વક્રી વૃષભ ગુરુનું બાર રાશિઓ પરત્વે ફળ – ઓક્ટોબર 2024

ઓક્ટોબર ૦૯, ૨૦૨૪ના રોજ ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી બન્યાં છે. અહીં ગુરુ ફેબ્રુઆરી ૦૪, ૨૦૨૫ સુધી વક્રી ભ્રમણ કરશે.

જ્ઞાન અને ડહાપણના કારક એવાં ગુરુ મહારાજ જ્યારે વક્રી બને છે ત્યારે પરંપરાગત માન્યતાઓ અને વિચારોને સ્વીકારી લેવાની બદલે વ્યક્તિમાં આંતરિક વિચારશીલતા વિકસે છે. વક્રી ગુરુનો સમય આપણાં માટે આત્મસંવાદ અને આત્મપરિક્ષણનો અવસર લઈ આવે છે. આ સમય જાતને અંતર્મુખ કરીને અંદરથી ખરાં જ્ઞાનની ખોજ કરવાનો છે.

વક્રી ગુરુનો સમય પરંપરાગત રીતોથી આગળ વધવાને બદલે નવા વિચારો અને નવા રસ્તાઓ શોધવાની તક આપે છે. આ સમયે આપણાં અંતરનો અવાજ આપણી પ્રેરણા બને છે. આ આંતરિક પ્રેરણાથી જીવનમાં નવી દિશાની પ્રાપ્તિ થાય છે. કાર્ય કરવાની પરંપરાગત પદ્ધતિ ત્યાગીને આપણો અંતરાત્મા નવી રીતો બતાવવાની શરૂઆત કરે છે. આંતરિક પ્રેરણા આપણને વધુ ઊંડી સમજણ અને ગહન જ્ઞાનની પ્રાપ્તિ તરફ દોરી જાય છે. આપણે આપણી જાતને વધુ ઊંડાણથી સમજતાં થઈએ છીએ. આપણી અંદર જાગેલી શક્તિ અને સમજણ જીવનમાં મોટાં બદલાવ લઈ આવવાં માટે આપણને સક્ષમ બનાવે છે.

વક્રી ગુરુના સમય દરમિયાન ક્યારેક એવું બની શકે કે જૂના મુદ્દાઓ કે જૂના વિચારો, જે આપણે ભૂલી ચૂક્યાં હોઈએ, તે ફરી સપાટી પર આવે છે. આપણે તેનાં માટે નવા ઉકેલો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક નવા દ્રષ્ટિકોણથી તેને જોવાનું શરૂ કરીએ છીએ. ઘણીવાર એવું પણ બને છે કે જીવનમાં વિલંબનો અનુભવ થાય છે, પરંતુ આ વિલંબ એ ખરેખર ઈશ્વરના છૂપાં આશીર્વાદ સમાન હોય છે. ઈશ્વર આપણી અંતરયાત્રાને વધુ સઘન અને પ્રગતિશીલ બનાવવાં ઈચ્છતો હોય છે, અને તેથી જીવનમાં વિલંબનો સામનો કરાવે છે.

ઓક્ટોબર ૦૯, ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૦૪, ૨૦૨૫ સુધીના વક્રી ગુરુનું ગોચર ભ્રમણ બારેય જન્મરાશિ/જ્ન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીનાં ગ્રહો પર રહેલો છે.

મેષ: અગાઉ લીધેલાં આર્થિક નિર્ણયોની પુન: સમીક્ષા કરી શકાય. મોટા નાણાકીય રોકાણ કરવામાં ધીરજ અને સાવચેતી રાખવી. પરિવારજનો સાથે થયેલાં જૂના મતભેદો ફરી સપાટી પર આવી શકે છે, પરંતુ ધીરજ અને સમજણ સાથે આગળ વધી શકાય છે. બિનજરૂરી વાતચીતો કરવાથી દૂર રહેવું. મૌન રહીને અને સૂઝબૂઝથી કામ લેવું હિતાવહ રહે. જીવનના મૂલ્યો અને ધારણાઓ પર ફરી વિચાર કરી શકાય.

વૃષભ: આ સમય આત્મપરિક્ષણ કરવાનો બની રહે. જાતને વધુ સારી રીતે સમજવાનો અને ઓળખવાનો પ્રયત્ન કરી શકાય. જાત માટે લીધેલાં જૂના નિર્ણયો પર ફરી વિચાર કરીને સુધારી શકાય. જીવનના અનુભવોમાંથી શીખ મેળવીને આગળ પ્રગતિ કરી શકાય. આરોગ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરી ન ઉભરે તેની કાળજી રાખવી. આરોગ્ય સંબંધિત જૂની સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરી શકાય.

મિથુન: આર્થિક ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરવી. જો અભ્યાસ કે કામ અર્થે વિદેશયાત્રા કરવાં ઈચ્છી રહ્યાં હો તો તેમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં મુશ્કેલીનો અનુભવ થઈ શકે. આ સમય આંતરિક દુનિયામાં ખોવાઈ જવાનો રહે. ધ્યાન, યોગ, અધ્યાત્મ પર વધુ ધ્યાન આપીને શાંતિનો અનુભવ કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી. છૂપાં શત્રુઓ કે છૂપી મુશ્કેલીથી સાવધ રહેવું.

કર્ક: જૂના મિત્રો અને સહયોગીઓ સાથે પુન: સંપર્ક સાધવાની તક મળી શકે છે. નવા મૈત્રી સંબંધો સ્થાપવામાં વિલંબનો અનુભવ થઈ શકે છે અથવા મિત્રો સાથે અંતર વધી ગયું હોય તેવી લાગણીનો અનુભવ થાય. નાણાકીય આવકમાં ઉતાર-ચઢાવનો અનુભવ થઈ શકે છે. નાણાકીય બાબતો અંગે સાવધ રહેવું. આર્થિક ફાયદો થવામાં વિલંબનો અનુભવ થઈ શકે છે. નાણાકીય યોજનાઓમાં સુધારો કરીને તેને લાંબા ગાળા માટે વધુ મજબૂત બનાવી શકાય.

સિંહ: કારકિર્દી સંબંધિત નિર્ણયો કે પ્રગતિમાં વિલંબનો અનુભવ થઈ શકે છે. નવા પ્રોજેક્ટ કે પ્રમોશન માટે રાહ જોવી પડી શકે છે. ઉચ્ચ અધિકારીઓ અથવા સહકર્મચારીઓ સાથે રહેલાં જૂનાં વિવાદનો ઉકેલ લાવવા માટે આ સમય યોગ્ય રહે. કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવી શકાય. જૂના કાર્યો, જૂની નીતિઓ અને યોજનાઓ કે જે બરાબર કામ કરી રહી ન હોય તેમાં સુધારો કરી તેને લાંબા ગાળે વધુ સફળ અને મજબૂત બનાવી શકાય.  

કન્યા: ધાર્મિક માન્યતાઓ કે વિચારોમાં બદલાવ આવી શકે છે. ધર્મ અને અધ્યાત્મને વધુ ઊંડાણપૂર્વક સમજી શકાય. લાંબા અંતરની યાત્રા કે વિદેશયાત્રામાં વિલંબનો અનુભવ થઈ શકે છે. વિદેશ અભ્યાસ અર્થે જવાની યોજના હોય તો તેમાં વધુ તૈયારી કે સુધારાઓ કરી શકાય. ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નવી દિશા શોધવામાં સફળતા મળી શકે છે. કોઈ જૂના શિક્ષક કે માર્ગદર્શક સાથે ફરી સંપર્ક થઈ શકે છે. જીવનના પશ્નોને ઉકેલવામાં તેમનું માર્ગદર્શન સહાયક નીવડે.

તુલા: જીવનમાં અચાનક કોઈ બદલાવ આવી શકે. શરૂઆતમાં એ બદલાવથી અણગમો પેદા થાય, પરંતુ લાંબા ગાળે એ બદલાવ લાભદાયી નીવડે. માનસિક કે ભાવનાત્મક પરિવર્તન પણ આવી શકે છે. ભાગીદાર કે જીવનસાથીના નાણા સંબંધી પ્રશ્નો અંગે ફરી વિચાર કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી. જૂની આરોગ્યની કોઈ સમસ્યા ફરી તક્લીફ આપી શકે છે. ગૂઢ વિદ્યા, અધ્યાત્મ, ધ્યાન અને જીવનની રહસ્યમય બાબતો વિશે અભ્યાસ થઈ શકે છે.

વૃશ્ચિક: આ સમયગાળો તમને વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો પર વિચાર કરવા માટે પ્રેરણા આપી શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવાં પર કામ કરી શકાય. લગ્નસંબંધના પ્રશ્નોમાં ધીરજ રાખવી અને જીવનસાથી સાથે ખુલ્લાં મને ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવાં કોશિશ કરવી. સંબંધમાં સંતુલન અને સમાધાન શોધવામાં ધ્યાન આપી શકાય. ભાગીદારી સંબંધોમાં વિવાદ ઉકેલવા માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જૂના ભાગીદારીના પ્રશ્નોનો ઉકેલ શોધી શકાય.

ધનુ: દૈનિક કામકાજોમાં મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. તણાવ અને દબાણનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની કાળજી રાખવી. નિયમિત વ્યાયામ કરવાની કાળજી રાખવી. રોજબરોજની આદતો પર ફરી વિચાર કરી શકાય. રોજીંદા જીવનને વધુ સારું કેમ બનાવી શકાય તેના પર વિચાર કરવો. જૂની આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા ફરી ઉદ્ભવી શકે છે.  મનને શાંત રાખવાના અને તણાવ ઘટાડવાના પ્રયત્નો કરવા. સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા મળી શકે છે.

મકર: સર્જનાત્મક કાર્યો બાબતે ફરી વિચાર કરવો પડી શકે છે. સર્જનાત્મકતા વ્યક્ત કરવાનો કોઈ નવો રસ્તો શોધી શકાય. કોઈ જૂના શોખને પુન:જીવિત કરી શકાય. પ્રેમસંબંધમાં પરિવર્તનનો અનુભવ થઈ શકે છે. પ્રિયજન સાથે રહેલાં કોઈ જૂનાં મતભેદ સપાટી પર આવી શકે છે. સંતાનને અભ્યાસ અને અન્ય પ્રવૃતિઓમાં મદદરૂપ થવાની કોશિશ કરવી. આનંદ કે મનોરંજન આપતી પ્રવૃતિઓમાં વિલંબનો અનુભવ થઈ શકે છે.

કુંભ: ઘર-પરિવારના સભ્યો સાથેના સંબંધમાં વધુ સમજણ દાખવવાની જરૂર પડી શકે છે. આ સમયનો ઉપયોગ ઘરમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવામાં કરવો. સ્થાવર સંપતિ અંગેના કાર્યોમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. કોઈ જમીન-મકાન ખરીદવા ઈચ્છતા હો તો સાવધાની રાખવી. ઘરની સુખ-સુવિધા અને આરામ અંગે સમીક્ષા કરી શકાય અને એ બાબતે જરૂરી સુધારા કરવા અંગે પગલાં લઈ શકાય. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી બને.

મીન: વાતચીતોમાં ગેરસમજણ કે વિલંબનો અનુભવ થઈ શકે છે. પાડોશીઓ અને ભાઈ-બહેનો સાથે જૂના મતભેદો સપાટી પર આવી શકે, જે ઉકેલ લાવવાની તક આપી શકે છે. ટૂંકા યાત્રા-પ્રવાસો અંગેના નિર્ણયો લેવામાં કાળજી રાખવી. યાત્રા-પ્રવાસો અંગે નવી વિચારસરણી વિકસી શકે છે. પોતાની જાતને કોઈ નવી રીતે અભિવ્યક્ત કરી શકાય કે કોઈ નવું કૌશલ્ય વિકસાવી શકાય. લેખન અથવા કલા ક્ષેત્રે વધુ ઊંડાણ સાધી શકાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર