જુલાઈ ૨૦૨૬: ગ્રહોની સ્થિતિ

જુલાઈ ૨૦૨૬ માસના ગ્રહોની સ્થિતિ ભાવનાત્મક, આધ્યાત્મિક અને ભૌતિક ઉર્જાઓની સંયુક્ત અસરનો નિર્દેશ કરે છે. આ મહિને ગ્રહોની સ્થિતિમાં થતાં બદલાવ આપણાં સંબંધો, કર્મ-આજીવિકા, આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત વિકાસ પર પ્રભાવ પાડી શકે છે.

સૂર્ય: જુલાઈ માસના આરંભ સમયે સૂર્ય મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ત્યારબાદ ૧૬ જુલાઈના રોજ સૂર્ય કાળપુરુષની ચતુર્થ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં રહેલો સૂર્ય સંવાદ, વિચારવિમર્શ અને માહિતીના આદાન-પ્રદાન જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાવનારો  છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનના ઘર, પરિવાર, માતા, મન અને ભાવનાત્મક પાસાઓ તરફ ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે.

આ સમય દરમિયાન સૂર્ય અગાઉથી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરી રહેલા ગુરુ સાથે યુતિ રચશે. ૨૯ જુલાઈના રોજ સૂર્ય અને ગુરુ વચ્ચે અંશાત્મક યુતિ રચાશે. જ્યોતિષમાં સૂર્ય-ગુરુ યુતિને જ્ઞાન, નૈતિકતા, આત્મવિશ્વાસ અને ડહાપણ સાથે નેતૃત્વ કરવાની ક્ષમતાનું સૂચક માનવામાં આવે છે.

ચંદ્ર: ચંદ્રની રાશિઓ જુલાઈ માસ દરમિયાન મન, ભાવનાઓ અને આંતરિક અનુભવોના વિવિધ તબક્કાઓને દર્શાવી શકે છે. ૧૪ જુલાઈની અમાસ આત્મચિંતન અને નવા સંકલ્પના બીજ રોપવાનો સમય સૂચવે છે, જ્યારે ૨૯ જુલાઈની પૂનમ પૂર્ણતા, જાગૃતિ અને આત્મમંથન માટે મહત્વપૂર્ણ રહી શકે છે.

મંગળ: ઊર્જા, સાહસ અને પરાક્રમનો ગ્રહ મંગળ સમગ્ર જુલાઈ માસ દરમિયાન વૃષભ રાશિમાં ગોચર ભ્રમણ કરશે. વૃષભમાં રહેલો મંગળ ઊર્જાને સ્થિરતા, વ્યવહારિકતા અને ધીરજ સાથે ઉપયોગ કરવાનો નિર્દેશ કરે છે.

વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલા મંગળ પર મીન રાશિમાં રહેલા શનિની દ્રષ્ટિ પડશે, જેના કારણે ઉતાવળ કરતાં શિસ્ત, આયોજન અને ધૈર્યપૂર્વક કાર્ય કરવાની જરૂર રહેશે. બીજી તરફ, મંગળ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહેલા શુક્ર અને કેતુ પર દ્રષ્ટિ કરશે, જે સર્જનાત્મકતા, સંબંધો અને વ્યક્તિગત ઈચ્છાઓના ક્ષેત્રમાં ઊર્જાનું પરિવર્તન દર્શાવે છે.

આથી જુલાઈ માસમાં આવેશમાં આવીને નવા સાહસિક પગલાં ભરવા કરતાં, પહેલેથી શરૂ થયેલા કાર્યો અને પ્રોજેક્ટ્સને ધીરજ, સંયમ અને શિસ્તબદ્ધ પ્રયત્નો દ્વારા પૂર્ણ કરવા માટેનો સમય વધુ અનુકૂળ રહેશે.

બુધ: બુદ્ધિ, વાણી અને સંવાદનો ગ્રહ બુધ જુલાઈ માસ દરમિયાન વક્રી ગતિએ કર્ક રાશિમાં ભ્રમણ કરશે. ૭ જુલાઈના રોજ બુધ વક્રી ગતિથી ફરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જુલાઈ માસના મોટા ભાગના સમય દરમિયાન બુધ વક્રી રહેશે.

બુધની વક્રી ગતિનો સમયગાળો નવા નિર્ણયો લેવા કરતાં અગાઉના વિચારો, યોજનાઓ અને કાર્યોનું પુનઃમૂલ્યાંકન કરવા માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વિચારોનું પુનઃઆયોજન, અધૂરા રહેલા કાર્યોની સમીક્ષા અને અભિવ્યક્તિને વધુ સ્પષ્ટ બનાવવાની તક મળે છે.

૨૪ જુલાઈના રોજ બુધ માર્ગી થશે અને ત્યારબાદ સંદેશાવ્યવહાર, લેવડ-દેવડ તથા વિચારોના આદાન-પ્રદાનમાં વધુ સ્પષ્ટતા અને ગતિ જોવા મળશે.

ગુરુ: જ્ઞાન, ધર્મ અને સમૃદ્ધિના કારક ગુરુ મહારાજ જુલાઈ માસ દરમિયાન પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બિરાજમાન રહેશે. ઉચ્ચનો ગુરુ વિકાસ, વિસ્તરણ અને જીવનમાં સકારાત્મક વૃદ્ધિના સંકેત આપી શકે છે.

કર્ક રાશિમાં ભ્રમણ કરી રહેલા ગુરુની દ્રષ્ટિ મીન રાશિમાં રહેલા શનિ પર રહેશે, જે સંઘર્ષ, વિલંબ અને અવરોધોને ધીરજ અને સમજણ દ્વારા હળવા કરવામાં સહાયક બની શકે છે. આ સમયગાળામાં જ્ઞાન, શિક્ષણ અને સમજણના આધારે વિકાસ અને વિસ્તરણના માર્ગો ખુલ્લા થઈ શકે છે.

જુલાઈ માસ આત્મવિકાસ, અભ્યાસ અને સમૃદ્ધિના ક્ષેત્રમાં પ્રગતિ માટે અનુકૂળ રહી શકે છે. ૧૬ જુલાઈના રોજ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે ગુરુ મહારાજ અસ્ત થશે, જેના કારણે ગુરુના શુભ પ્રભાવમાં થોડો આંતરિક અથવા સૂક્ષ્મ ફેરફાર અનુભવાઈ શકે છે.

શુક્ર: સુંદરતા, કળા, પ્રેમ અને વૈભવના કારક ગ્રહ શુક્ર ૪ જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં અગાઉથી ભ્રમણ કરી રહેલા કેતુ સાથે યુતિ રચશે. ૧૧ જુલાઈના રોજ સિંહ રાશિમાં શુક્ર અને કેતુની અંશાત્મક યુતિ રચાશે, જે સંબંધો અને ભાવનાત્મક જોડાણો માટે સંવેદનશીલ સમય સૂચવી શકે છે.

માયા અને ભૌતિક આકર્ષણના કારક શુક્ર તથા વૈરાગ્ય અને મોક્ષના કારક કેતુનું જોડાણ જ્યોતિષની દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ યુતિ સુંદરતા, સંબંધો, સર્જનાત્મકતા અને ઇચ્છાઓ પ્રત્યે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવી શકે છે.

શુક્ર-કેતુની આ યુતિ ક્યારેક આસક્તિઓને સમજવાની અને તેમાંથી મુક્ત થવાની પ્રેરણા આપી શકે છે, તો ક્યારેક સંબંધો અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધુ ઊંડાણપૂર્વક જોવાની તક પણ આપી શકે છે.

શનિ: જવાબદારી, કર્મ અને શિસ્તના કારક શનિ મહારાજ જુલાઈ માસ દરમિયાન મીન રાશિમાં ભ્રમણ કરશે. ૨૭ જુલાઈના રોજ શનિ મીન રાશિમાં વક્રી થશે. શનિની વક્રી ગતિનો આ સમય અધૂરી રહેલી જવાબદારીઓ, લાંબા ગાળાના નિર્ણયો અને ભૂતકાળમાં લીધેલા સંકલ્પોની ફરી સમીક્ષા કરવાનો અવસર આપે છે.

વક્રી શનિ સામાન્ય રીતે સંપૂર્ણપણે નવી જવાબદારીઓ લાદવા કરતાં અગાઉ શરૂ થયેલા કાર્યો, બાકી રહેલા કર્તવ્યો અને જીવનના એવા ક્ષેત્રો પર ફરી ધ્યાન કેન્દ્રિત કરાવે છે જ્યાં વધુ પરિપક્વતા અને સુધારાની જરૂર હોય.

મીન રાશિમાં રહેલા શનિ પર ઉચ્ચ રાશિ કર્કમાં ભ્રમણ કરી રહેલા ગુરુની દ્રષ્ટિ રહેશે, જે શિસ્ત અને જવાબદારી સાથે સમજણ અને યોગ્ય માર્ગદર્શનની આશા આપી શકે છે.

રાહુ: છાયા ગ્રહ રાહુ જુલાઈ માસ દરમિયાન કુંભ રાશિમાં ભ્રમણ કરશે. કુંભ રાશિમાં રહેલો રાહુ નવીનતા, ટેકનોલોજી, સંશોધન અને પરંપરાથી અલગ વિચારસરણીને પ્રોત્સાહન આપી શકે છે.

મહિનાના પૂર્વાર્ધમાં મિથુન રાશિમાં ભ્રમણ કરી રહેલા સૂર્ય અને બુધ પર રાહુની દ્રષ્ટિ રહેશે, જે વિચારોમાં મૌલિકતા, નવી દૃષ્ટિ અને બિનપરંપરાગત અભિગમ તરફ પ્રેરણા આપી શકે છે.

કેતુ: કેતુ જુલાઈ માસ દરમિયાન સિંહ રાશિમાં ભ્રમણ કરશે. સિંહ રાશિમાં કેતુ સાથે શુક્રની યુતિ આ સમયગાળાની એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના રહેશે.

શુક્ર અને કેતુની આ યુતિ સંબંધો, સર્જનાત્મકતા અને વ્યક્તિગત અભિવ્યક્તિ પ્રત્યે એક અલગ દૃષ્ટિકોણ આપી શકે છે. શુક્ર કેતુથી આગળ વધતાં ગોચરમાં રચાયેલ કાળસર્પ યોગનો અંત આવશે.

  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર