પ્રેમલગ્ન અને લગ્નમેળાપક
આ બ્લોગ પર મે એક લેખ ‘પ્રેમ, આકર્ષણ અને મૈત્રીના યોગો’ પોસ્ટ કરેલ છે. એ લેખમાં મેં લખ્યું છે :
સુપ્રસિદ્ધ જ્યોતિષ ગ્રંથ પ્રશ્ન માર્ગ ( ચિત્તાનુફૂલ્ય, શ્લોક ૫૫, ૫૬) સ્પષ્ટરૂપે કહે છે કે “એક સ્ત્રી અને પુરુષ એકબીજાને પ્રેમ કરતા હોય તો કુંડળી ન મળતી હોય છતાં લગ્નગ્રંથિથી જોડાય શકે છે. લગ્ન સંબંધી આ એક ખૂબ મહત્વની બાબત છે. એક પુરુષ કે જે સ્ત્રીને અંત:કરણપૂર્વક શુદ્ધ ભાવે અને ખરા હૃદયથી પ્રેમ કરે છે તેણે તેની સાથે લગ્ન કરવા જોઈએ. શુદ્ધ પવિત્ર પ્રેમ એ બીજા કોઈ પણ ગુણ કરતા મહાન છે”
Pixabay |
એ વાંચીને એક વાચક મિત્રએ એક સરસ અને મહત્વનો પ્રશ્ન ઉઠાવેલો છે.
પ્રશ્ન:
આપ અને અન્ય જોષીઓ પણ એમ કહે છે કે છોકરા છોકરી પરસ્પર પ્રેમ કરતા હોય તો મેળાપક જોવાની જરૂર નથી, પણ તો પછી પ્રેમલગ્ન પ્રેમ લગ્નો પણ તૂટી જાય છે, તેનું શું?
ઉત્તર:
મારું નમ્રપણે માનવું છે કે આ દુનિયામાં રહેતાં લાખો-કરોડો-અબજો આત્મામાંથી ભગવાન જો કોઈ બે ચોક્કસ આત્માનો આ પૃથ્વી પર મેળાપ કરાવે અને એમને પરસ્પર પ્રેમમાં પાડે તો પછી એ ભગવાનની મરજી હોય છે. ગત જન્મોનાં કોઈ ઋણાનુબંધને લીધે જ એ બે વ્યક્તિઓ એકબીજાંના પરિચયમાં આ જન્મમાં આવે છે અને પરસ્પર પ્રેમમાં પડે છે. એ બંને વચ્ચે કાર્મિક લેણ-દેણ હોય ત્યાં સુધી સંબંધ ચાલે અને જ્યારે લેણ-દેણ પૂરી થાય છે ત્યારે તેનો અંત આવી જાય છે. એ પ્રેમલગ્ન ટકે કે તૂટે જે પણ હોય એમાં ભગવાનની મરજી હોય અને તેમની વચ્ચેના ઋણાનુબંધ હોય છે. આથી જ્યોતિષીએ કે આ દુનિયાના અન્ય કોઈપણ મનુષ્યએ એમાં વચ્ચે ન પડવું જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. એને હું પાપ જ કહીશ.
પ્રેમલગ્ન તૂટી જાય છે તો શું કુંડળી મેળવીને કરેલાં એરેન્જ્ડ મેરેજીસ નથી તૂટી જતાં? કુંડળી મેળવીને કરેલાં લગ્ન પણ ટકી જ જાય એ જરૂરી હોતું નથી. લગ્ન ટકવાનો આધાર ગત જન્મોના કર્મ કે પૂર્વ પૂણ્ય પર રહેલો હોય છે. જેવી રીતે ધારો કે કોઈને કેન્સર થયું હોય અને ડોક્ટર પાસે જાય તો બચી જ જાય તેની કોઈ ગેરંટી હોતી નથી. એ તો ભગવાને જેટલાં શ્વાસ લખ્યાં હોય તેટલું જ જીવાય. હા, ડોક્ટર સારવાર કરીને કે પેઈન કિલર આપીને દુ:ખ કે પીડા થોડી હળવી કરી શકે. શક્ય હોય તેટલું આયુષ્ય લંબાવી શકે. હવે કોઈ વ્યક્તિ એમ કહે કે હું ડોક્ટર પાસે ગયો એટલે બચી જ જવો જોઉ તો શું એ શક્ય છે?
