રતન નવલ તાતા : પૈસો અને પ્રતિષ્ઠા આપનારા યોગ

શ્રી રતન ટાટાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏 વર્ષ ૨૦૧૪માં એમની કુંડળી વિશે ચર્ચા કરતો લેખ ગુજરાત સમાચારની મુંબઈ આવૃતિ માટે લખ્યો હતો. 

✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦

 

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને તાતા જૂથના સમૂહને નવી ઊંચાઈ પર લઈ જનાર એવા તાતા જૂથના નિવૃત થઈ ચૂકેલાં માનદ ચેરમેન શ્રી રતન નવલ તાતાની કુંડળીમાં શુભ ગ્રહ ગુરુની મૂળત્રિકોણ રાશિ ધનુનુ જન્મલગ્ન ઉદય પામી રહ્યું છે. ધનુ લગ્ન ધરાવનાર વ્યક્તિ ઉમદા હૃદય ધરાવનાર હોય છે. તેઓ પરોપકારી, ડહાપણયુક્ત અને ધૈર્યવાન પ્રકૃતિ ધરાવે છે. ચહેરો ભવ્ય, આત્મવિશ્વાસી, પ્રભાવશાળી, સુંદર અને ગંભીર હોય છે. આંખો પાણીદાર અને ગૂઢદર્શી હોય છે.

જન્મતારીખ: ડિસેમ્બર 28, 1937

જન્મસમય: 6.30 a.m.

જન્મસ્થળ: મુંબઈ

જન્મલગ્ન કુંડળી

નવમાંશ કુંડળી 

 

જન્મલગ્નમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિ છે. લગ્નસ્થાનમાં સૂર્ય વ્યક્તિને આત્મવિશ્વાસી, દ્રઢનિશ્ચયી, ઉદાર, વિદ્વાન, સ્વાભિમાની, મહાત્વાકાંક્ષી અને ગંભીર બનાવે છે. અહીં સૂર્ય પુરુષ રાશિમાં સ્થિત છે. લગ્નમાં પુરુષ રાશિનો સૂર્ય ઉચ્ચ પદ અને સત્તા અપાવે છે. પરંતુ સ્ત્રી સુખમાં કે સંતાન સુખમાં કમી રહે છે. બુધ લગ્નસ્થાનમાં દિગ્બળ પ્રાપ્ત કરે છે. લગ્નમાં રહેલો બુધ વ્યક્તિને બુદ્ધિશાળી, ચતુર અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરનાર બનાવે છે. લગ્નમાં શુક્ર આનંદી, મૃદુતાપૂર્ણ અને સ્નેહસભર સ્વભાવ આપે છે. આકર્ષક અને મોહક વ્યક્તિત્વ ધરાવે છે. ધનુ રાશિનો શુક્ર લગ્નજીવન પ્રત્યે ઉદાસીનતા આપે છે.

શ્રી તાતાની કુંડળીમાં લગ્નસ્થાનમાં જ સૂર્ય-બુધની યુતિ થવાથી બુધાદિત્ય યોગ રચાયો છે. જે તેમને નિપુણતા, કાર્યદક્ષતા, સરળ વ્યવહાર, યશ અને કીર્તિની પ્રાપ્તિ કરાવી રહ્યો છે. શ્રી તાતાએ તેમની વ્યાવસાયિક કાર્યદક્ષતાને લીધે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અને માન-સન્માન મેળવ્યાં છે. તેઓને પદ્મવિભૂષણની ઉપાધિથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વિદ્યાભ્યાસની દ્રષ્ટિએ પણ તેઓ ઉચ્ચ શિક્ષિત છે. અહીં સૂર્ય નવમ ત્રિકોણનો સ્વામી અને બુધ દસમ કેન્દ્રનો સ્વામી હોવાથી ઉત્તમ રાજયોગ એવો ધર્માકર્માધિપતિ યોગ રચાય રહ્યો છે. ધર્માકર્માધિપતિ યોગે તેમને કર્તવ્યપરાયણ બનાવીને ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરનાર બનાવ્યા છે. સામાન્ય રીતે આ યોગ ધરાવનાર વ્યક્તિ પોતાના કર્મ ક્ષેત્રમાં સાચાં માર્ગે ચાલનાર હોય છે.

લગ્નસ્થાનમાં રહેલાં સૂર્ય, બુધ અને શુક્ર એ ત્રણેય ગ્રહો સપ્તમસ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યાં છે. સપ્તમસ્થાન વ્યાપાર અને વ્યવસાયનું સ્થાન છે. સપ્તમસ્થાન પર નવમેશ સૂર્ય, દસમેશ બુધ અને લાભેશ શુક્રની દ્રષ્ટિએ શ્રી તાતાને સફળ ઉદ્યોગપતિ બનાવ્યા છે.

લગ્નેશ ગુરુ દ્વિતીયસ્થાનમાં પોતાની નીચ રાશિ મકરમાં સ્થિત છે. મકર રાશિનો સ્વામી શનિ જન્મલગ્નથી કેન્દ્રસ્થાનમાં સ્થિત હોવાથી ગુરુનો નીચભંગ થઈ રાજયોગ રચાયો છે. વળી ગુરુ ચતુર્થસ્થાન સ્થિત શનિ સાથે પરિવર્તન યોગમાં પણ રહેલો છે. આ પરિવર્તન યોગને લીધે દ્વિતીય અને ચતુર્થ ભાવનું બળ વધી જાય છે. જ્યારે 3, 6, 8 અને 12 ભાવો સિવાયના શુભ ભાવોના સ્વામીઓ પરિવર્તન યોગમાં સંકળાયેલા હોય ત્યારે મહા યોગ રચાય છે. શ્રી તાતાની કુંડળીમાં મહા યોગ રચાવાને લીધે તેમને દ્વિતીય અને ચતુર્થભાવને લગતી બાબતો અંગે શુભ ફળ પ્રાપ્ત થયું છે અને ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ છે.

ગુરુનો નીચભંગ થવા છતાં થોડાંઘણાં અંશે ગુરુનુ નીચ રાશિમાં હોવાનું ફળ પણ મળ્યું છે. દ્વિતીયસ્થાન કુટુંબસ્થાન છે. શ્રી તાતા જ્યારે માત્ર દસ વર્ષની વયના હતા ત્યારે તેમને કૌટુંબિક ઝંઝાવાતનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેમનાં માતા-પિતા એકબીજાથી છૂટાં પડ્યા. શ્રી તાતા અને તેમના નાના ભાઈનો દાદીના ખોળામાં ઉછેર થયો. પિતાએ બીજા લગ્ન કર્યા અને સાવકી માતા અને સાવકો ભાઈ જીંદગીમાં આવ્યા. ચતુર્થસ્થાન એ માતાનું સ્થાન છે અને ગુરુ ચતુર્થેશ થઈને નીચ રાશિમાં પડ્યો છે. ચંદ્રલગ્નથી ગુરુ ચતુર્થસ્થાનમાં જ નીચત્વ ધારણ કરીને સ્થિત છે અને ચતુર્થ અને ષષ્ઠમસ્થાન વચ્ચે પરિવર્તન યોગ છે. જે સાવકી માતાના આગમનનો સ્પષ્ટ સંકેત કરે છે.

ચતુર્થસ્થાનથી બારમે પુરુષ રાશિમાં રહેલો મંગળ પણ માતાના સુખની હાનિનો નિર્દેશ કરે છે. આ મંગળ પણ સાવકી માતા લઈ આવવા માટે જવાબદાર છે. જો કે આ સિવાય તૃતીયસ્થાન એ પરાક્રમસ્થાન છે અને તૃતીયસ્થાન સ્થિત મંગળ શ્રી તાતાને સાહસી અને પરાક્રમી બનાવી રહ્યો છે.

ચંદ્રથી કેન્દ્રસ્થાનમાં ગુરુ હોવાથી ગજકેસરી યોગ રચાયો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને શુભદાયી ગણવામાં આવ્યો છે. ગજ એટલે કે હાથી અને કેસરી એટલે કે સિંહ એ બંને સામર્થ્યવાન અને શક્તિશાળી પ્રાણીઓ છે. આ યોગ ધરાવનાર વ્યક્તિ હાથી અને સિંહની માફક વિચક્ષણ, કાર્યક્ષમ, ઉચ્ચ પ્રકારની શક્તિઓ અને સામર્થ્ય ધરાવનાર હોય છે. શાંત અને સ્થિર બુદ્ધિ ધરાવનાર હોય છે. શ્રી તાતાની કુંડળીમાં નવમાંશમાં ગુરુ સ્વગૃહી બનીને બળવાન બન્યો છે. ચંદ્ર એ તેમની કુંડળીનો આત્મકારક ગ્રહ છે અને નવમાંશમાં લગ્નસ્થાનમાં સ્થિત છે. આત્મકારકનું નવમાંશ લગ્નમા હોવું એ રાજા સમાન કે ઉદાર કુટુંબમા જન્મ થયો હોવાનો નિર્દેશ કરે છે. શ્રી તાતા ધનાઢ્ય કુટુંબમાં જન્મ્યા હતા.

એક ઉદ્યોગપતિ સામાન્ય રીતે ફેક્ટરી, યંત્રો, આધુનિક ટેકનીક અને કર્મચારીઓ-કારીગરો સાથે કામ પાર પાડતો હોય છે. આથી ઉદ્યોગપતિની કુંડળીમાં શનિ અને મંગળ અગત્યના રહે છે. લગ્ન કે લગ્નેશ અથવા દસમ કે દસમેશ સાથે શનિ અને મંગળનો સંબંધ થવો જરૂરી છે. શ્રી તાતાની કુંડળીમાં શનિ લગ્નેશ ગુરુ સાથે પરિવર્તન યોગમાં રહીને લગ્નસ્થાન અને દસમસ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યો છે. મંગળ તૃતીયસ્થાનમાં રહીને દસમસ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યો છે. નવમાંશમાં શનિ દસમસ્થાનનો સ્વામી છે અને મંગળ લગ્નસ્થાનનો સ્વામી થઈને ઉચ્ચત્વ ધારણ કરીને દસમસ્થાન સ્થિત છે.

શ્રી તાતાની કુંડળીમાં સુંદર ધન યોગો રચાયા છે. દ્વિતીયસ્થાન એ ધનસ્થાન અને એકાદશભાવ એ લાભસ્થાન છે. લગ્ન, પંચમ અને નવમ ત્રિકોણસ્થાનો લક્ષ્મીસ્થાનો કહેવાય છે. 2 અને 11 ભાવનો 1, 5 અને 9 ભાવ સાથેનો સંબંધ ધન યોગની રચના કરે છે. શ્રી તાતાની કુંડળીમાં ગુરુ લગ્નેશ થઈને દ્વિતીયસ્થાન સ્થિત છે. સૂર્ય નવમેશ અને શુક્ર લાભેશ થઈને લગ્નસ્થાનમાં સ્થિત છે. દ્વિતીયભાવનો સ્વામી શનિ લગ્નસ્થાન અને નવમેશ-લાભેશ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. પંચમેશ મંગળની નવમભાવ પર દ્રષ્ટિ છે.  

અષ્ટમસ્થાન વારસાકીય ધનલાભનો નિર્દેશ કરે છે. અષ્ટમેશ ચંદ્ર અષ્ટમના સુખસ્થાન એવાં લાભસ્થાનમાં પડ્યો છે. જેથી શ્રી તાતાને વારસાકીય ધનલાભના સુખની પ્રાપ્તિ થઈ. વળી લાભેશ શુક્ર લગ્નસ્થાન સ્થિત છે. નવમાંશમાં અષ્ટમેશ મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં સ્થિત છે અને અષ્ટમસ્થાન પર ગુરુની શુભ દ્રષ્ટિ છે.

શ્રી તાતાની સફળતાનું ખરું રહસ્ય તેમની બળવાન નવમાંશ કુંડળી છે. નવમાંશમાં લગ્નથી બારમે ગુરુ અને બીજે શુક્ર હોવાથી નવમાંશ લગ્ન શુભકર્તરી યોગમાં રહેલું છે. લગ્નેશ મંગળ ઉચ્ચ્ત્વ ધારણ કરીને દસમસ્થાન સ્થિત છે. કેન્દ્રસ્થાનમાં રહીને લગ્નસ્થાન પર દ્રષ્ટિ કરીને મંગળ લગ્નને બળ પ્રદાન કરી રહ્યો છે. ધન-સંપતિના કારક ગ્રહો એવા ગુરુ અને શુક્ર બંને સ્વરાશિ સ્થિત છે. બુધ પોતાની ઉચ્ચ રાશિમાં રહેલો છે.

શ્રી તાતા અપરિણીત છે. સપ્તમેશ બુધ વક્રી થઈને અસ્ત થયો છે. લગ્નનો કારક શુક્ર પણ અસ્ત છે. વળી આ બુધ અને શુક્ર શનિની દ્રષ્ટિથી પીડિત છે. ચંદ્રલગ્નથી સપ્તમસ્થાનની એક બાજુએ શનિ અને બીજી બાજુએ કેતુ હોવાથી સપ્તમસ્થાન પાપકર્તરી યોગમાં સપડાયેલું છે. ચંદ્રલગ્નનુ સપ્તમસ્થાન એ જન્મલગ્નનુ પંચમસ્થાન છે. જે પાપકર્તરી યોગથી દૂષિત થવાથી સંતાનસુખની હાનિનો નિર્દેશ કરે છે. જન્મલગ્નનો સપ્તમેશ બુધ નવમાંશમાં દુ:સ્થાન સ્થિત છે. નવમાંશમા સપ્તમસ્થાનમાં રાહુ હોવાથી અને તેના પર શનિની દ્રષ્ટિ પડવાથી સપ્તમસ્થાન દૂષિત થયું છે. વળી નવમાંશનો સપ્તમેશ શુક્ર પોતાના ભાવથી આઠમે મૃત્યુસ્થાનમાં પડ્યો છે અને શનિની દ્રષ્ટિથી પીડિત છે. પંચમેશ સૂર્ય પોતાના ભાવથી બારમે રહીને પંચમ સંતાનસ્થાનના સુખની હાનિ કરી રહ્યો છે. પંચમસ્થાન શત્રુ રાશિમાં સ્થિત શનિથી દૂષિત છે. આ બધા જ યોગો શ્રી તાતાની એકલવાયી જીંદગીની સ્પષ્ટતા આપી રહ્યા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)