કુંભ રાશિમાં વક્રી શનિનું બાર રાશિઓ પરત્વે ફળ – જૂન 2024

જૂન 30, 2024ના રોજ શનિ મહારાજ વક્રી બન્યા છે, જે નવેમ્બર 15, 2024 સુધી રહેશે. આ સમય આત્મમંથન અને આત્મચિંતન કરવાનો રહે. લાંબા સમયથી પડતર રહેલી બાબતો પર ધ્યાન આપી શકાય. જીવનમાં વધુ શિસ્તબદ્ધ બનવવાનો તેમજ ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનવાનો પ્રયત્ન કરી શકાય. ભૂતકાળમાં કરેલી ભૂલો અને ભૂતકાળના અનુભવો પર નજર નાખી તેમાંથી બોધપાઠ લઈ શકાય. વક્રી શનિ ઘણીવાર ભૂતકાળની કાર્મિક ઘટનાઓને ફરી યાદ અપાવે કે ઘટાવે છે. આ સમયનો ઉપયોગ કાર્મિક ઋણની ચૂકવણી કરીને સ્વવિકાસ કરવાનો રહે. જીવનમાં નક્કી કરેલાં લક્ષ્યોની પુન: ચકાસણી કરી શકાય. વક્રી શનિ જીવનમાં અવરોધો અને વિલંબનો સામનો કરાવી શકે છે. ધીરજ અને સાતત્યતા જાળવી રાખવાનો પ્રયત્ન કરવો.

Image courtesy: https://pixabay.com

કુંભમાં વક્રી બનેલો શનિ બાર જન્મરાશિઓ/જન્મલગ્ન પરત્વે કેવું ફળ આપશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે અનેક પરિબળો પર રહેલો હોય છે.

મેષ: એકાદશભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. આ સમય મૈત્રીસંબંધો તેમજ પોતાના સામાજીક વર્તુળ અંગે પુન:વિચાર કરવાનો રહે. જીવનમાં નક્કી કરેલાં લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. નાણાકીય લાભ થવા અંગેની યોજનાઓની ફરી એકવાર ચકાસણી કરી જવી તેમજ નાણાકીય રોકાણો કરવામાં સાવધાની રાખવી. સામાજીક તથા વ્યાવસાયિક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ: દસમભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. કારકિર્દીમાં પ્રગતિ થવામાં અવરોધો કે વિલંબનો સામનો કરવો પડી શકે છે. આ સમય નોકરી-વ્યવસાય ક્ષેત્રે ધીરજ અને સાતત્યતા જાળવી રાખવાનો રહે. કારકિર્દીમાં નક્કી કરેલાં લક્ષ્યોનું પુન:મૂલ્યાંકન કરવું. લાંબા ગાળાના વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરવાં પર ધ્યાન આપી શકાય.

મિથુન: નવમભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે અવરોધો કે વિલંબનો સામનો કરવો પડી શકે છે. લાંબા અંતરની યાત્રાની યોજના પુન:વિચાર માંગી લે. પોતાની ધાર્મિક તેમજ આધ્યાત્મિક માન્યતાઓ વિશે આત્મચિંતન કરી શકાય. છૂટી ગયેલાં કે અધૂરાં રહી ગયેલાં કોઈ અભ્યાસને ફરી હાથ પર લેવાની ઈચ્છા થઈ શકે છે.

કર્ક: અષ્ટમભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. નાણાકીય રોકાણો ફરી એકવાર ચકાસી જવા જોઈએ. જીવનસાથી દ્વારા અથવા તો વારસાકીય રીતે ધનલાભ થવામાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડી શકે છે. પોતાની જાતમાં મહત્વના બદલાવનો અનુભવ કરી શકાય છે. આરોગ્યના પ્રશ્નો સતાવી શકે છે.

સિંહ: સપ્તમભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. ભાગીદારી સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. ભાગીદારી થવામાં અવરોધ કે વિલંબનો અનુભવ થઈ શકે છે. સંબંધોમાં વચનબદ્ધતા અને જવાબદારી પ્રત્યે જાગૃતતા કેળવવી જોઈએ. સંબંધો કસોટીની એરણે ચડી શકે છે. જીવનસાથી કે વ્યાવસાયિક ભાગીદાર સાથે લાંબા સમયથી ચાલી આવતાં પ્રશ્નો અંગે ધ્યાન આપવું.

કન્યા: ષષ્ઠમભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. આરોગ્યને લગતાં પ્રશ્નો ઉદ્ભવી શકે છે. રોજબરોજની આદતો અને દિનચર્યામાં શિસ્તતા લાવવાની કોશિશ કરવી. કામના ક્ષેત્રે વાતાવરણ ભારે રહી શકે છે. નોકરીને લગતી પ્રવૃતિઓનું પુન:મૂલ્યાંકન કરી શકાય. સહકર્મચારી સાથે કોઈ કાયદાકીય પ્રશ્ન કે સંઘર્ષ ન ઉદ્ભવે તેની કાળજી રાખવી.

તુલા: પંચમભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. સર્જનાત્મક પ્રવૃતિઓ વિશે પુન:વિચારણા કરી શકાય. છૂટી ગયેલી કે અધૂરી રહી ગયેલી કોઈ સર્જનાત્મક પ્રવૃતિ ફરી શરૂ કરી શકાય. પ્રણય સંબંધમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. સંતાનોને લગતાં પ્રશ્નો સતાવી શકે છે. નાણાકીય રોકાણો અને શેરબજારને લગતી પ્રવૃતિમાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડે.

વૃશ્ચિક: ચતુર્થભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. ગૃહજીવનને લગતી બાબતો પર ફરી વિચારણા કરી શકાય. ઘર-પરિવારને લગતી જવાબદારીનો અનુભવ થઈ શકે છે. ઘર, માતા કે વતનથી દૂર જવું પડી શકે છે. ઘરનું નવીનીકરણ હાથ ધરી શકાય છે. ભાવનાત્મક બાબતો વિશે આત્મચિંતન કરી શકાય. સ્થાવર સંપતિ અને વાહનને લગતાં પ્રશ્નોમાં વિલંબનો અનુભવ થાય.

ધનુ: તૃતીયભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. ભાઈ-બહેનોને લગતાં પ્રશ્નો સતાવી શકે છે. ટૂંકી યાત્રા દરમિયાન પડકારોનો સામનો કરવો પડી શકે છે. ટૂંકી યાત્રા થવામાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડે. આ સમય દરમિયાન પોતાની આવડતોનો વિકાસ કરવાં તરફ ધ્યાન આપવું. લોકો સાથેની વાતચીતમાં ગેરસમજણનો ભોગ બનવું પડી શકે છે.

મકર: દ્વિતીયભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. નાણાકીય બાબતો અંગે સાવધાની રાખવી. નાણાકીય રોકાણો અને તેને લગતી યોજનાઓ પર પુન:વિચારણા કરવી. આ સમય દરમિયાન નાણાકીય સ્થિતિ મજબૂત કરવાં પર ધ્યાન આપવું. ખર્ચાઓ પર કાબુ રાખવો. નાણાકીય બાબતોમાં વધુ શિસ્તતા કેળવવાની કોશિશ કરવી. કૌટુંબિક બાબતોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કુંભ: પ્રથમભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. સ્વની ઓળખ અને સ્વના વિકાસ અંગે આત્મચિંતન કરવાનો સમય રહે. સ્વના વિકાસની જવાબદારી ઉપાડીને એક શિસ્તબદ્ધ અભિગમ અપનાવી શકાય. પોતાની જાત પ્રત્યેની પોતાની ફરજને ઓળખવાનો આ સમય રહે. જીવનમાં નક્કી કરેલાં લક્ષ્યોનું સ્પષ્ટ મૂલ્યાંકન કરી શકાય. આરોગ્યના પ્રશ્નો અંગે કાળજી રાખવી.

મીન: દ્વાદશભાવમાં શનિ વક્રી થઈને ગોચર ભ્રમણ કરી રહ્યો છે. આ સમય પોતાની જાતની અંદર ઝાંખવાનો રહે. એકલતાની લાગણી પ્રબળ બની શકે છે. ધ્યાન દ્વારા આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય છે. ગુપ્ત કે ખાનગી બાબતોને લગતાં પ્રશ્નો સતાવી શકે. નાણાકીય ખર્ચમાં વૃદ્ધિ થવાની સંભાવના રહે. દાન-ધર્માદાઓ કરવાં લાભદાયી રહે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

પિતૃ સ્તોત્ર (અર્થ સહિત)