશની મુસાફરી થવાનો પ્રબળ યોગ બને. બીમારીમાંથી સાજા થઈ શકાય. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. મોસાળપક્ષ સાથેનો સંબંધ મધુર બને. એપ્રિલથી જૂન ૨૦૨૦નો સમયગાળો વધુ સકારાત્મક રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીમિત્રોને સ્પર્ધાત્મક કે તબીબી પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

કુંભ (ગ, , , ષ): ગુરુ એકાદશભાવમાંથી ભ્રમણ કરશે. નાણાકીય આવકમાં વધારો થાય. એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો અને વ્યવસાયમાં નફામાં વૃદ્ધિ થઈ શકે. ખાસ કરીને જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં મોટો ધનલાભ થવાની શક્યતા રહે. મિત્રવર્તુળમાં વધારો થાય. નવી લાભદાયી ઓળખાણો બને. કોઈ ક્લબ, ગ્રુપ કે સંસ્થા સાથે જોડાઈ શકાય. જૂથમાં રહીને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. સામાજીક રીતે વધુ સક્રિય બનો તેવું બને. મિત્રોને લીધે ધનલાભ થઈ શકે છે. યુવા જાતકો મૈત્રીસંબંધમાંથી પ્રણયસંબંધ તરફ આગળ વધી શકે. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. અપરિણીત જાતકોની વિવાહના બંધનમાં જોડાવાની શક્યતા પ્રબળ બને. પરિણીત જાતકો લગ્નજીવનમાં સુખ અને મધુરતાની અનુભૂતિ કરી શકે. સંતાનપ્રાપ્તિ માટે ઈચ્છુક દંપતિઓ માટે ગુરુનું આ ભ્રમણ શ્રેષ્ઠ રહે. વિવાહયોગ્ય સંતાનના લગ્નની શરણાઈઓ વાગી શકે. સંતાન માટે પ્રગતિજનક સમય રહે. ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓ, સપનાઓ અને મહાત્વાકાંક્ષાઓની પૂર્તિ થતી જણાય. શેરબજારથી લાભ થાય. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં ઈચ્છિત સફળતાની પ્રાપ્તિ થાય.

મીન (દ, , , થ): ગુરુ દસમભાવમાંથી ભ્રમણ કરશે. શુભ ફળ પ્રદાન કરનાર હંસ મહાપુરુષ યોગ રચાશે. આજીવિકા અને કર્મ હેતુ ગુરુનું આ ભ્રમણ ઉત્તમ સાબિત થઈ શકે છે. વ્યાપારનો વિસ્તાર કરી શકાય. નવા વ્યાવસાયિક સાહસોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. નવી નોકરી મેળવવા માટે કે નોકરી બદલવા માટે આ સમય શુભ રહે. નોકરીમાં બઢતી મળી શકે છે. ઉપરી અધિકારીઓ ખુશ રહે અને તેમનાં સહકારની પ્રાપ્તિ થાય. કામને લીધે પુરસ્કાર કે એવોર્ડ વગેરે મળી શકે. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. બચત થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન નાણાં ખાતર મૂલ્યો સાથે સમાધાન ન કરવું. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. ઘર-પરિવાર ક્ષેત્રે સુખ-શાંતિનું વાતાવરણ રહે. કુટુંબથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. માતા-પિતા માટે આ ભ્રમણ લાભદાયી રહે. માતા-પિતાના પદ કે સત્તામાં વધારો થઈ શકે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળી શકે. શારીરિક તંદુરસ્તી જળવાય રહે. વિદ્યાર્થીમિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

ટિપ્પણીઓ

Darshan Dave એ કહ્યું…
ઘર માં પીપળો ઊગે તો શું કરી શકાય?

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર