સિંહમાં શુક્ર-કેતુની યુતિનુ બાર રાશિઓ પરત્વે ફળ (જુલાઈ ૨૦૨૬)
સુંદરતા, કળા, પ્રેમ અને વૈભવના કારક એવાં શુક્ર મહારાજ ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ૧૯:૧૫ કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અહીં શુક્ર અગાઉથી જ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહેલા કેતુ સાથે યુતિ રચશે. ૧૧ જુલાઈના રોજ સિંહ રાશિમાં શુક્ર અને કેતુની અંશાત્મક યુતિ રચાશે. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શુક્રના કન્યા રાશિમાં પ્રવેશ સાથે શુક્ર-કેતુની આ યુતિનો અંત આવશે.
માયા અને ભૌતિક આકર્ષણના કારક શુક્ર તથા વૈરાગ્ય અને મોક્ષના કારક કેતુનું જોડાણ જ્યોતિષની દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ યુતિ સુંદરતા, સંબંધો, સર્જનાત્મકતા અને ઇચ્છાઓ પ્રત્યે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવી શકે છે.
શુક્ર-કેતુની આ યુતિ ક્યારેક આસક્તિઓને સમજવાની અને તેમાંથી મુક્ત થવાની પ્રેરણા આપી શકે છે, તો ક્યારેક સંબંધો અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધુ ઊંડાણપૂર્વક જોવાની તક પણ આપી શકે છે.
હવે ૪ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધીનો શુક્ર-કેતુની યુતિનો આ સમય બારેય રાશિઓને
કેવું ફળ આપશે તે જોઈએ. આ યુતિ પર
મંગળની દૃષ્ટિ પણ હોવાથી, કેટલીક પરિસ્થિતિઓમાં ઉતાવળ, ગુસ્સો
અથવા તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે. તેથી દરેક રાશિના ફળમાં ધીરજ અને વિવેક
રાખવાની સલાહ ખાસ મહત્વની રહેશે.
નીચે વર્ણવેલ ફળ જન્મ
રાશિ, જન્મલગ્ન અને સૂર્યરાશિ એમ ત્રણેય પરિપ્રેક્ષ્યથી વાંચી શકશો. ગોચરના
ફળને જ્યારે આ ત્રણેયથી સરખાવીને જોવામાં આવે ત્યારે જીવનના અલગ-અલગ સ્તરોનું સચોટ
ચિત્ર મળે છે.
અહીં નોંધ લેશો કે આ વર્ણવેલ ફળ સ્થૂળ છે. સચોટ અને સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા વગેરે અનેક અન્ય પરિબળો પર રહેલો હોય છે.
મેષ: શુક્ર દ્વિતીય અને સપ્તમ ભાવનો સ્વામી
છે અને આ સમય દરમિયાન પંચમ ભાવમાં ગોચર કરશે. પંચમ ભાવ પ્રેમ, સગાઈ, સંતાન, અભ્યાસ અને સર્જનાત્મકતાનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે
પ્રેમસંબંધોમાં ભાવનાત્મક અંતર અથવા ગૂંચવણ અનુભવાઈ શકે છે. જે બાબતો પહેલાં ખૂબ
આનંદ આપતી હતી, તેમાં હવે પહેલો જેવો ઉત્સાહ ન
અનુભવાય તેવું બને. કેટલાક લોકો પ્રેમ વિશે વધુ ગંભીરતાથી વિચારવા લાગે અથવા
સંબંધોની સાચી કિંમત સમજવાનો પ્રયાસ કરે. આ સમય અધ્યાત્મ, મંત્રજાપ, યોગ, ધ્યાન અને કળાત્મક અભિવ્યક્તિ માટે અનુકૂળ બની શકે
છે.
આર્થિક બાબતોમાં થોડો ઉતાર-ચઢાવ
આવી શકે છે. ખાસ કરીને આવેશમાં આવીને નાણાકીય રોકાણ કરવાનુ અથવા બિનજરૂરી ખર્ચ
કરવાનું ટાળવું યોગ્ય રહેશે.
સંતાનોના સ્વભાવ અથવા તેમની સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. તેમની સાથે ધીરજપૂર્વક વાતચીત કરો અને તેમને આધ્યાત્મિક કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ ઢળવા માટે પ્રોત્સાહિત કરો.
વૃષભ: શુક્ર પ્રથમ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન ચતુર્થ ભાવમાંથી ગોચર કરશે. ચતુર્થ ભાવ ઘર, માતા, વાહન, સ્થાવર મિલકત અને માનસિક શાંતિનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે ઘરમાં
રહીને પણ જીવનના કોઈ ઊંડા અર્થ અથવા આંતરિક સંતોષની શોધ થઈ શકે છે. ઘરની સજાવટ
અથવા ભૌતિક સુવિધાઓ કરતાં મનની શાંતિ વધુ મહત્વની લાગવા લાગે. આ સમય દરમિયાન હૃદય
ભૌતિક સુખ કરતાં અર્થપૂર્ણ જીવન તરફ વધુ આકર્ષાઈ શકે છે.
જમીન, મકાન અથવા વાહન સંબંધિત મોટા
નિર્ણયો ઉતાવળમાં ન લેવા. વાહનની નિયમિત જાળવણી પર ધ્યાન આપો. કેટલાક લોકો ઘર
બદલવા અથવા સ્થળાંતર વિશે વિચાર કરી શકે છે.
જો તમે તાજેતરમાં કોઈ ખોટ, નુકસાન અથવા માનસિક આઘાતમાંથી પસાર થયા હો, તો પોતાની જાત પ્રત્યે દયાળુ રહો. અધ્યાત્મિક પ્રવૃતિ, પ્રાર્થના અથવા ધ્યાન મનને સ્થિર કરવામાં મદદરૂપ બની શકે છે. ઘરમાં મંત્રોચ્ચાર, ધૂન અથવા નિયમિત પ્રાર્થનાનો આરંભ કરવો લાભદાયી બની શકે.
મિથુન: શુક્ર પંચમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન તૃતીય ભાવમાંથી ગોચર કરશે. તૃતીય ભાવ પરાક્રમ, સંવાદ, લેખન, સોશિયલ મીડિયા, ટૂંકા પ્રવાસો તથા ભાઈ-બહેનોનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને
કારણે તમારા વિચારો અને અભિવ્યક્તિમાં ઊંડાણ આવી શકે છે. ઉપરછલ્લી ચર્ચાઓ કરતાં
અર્થપૂર્ણ વાતચીત અને જ્ઞાનવર્ધક વિષયો તરફ વધુ આકર્ષણ અનુભવાઈ શકે છે. જો તમે
સોશિયલ મીડિયા પર સક્રિય હો, તો
લોકોને કંઈક શીખવે, વિચારવા
પ્રેરે અથવા આધ્યાત્મિક દિશા આપે તેવી સામગ્રી વધુ અસરકારક બની શકે છે. લેખકો, વક્તાઓ, શિક્ષકો અને કલાકારો માટે આ સમય આત્માને
સ્પર્શે એવું સર્જન કરવા માટે ઉત્તમ રહી શકે છે. આધ્યાત્મિક, જ્ઞાનપ્રેરક અથવા સમાજને સકારાત્મક સંદેશ આપતી કળા અને
અભિવ્યક્તિ આ સમય દરમિયાન વિશેષ પ્રશંસા મેળવી શકે છે.
ભાઈ-બહેનો અથવા નજીકના મિત્ર સાથે કોઈ ગેરસમજ કે મતભેદ ઊભા થાય તો ધીરજ અને વાતચીત દ્વારા તેને ઉકેલવાનો પ્રયત્ન કરો. દરેક ચર્ચામાં પોતાની પ્રમાણિકતા અને નૈતિકતા જાળવી રાખવી લાભદાયી રહેશે.
ધ્યાન, આધ્યાત્મિક કાર્યક્રમો અથવા સર્જનાત્મક વર્કશોપમાં ભાગ લેવાથી સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે અર્થપૂર્ણ પરિચય થઈ શકે છે.
કર્ક: શુક્ર ચતુર્થ અને એકાદશ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન દ્વિતીય ભાવમાંથી ગોચર કરશે. દ્વિતીય ભાવ ધન, નાણાકીય બચત, કુટુંબ અને વાણીનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે આર્થિક બાબતોમાં થોડો ઉતાર-ચઢાવ અનુભવાઈ શકે છે. ખાસ કરીને સહિયારી સંપત્તિ, પારિવારિક નાણાકીય નિર્ણયો અથવા ભાગીદારી સંબંધિત મુદ્દાઓમાં મતભેદ ઊભા થાય તો ધીરજપૂર્વક ચર્ચા કરવી યોગ્ય રહેશે. બજેટ અને નાણાકીય બચતની યોજનાઓની ફરી સમીક્ષા કરો તથા બિનજરૂરી ખર્ચ ટાળો.
સ્ત્રીઓને લગતી વસ્તુઓ, વસ્ત્રો, આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો અથવા કળાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ બજારની સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે. તેથી યોગ્ય આયોજન કરીને કાર્ય કરવું લાભદાયી રહેશે.
કુટુંબના સભ્યો સાથે મધુર વાણી જાળવો. દરેક ચર્ચામાં સાચા સાબિત થવા કરતાં સંબંધોને મહત્વ આપશો તો વધુ સારું પરિણામ મળી શકે છે. આ સમય દરમિયાન આધ્યાત્મિક વાણી, આધ્યાત્મિક સંગીત, ભજન, કીર્તન અથવા કળાત્મક અભિવ્યક્તિ દ્વારા લોકોના હ્રદયને સ્પર્શવાની સારી તક મળી શકે છે. અધ્યાત્મ અને આત્મચિંતનમાં મન જોડવાથી આંતરિક શાંતિ અને યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ મળી શકે.
સિંહ: શુક્ર તૃતીય અને દસમ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન પ્રથમ ભાવમાંથી ગોચર કરશે. પ્રથમ ભાવ વ્યક્તિત્વ, છબી, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેના અભિગમનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે તમારી છબી, સંબંધો અને વ્યવસાયિક ઓળખમાં પરિવર્તન આવી શકે છે. આ સમય તમને પોતાની જાહેર છબી અને વર્તનનું આત્મનિરીક્ષણ કરવાની તક આપે છે. જો ભૂતકાળની કોઈ અધૂરી બાબત, સંબંધ અથવા નિર્ણય ફરી સામે આવે તો તેને પ્રમાણિકતા અને પરિપક્વતા સાથે સંભાળવો યોગ્ય રહેશે. સ્ત્રીઓ, સહકર્મીઓ અને અંગત સંબંધોમાં આદર, પારદર્શિતા અને નૈતિકતા જાળવવી આ સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત રહે.
કાર્યક્ષેત્રમાં કેટલીક નવી જવાબદારીઓ અથવા નેતૃત્વની તક મળી શકે છે. આવા અવસરો આવે તો તેને સેવા ભાવથી સ્વીકારો. પ્રસિદ્ધિ અથવા પ્રશંસા મળે તો પણ વિનમ્રતા જાળવવી લાભદાયી રહેશે.
પ્રેમસંબંધોમાં થોડું વૈરાગ્ય, અંતર અથવા અસામાન્ય અનુભવો થઈ શકે છે, જેના કારણે સંબંધોને નવા દૃષ્ટિકોણથી સમજવાની તક મળી શકે. આ સમય ભૂતકાળની ભૂલોમાંથી શીખ લઈને પોતાના આચરણ અને નિર્ણયો વધુ પરિપક્વ બનાવવાનો રહી શકે છે.
કન્યા: શુક્ર દ્વિતીય ભાવ અને નવમ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન દ્વાદશ ભાવમાંથી ગોચર કરશે. દ્વાદશ ભાવ વ્યય, નિદ્રા, વિદેશ, ધ્યાન અને આંતરિક જીવનનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે ધ્યાન, સાધના, યાત્રા અને આધ્યાત્મિક ચિંતન તરફ વધુ આકર્ષણ અનુભવાઈ શકે છે. ખાસ કરીને દેવી મંદિરોની મુલાકાત, પ્રકૃતિની નજીક સમય પસાર કરવો અથવા એકાંતમાં ધ્યાન કરવું મનને શાંતિ આપી શકે છે. કેટલાક લોકોને આધ્યાત્મિક સ્વપ્નો અથવા અંતઃપ્રેરણાના અનુભવો પણ થઈ શકે છે.
આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. કોઈ એક મોટા ખર્ચ કરતાં નાના-નાના ખર્ચ ધીમે-ધીમે વધતા જાય તેવી શક્યતા રહે, તેથી બજેટ પર નિયમિત નજર રાખો. આ સમય દરમિયાન ઉતાવળમાં ખર્ચ કરવાનું ટાળો. શ્રદ્ધા મુજબ કરેલું દાન, સેવા અથવા પરોપકાર મનમાં હળવાશ અને સંતોષની લાગણી આપી શકે છે. પૂરતી નિદ્રા લો અને નિયમિત દિનચર્યાનું પાલન કરવાનો પ્રયાસ કરો.
તુલા: શુક્ર પ્રથમ અને અષ્ટમ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન એકાદશ ભાવમાંથી ગોચર કરશે. એકાદશ ભાવ લાભ, મિત્રવર્તુળ, સામાજિક નેટવર્ક, મોટી સંસ્થાઓ અને લાંબા સમયની ઈચ્છાઓનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે તમારા સામાજિક વર્તુળ અથવા નેટવર્કમાં કેટલાક ફેરફારો અનુભવાઈ શકે છે. કેટલાક જૂના સંબંધો અથવા મિત્રતા સ્વાભાવિક રીતે દૂર થઈ શકે છે, જ્યારે નવા વિચારો અથવા સમાન મૂલ્યો ધરાવતા લોકો સાથે અર્થપૂર્ણ જોડાણ બનવાની શક્યતા રહે. તમારી લાંબા સમયથી રહેલી કોઈ ઇચ્છા અથવા યોજનામાં આગળ વધવાની તક મળી શકે છે, પરંતુ ધીરજ અને સતત પ્રયત્નો જાળવવા જરૂરી રહેશે.
વ્યવસાયિક અથવા સામાજિક ક્ષેત્રમાં નવા અવસરો મળી શકે છે. જો નવા લોકો સાથે પરિચય થાય અથવા કોઈ સમૂહમાં જોડાવાનો અવસર મળે, તો ઉતાવળ કરતાં સમજદારીપૂર્વક નિર્ણય લો. આ સમય દરમિયાન પોતાના મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન રહો. સંખ્યાબંધ ઓળખાણો કરતાં ગુણવત્તાસભર સંબંધો વધુ મહત્વના સાબિત થઈ શકે છે. સેવા કાર્ય અથવા સ્ત્રીઓના સશક્તિકરણ સાથે જોડાયેલી સકારાત્મક ચળવળોમાં યથાશક્તિ સહભાગી થવું મનને સંતોષ આપી શકે છે.
વૃશ્ચિક: શુક્ર સપ્તમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન દસમ ભાવમાંથી ગોચર કરશે. દસમ ભાવ કર્મ, કારકિર્દી, પ્રતિષ્ઠા અને જાહેર જીવનનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને
કારણે કાર્યક્ષેત્રમાં કેટલાક અણધાર્યા ફેરફારો અથવા નવી તકો સામે આવી શકે છે.
તમારા કાર્ય, વિચારો
અથવા કોઈ વિશિષ્ટ પ્રોજેક્ટને વધુ લોકો સુધી પહોંચવાની તક મળી શકે છે. જો તમારું
કામ ગુણવત્તાસભર અને અર્થપૂર્ણ હશે, તો તેની નોંધ લેવાઈ શકે છે. ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે
વાતચીતમાં સૌજન્ય અને વ્યાવસાયિકતા જાળવવી લાભદાયી રહેશે. ખાસ કરીને મહત્વપૂર્ણ
નિર્ણયો લેતી વખતે ઉતાવળને બદલે વિવેક રાખો. આ સમય દરમિયાન પોતાના મૂલ્યો જાળવી રાખીને
કાર્ય કરશો તો લાંબા ગાળે તેનો સારો લાભ મળી શકે છે.
કાર્યક્ષેત્રની વ્યસ્તતાને કારણે વ્યક્તિગત સંબંધો અથવા દાંપત્ય જીવનમાં થોડું ભાવનાત્મક અંતર અનુભવાઈ શકે છે. તેથી કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરો. વ્યવસાયિક સફળતાની દોડમાં જીવનસાથી અથવા નજીકના સંબંધોને અવગણશો નહીં.
ધનુ: શુક્ર ષષ્ઠ ભાવ અને એકાદશ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન નવમ ભાવમાંથી ગોચર કરશે. નવમ ભાવ ભાગ્ય, ધર્મ, ગુરુ, ઉચ્ચ અભ્યાસ, તીર્થયાત્રા અને જીવનના સિદ્ધાંતોનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને
કારણે તમારી માન્યતાઓ, દ્રષ્ટિકોણ
અથવા ધાર્મિક - આધ્યાત્મિક
માર્ગમાં કોઈ મહત્વપૂર્ણ પરિવર્તન અનુભવાઈ શકે છે. તમે માત્ર પરંપરાનું અનુસરણ
કરવાને બદલે તેના પાછળના સાચા અર્થને સમજવાનો પ્રયત્ન કરી શકો છો. પ્રેમ અને
જીવનના અર્થને નવી રીતે સમજી શકો.
લાભ અથવા આવક માટેની
કેટલીક યોજનાઓમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાર્યસ્થળ પરના મતભેદો અથવા
સ્પર્ધાને ધીરજ અને વ્યવહારિક બુદ્ધિથી સંભાળશો તો લાંબા ગાળે લાભદાયી રહેશે.
ગુરુ, માર્ગદર્શક અથવા વડીલો સાથે વિચારોમાં મતભેદ ઊભા થાય તો ખુલ્લા દિલથી ચર્ચા કરવી યોગ્ય રહેશે. ઉચ્ચ અભ્યાસ અથવા આધ્યાત્મિક કે ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલાં લોકો માટે આ સમય ઊંડા જ્ઞાનની શોધ માટે અનુકૂળ રહી શકે છે. તીર્થયાત્રા, ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ, ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના અથવા ધાર્મિક સેવાકાર્યમાં જોડાવાથી આંતરિક શાંતિ અને નવી દિશા મળી શકે છે. પોતાના સિદ્ધાંતોને જાળવી રાખતાં અન્ય લોકોના વિચારોનો પણ આદર કરો. સાચા જ્ઞાનની શોધ આ સમયની સૌથી મોટી સંપત્તિ બની શકે છે.
મકર: શુક્ર તમારા માટે પંચમ અને દસમ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન અષ્ટમ ભાવમાંથી ગોચર કરશે. અષ્ટમ ભાવ પરિવર્તન, ગુપ્ત બાબતો, સંયુક્ત સંપત્તિ, વારસો, સંશોધન અને આધ્યાત્મિક રૂપાંતરનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે જીવનના કેટલાક ક્ષેત્રોમાં અણધાર્યા ફેરફારો અનુભવાઈ શકે છે. કોઈ જૂની માન્યતા, સંબંધ અથવા કાર્યપદ્ધતિને છોડીને નવી દિશામાં આગળ વધવાનો સમય આવી શકે છે. બહારના પરિવર્તન કરતાં આંતરિક પરિવર્તન વધુ મહત્વનું સાબિત થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં પડદા પાછળ થઈ રહેલા ફેરફારો પર ધ્યાન આપો. મહત્વપૂર્ણ દસ્તાવેજો, કર, વીમા, લોન અથવા સંયુક્ત નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી યોગ્ય રહેશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો.
પ્રેમ સંબંધો અથવા સંતાન સંબંધિત બાબતોમાં ધીરજ રાખો. કોઈ સંબંધને નવા દૃષ્ટિકોણથી સમજવાની તક મળી શકે છે. સર્જનાત્મક કાર્ય અથવા સંશોધન સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઊંડાણપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપી શકે છે. ધ્યાન, મંત્રજાપ અને આત્મચિંતન દ્વારા મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો. જીવનમાં જે પરિવર્તનો આવી રહ્યા છે, તેને સ્વીકારવાની તૈયારી રાખશો તો લાંબા ગાળે તેનો સારો લાભ મળી શકે છે. પારદર્શિતા, પ્રમાણિકતા અને ધીરજ આ સમયની સૌથી મોટી શક્તિ બની શકે છે.
કુંભ: શુક્ર તમારા માટે ચતુર્થ અને નવમ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન સપ્તમ ભાવમાંથી ગોચર કરશે. સપ્તમ ભાવ દાંપત્ય, ભાગીદારી, વ્યવસાયિક કરાર અને જાહેર સંબંધોનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને કારણે સંબંધો અને ભાગીદારીમાં કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તનો અનુભવાઈ શકે છે. કોઈ સંબંધની સાચી મજબૂતાઈ અથવા હેતુને વધુ સ્પષ્ટ રીતે સમજવાની તક મળી શકે છે. ઉપરછલ્લા જોડાણો કરતાં અર્થપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ સંબંધો વધુ મહત્વના લાગશે. જીવનસાથી અથવા વ્યવસાયિક ભાગીદાર સાથે વાતચીતમાં ધીરજ અને પારદર્શિતા જાળવવી જરૂરી રહેશે. ગેરસમજ ઊભી થાય તો ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે ખુલ્લા દિલથી ચર્ચા કરો. વ્યવસાયિક ભાગીદારી, કરાર અથવા નવા સહયોગ માટે સારો વિચાર કર્યા પછી જ આગળ વધો. લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણયો વધુ લાભદાયી બની શકે છે.
ઘર અને પરિવારની જવાબદારીઓ તથા દાંપત્ય જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કરો. જીવનસાથીના વિચારો અને લાગણીઓનો આદર કરશો તો સંબંધો વધુ મજબૂત બની શકે છે. વડીલોના આશીર્વાદ અને ધાર્મિક કાર્યમાં સહભાગી થવાથી મનમાં શાંતિ અને સંબંધોમાં સંવાદિતા જાળવવામાં મદદ મળી શકે છે.
મીન: શુક્ર તમારા માટે તૃતીય અને અષ્ટમ ભાવનો સ્વામી છે અને આ સમય દરમિયાન ષષ્ઠ ભાવમાંથી ગોચર કરશે. ષષ્ઠ ભાવ દૈનિક કાર્ય, સેવા, સ્વાસ્થ્ય, ઋણ, સ્પર્ધા અને વિવાદોનો ભાવ છે.
શુક્ર-કેતુની યુતિને
કારણે કાર્યસ્થળ પર કેટલીક અણધારી પરિસ્થિતિઓ અથવા જવાબદારીઓ સામે આવી શકે છે.
સહકર્મીઓ સાથે મતભેદ થાય તો ધીરજ, સૌજન્ય
અને વ્યવહારિકતા જાળવવી લાભદાયી રહેશે. દરેક બાબતમાં તરત પ્રતિક્રિયા આપવાને બદલે
વિચારપૂર્વક નિર્ણય લો.
પડકારોને ટાળવા કરતાં શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે તેમનો સામનો કરશો તો આ સમય તમને વધુ મજબૂત અને પરિપક્વ બનાવી શકે છે. નાણાકીય બાબતોમાં ખાસ કરીને ઋણ, લોન અથવા સંયુક્ત નાણાકીય જવાબદારીઓ અંગે સાવચેતી રાખો. ઉતાવળમાં કોઈ કરાર અથવા નિર્ણય લેવાનું ટાળો.
દૈનિક જીવનમાં નિયમિતતા જાળવવી આ સમયની સૌથી મોટી શક્તિ બની શકે છે. પૂરતો આરામ, સંતુલિત આહાર અને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી રહેશે. આ સમય દરમિયાન સેવા, પરોપકાર અને નિઃસ્વાર્થ કાર્ય મનને સંતોષ આપી શકે છે. મંત્રજાપ, ધ્યાન અથવા નિયમિત આધ્યાત્મિક સાધના માનસિક સ્થિરતા જાળવવામાં મદદરૂપ બની શકે છે.
ટિપ્પણીઓ