વૃશ્ચિકમાં નીચનો ચંદ્ર: આંતરિક પરિવર્તનનો સમય (૨૬ જૂનથી ૨૯ જૂન ૨૦૨૬)

૨૬ જૂન, ૨૦૨૬ના બપોરે ૧૨:૩૫ કલાકે ચંદ્ર મહારાજે પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કર્યો છે. અહીં ચંદ્ર ૨૯ જૂન, ૨૦૨૬ના મધ્યરાત્રિ પછી ૦૧:૧૦ કલાક સુધી ગોચર ભ્રમણ કરશે.

ચંદ્રનું આ ભ્રમણ જ્યોતિષની સુંદર જટિલતાને સમજાવે છે. હાલ ચંદ્રના સ્વામિત્વવાળી કર્ક રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર  આ ત્રણ ગ્રહો સરસ્વતી યોગનું નિર્માણ કરીને ગોચર કરી રહ્યા છે. ચંદ્ર આ ત્રિગ્રહી યુતિનો ડિસ્પોઝીટર બનીને વૃશ્ચિક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરી રહ્યો છે.

પરંતુ નીચનો હોવા છતાં આ ચંદ્ર પર ગુરુની શુભ દૃષ્ટિ પડી રહી છે. આ એવું છે કે જાણે ચંદ્ર વૃશ્ચિક રાશિની ગાઢ અને અંધારી ગુફામાં પ્રવેશ્યો છે, પરંતુ તેના હાથમાં ગુરુરૂપી દિવો છે, જે તેને માર્ગદર્શન આપી રહ્યો છે.

ચંદ્ર મન અને લાગણીઓનો કારક ગ્રહ છે. વૃશ્ચિક રાશિ રહસ્ય, ઊંડાણ, પરિવર્તન અને આંતરિક શોધની રાશિ છે.

જ્યારે ચંદ્ર વૃશ્ચિકમાં નીચ અવસ્થામાં હોય ત્યારે:

  • મન વધુ સંવેદનશીલ બની શકે છે.
  • જૂની લાગણીઓ અને ભૂતકાળના ઘાવ ફરી સપાટી પર આવી શકે છે.
  • છુપાયેલી બાબતોને સમજવાની ક્ષમતા વધી શકે છે.
  • દરેક ઘટના અને પરિસ્થિતિના ઊંડાણમાં જવાની વૃત્તિ વધી શકે છે.

આ સમય આંતરિક પરિવર્તનનો બની શકે છે. નીચનો ચંદ્ર હંમેશા નકારાત્મક ફળ આપતો નથી. ઘણીવાર તે વ્યક્તિને પોતાના મનના ઊંડાણ સુધી લઈ જઈને પોતાની અંદરની સ્થિતિને સમજવાની ક્ષમતા આપે છે.

ચંદ્ર ગુરુ, શુક્ર અને બુધનો ડિસ્પોઝીટર હોવાથી આ ત્રણેય ગ્રહોના ફળોમાં વૃશ્ચિકના ગુણો ઉમેરાશે.

ગુરુનું જ્ઞાન અને ડહાપણ લાગણીશીલ અનુભવો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.
બુધની વિચારશક્તિ વધુ સંશોધનાત્મક બની શકે છે અને મનને ઊંડા સંવાદ તરફ લઈ જઈ શકે છે.
શુક્રના પ્રેમમાં ઊંડાણ આવશે અને સંબંધોમાં સાચી લાગણીઓને સમજવાની તક મળી શકે છે.

પરંતુ અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેલા ગુરુનો ડિસ્પોઝીટર ચંદ્ર જ્યારે પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં જાય છે ત્યારે વ્યક્તિએ પોતાના ધર્મ, મૂલ્યો અને આંતરિક સત્યનું રક્ષણ કરવું જરૂરી બને છે. આ એવું છે કે કોઈ ડાહી અને અનુભવી વ્યક્તિ આપણને યોગ્ય સલાહ આપી રહી હોય, પરંતુ આપણે આપણા મનની અશાંતિના કારણે તે સાંભળવા તૈયાર ન હોઈએ. આધ્યાત્મિક માર્ગ પર ચાલતી વ્યક્તિ આ આંતરિક માર્ગદર્શનને વધુ સરળતાથી સ્વીકારી શકે છે.

હાલ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલો મંગળ વૃશ્ચિકના ચંદ્ર સાથે સમસપ્તક યોગ બનાવી રહ્યો છે. બંને એકબીજા પર દૃષ્ટિ કરી રહ્યા છે.

ચંદ્ર-મંગળનો આ પ્રભાવ મનમાં ઉત્સાહ, સાહસ અને ઉર્જા આપી શકે છે, પરંતુ બંને સ્થિર રાશિમાં હોવાથી:

  • સંબંધોમાં અતિશય જીદ્દથી બચવું જોઈએ.
  • ક્રોધમાં આવીને તરત પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ.
  • લાગણીઓને સંતુલિત રીતે વ્યક્ત કરવી જરૂરી રહેશે.

સંબંધોમાં પોતાની અપેક્ષાઓ અથવા અહંકારને કારણે મન દુભાઈ શકે છે.

ટૂંકમાં, ચંદ્રનું આ વૃશ્ચિક ગોચર બહારથી માનસિક અશાંતિ અને ભાવનાત્મક ઊંડાણ લાવી શકે છે, પરંતુ અંદરથી તે આત્મચિંતન, સમજણ અને આંતરિક પરિવર્તન તરફ લઈ જનાર સમય બની શકે છે.

વૃશ્ચિકનો ચંદ્ર આપણને પોતાની અંદરના અંધકારને જોવાનું શીખવે છે, અને ગુરુની દૃષ્ટિ યાદ અપાવે છે કે દરેક ઊંડાણમાં જ્ઞાનનો પ્રકાશ છુપાયેલો હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર