અક્ષય તૃતીયા - એક વણજોયું મુહૂર્ત


વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથિને અક્ષય તૃતીયા અથવા તો અખા ત્રીજ કહે છે. વર્ષ 2019માં અક્ષય તૃતીયા 7 મે, મંગળવારનાં રોજ આવી રહી છે. અક્ષય એટલે કે જેનો કદી ક્ષય થતો નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે કંઈ શુભ કાર્યો શરૂ કરવામાં આવે તેનું ફળ ક્ષય પામતું નથી અને તેથી જ આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે.

અક્ષય તૃતીયાનું જ્યોતિષિક મહત્વ

નવ ગ્રહોમાં રાજા અને રાણી સમાન સૂર્ય અને ચંદ્ર એ બંને આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ અને વૃષભમાં સ્થિત હોય છે. આ ઘટના વર્ષમાં માત્ર એક વાર ઘટે છે. મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કહ્યું છે કે કુંડળીમાં રચાયેલા દરેક શુભ યોગોનું શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે સૂર્ય અને ચંદ્ર બળવાન હોય. અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને બળવાન હોવાથી શુભ યોગોનું મહત્તમ ફળ પ્રાપ્ત થવાનો અવસર પેદા થાય છે. આ વર્ષની વિશેષતા એ છે કે પાંચ ગ્રહો સૂર્ય, ચંદ્ર, શુક્ર, રાહુ અને કેતુ પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ, વૃષભ, મીન, મિથુન અને ધનુમાં ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. પાંચ ગ્રહોનું પોતાની ઉચ્ચ રાશિમાં ભ્રમણ એક અતિ શુભ સંયોગ છે.

અક્ષય તૃતીયાનું સ્વયં સિદ્ધ કે વણજોયાં મુહૂર્ત તરીકે વિશેષ મહત્વ છે. આ દિવસે પંચાંગ અને મુહૂર્ત શુદ્ધિ જોયા વગર કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત થઇ શકે છે. વિવાહ, ગૃહ પ્રવેશ, વસ્ત્ર કે આભૂષણોની ખરીદદારી, જમીન કે વાહન આદિની ખરીદદારી તેમજ નવા સાહસ કે રોકાણો કરવા માટે આ દિવસ શુભ છે. અક્ષય તૃતીયા અનંત કાળ સુધી સમૃદ્ધિ અને સફળતા અપાવનારો દિવસ ગણાય છે. આ દિવસે પિતૃઓને કરાયેલું તર્પણ કે પિંડદાન અથવા કોઈ પણ પ્રકારનું દાન અક્ષય ફળ પ્રદાન કરે છે. માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કે અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના સર્વે પાપોનો નાશ થાય છે. જો આ તિથિ સોમવાર અને રોહિણી નક્ષત્રનાં દિવસે આવે તો તે દિવસે કરાયેલા જપ, તપ, દાન ઇત્યાદિનું ફળ ઘણું વધી જાય છે. અક્ષય તૃતીયા મધ્યાહ્ન પહેલાં શરૂ થાય અને પ્રદોષ કાળ સુધી રહે તો તેને શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ વર્ષે અક્ષય તૃતીયા 7 મે, 2019ના વહેલી સવારે 03.19 કલાકથી શરૂ થશે અને 8 મે, 2019ના રોજ મધ્યરાત્રિએ 02.18 કલાકે પૂર્ણ થશે.

અક્ષય તૃતીયાના દિવસનો પૌરાણિક મહિમા

સતયુગ અને ત્રેતા યુગનો આરંભ આ તિથિથી થયો હતો. અક્ષય તૃતીયાને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે. યુગાદિ શબ્દની સંધિ છૂટી પાડીએ તો યુગ + આદિ થાય, એટલે કે એક યુગનો આરંભ થવો. આ દિવસે ત્રેતા યુગનો આરંભ થયો હતો અને તેથી જ અક્ષય તૃતીયાને યુગાદિ તિથિ કહેવામાં આવે છે. ત્રેતા યુગમાં જ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. શ્રી રામ સૂર્યવંશી હતાં. અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં રહીને પૂર્ણ બળવાન હોય છે. આથી જ આ દિવસે સૂર્યપ્રધાન યુગ ત્રેતા યુગનો આરંભ થયો.  

ભગવાન વિષ્ણુના અવતાર શ્રી નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામજીનું અવતરણ પણ આ જ તિથિએ થયું હતું. ભગવાન પરશુરામજી વિશે કહેવાય છે કે તેમણે 21 વાર પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી હતી. અહીં ક્ષત્રિયનો સંબંધ વર્ણ સાથે નથી, પરંતુ સત્વ, રજસ અને તમસ ગુણ સાથે છે. ભગવાન પરશુરામજીએ બ્રાહણત્વ એટલે કે સત્વ ગુણને પ્રાધાન્ય આપવાં માટે રજસ તેમજ તમસ ગુણનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

સૃષ્ટિના રચયિતા શ્રી બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું અવતરણ થયું હતું.

મા અન્નપૂર્ણાનો જન્મ થયો.

આ દિવસે મહાભારત યુદ્ધનું સમાપન થયું હતું અને આ જ દિવસે દ્વાપર યુગનું પણ સમાપન થયું હતું.

અક્ષય તૃતીયાના દિવસે પાંડવોને શ્રી કૃષ્ણ પાસેથી અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ હતી. આથી આ દિવસે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે તો ઘરમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિની કમી રહેતી નથી.

એવું મનાય છે કે આ જ દિવસે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરવાની શરૂઆત કરી હતી.

અક્ષય તૃતીયાના દિવસે જ સુદામા શ્રી કૃષ્ણને મળવા ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશીય છે. ચંદ્ર આ દિવસે વૃષભ રાશિમાં રહીને ઉચ્ચનો બને છે. જ્યોતિષમાં ચંદ્ર મનનો કારક ગ્રહ છે. સુદામા નિર્દોષ અને નિસ્વાર્થ ભક્તિનું પ્રતીક છે. આથી કહી શકાય કે નિસ્વાર્થ ભક્તિ સાથે જો મન ઈશ્વરને સમર્પિત કરવામાં આવે તો ઈશ્વર પ્રસન્ન થાય છે. ઈશ્વર જે રીતે સુદામાની ભક્તિ પર પ્રસન્ન થયાં એ જ રીતે આપણાં પર પણ પ્રસન્ન થાય છે અને તેમની સાથે આપણો મેળાપ શક્ય બને છે.

આ જ દિવસે શ્રી બલરામ જયંતિ પણ ઉજવાય છે.

પવિત્ર નદી ગંગા અક્ષય તૃતીયાના દિવસે જ સ્વર્ગમાંથી પૃથ્વી પર નીચે ઉતરી હતી. આથી જ અક્ષય તૃતીયના દિવસે ગંગા પૂજન અને ગંગા સ્નાનનું મહત્વ રહેલું છે.

દેવી વિજયા ચામુંડેશ્વરીએ આ જ દિવસે અસુરનો સંહાર કર્યો હતો.

પુરાણો અનુસાર દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેર સ્વયં આ દિવસે શ્રી લક્ષ્મીજીની આરાધના કરે છે. ભગવાન શિવે આ દિવસે મા લક્ષ્મી અને કુબેરજીને જગતની સંપતિ અને ધનનું રક્ષણ કરવાં નિયુક્ત કર્યા હતાં. આથી જ આ દિવસે સોના-ચાંદી અને અન્ય મૂલ્યવાન આભૂષણો તેમજ વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ છે.

મહાભારત કાળમાં જ્યારે દુર્યોધને દ્રૌપદીનું ચીરહરણ કર્યુ હતું તે દિવસે અક્ષય તૃતીયા હતી. ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીનો પોકાર સાંભળી અનંત ચીર પૂરાં પાડી તેની રક્ષા કરી હતી.

પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથના દ્વાર પણ પુનઃ આ તિથિએ જ ખુલે છે.

આ દિવસે ભક્તોને વૃદાંવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં ભગવાનના શ્રીવિગ્રહ સ્વરૂપમાં ચરણોનાં દર્શન કરાવવામાં આવે છે.

જૈન ધર્મમાં પણ અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. આ દિવસે જૈનોનાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને એક વર્ષની તપસ્યા પૂર્ણ કર્યા બાદ ઈક્ષુ એટલે કે શેરડીના રસથી પારાયણ કર્યુ હતું. કહેવાય છે કે ઈક્ષુ પરથી અક્ષય અને એ રીતે જ અક્ષય તૃતીયા નામ પડેલું છે.

અક્ષય તૃતીયાનું ધાર્મિક - આધ્યાત્મિક મહત્વ

અક્ષય તૃતીયાને દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી લક્ષ્મીની પૂજા વિશેષ ફળદાયી છે. આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતના પાઠ કરવા શ્રેષ્ઠ છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રી લક્ષ્મી નારાયણની પૂજા સફેદ કમળ અથવા સફેદ ગુલાબ કે પીળા ગુલાબથી કરવી જોઈએ. આ દિવસ અભ્યાસ કે લેખનકાર્ય શરૂ કરવા માટે શુભ છે. આ દિવસની આધ્યાત્મિક ઉર્જા ઉચ્ચ પ્રકારના વિચારો સર્જવામાં મદદરૂપ બને છે. અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું કલ્યાણકારી છે. આ દિવસે કરાયેલું દાન પુણ્યકારી છે. એવું મનાય છે કે આ દિવસે જે-જે વસ્તુઓનું દાન કરવામાં આવે તે સ્વર્ગમાં અથવા આવતાં જન્મમાં પ્રાપ્ત થાય છે. ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું, મધ અને કન્યા આ બાર દાનનું મહત્વ છે. સર્વે દાનોમાં કન્યાદાન વિશેષ મહત્વપૂર્ણ છે. આથી આ દિવસે કન્યાના વિવાહ કરવામાં આવે છે. દાન આપનારને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આ તિથિએ જે વ્રત કરે છે તેને રિદ્ધિ, સિદ્ધિ અને સંપતિની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા અનુસાર આ દિવસે ઉપવાસ કરવાથી વ્રત કરનારને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ રહેતો નથી. તેના ભંડાર હંમેશા ભરેલાં રહે છે. આ વ્રતનું ફળ ક્યારેય ઓછું થતું નથી કે નષ્ટ પામતું નથી. આ દિવસે પોતાનાં પૂર્વજોની યાદમાં શીતળ જળથી ભરેલાં ઘડાં પાણીના પરબમાં રખાવવાનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે પોતાના સારા આચરણ અને સદગુણો દ્વારા અન્યોનાં આશીર્વાદની પ્રાપ્તિ અક્ષય રહે છે. અક્ષય તૃતીયાના દિવસે પ્રારંભ કરાયેલાં કાર્યો કે આ દિવસે અપાયેલાં દાનનો ક્યારેય ક્ષય થતો નથી. આથી જે કોઈ કાર્યનું ફળ અનંતકાળ સુધી ઈચ્છતા હો તે કાર્યનો પ્રારંભ અક્ષય તૃતીયાના દિવસે કરી શકાય. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો