કેતુ - હ્રદયથી અનુભવવાનો ગ્રહ


શ્રી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરુપ ધારણ કરીને અસુરનું બે ભાગમાં છેદન કર્યું હતું. અસુરનું મસ્તક એ રાહુ અને ધડ તે કેતુ છે. આમ કેતુને મસ્તક નથી. કેતુ એ આંતરિક શક્તિ છે. એવી આંતરીક શક્તિ જે મસ્તક વગર વિચારી શકે છે, આંખ વગર જોઈ શકે છે, કાન વગર સાંભળી શકે છે અને નાક વગર શ્વસી શકે છે! મસ્તિષ્કમાં ઉદ્ભવતી ચિંતાઓથી કેતુ પર છે. જ્યારે સંસારરૂપી દરિયામાં તોફાન આવે ત્યારે મસ્તિષ્કમાં ઉદ્ભવતાં સવાલો કેતુને કનડી શકતાં નથી. કેતુ હ્રદયની સ્ફૂરણાથી સંપૂર્ણ જાણનારો ગ્રહ છે. એ જાણે છે એટલે અલિપ્ત રહી શકે છે, શાંત રહી શકે છે.

ઉચ્ચ સ્તરે કેતુ મહાન યોગીઓ તેમજ ઋષિઓનો નિર્દેશ કરે છે. એવી વ્યક્તિઓ જેમણે આધ્યાત્મિક સિદ્ધિઓ હાંસલ કરી છે. નિમ્ન સામૂહિક સ્તરે કેતુ વિરોધાભાસી મૂલ્યો તેમજ હિંસા અને સંઘર્ષ તરફ દોરી જતી માન્યતાઓ સૂચવે છે. વિચારોના અભાવને લીધે આવેલી જડતાનો નિર્દેશ કરે છે.

મસ્તક વગર કેતુને જીવનની કોઈ ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં કે કોઈ ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવામાં જરાં પણ રસ નથી. કેતુ એ અર્થહીન સિદ્ધિઓની પ્રાપ્તિથી લાગતા થાકનો નિર્દેશ કરે છે. તેને અસ્થાયી વસ્તુઓમાંથી પ્રાપ્ત થયેલાં આનંદમાં રસ નથી. કેતુનો એકમાત્ર રસ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળીને મોક્ષની પ્રાપ્તિ કરવાનો છે.

કેતુ એ મોક્ષનો કારક ગ્રહ છે. તેનું કાર્ય અલિપ્તતા અને મુક્તિ તરફ દોરી જવાનું છે. તે એક તપસ્વી સંન્યાસી છે, જેનો એકમાત્ર હેતુ આપણને સંસારમાંથી બહાર લઈ જવાનો છે. કેતુને મસ્તક ન હોવાથી તેને બુદ્ધિ અથવા તર્ક વડે સમજી શકવો અશક્ય છે. કેતુ એ હ્રદયથી અનુભવવાનો ગ્રહ છે. તે અંતર્જ્ઞાન, અંત:સ્ફૂરણા અને ધ્યાનને લીધે પ્રાપ્ત થતી આંતરદૃષ્ટિ દ્વારા કાર્ય કરે છે. કેતુ આપણાં આધ્યાત્મિક પાસાને વિકસાવે છે. કેતુ એ વર્તમાન જન્મ અને ગત જન્મ વચ્ચેનું મુખ્ય જોડાણ પણ છે. તે આપણને પાછલા જન્મમાં જે બોધપાઠ શીખ્યાં હતાં તે જણાવે છે.

કેતુનો દૈવીય ઈરાદો આપણાં જીવનમાં અઘરાં અવરોધો પેદા કરવાનો હોય છે. તે આપણી પીડાનું કારણ બને છે. આપણી જીવન સફરમાં કેતુ એ રસ્તા પર પથ્થરો ગોઠવનાર અને ખાડાંઓ સર્જનાર ગ્રહ છે. હકીકતમાં કેતુ આપણી માનસિકતાને બદલવા માંગે છે. તે ઈચ્છે છે કે આપણે ફક્ત ભૌતિક જગતમાંથી આનંદ મેળવવાનું બંધ કરીએ. ભૂતકાળના કર્મનો ભાર ત્યાગીને વર્તમાન  કર્મ પર ધ્યાન આપવાનું શીખીએ. આત્માના સ્તરે આનંદ કઈ રીતે પ્રાપ્ત થાય તેની ખોજ કરીએ. આથી જ જ્યારે મસ્તકથી વિચારીએ તો કેતુ એ પાપગ્રહ છે, પીડા ઉત્પન કરનાર ગ્રહ છે. પરંતુ એ જ કેતુને હ્રદયથી અનુભવીએ તો એ આપણો પરમ મિત્ર છે, અત્યંત શુભ છે. આપણને જીવન-મરણના ચક્રમાંથી બહાર કાઢનારો ઈશ્વરીય દેવદૂત છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા