ગુરુ: અખૂટ આશાવાદ


નવ ગ્રહોમાં ગુરુ મહારાજ એ આપણી ભીતર રહેલો અખૂટ આશાવાદ છે. ગુરુ એ દેવોના ગુરુ છે એટલે દેવોની સૌથી નજીક છે. તેથી જ્યારે સૌથી વધુ જરૂર હોય એટલે કે સંકટ સમયે ગુરુ મહારાજ જ દૈવીય કૃપા વરસાવી શકે છે. 

ગુરુ એ વિસ્તરણનો કારક ગ્રહ છે. જ્યારે અન્ય ગ્રહો આપણને મર્યાદાઓ અને વાસ્તવિકતાનો પરિચય આપે છે, ત્યારે ગુરુ આપણને ક્ષિતિજ તરફ નજર ઊંચી રાખવાની હામ આપે છે. તે આપણા મનની દ્રષ્ટિનું વિસ્તરણ કરે છે અને આપણને યાદ અપાવે છે કે એક ખરાબ પ્રકરણનો મતલબ એ નથી કે આખી કથા પૂર્ણ થઈ ગઈ.

ગુરુનો આશાવાદ એ કોઈ કાલ્પનિક દુનિયામાં જીવવું કે વાસ્તવિકતાથી દૂર ભાગવું એવું નથી. આશાવાદનો અર્થ પરાણે ઉત્સાહ બતાવવો કે સત્યને નકારવું એવો થતો નથી. આશાવાદીઓ નકારાત્મક ઘટનાઓનો સ્વીકાર ચોક્કસ કરે છે, પરંતુ તેઓ તેને કામચલાઉ અને ચોક્કસ પરિસ્થિતિ પૂરતી મર્યાદિત જોવે છે. તેઓ રચનાત્મક અને વાસ્તવિક રીતે વિચારે છે અને તણાવપૂર્ણ સમસ્યાઓનો સામનો કરવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખે છે. 

શુભ ગુરુ એ આપણી ભીતર રહેલી શ્રદ્ધા છે કે ઈશ્વર હંમેશા આપણી સાથે જ છે અને જે પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. ગુરુ એ ઈશ્વરે ઘડેલી યોજના પર વિશ્વાસ રાખનાર ગ્રહ છે. ગુરુ માટે આશાવાદી હોવું એ એક સભાન આધ્યાત્મિક પસંદગી છે. વર્તમાન પરિસ્થિતિને ભવિષ્યનો ફેંસલો ન કરવા દેવો એ જ ગુરુનું અસલી બળ છે.

​બળવાન અને શુભ ગુરુ ધરાવતા લોકો કુદરતી રીતે જ આશાવાદી હોય છે. જ્યારે તેઓ કોઈ બળીને ખાખ થઈ ગયેલું ખેતર જુએ છે, ત્યારે એવું નથી વિચારતા કે આ બધું નકામું ગયું. તેના બદલે તેઓ ભવિષ્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું વધુ ફળદાયી માને છે. નવી સાફ થયેલી જમીનમાં હવે શું વાવી શકાય કે શું નવું સર્જન કરી શકાય તેનો વિચાર કરે છે.

ગુરુ જીવન પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને વિશાળ બનાવે છે. આ ગ્રહમાં અપાર આશાવાદ છે. તે આપણને શીખવે છે કે કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય જ છે! 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર