સમંત્ર સૂર્યનમસ્કાર : એક ઉપાય
આપણું આ પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખવાં માટે સૂર્યની હાજરી અતિ આવશ્યક છે. આ સંસારમાં અસ્તિત્વ ધરાવતી પ્રત્યેક વસ્તુનો મૂળ આધાર સૂર્ય છે. બધાં ગ્રહો અને ઉપગ્રહો સૂર્યની આકર્ષણશક્તિને લીધે જ પોતાના નિશ્ચિત પથ પર પરિક્રમા કરી રહ્યાં છે. સંસારમાં ઉર્જાનો સૌથી મોટો સ્તોત્ર સૂર્ય જ છે અને તેની ઉર્જા દ્વારા જ સંસારની તમામ ગતિવિધિઓનું સંચાલન થાય છે. સૂર્યમાંથી નીકળનારી ઉર્જાને લીધે જ પ્રકૃતિમાં પરિવર્તન આવે છે.
પૌરાણિક શાસ્ત્રો અનુસાર સૂર્ય જીવનનું
કેન્દ્ર બનીને શક્તિ, ઉર્જા
અને પ્રાણદાયક છે. આથી જ સૂર્ય દેવતાના રૂપમાં પૂજનીય છે. વિશ્વના અન્ય દેશો પણ
સૂર્યને પૂજનીય ગણે છે. સૂર્યદેવ એ સૃષ્ટિના રચયિતા બ્રહ્માના પ્રતિનિધિ છે. હિંદુ
ધર્મમાં સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યાં છે. આથી યોગશાસ્ત્રોમાં
સૂર્યનમસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ ગ્રહોમાં રાજા સૂર્ય છે તેમ આસનોમાં
સૂર્યનમસ્કાર રાજા છે. સમસ્ત ગ્રહોની વ્યાધિ સૂર્ય ઉપાસના કરવાથી શાંત થાય છે.
પ્રાત:કાળ ઉગતાં સૂર્યને સૂર્યનમસ્કાર કરવાનું વિધાન છે. સૂર્યનમસ્કાર કરવાથી જાતકની
પ્રાણશક્તિમાં વૃદ્ધિ થાય છે.
સૂર્યનમસ્કારમાં બાર મંત્રોનું ઉચ્ચારણ
કરવામાં આવે છે. પ્રત્યેક મંત્રમાં સૂર્યનું એક નામ લેવામાં આવે છે. આ દરેક
મંત્રનો એક જ સરળ અર્થ છે – સૂર્યદેવને (મારા) નમસ્કાર છે. બાર યોગાસનો મેળવીને
સૂર્યનમસ્કારની રચના થઈ છે. દરેક આસનનું પોતાનું આગવું મહત્વ છે. આ એક સંપૂર્ણ
વ્યાયામ છે. એમ કહી શકાય કે સૂર્યનમસ્કાર કર્યા બાદ અન્ય કોઈ આસન, યોગ અલગથી કરવાની જરૂરત રહેતી
નથી. સૂર્યનમસ્કારની બાર સ્થિતિઓ અથવા ચરણો દરમિયાન બાર મંત્રોનું ઉચ્ચારણ
કરવામાં આવે છે. સૂર્યનમસ્કારની શરૂઆતમાં સૌથી પહેલા સૂર્યદેવ માટે પ્રાર્થના કરવામાં
આવે છે, અને અંતે, તેનું મહત્ત્વ દર્શાવતા નમસ્કારપૂર્વક એક શ્લોક બોલવામાં આવે છે.
સૂર્યનમસ્કાર મંત્ર - નિમ્ન મંત્રનું
ઉચ્ચારણ સૂર્યનમસ્કારના આરંભમાં કરવામાં આવે છે.
ૐ ધ્યેય: સદા સવિતૃ-મંડલ-મધ્યવર્તી,
નારાયણ:
સરસિજાસન-સન્નિવિષ્ટ: ।
કેયૂરવાન મકરકુંડલવાન કિરીટી, હારી
હિરણ્મયવપુર્ધૃતશંખચક્ર: ॥
સૂર્યનમસ્કારના બાર ચરણોના મંત્ર
૧. ૐ મિત્રાય નમ:
૨. ૐ રવયે નમ:
3. ૐ સૂર્યાય નમ:
૪. ૐ ભાનવે નમ:
૫. ૐ ખગાય નમ:
૬. ૐ પૂષ્ણે નમ:
૭. ૐ હિરણ્યગર્ભાય નમ:
૮. ૐ મરીચયે નમ:
૯. ૐ આદિત્યાય નમ:
૧૦. ૐ સવિત્રે નમ:
૧૧. ૐ અર્કાય નમ:
૧૨. ૐ ભાસ્કરાય નમ:
ૐ શ્રી સવિતૃસૂર્યનારાયણાય નમ:
સૂર્યનમસ્કાર મંત્ર - નિમ્ન મંત્રનું ઉચ્ચારણ સૂર્યનમસ્કારના અંતે કરવામાં આવે છે.
આદિત્યસ્ય નમસ્કારાન યે કુર્વન્તિ દિને દિને ।
આયુ: પ્રજ્ઞા બલં વીર્યં તેજસ્તેષાં ચ જાયતે ॥
(જે લોકો પ્રતિદિન સૂર્યનમસ્કાર કરે છે,
તેમની આયુ, પ્રજ્ઞા, બળ, વીર્ય અને તેજ વૃદ્ધિ પામે છે)
સૂર્યનમસ્કાર અને જ્યોતિષ
સૂર્યનમસ્કાર અને જ્યોતિષ અરસ-પરસ સંકળાયેલ છે.
સૂર્યનમસ્કાર બાર સ્થિતિઓ કે ચરણોનું બનેલું યોગાસન છે. જ્યારે જ્યોતિષમાં બાર
રાશિઓ આવેલી છે. આ બાર રાશિઓ કઈ રીતે અસ્તિત્વમાં આવી છે? સૂર્યને
એક રાશિનું પરિભ્રમણ પૂર્ણ કરતાં આશરે એક માસ જેટલો સમય લાગે છે. એક વર્ષની અંદર
સૂર્ય બાર રાશિઓના બનેલાં એક રાશિચક્રનું ભ્રમણ પૂર્ણ કરે છે. આમ બાર રાશિઓ એ એક
વર્ષની અંદર આકાશમાં થતી સૂર્યની ગતિની સૂચક છે. સૂર્યનમસ્કારની પ્રત્યેક સ્થિતિ એ
પ્રત્યેક રાશિની સૂચક છે.
બાર રાશિઓ એક સ્વામી ગ્રહ ધરાવે છે. પ્રત્યેક રાશિ પોતાના સ્વામી ગ્રહના ગુણ ધરાવનારી હોય છે. સૂર્ય અને ચંદ્ર એક-એક રાશિ અનુક્રમે સિંહ અને કર્ક પર સ્વામીત્વ ધરાવે છે. જ્યારે બાકીના ગ્રહો પાસે બે-બે રાશિઓનું સ્વામીત્વ રહેલું છે. સૂર્ય અને ચંદ્ર સિવાય દરેક ગ્રહોને બે-બે રાશિઓ આપવામાં આવી છે.
રાશિ |
સ્વામી |
રાશિ |
સ્વામી |
સિંહ |
સૂર્ય |
કર્ક |
ચંદ્ર |
કન્યા |
બુધ |
મિથુન |
બુધ |
તુલા |
શુક્ર |
વૃષભ |
શુક્ર |
વૃશ્ચિક |
મંગળ |
મેષ |
મંગળ |
ધનુ |
ગુરુ |
મીન |
ગુરુ |
મકર |
શનિ |
કુંભ |
શનિ |
Camino (269703), CC BY-SA 3.0 , via Wikimedia Commons
હવે
આ બાર રાશિઓની વહેંચણી સાથે સૂર્યનમસ્કારની બાર સ્થિતિઓની સરખામણી કરો. આપ જોઈ
શકશો કે સૂર્યનમસ્કારની બાર સ્થિતિઓમાં છઠ્ઠી અને સાતમી સ્થિતિ અનોખી છે. બાકી
આઠમીથી બારમી સ્થિતિ એ પહેલીથી લઈને પાંચમી મુદ્રાનું પુનરાવર્તન છે.
આ
છઠ્ઠી મુદ્રાને આપણે ચંદ્રની કર્ક રાશિ અને સાતમી મુદ્રાને સૂર્યની સિંહ રાશિ કહી
શકાય. બાકીની મુદ્રાઓને નીચે આપેલ કોષ્ટક અનુસાર રાશિઓ-ગ્રહોની ફાળવણી કરી શકાય.
જે જ્યોતિષમાં ગ્રહોને આપવામાં આપેલ રાશિ સ્વામીત્વ સાથે સામ્યતા ધરાવે છે.
સૂર્યનમસ્કાર
મુદ્રા |
રાશિ-
સ્વામી |
સૂર્યનમસ્કાર
મુદ્રા |
રાશિ-સ્વામી |
૭ |
સિંહ – સૂર્ય |
૬ |
કર્ક – ચંદ્ર |
૮ |
કન્યા – બુધ |
૫ |
મિથુન – બુધ |
૯ |
તુલા – શુક્ર |
૪ |
વૃષભ – શુક્ર |
૧૦ |
વૃશ્ચિક – મંગળ |
૩ |
મેષ – મંગળ |
૧૧ |
ધનુ – ગુરુ |
૨ |
મીન – ગુરુ |
૧૨ |
મકર – શનિ |
૧ |
કુંભ – શનિ |
કારકત્વ અનુસાર સૂર્ય આત્માનો અને ચંદ્ર મનનો કારક ગ્રહ છે. મંગળ - સાહસ, બુધ - બુદ્ધિ, ગુરુ - જ્ઞાન અને ડહાપણ શુક્ર- કામનાઓ અને શનિ – વૈરાગ્યનો કારક ગ્રહ છે. ગર્ભિત રીતે સૂર્ય નમસ્કાર એ આત્માને મન-લાગણીઓ, બુદ્ધિ, કામનાઓ, સાહસ, જ્ઞાન-ડહાપણ અને વૈરાગ્યની એક પુનરાવર્તિત આવૃતિ સાથે જોડે છે. આ મુદ્રાઓ પુનરાવર્તિત થતી જાય છે અને આપણે તેનાં સાક્ષી બનીને તેને નિહાળતાં રહીએ છીએ. અંતે સાક્ષી બનીને નિહાળતાં રહેવાથી આપણે આ પુનરાવર્તિત થતી આવૃતિનું કેન્દ્ર એટલે કે સ્વયં સૂર્ય બની જઈએ છીએ! સૂર્યના ગુણોને આત્મસાત કરી લઈએ છીએ!
સૂર્યનમસ્કાર કરવાથી આપણું અસ્તિત્વ સૂર્ય સમાન બની જાય છે. આકાશમાં ઊંચે સૂર્ય ઝળહળે છે અને તેનો પ્રકાશ ખૂણે-ખૂણાંને આવરે છે. જે રીતે સૂર્યના પ્રકાશની હાજરી સર્વત્ર છે તે જ રીતે આપણું અસ્તિત્વ પણ કોઈ સીમાઓમાં બંધાયેલું ન રહેતાં અસીમિત બની જાય છે. આપણે જાણે કે આ પૃથ્વી પર કોઈ સીમિત જગ્યામાં બંધાયેલાં ન રહેતાં આકાશમાં ઊંચે ઉડાન ભરી શકીએ છીએ. અન્ય રીતે જોઈએ તો આપણાં જીવનનો અનુભવ ફક્ત શરીરના સ્તર પર સીમિત ન રહેતાં આત્માના સ્તર પર પહોંચી શકે છે.
ટિપ્પણીઓ