જૂન ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

Pixabay

મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ : જૂન ૨, ૨૦૨૧ થી જુલાઈ ૨૦, ૨૦૨૧ સુધી

જૂન ૨, ૨૦૨૧ના રોજ પ્રાત:કાળ ૦૬.૫૨ કલાકે મંગળ મહારાજ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરી રહ્યાં છે. મંગળ લગભગ દર બે વર્ષે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરે છે. આથી મંગળનું આ ભ્રમણ નોંધપૂર્ણ રહેવાની સંભાવના છે. જળતત્વ ધરાવતી કર્ક રાશિમાં અગ્નિતત્વ ધરાવતાં મંગળની હાલત દયનીય બને છે.

કાળપુરુષની કુંડળીમાં કર્ક રાશિ ચતુર્થસ્થાનમાં પડે છે. ચતુર્થસ્થાન ઘર-પરિવારનો નિર્દેશ કરે છે. સમગ્ર દુનિયામાં ઘર એ એવું સ્થળ છે કે જ્યાં આપણે સલામતી અને સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. હવે યુદ્ધના કારક એવાં સેનાપતિ મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ આપણી અંદર અસુરક્ષાની લાગણી પેદા કરી શકે છે. લાગણીઓ અને સંવેદનાઓ આક્રમકસ્વરૂપે બહાર આવે કે વ્યક્ત થાય તેવી સંભાવના રહે.

હાલ શનિ મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. મંગળના કર્ક પ્રવેશ સાથે જ શનિ અને મંગળની પ્રતિયુતિ રચાશે. મંગળ અને શનિની આ પ્રતિયુતિ અકળામણ, હતાશા કે નિરાશાની લાગણી પેદા કરી શકે છે. હકીકતમાં મંગળ અને શનિ પરસ્પર વિરોધી ગુણો ધરાવનાર ગ્રહો છે. મંગળને ઉતાવળે, જોશપૂર્વક અને ઝડપથી કાર્યો પૂર્ણ કરવામાં રસ છે. જ્યારે શનિ ધીરજપૂર્વક, સંયમથી અને પદ્ધતિસર કાર્ય પૂર્ણ કરવામાં માનનારો ગ્રહ છે. પરિણામે આ સમય દરમિયાન કાર્યો વારંવાર શરૂ થઈને અટકતાં હોય તેવું લાગે. આ એવું છે કે જાણે ગીચ ટ્રાફિકમાં ફસાયેલું વાહન હોય ! વાહન થોડું આગળ વધે કે બ્રેક લગાવવી પડે...ફરી થોડું વાહન ગતિ પકડે કે ફરી બ્રેક લગાવવી પડે...અને પરિણામે વાહનચાલક એક પ્રકારની અકળામણની લાગણીનો અનુભવ કરે. બસ આવી જ કંઈક અકળામણ મંગળ-શનિની આ પ્રતિયુતિ પેદા કરી શકે છે. જુલાઈ ૧, ૨૦૨૧ના રોજ અંશાત્મક રીતે મંગળ અને શનિ સંબંધમાં આવશે. બંને લગભગ ૧૮ અંશે સામ-સામે ગોઠવાયેલાં હશે. આ જુલાઈ ૧, ૨૦૨૧થી આગળ-પાછળના દિવસો ગણીને લગભગ એક સપ્તાહના સમય દરમિયાન આ પ્રતિયુતિનું તીવ્ર ફળ અનુભવવા મળી શકે છે. સિંહ અને ધનુ જન્મરાશિ કે જન્મલગ્ન ધરાવનાર જાતકોને મંગળ અનુક્રમે બારમાં અને આઠમાંસ્થાનમાંથી ભ્રમણ કરનાર હોવાથી વિશેષ કાળજી લેવાનો સમય રહે.  

કહેવાય છે ને કે દરેક કાળાં વાદળને એક રૂપેરી કોર હોય છે. મંગળ અને શનિની આ પ્રતિયુતિની એક સકારાત્મક બાજુ પણ છે. અહીં મંગળની ઉચ્ચરાશિ મકરના સ્વામી શનિની મંગળ પરની દ્રષ્ટિ મંગળનો નીચભંગ કરી રહી છે. આથી બની શકે કે કાર્યોમાં વિઘ્ન કે મુશ્કેલીઓ તો આવે, પરંતુ પછી તેનું નિરાકરણ પણ જડી આવે. તમારી કુંડળીમાં કર્ક અને મકર રાશિઓ જે ભાવમાં પડતી હશે તે ભાવ સંબંધી બાબતો કે ક્ષેત્રમાં વિલંબ, અવરોધ કે દબાણનો સામનો કરવો પડી શકે છે. પરંતુ મંગળનો નીચભંગ થતો હોવાથી જો તમે થોડી ધીરજથી કામ લેશો અને મુશ્કેલીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે પરિસ્થિતિને સુધારી શકશો. 

બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ : જૂન ૩, ૨૦૨૧ થી જુલાઈ ૭, ૨૦૨૧ સુધી 

જૂન ૩, ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૨.૧૪ કલાકે બુધ મહારાજ વક્રી ગતિથી પુન: વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધ મે ૩૦, ૨૦૨૧ના રોજ મિથુન રાશિમાં ૦ અંશ પર વક્રી થયો હતો. જૂન ૨૩, ૨૦૨૧ સુધી બુધ વક્રી ગતિથી ભ્રમણ કરશે. બુધનું આ ભ્રમણ કેવું ફળ આપે અને આ ભ્રમણ દરમિયાન શું કાળજી રાખવી તે માટે વાંચો “મે ૨૦૨૧ – ગોચર ગ્રહોનું ફળ”

કંકણાકૃતિ સૂર્યગ્રહણ : જૂન ૧૦, ૨૦૨૧

જૂન ૧૦, ૨૦૨૧ના રોજ વૃષભ રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. ભારતીય સમય અનુસાર ગ્રહણનો સ્પર્શ ૧૩.૪૨ કલાકે થશે. ઉચ્ચત્તમ અવસ્થા ૧૬.૧૧ કલાકે પહોંચશે. ગ્રહણનો મોક્ષ સંધ્યાકાળે ૧૮.૨૧ કલાકે થશે. આ ગ્રહણ ઉત્તર અમેરિકાના ઉત્તર ભાગમાં, એશિયામાં ખંડગ્રાસ તેમજ ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ દેખાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, પરંતુ તેની જ્યોતિષિક અસરો આપણે સૌ અનુભવીશું. સૂર્યગ્રહણની અસર છ મહિનાથી લઈને ઘણીવાર એક વર્ષ સુધી અનુભવાતી જોઈ શકાય છે. સામાન્ય રીતે સૂર્યગ્રહણ બદલાવનું સૂચક છે. બાર જન્મરાશિઓ/જન્મલગ્નો પરત્વે સૂર્યગ્રહણનું ફળ નીચે મુજબ છે.

મેષ: નાણાકીય અને કૌટુંબિક પ્રશ્નો મુશ્કેલી પેદા કરી શકે છે. નાણાકીય રોકાણો કરવામાં સાવધાની રાખવી. અચાનક ધનલાભ થઈ શકે છે, પરંતુ નાણાનું વ્યવસ્થિત આયોજન કરવું જરૂરી બને. ખર્ચાઓ પર કાબુ રાખવો. કુટુંબના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું.

વૃષભ: વ્યક્તિત્વ, વિચારો અને જીવનમાં બદલાવ આવવાની સંભાવના રહે. શારીરિક સુખાકારી પર અસર પડી શકે છે. લગ્ન અને ભાગીદારી સંબંધિત બાબતો પ્રભાવિત થાય. લગ્નજીવનમાં તણાવ રહે અથવા જીવનસાથી માટે સંઘર્ષમય સમય રહેવાની શક્યતા રહે. જીવનસાથી પણ પોતાનાં જીવનમાં બદલાવનો અનુભવ કરે.

મિથુન: ધ્યાન, યોગ અને અધ્યાત્મ સંબંધિત પ્રવૃતિઓ હાથ ધરી શકાય. એકાંતમાં પોતાની જાત સાથે સમય વીતાવવો શ્રેષ્ઠ રહે. વિદેશયાત્રાઓ થઈ શકે છે. નાણાકીય નુક્સાન કે ખર્ચાઓ ન થાય તેની કાળજી રાખવી. શારીરિક બદલાવનો અનુભવ થાય. આરોગ્યની કાળજી લેવી.

કર્ક: ધનલાભ થઈ શકે છે. આવકના નવાં સ્ત્રોત ખૂલી શકે. નવી લાભદાયી ઓળખાણો થાય તેમજ નવાં મૈત્રી સંબંધો રચાઈ શકે છે. મિત્રો અને સગા-સંબંધીઓને લીધે તણાવનો અનુભવ થઈ શકે છે. મોટાં ભાઈ-બહેનોના લગતાં પ્રશ્નો સતાવી શકે છે.

સિંહ: કર્મક્ષેત્રે નોકરી-વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. પ્રમોશન કે પગાર વૃદ્ધિ થઈ શકે. નોકરી-વ્યવસાયમાં બદલાવ કરવો શક્ય બને. ઘર-પરિવારથી અલિપ્ત થઈ ગયાનો અનુભવ થઈ શકે છે. રહેઠાણ કે વસવાટના સ્થળમાં ફેરફાર થઈ શકે છે.

કન્યા: જ્ઞાન વૃદ્ધિ અને ઉચ્ચ અભ્યાસ હેતુ સમય અનુકૂળ રહે. યાત્રાઓ શક્ય બને. પિતાના આરોગ્યની કાળજી રાખવી. પિતા પોતાનાં જીવનમાં બદલાવનો અનુભવ કરી શકે છે. ભાઈ-બહેનોને લગતાં પ્રશ્નો મુંઝવણ પેદા કરી શકે છે.

તુલા: વિચારો અને માન્યતાઓમાં બદલાવ આવી શકે છે. ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ, અધ્યાત્મ વગેરે વિષયોમાં રુચિ વધી શકે છે. સંશોધન પ્રવૃતિ હાથ ધરી શકાય. કોઈ બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ શકે. કુટુંબના સભ્યોનાં તેમજ પોતાનાં આરોગ્યની કાળજી રાખવી.

વૃશ્ચિક: જીવનસાથી તણાવનો અનુભવ કરી શકે છે. જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. લગ્નજીવન અને ભાગીદારીને લગતાં પ્રશ્નો મુંઝવણ પેદા કરી શકે છે. માનસિક સંવેદનાઓ અને લાગણીઓમાં બદલાવનો અનુભવ થાય. બાકી દુનિયાથી અલિપ્ત કે અતડાં થઈ શકો છો.

ધનુ: રોજબરોજના કામની જવાબદારીને લીધે તણાવનો અનુભવ થઈ શકે છે. કામના બોજાને લીધે આરોગ્ય પર વિપરિત અસર ન પહોંચે તેની કાળજી રાખવી. નોકર-ચાકર વર્ગ અને સહકર્મચારીઓ સાથેના સંબંધમાં બદલાવનો અનુભવ થઈ શકે છે. કોઈ પર વિશ્વાસ મૂકતાં પહેલાં સાવધાન રહેવું.

મકર: સંતાન સંબંધિત બાબતો વધુ સમય અને ધ્યાન માંગી લે. સંતાનો તેમનાં જીવનમાં પરિવર્તનનો અનુભવ કરી શકે છે. સર્જનાત્મક કાર્યો હાથ ધરી શકાય. નવાં વિચારો સ્ફૂરી શકે. નાણાકીય રોકાણો કરવામાં સાવધાની રાખવી.

કુંભ: ઘર-વસવાટનું સ્થળ બદલવાની શક્યતા રહે. સ્થાવર સંપતિનું ખરીદ-વેંચાણ થઈ શકે. જૂનાં ઘરમાં ફેરફારો કે નવીનીકરણ થવાની શક્યતા રહે. માતાના શારીરિક-માનસિક આરોગ્યની કાળજી લેવી. કાર્યક્ષેત્રે બદલાવનો અનુભવ થાય. નોકરી-વ્યવસાયમાં પરિવર્તન થવાની શક્યતા રહે.

મીન: નાની-મોટી યાત્રાઓ થવાની સંભાવના રહે. કમ્યુનિકેશનને લગતી બાબતો મહત્વની બને. ભાઈ-બહેનોના જીવનમાં કોઈ મહત્વની ઘટના ઘટી શકે છે અથવા ભાઈ-બહેનો સંબંધિત કોઈ પ્રશ્ન મુંઝવણ પેદા કરાવી શકે. પિતાના આરોગ્યની કાળજી રાખવી.

શનિ જયંતી : જૂન ૧૦, ૨૦૨૧

જૂન ૧૦, ૨૦૨૧ના રોજ વૈશાખ માસની અમાવસ્યાના દિવસે શનિ જયંતીનું પર્વ મનાવવામાં આવશે. વધુ માહિતી માટે વાંચો “શનિ જયંતી : શનિદેવની કૃપા પ્રાપ્તિનો વિશેષ અવસર

સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ : જૂન ૧૫, ૨૦૨૧ થી જુલાઈ ૧૬, ૨૦૨૧ સુધી

જૂન ૧૫, ૨૦૨૧ના રોજ પ્રાત:કાળ ૦૬.૦૧ કલાકે સૂર્ય મહારાજ વૃષભ રાશિમાંથી નીકળીને બુધનું સ્વામીત્વ ધરાવતી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે ગ્રહણની પીડા અને રાહુના બંધનમાંથી મુક્ત થતાં સૂર્ય મહારાજ હળવાશની અનુભૂતિ કરાવશે. હજુ મિથુન રાશિનો સ્વામી બુધ જૂન ૨૩ સુધી વક્રી છે. જૂન ૨૩ પછી બુધના માર્ગી થયા બાદ મિથુન રાશિમાં સૂર્યનું ભ્રમણ વધુ શુભ ફળ આપનારું બની શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. બૌદ્ધિક બાબતોમાં રુચિ વધવાની સંભાવના રહે. કમ્યુનિકેશન સંબંધિત બાબતો, લખાણ, વાંચન, પ્રકાશન, અભ્યાસ વગેરે હેતુ સમય ઉત્તમ રહે. મિથુન રાશિમાં સૂર્યના ભ્રમણ દરમિયાન તેનાં પર કુંભ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુની દ્રષ્ટિ પડશે. સૂર્ય અને ગુરુનો આ ત્રિકોણયોગ સૂર્યની શુભતામાં વૃદ્ધિ કરનાર બની રહે. આ સમય હવે સરકાર તેમજ સત્તામાં કે ઉચ્ચપદ પર રહેલી વ્યક્તિઓ માટે રાહતદાયક અને ભાગ્યશાળી નીવડવાની શક્યતા છે. ઉચ્ચ પદે બિરાજમાન વ્યક્તિઓ સામાજીક હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લઈ શકવાં માટે શક્તિમાન બને. એક પ્રકારના આશાવાદનો સંચાર થઈ શકે છે. 

ગુરુ વક્રી : જૂન ૨૦,૨૦૨૧ થી ઓક્ટોબર ૧૮, ૨૦૨૧ સુધી

શનિ અને બુધ બાદ હવે ગ્રહમંડળનો ત્રીજો ગ્રહ ગુરુ વક્રી થવાં જઈ રહ્યો છે. જૂન ૨૦, ૨૦૨૧ના રોજ ૨૦.૩૬ કલાકે ગુરુ મહારાજ કુંભ રાશિમાં ૮ અંશે વક્રી બનશે. વક્રી ગતિથી સપ્ટેમ્બર ૧૪, ૨૦૨૧ના રોજ પુન: પોતાની નીચ રાશિ મકરમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં અગાઉથી ભ્રમણ કરી રહેલાં શનિ સાથે યુતિમાં આવશે. જો કે ગુરુના આ પુન: ભ્રમણ દરમિયાન ગુરુ અને શનિની અંશાત્મક યુતિ રચાવાની નથી. શનિનું મકર રાશિમાં ભ્રમણ ગુરુનો નીચભંગ કરનારું બની રહેશે. ગુરુ મકર રાશિના ૫ અંશ પર પરમ નીચત્વ ધારણ કરે છે અને આ ભ્રમણ દરમિયાન ગુરુ પોતાના પરમ નીચ અંશ સુધી પણ જશે નહિ. મકર રાશિના ૨૮ અંશે ઓક્ટોબર ૧૮, ૨૦૨૧ના રોજ માર્ગી બની જશે અને માર્ગી ગતિથી ફરી નવેમ્બર ૨૦, ૨૦૨૧ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

ગુરુ મહારાજ જે રસ્તો કાપીને આવ્યાં તે રસ્તે પાછા વળી રહ્યાં છે. આપણે પણ જીવનમાં જે રસ્તો કાપીને આવ્યાં તેના પર ફરી એક નજર કરવાનો આ સમય છે. ગત સમયમાં જે વિચારો કે કાર્યો કર્યા તેનાં પર ફરી એકવાર વિચાર કરવાનો આ સમય છે. કોઈ તક ગુમાવી તો નથી દિધીને? કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને વધુ પડતો કે જરૂર કરતાં ઓછો સમય કે શક્તિ તો નથી આપી રહ્યાંને? આ સમય તેનું આકલન કરવાનો છે. કોઈ ગ્રહ જ્યારે વકી બને ત્યારે તેની ઉર્જા બહાર વહેવાની બદલ અંદર તરફ વળે છે. વક્રી ગુરુનો આ સમય પણ હવે જાતની અંદર ઝાંખવાનો અને અંદરથી જવાબ ખોજવાનો છે. ગુરુ એ પરમ શુભ ગ્રહ છે. વક્રી ગુરુનો સમય મુશ્કેલીઓ તો ચોક્કસ આપે છે, પરંતુ તે મુશ્કેલીઓ પીડા આપવા માટે નહિ, સ્વનો વિકાસ સાધવા માટે હોય છે. વક્રી ગુરુ આપણને આપણાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે છે, જેથી આપણે તક્લીફ અનુભવીએ છીએ. પરંતુ હકીકતમાં એ તક્લીફ આપણાં વ્યક્તિત્વનો વિકાસ અને વિસ્તાર કરનાર તેમજ જીવનમાં પ્રગતિ કરાવનાર હોય છે. ગુરુનું આ વક્રી ભ્રમણ વિશેષ કરીને ધનુ અને મીન જન્મરાશિ અને જન્મલગ્નો ધરાવતાં જાતકોને અસરકર્તા બની રહી શકે છે. 

શુક્રનો કર્ક રાશિમાં પ્રવેશ : જૂન ૨૨, ૨૦૨૧ થી જુલાઈ ૧૭, ૨૦૨૧ સુધી

જૂન ૨૨, ૨૦૨૧ના રોજ ૧૪.૨૨ કલાકે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર એ સ્ત્રી ગ્રહ છે અને કર્ક રાશિ એ સ્ત્રી ગ્રહ ચંદ્રનું સ્વામીત્વ ધરાવતી સ્ત્રી રાશિ છે. આ રાશિમાં શુક્રના પ્રવેશ સાથે લાગણીઓ અને સંવેદનાઓ તીવ્ર બની શકે છે. કર્ક રાશિમાં અગાઉથી મંગળ મહારાજ ભ્રમણ કરી રહ્યાં છે. શુક્રના કર્ક પ્રવેશ સાથે શુક્ર સ્ત્રી ગ્રહ અને મંગળ પુરુષ ગ્રહની યુતિ સર્જાશે. આ સમય હવે પ્રણય, સંબંધો, વિજાતીય વ્યક્તિ સંબંધી બાબતો અંગે વળગણ રખાવી શકે. મેષ, વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મકર જન્મરાશિ કે જન્મલગ્ન ધરાવતાં જાતકોનાં જીવનમાં વિજાતીય વ્યક્તિ પ્રવેશી શકે અથવા આ જાતકો માટે જીવનમાં સંબંધો મહત્વના બને. શુક્ર અને મંગળની યુતિ ઉપર મકર રાશિમાં ભ્રમણ કરી રહેલ શનિ મહારાજની દ્રષ્ટિ રહેશે. શનિની દ્રષ્ટિને લીધે સંબંધો સફળ થવામાં અવરોધ આવી શકે અથવા સંબંધો પ્રત્યે વ્યવહારિક અભિગમ દાખવવાનું વલણ રહે. 

ટિપ્પણીઓ

Niraj Doshi એ કહ્યું…
Very accurate analysis and I am seeing this what’s going on around me.

I am singh lagna. To give an example from a few weeks everything has started slowing down and has longer wait periods. And you cannot do anything about that, as the ball is in someone else’s court now, all you can do is wait and watch. And this is occurring in various aspects of my life currently.
Vinati Davda એ કહ્યું…
@Niraj Doshi, Thank you for sharing. I hope everything will be alright for you soon. God bless you

હાલ સિંહ જન્મલગ્ન/જન્મરાશિ માટે મુશ્કેલ સમય વધારે એટલાં માટે પણ છે કારણકે સિંહ જન્મલગ્ન/જન્મરાશિનો સ્વામી સૂર્ય વૃષભ રાશિમાં રાહુની પકડમાં છે. આ ઉપરાંત જૂન ૧૦, ૨૦૨૧ના રોજ સૂર્યગ્રહણ ઘટિત થવાં જઈ રહ્યું છે. જૂન ૧૫, ૨૦૨૧ના રોજ સૂર્ય રાહુની પકડમાંથી મુક્ત થઈને મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે અને તેનાં પર ગુરુની દ્રષ્ટિ પડશે. ત્યારબાદ થોડી રાહત કે હળવાશનો અનુભવ થઈ શકશે. આપને મારી હાર્દિક શુભેચ્છાઓ.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા