જ્યોતિષ: કર્મવાદી કે ભાગ્યવાદી? સહારો કે ઈશારો?

 જ્યોતિષશાસ્ત્ર કર્મવાદી કે ભાગ્યવાદી?

જ્યોતિષશાસ્ત્ર એ કર્મવાદી શાસ્ત્ર છે, ભાગ્યવાદી નહિ. ગતજન્મોના કર્મોનું શુભાશુભ ફળ વર્તમાન કર્મ દ્વારા ઓછું-વત્તું કરવામાં વિશ્વાસ ધરાવતું શાસ્ત્ર છે. જન્મકુંડળી જ્યારે અરિષ્ટનો નિર્દેશ કરતી હોય ત્યારે મંત્રજાપ, દાન, ઉપવાસ-વ્રત, રત્નધારણ, ઔષધિધારણ વગેરે ભિન્ન-ભિન્ન ઉપાયો દ્વારા અશુભ યોગોના ફળની તીવ્રતા ઘટાડવાનો પ્રયાસ કરી શકાય છે. જે પ્રકારે જમીનમાં દ્રઢમૂળ રહેલું વૃક્ષ પ્રબળ વાયુના વેગથી હલીને કમજોર પડે છે, તે જ પ્રકારે દ્રઢકર્મોના અશુભ ફળને મણિ, મંત્ર અને ઔષધિ દ્વારા કમજોર બનાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર એ ફળને જાણીને ભાગ્યને દોષ દેતાં બેસી રહેનારુ નહિ, પરંતુ  ભાગ્યને સુધારવાની પ્રેરણા આપતું શાસ્ર છે. 


જ્યોતિષનો સહારો કે ઈશારો?

શું હંમેશા જ્યોતિષનો સહારો લઈને ચાલવાનું હોય છે? ના, જ્યોતિષનો સહારો નથી લેવાનો. જ્યોતિષનો ઈશારો લેવાનો હોય છે. જીવનના અજાણ્યાં-અંધકારથી ભરેલાં પથ પર જ્યોતિષને વ્હિલચેર ન બનાવી દો કે જેનાં વગર તમે એક ડગલું પણ નથી ચાલી શકતાં. જ્યોતિષ એ તમારી ટોર્ચ છે કે જે અજાણ્યા-અંધારા રસ્તે ચાલીને જતાં હો ત્યારે પ્રકાશ પાથરે છે. એ રસ્તા પર ચાલવું તો તમારે પોતે જ પડે છે. જ્યોતિષ રૂપી ટોર્ચ રસ્તામાં આવતાં ખાડાં-ખબડાં અને અવરોધોથી તમને અવગત કરાવે છે. તમારી જીવનપથની યાત્રા સરળ બનાવે છે. હવે રસ્તામાં આવતાં ખાડાને કૂદી જવો છે કે તેની અંદર જઈ પડવું છે એ તો તમારાં જ હાથમાં એટલે કે તમારાં પુરુષાર્થ પર જ આધાર રાખે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા