બુધના કન્યા ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ - સપ્ટેમ્બર ૨૦૨૪

સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ના રોજ બુધ મહારાજે પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કર્યો છે. અહીં બુધ ઓક્ટોબર ૧૦, ૨૦૨૪ સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન બુધ સૂર્ય અને કેતુ સાથે યુતિમાં તેમજ ગુરુ અને મંગળની દ્રષ્ટિમાં રહેશે.

બુધના કન્યા રાશિમાં ગોચર ભ્રમણ દરમિયાન વિચારો વધુ ગહન બને તેમજ માનસિક સ્પષ્ટતાનો અનુભવ થાય. દિનચર્યાનું સુવ્યવસ્થિત આયોજન કરવું શક્ય બને, જેને લીધે કાર્યો વધુ સારી રીતે પાર પાડવામાં સફળતામાં મળે. બુધના કન્યા ભ્રમણનો આ ગાળો કશુંક નવું શીખવા માટે, અભ્યાસ કરવાં માટે, નવો અભિગમ કેળવવા માટે કે નવી જાણકારી મેળવવાં માટે ઉત્તમ રહે.

ગુરુની બુધ પરની દ્રષ્ટિ વિચારોનો વિસ્તાર કરી સકારાત્મક અભિગમ આપી શકે. આથી મોટા અને અર્થસભર પ્રોજેક્ટ પર ધ્યાન આપી શકાય. હાલ મંગળ બુધની અન્ય રાશિ મિથુનમાં ભ્રમણ કરી રહ્યો છે અને કન્યામાં રહેલાં બુધ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. મંગળનો બુધ પર આ પ્રભાવ કમ્યુનિકેશનમાં ઉર્જાનો અનુભવ કરાવી શકે છે. પરંતુ ક્યારેક વિચારોમાં ઉશ્કેરાટ અને તીવ્રતાનો અનુભવ થાય. એવું લાગે કે મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ બાબત વિશે મંગળવારે વિશેષ સાવધ રહેવું. આ ઉપરાંત સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૪ના રોજ બુધ સૂર્ય અને કેતુ સાથે આંશિક યુતિમાં આવશે, જેથી માનસિક થાકનો અનુભવ થઈ શકે છે. એ દિવસે અગત્યના કામો કરવાથી દૂર રહીને દિવસ શક્ય હોય તેટલો શાંતિ અને સરળતાપૂર્વક પસાર કરવાની કોશિશ કરવી. 

Image courtesy: https://pixabay.com

બુધનું કન્યા રાશિમાં ગોચર ભ્રમણ બાર જન્મરાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે અનેક પરિબળો પર રહેલો છે.

મેષ: કામમાં ધ્યાન આપી શકાય. નાની-નાની બાબતોને ઝીણવટપૂર્વક તપાસી શકાય. દિનચર્યાને સુવ્યવસ્થિત બનાવી આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવાની કોશિશ કરવી.

વૃષભ: સર્જનાત્મક કાર્યો હાથ ધરી શકાય. કશુંક નવું શીખવાં માટે કે અભ્યાસ કરવાં માટે આ સમય ઉત્તમ રહે. સંતાનોને લગતી બાબતો અંગે વિચારી શકાય.

મિથુન: ગૃહજીવનની બાબતો પર ધ્યાન આપી શકાય. કુટુંબ અને ઘરને લગતાં પ્રશ્નોનું આયોજન કરવાં માટે આ સમય ઉત્તમ રહે. ઘર કે માતાને લગતી બાબતો પર વિચાર કરી શકાય.

કર્ક: વધુ સારી રીતે કમ્યુનિકેશન હાથ ધરી શકાય. નવા-નવા વિચારો સ્ફૂરી શકે છે. વાતચીત કરતી વખતે સાવધ રહેવું અને ઉશ્કેરાટ ન અનુભવાય તેની કાળજી રાખવી.

સિંહ: નાણાકીય બાબતો અંગે આયોજન કરવાં માટે આ સમય ઉત્તમ રહે. કૌટુંબિક પ્રશ્નો પર વિચારણા હાથ ધરી શકાય. આવક વૃદ્ધિ થઈ શકે છે, પરંતુ સાથે-સાથે જાવક બાબતે સાવધ રહેવું.

કન્યા: પોતાની જાત વિશે વિચાર કરી શકાય કે પોતાની જાતનું વિશ્લેષણ કરી શકાય. બૌદ્ધિક કોશલ્યને વિકસાવવા માટે આ સમય ઉત્તમ રહે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે.

તુલા: એકલાં રહીને વિચારોની દુનિયામાં ખોવાઈ જવાનો સમય રહે. આંતરિક શાંતિ તરફ ધ્યાન આપી શકાય. ધ્યાન કે અધ્યાત્મ સંબંધી પ્રવૃતિ માટે સમય મહત્વપૂર્ણ રહે.

વૃશ્ચિક: મિત્રો સાથે ચર્ચા-વિચારણા અને વાતચીતોનો દોર ચાલી શકે છે. નવા મિત્રો બનાવી શકાય. મિત્રો સાથે મળીને કોઈ બાબતને લગતાં આયોજનો હાથ ધરી શકાય.

ધનુ: બૌદ્ધિક કૌશલ્ય દ્વારા કાર્યક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે ઝીણી-ઝીણી બાબતો પર ધ્યાન કેન્દ્રિય કરી શકાય. કાર્ય કુશળતામાં વધારો થાય.

મકર: ઉચ્ચ અભ્યાસ કરવા બાબતે આ સમય ઉત્તમ રહે. યાત્રા દરમિયાન નવી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. ધાર્મિક બાબતો વિશે વિચારણા હાથ ધરી શકાય.

કુંભ: જીવનસાથી અથવા ભાગીદારના નાણા અંગેની બાબતો પર વિચાર કરી શકાય. ગૂઢ વિદ્યાનો અભ્યાસ થઈ શકે. સંશોધન કાર્ય હાથ ધરી શકાય. 

મીન: જીવનસાથી સાથે બૌદ્ધિક ચર્ચાઓ થઈ શકે છે. જીવનસાથી દ્વારા નવી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. લગ્નજીવનને લગતાં પ્રશ્નો પર વિચાર કરી શકાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર