મે ૨૦૨૧ ના ગોચર ગ્રહોનું ફળ

Pixabay

બુધનો વૃષભ પ્રવેશ : મે ૧, ૨૦૨૧ થી મે ૨૬, ૨૦૨૧ સુધી 

યુવરાજ બુધ મે ૧, ૨૦૨૧ના રોજ વહેલી સવારે ૦૫.૪૨ કલાકે અગ્નિતત્વ ધરાવતી મેષ રાશિમાંથી નીકળીને પૃથ્વીતત્વ ધરાવતી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે વૃષભ અને મિથુન રાશિમાં બુધનો ગોચર ભ્રમણકાળ શુભ ગણાય છે. હાલ રાહુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. બુધના વૃષભ પ્રવેશ સાથે જ બુધ અને રાહુની યુતિ રચાશે. મે ૧૧, ૨૦૨૧ના રોજ બુધ અને રાહુની અંશાત્મક યુતિ રચાશે. બુધના આ ભ્રમણ દરમિયાન બુદ્ધિનો વાસ્તવિક અને વ્યવહારુ કાર્યોમાં ઉપયોગ થઈ શકે. કમ્યુનિકેશન અને વિચારોમાં વિશિષ્ટતા કે અનોખાંપણું અનુભવી શકાય. ચર્ચાઓ, સંવાદોને લઈને એક પ્રકારના સંતોષનો અનુભવ થાય. નાણાકીય યોજનાઓ ઘડવાં માટે ઉત્તમ સમય રહે.

શુક્રનો વૃષભ પ્રવેશ : મે ૪, ૨૦૨૧ થી મે ૨૯, ૨૦૨૧ સુધી

મે ૪, ૨૦૨૧ના રોજ ૧૩.૨૭ કલાકે શુક્ર મહારાજ સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે. સ્વરાશિમાં શુક્ર મહારાજને બળની પ્રાપ્તિ થશે. શુક્ર અહીં મે ૨૯, ૨૦૨૧ સુધી ભ્રમણ કરશે. વૃષભ રાશિમાં અગાઉથી જ બુધ અને રાહુ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. થોડાં સમય બાદ સૂર્ય મહારાજ પણ બુધ, શુક્ર અને રાહુની ત્રિપુટી સાથે વૃષભમાં જોડાણ કરશે. વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને ગ્રહોની આ ચાલ જોતાં મે માસ શુક્રનાં  ગુણો અને કારકત્વ સંબંધિત બાબતો માટે શુભ રહેવાની શક્યતા છે. સર્જનાત્મક અને રચનાત્મક કાર્યોમાં ઉર્જા રેડી શકાય. સાજ-સજાવટ અને બાગકામ કરી શકાય. નાણાકીય વ્યવહારો માટે સમય સાનૂકૂળ રહે. વૈભવી વસ્તુઓની ખરીદારી કરી શકાય. મે માસ આકર્ષણ, પ્રણય અને સંબંધોને લગતી બાબતો માટે પણ શુભ રહી શકે છે. મે ૧૮, ૨૦૨૧ના રોજ શુક્ર અને રાહુ અંશાત્મક રીતે સંબંધમાં આવશે. વૃષભ રાશિમાં રાહુ સાથે શુક્રનું જોડાણ અનપેક્ષિત, અકસ્માતે કે અચાનક લાભદાયી પૂરવાર થાય તેવાં સંબંધો આપી શકે. વર્તમાન સંબંધોમાં રહેલ તણાવ દૂર થઈ શકે છે. વૃષભ રાશિ એ સલામતી અને સ્થિરતા ઝંખતી રાશિ છે. વૃષભ રાશિમાં તેના સ્વામી શુક્રનું ગોચર ભ્રમણ સલામતીની ભાવના પ્રદાન કરી શકે છે. સ્થિર જન્મરાશિઓ/જન્મલગ્નો વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિઓ માટે ગોચરમાં પંચમહાપુરુષ યોગ પૈકીના માલવ્યયોગની રચના થશે. આ યોગને લીધે આ જાતકોને જીવનમાં સકારાત્મકતા, શુભ તકો અને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. 

અક્ષય તૃતીયા : મે ૧૪, ૨૦૨૧

જ્યોતિષશાસ્ત્રમાં અક્ષય તૃતીયાનું પાવન પર્વ વિશેષ મહત્વ ધરાવે છે. સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ અને વૃષભમાં હોય તેવી આ ઘટના વર્ષમાં ફક્ત એકવાર ઘટે છે. આ વર્ષે અક્ષય તૃતીયા મે ૧૪, ૨૦૨૧, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. આ વર્ષે સાયંકાળે ૦૭.૧૫ કલાકે ચંદ્ર વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ રાત્રિના ૧૧.૨૬ કલાકે સૂર્ય મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે. અક્ષય તૃતીયા વિશે વધુ વિગતે જાણવાં માટે વાંચો – અક્ષય તૃતીયા – એક વણજોયું મુહૂર્ત

તૃતીયા તિથિ પ્રારંભ : મે ૧૪, ૨૦૨૧ – પ્રાત:કાળ ૦૫.૩૮ કલાક

તૃતીયા તિથિ સમાપ્ત : મે ૧૫, ૨૦૨૧ – પ્રાત:કાળ ૦૭.૫૯ કલાક  

સૂર્યનો વૃષભ પ્રવેશ : મે ૧૪, ૨૦૨૧ થી જૂન ૧૫, ૨૦૨૧ સુધી

સૂર્ય મહારાજ રાત્રિના ૧૧.૨૬ કલાકે પોતાની ઉચ્ચ રાશિ મેષમાંથી નીકળીને શુક્રનું સ્વામીત્વ ધરાવતી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય અગાઉથી ભ્રમણ કરી રહેલાં બુધ, શુક્ર અને રાહુ સાથે જોડાશે. અગ્નિતત્વ ધરાવતી ઉચ્ચ રાશિમાંથી પૃથ્વીતત્વ ધરાવતી વૃષભ રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જાણે કે પૂરપાટ દોડતી ગાડીને અચાનક બ્રેક લાગી હોય તેવો અનુભવ થાય. આ સમય હવે ધીમાં પડવાનો અને સ્થિરતાનો અનુભવ કરવાનો છે. પ્રકૃતિના ખોળે તેની સુંદરતા માણવાનો, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાનો અને આરામ કરવાનો સમય છે. વૃષભમાં સૂર્યના ગોચર ભ્રમણનો સમય કૌટુંબિક કાર્યો કરવાં માટે અથવા કુટુંબના સભ્યો સાથે સમય વીતાવવા માટે શુભ રહી શકે છે. ચાર ગ્રહો સ્થિર રાશિમાં હોવાથી આ સમય દરમિયાન નક્કર પાયારૂપ કાર્યો થઈ શકે. જો કે અહીં સૂર્યનું રાહુ સાથેનું જોડાણ જીવનમાં અસમંજસભરી સ્થિતિ પેદા કરી શકે છે. પરંતુ શાંત અને સ્થિર મન રાખીને પરિસ્થિતિ પર કાબુ મેળવવો શક્ય બને.

શનિ વક્રી : મે ૨૩, ૨૦૨૧ થી ઓક્ટોબર ૧૧, ૨૦૨૧ સુધી 

શનિ લગભગ દર બાર મહિને આશરે સાડા ચાર માસ સુધી વક્રી બને છે. મે ૨૩, ૨૦૨૧ના રોજ ૧૪.૫૦ કલાકે વક્રી બનતો શનિ ઓક્ટોબર ૧૧, ૨૦૨૧ સુધી સ્વરાશિ મકરમાં વક્રી ભ્રમણ કરશે. મકર રાશિમાં શનિ ૧૯ અંશે વક્રી થઈ રહ્યો છે. તે મકર રાશિના ૧૨ અંશ સુધી પાછળ જશે અને ત્યારબાદ ફરી માર્ગી થશે. શનિ એ આપણે ભૂતકાળમાં કરેલાં કર્મોનો ન્યાય તોળનારો ગ્રહ છે. વક્રી થાય છે ત્યારે કર્મનું ફળ તીવ્રપણે અનુભવાય છે. શનિના વક્રી ભ્રમણ દરમિયાન ઉદાસી, હતાશા, નિરાશાભર્યા અને નકારાત્મક વિચારો તેમજ એકલતાનો અનુભવ થઈ શકે છે. જીવન થંભી રહ્યું હોય કે ધીમું પડી રહ્યું હોય તેવું લાગે. કાર્યો અટકતાં જણાય અને તેમાં વિલંબ થતો જોવાં મળે. આ સમય જીવનને પડકાર ફેંકવાનો નહિ, પરંતુ તેને સમર્પિત થવાનો છે. “જેવી ઈશ્વરની મરજી” અને “ઈશ્વર જે કરે તે સારા માટે” આ વાક્યોને ખરાં અર્થમાં જીવવાનો છે. શનિનું વક્રી ભ્રમણ એ એક જાતની પરીક્ષા છે કે જેમાં ધીરજ રાખવાથી ચોક્કસપણે ઉતીર્ણ થઈ શકાશે.

ખગ્રાસ ચંદ્રગ્રહણ : મે ૨૬, ૨૦૨૧

મે ૨૬, ૨૦૨૧ના રોજ ભારતીય સમય અનુસાર બપોરે ૧૫.૧૪ કલાકે વૃશ્ચિક રાશિમાં ખગ્રાસ ચંદ્ર ગ્રહણ થવાં જઈ રહ્યું છે. ઉચ્ચત્તમ અવસ્થા ૧૬.૪૮ કલાકે આવશે. આ ગ્રહણ સંધ્યાકાળે ૧૮.૨૨ કલાકે પૂર્ણ થશે. ભારતમાં આ ગ્રહણનો સ્પર્શ દેખાવાનો નથી. ભારતના પૂર્વ ભાગમાં આ ગ્રહણ આંશિકરૂપે ગ્રસિત થયેલું દેખાશે. પશ્ચિમ ભારતમાં દેખાશે નહિ. મુંબઈમાં ૬ મિનિટ માટે માંદ્ય રૂપે દેખાશે. આથી આ ગ્રહણના વેધ-સૂતક વગેરેને લગતાં નિયમો પાળવાના રહેતાં નથી.

પૂર્ણ ગ્રહણને ખગ્રાસઅને અપૂર્ણ ગ્રહણને ખંડગ્રાસકહેવાય છે. ગ્રહણ સામાન્ય રીતે જોડીમાં થાય છે. ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે ઘટિત થાય છે. જ્યારે સૂર્યગ્રહણ અમાવસ્યાને દિવસે ઘટિત થાય છે. આ વખતે ચંદ્રગ્રહણ પહેલાં ઘટીત થવાનું છે અને ત્યારબાદ જૂન ૧૦, ૨૦૨૧ના રોજ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણના ૧૫ દિવસ બાદ સૂર્યગ્રહણ થવું અશુભ ગણાય છે. સૂર્યગ્રહણના ૧૫ દિવસ બાદ ચંદ્રગ્રહણ થાય તો શુભ ગણાય છે.

જળરાશિ વૃશ્ચિક અને શનિના નક્ષત્ર અનુરાધામાં ઘટીત થનારાં ગ્રહણના પ્રભાવને લીધે આપણી લાગણીઓ અને સંવેદનાઓ તીવ્ર બની શકે છે. માનસિક તણાવ અને તક્લીફોનો અનુભવ થઈ શકે છે. લાગણીઓ રુંધાઈ રહી હોય અથવા તેને યોગ્ય રીતે અભિવ્યકત ન કરી શકાતી હોય તેવો અનુભવ થાય. સામાન્ય રીતે ચંદ્રગ્રહણનું ફળ તરત જોવાં મળતું હોય છે. આશરે એક મહિના સુધી આ અસર રહી શકે છે. ગ્રહણના દિવસે કોઈ મહત્વના કે ખાસ કાર્યો કરવાથી અથવા મુસાફરી કરવાથી દૂર રહેવું. રોજીંદા સામાન્ય કામકાજમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરવો.

શાસ્ત્ર અનુસાર ગ્રહણકાળનો સમય ધ્યાન, તપ, દાન, પ્રાર્થના, મંત્રજાપ માટે શ્રેષ્ઠ છે. આ દરમિયાન શક્ય હોય તેટલી વધુ સંખ્યામાં મંત્રજાપ કરવાં જોઈએ. ગ્રહણ એ મંત્રસિદ્ધિનું પર્વ છે. 

શુક્રનો મિથુન પ્રવેશ : મે ૨૯, ૨૦૨૧ થી જૂન ૨૨, ૨૦૨૧ સુધી

મે ૨૯, ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૦.૦૨ કલાકે શુક્ર મહારાજ સ્વરાશિ વૃષભમાંથી નીકળીને મિત્ર બુધનું સ્વામીત્વ ધરાવતી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના મિથુન રાશિમાં પ્રવેશ સમયે અગાઉથી બુધ અને મંગળ મિથુન રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. પરંતુ ટૂંક સમયમાં જૂન ૨, ૨૦૨૧ના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ જૂન ૩, ૨૦૨૧ના રોજ બુધ વક્રી થઈને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરી જશે. એ સાથે જ જૂન ૩ થી જૂન ૨૨ સુધી શુક્ર અને બુધ વચ્ચે પરિવર્તનયોગ રચાશે.  જૂન ૧૫, ૨૦૨૧ના રોજ સૂર્ય મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી શુક્ર મહારાજ એકલાં જ મિથુન રાશિમાં સંચરણ કરશે અને તેમનાં પર કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજની પંચમ દ્રષ્ટિ રહેશે.

શુક્રનું આ ભ્રમણ પ્રિયજન કે જીવનસાથી સાથેના કમ્યુનિકેશન સંદર્ભે અગત્યનો ભાગ ભજવી શકે છે. અગાઉ કોઈ વાત કહેવાનો કે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હોય પરંતુ કોઈ કારણોસર જો વાત ન થઈ શકી હોય તો આ સમય હવે યોગ્ય છે. કોઈ જૂની વાત કે અધૂરી રહી ગયેલી ચર્ચા કે કોઈ બંધ કરી દેવો પડેલો મુદ્દો ફરી ઉખેડી શકાય. કોઈ જૂની વાત-ચર્ચાને તાજી કરીને ફરી મમળાવી શકાય. પ્રિયજન સાથે મળીને કોઈ વાંચી લીધેલું પુસ્તક ફરી વાંચી શકાય કે અગાઉ મુલાકાત લઈ ચૂક્યાં હો તેવાં સ્થળની ફરી મુલાકાત લઈ શકાય. પ્રિયજન સાથે અગાઉ જે રીતે વાતો કરતાં હોય કે સંવાદ સાધતાં હોય તે ઢબને પુનર્જિવીત કરી શકાય. જેમ કે કોઈ ડિજીટલ માધ્યમ દ્વારા સંદેશો મોકલવાની બદલે હસ્તલિખીત પત્ર, કાર્ડ કે ચિઠ્ઠીની આપ-લે કરી સંવાદ સાધવાનો પ્રયત્ન કરવો! આ સમય અગાઉ પડતાં મૂકી દિધેલ બૌદ્ધિક સર્જનાત્મક કાર્યોને ફરી શરૂ કરવાં માટે પણ એકદમ યોગ્ય રહે.

શુક્રના મિથુન ભ્રમણ દરમિયાન નાણાકીય ખર્ચાઓનું ખાસ ધ્યાન રાખવું. કમ્યુનિકેશનના માધ્યમો, વૈભવી સાધનો અથવા સાધનોના રિપેરિંગ પાછળ ખર્ચાઓ થઈ શકે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધી શકે છે. 

બુધનું વક્રી ભ્રમણ : મે ૩૦, ૨૦૨૧ થી જૂન ૨૩, ૨૦૨૧ સુધી

મે ૩૦, ૨૦૨૧ના રોજ પ્રાત:કાળ ૦૪.૦૫ કલાકે બુધ મહારાજ મિથુન રાશિમાં વક્રી થશે. વક્રી થઈને જૂન ૩, ૨૦૨૧ના રોજ બુધ પુન: વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જૂન ૨૩, ૨૦૨૧ સુધી વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ કરશે. જુલાઈ ૭, ૨૦૨૧ના રોજ માર્ગી ભ્રમણ કરતાં પુન: મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

બુધ એક વર્ષમાં ત્રણથી ચાર વખત આશરે ચોવીસ દિવસ માટે વક્રી બને છે. બુધ વાણી, અભિવ્યક્તિ, વાતચીત, સંવાદ, વિચારોના અને માહિતીના આદાન-પ્રદાન, ચર્ચા વિચારણા, લેખન, વાંચન, પ્રકાશન, મુસાફરીઓ, વેપાર-વાણિજ્ય વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે પણ વક્રી થાય છે ત્યારે આ સર્વે બાબતોને અવળી અસર પહોંચે છે. બુધનો વક્રી સમયગાળો હંમેશા ધ્યાન ખેંચનારો અને થોડી સાવધાની વર્તવાનો હોય છે.

વક્રી બુધના ભ્રમણ દરમિયાન શું કાળજી રાખશો? દરેક પ્રકારના કમ્યુનિકેશન બાબતે સાવધ રહો. ધ્યાનથી વાંચો, ધ્યાનથી સાંભળો, ધ્યાનથી લખો. સમય કમ્યુનિકેશનને લઈને ગેરસમજો કે મૂંઝવણ પેદા કરી શકે છે. કોઈ પણ પ્રકારની મોટી ખરીદી કરવાથી કે કરારો કરવાથી દૂર રહો. પાછળથી ખરીદી કરેલ વસ્તુ બાબતે પસ્તાવાનો અનુભવ થાય છે. નવા સાહસો કે નવી નોકરીની શરૂઆત કરવાથી દૂર રહો. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો. બુધના વક્રી ભ્રમણ દરમિયાન કોઈ જૂના મિત્ર કે જૂના પ્રેમ સાથે ફરી સંપર્ક કે મુલાકાત થઈ શકે. સમય બાકી રહી ગયેલાં, અધૂરાં છોડી દિધેલાં કે ભૂલાઈ ગયેલાં કાર્યો ફરી શરૂ કરવા માટે છે. કોઈ વાંચી લીધેલું પુસ્તક ફરી વાંચવું, અગાઉ લીધેલ સ્થળની ફરી મુલાકાત લેવી કે ફરી કોઈ જૂના મિત્ર સાથે યાદો તાજી કરવી વક્રી બુધના સમયનો આનંદ છે. જીવનમાં જે રસ્તો કાપીને આવ્યાં તે રસ્તે પલટીને ફરી એક નજર નાખી લેવી અને વધુ એક વખત વીતી ગયેલી ક્ષણને જીવી લેવાનો આ અવસર છે!

વક્રી બુધની અસર કમ્યુનિકેશન ઈન્ડસ્ટ્રી પર પડી શકે છે. હાલ ચાલી રહેલ ભારત સરકાર અને સોશિયલ મિડીયા કંપનીઓ વચ્ચેનો વિવાદ આ સમયગાળા દરમિયાન ચોક્કસપણે વકરી શકે છે. વક્રી બુધનું વૃષભ રાશિમાં રાહુ સાથેનું જોડાણ ટેકનોલોજી અને કમ્યુનિકેશન ક્ષેત્રે નવા કાયદાઓ અને નવી પદ્ધતિઓને જન્મ આપી શકે છે.  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર