ચાંદ્રમાસના નામ અને અધિક માસ
શું
આપ જાણો છો કે આપણાં મહિનાઓના નામ કઈ રીતે પાડવામાં આવ્યાં છે? શુક્લ અને કૃષ્ણ પક્ષની 15–15 તિથિઓ મળીને કુલ 30 તિથિનો એક મહિનો
બને છે. આ મહિનો ચાંદ્રમાસ તરીકે ઓળખાય છે. દરેક ચાંદ્રમાસને એક વિશિષ્ટ નામ
આપવામાં આવ્યું છે. આ નામ જે-તે માસની પૂનમના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે
પરથી આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જો પૂનમના દિવસે ચંદ્ર ‘ચિત્રા’ નક્ષત્રમાં સ્થિત હોય તો તે મહિનો ‘ચૈત્ર’ કહેવાય છે. એ જ રીતે ‘વિશાખા’
નક્ષત્રમાં હોય તો તે મહિનો ‘વૈશાખ’ તરીકે ઓળખાય છે વગેરે વગેરે.
સમય
જતાં આ પદ્ધતિમાં સ્થૂળતા આવતાં ચાંદ્રમાસના નામો સૂર્ય રાશિ આધારિત રાખવામાં આવેલ
છે. દરેક માસની અમાવસ્યા પૂર્ણ થાય કે તરત
જ બીજા માસની શુક્લ પ્રતિપ્રદા શરૂ થાય છે. તે સમયે સૂર્ય જે રાશિમાં થઈ હોય તેનાં
આધારે તે મહિનાનું નામ નક્કી થાય છે. જેમ કે શુક્લ પ્રતિપ્રદાના આરંભ સમયે ‘મીન’ રાશિમાં સૂર્ય હોય તો તે માસનું નામ ‘ચૈત્ર’ રહેશે (તે માસની પૂનમે ચંદ્ર મોટે ભાગે ‘ચિત્રા’
નક્ષત્રમાં સ્થિત હોવાની સંભાવના રહે છે). તે જ રીતે જો સૂર્ય ‘મેષ’ રાશિમાં સ્થિત હોય તો તે માસનું નામ ‘વૈશાખ’ રહેશે (ચંદ્ર પૂનમના ‘વિશાખા’
નક્ષત્રમાં હોવાની સંભાવના).
કોષ્ટક
શુક્લ પ્રતિપદારંભે સૂર્યરાશિ
|
ચાંદ્રમાસ નામ
|
પૂનમના મોટેભાગે ચંદ્રનું નક્ષત્ર
|
લગભગ ક્યારે?
|
તુલા
|
કાર્તિક
|
કૃતિકા
|
ઓક્ટોબર/નવેમ્બર
|
વૃશ્ચિક
|
માર્ગશીર્ષ
|
મૃગશીર્ષ
|
નવેમ્બર/ડિસેમ્બર
|
ધનુ
|
પૌષ
|
પુષ્ય
|
ડિસેમ્બર/જાન્યુઆરી
|
મકર
|
માઘ
|
મઘા
|
જાન્યુઆરી/ફેબ્રુઆરી
|
કુંભ
|
ફાલ્ગુન
|
પૂર્વા/ઉત્તરા
ફાલ્ગુની
|
ફેબ્રુઆરી/માર્ચ
|
મીન
|
ચૈત્ર
|
ચિત્રા
|
માર્ચ/એપ્રિલ
|
મેષ
|
વૈશાખ
|
વિશાખા
|
એપ્રિલ/મે
|
વૃષભ
|
જ્યેષ્ઠ
|
જ્યેષ્ઠા
|
મે/જૂન
|
મિથુન
|
આષાઢ
|
પૂર્વા/ઉત્તરાષાઢા
|
જૂન/જુલાઈ
|
કર્ક
|
શ્રાવણ
|
શ્રવણ
|
જુલાઈ/ઓગસ્ટ
|
સિંહ
|
ભાદ્રપદ
|
પૂર્વા/ઉત્તરા
ભાદ્રપદા
|
ઓગસ્ટ/સપ્ટેમ્બર
|
કન્યા
|
આશ્વિન
|
અશ્વિની
|
સપ્ટેમ્બર/ઓક્ટોબર
|
બાર ચાંદ્રમાસ મળીને એક ચાંદ્રવર્ષ બને છે. એક ચાંદ્રવર્ષની
લંબાઈ આશરે 354 દિવસ, 8 કલાક, 48 મિનિટ, 34.379712
સેકંડ છે. આકાશમાં બાર રાશિઓમાંથી પસાર થતાં સૂર્યને આશરે 365 દિવસ,
06 કલાક, 09 મિનિટ, 09.540288 સેકંડ લાગે છે. સૂર્યના વર્ષને સૌરવર્ષ કહેવાય છે. સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ
નાનું હોવાથી વચ્ચે વચ્ચે અધિક માસ ઉમેરવામાં આવે છે. જ્યારે સૂર્ય એક જ રાશિમાં બે
ચાંદ્રમાસની શુક્લ પ્રતિપદારંભે રહ્યો હોય ત્યારે અધિક માસ ઉમેરાય છે. ઉદાહરણ તરીકે
આવતાં વર્ષે 2018માં મે/જૂન દરમિયાન જ્યેષ્ઠ માસની શુક્લ પ્રતિપદાના આરંભે સૂર્ય વૃષભ
રાશિમાં સ્થિત હશે. ત્યારબાદ આવતાં બીજા ચાંદ્રમાસની શુક્લ પ્રતિપદા આરંભે પણ સૂર્ય
વૃષભ રાશિમાં જ હશે. આથી 2018નું વર્ષ બે જ્યેષ્ઠ માસ ધરાવે છે. પહેલાં માસને ‘અધિક’ માસ કહેવાય છે. એટલે કે અધિક જ્યેષ્ઠ કહેવાશે.
ત્યારપછીના માસને ‘નિજ’ કહેવાય છે. આમ પછીનો
માસ નિજ જ્યેષ્ઠ કહેવાશે. લગભગ દર ત્રણ વર્ષે આ રીતે અધિક માસ ઉમેરાય છે. અધિક માસ
સામાન્ય રીતે ફાલ્ગુનથી આશ્વિન સુધીના 8 માસ દરમિયાન આવે છે.
ટિપ્પણીઓ