એ જ
રીતે કુંડળી મેળવીને લગ્ન કરો એટલે એ ટકી જ જાય કે લગ્ન સુખી જ થઈ જાય તેની ગેરંટી
હોતી નથી. પરંતુ હા, કુંડળી મેળવીને કરેલાં લગ્ન પેઈન કીલર જેવું કામ
આપી શકે. જેમ કે ધારો કે ભાગ્યમાં સુખી લગ્નજીવન લખ્યું જ ન હોય તો કુંડળી મેળવીને
લગ્ન કરો તો થોડી રાહતનો અનુભવ રહી શકે. લગ્નજીવનમાં મતભેદોનું પ્રમાણ ઓછું રહે કે
ભાગ્યમાં લગ્ન તૂટવાનું લખ્યું હોય તેનાથી થોડું લાંબુ ખેંચી શકાય. બાકી લગ્નનું
સુખ એ ગત જન્મોના કર્મને આધીન જ હોય છે. લગ્નમેળાપક પ્રારબ્ધવાદી બનીને નહિ રહેતાં
પુરુષાર્થ કરીને ભાગ્ય સુધારવાની તક છે. એક રીતે લગ્નમેળાપક એ પ્રારબ્ધ સામે
પુરુષાર્થની લડાઈ છે.
લગ્ન પહેલાં કુંડળી એટલાં માટે મેળવવામાં આવે છે કે જેથી જાણી શકાય કે આવનાર બંને વ્યક્તિ વચ્ચે પ્રેમ થવાની સંભાવના છે કે નહિ. હવે જો બે વ્યક્તિ વચ્ચે પહેલાંથી પ્રેમ થઈ ગયો હોય તો ઉલટી પ્રક્રિયા કરવાની જરૂર નથી. લગ્નજીવનમાં પ્રેમ સર્વોપરી હોય છે અને બાકી બધું જ ગૌણ હોય છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે ત્યારે ચોક્ક્સ તેમની કુંડળીમાં એવાં યોગો બનતાં હોય છે કે જેથી એ બંને પરસ્પર એકબીજાં પ્રત્યે આકર્ષણ અનુભવે છે. જો જ્યોતિષી એવાં યોગો ન જોઈ શકતો હોય તો એ માણસ તરીકેની તેની કમજોરી હોય છે. ઈશ્વરે તો જરૂર કોઈ ગુપ્ત યોગો કે જ્યોતિષીને પણ નજરે ન પડે તેવાં યોગો રચ્યાં જ હોય છે કે જેને લીધે એ બંને વ્યક્તિઓ એકબીજા માટે ખેંચાણ અનુભવી રહી હોય છે.
આ
ઉપરાંત સૌથી કરુણ વાત તો એ છે કે આપણાં સમાજમાં ખરેખર ચોકસાઈપૂર્વક લગ્નમેળાપક થાય
જ ક્યાં છે? (વાંચો લેખ “ચોકસાઈપૂર્વક
લગ્નમેળાપક કઈ રીતે?”) આપણાં
સમાજમાં તો મેળાપક એટલે ગુણાંક,
મંગળ દોષ અને નાડી દોષ એ જ માન્યતા ઘર કરી ગઈ છે. જ્યોતિષનું શૂન્ય
કે નહિવત જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ ઓનલાઈન રિપોર્ટ જનરેટ કરીને બે વ્યક્તિઓએ લગ્ન
કરવાં કે નહિ એનો નિર્ણય લઈ લેતી હોય છે! શું કોઈ મનુષ્યના અજ્ઞાન કે અધૂરાં
જ્ઞાનને લીધે બે પ્રેમ કરતી વ્યક્તિઓ અલગ થઈ જાય તે યોગ્ય છે?
એક સાચાં જ્યોતિષીનું કામ એ ખરેખર
યુગલની કુંડળી જોઈને ભવિષ્યમાં તેમનાં લગ્નજીવનમાં આવનારાં પડકારો વિશે સચેત
કરવાનું હોય છે. બંનેને એકબીજાંની ખામી અને ખૂબીઓથી પરીચિત કરવવાનું હોય છે. શું
કરવાથી લગ્ન સુખરૂપ ચાલી શકશે તેની માહિતી આપવાનું હોય છે. બાકી જેમ આપણે મનુષ્યો
ખામીઓ અને ખૂબીઓથી ભરેલાં હોઈએ છીએ અને કોઈ સંપૂર્ણ હોતું નથી તેવી જ રીતે કોઈ
લગ્નમેળાપક પણ ક્યારેય સંપૂર્ણ હોતું નથી. એક ઉત્તમ મેળ રચાતો હોય તેવી કુંડળી કે
પાત્ર પણ તો જ નજરમાં આવે કે જો ભાગ્યમાં લખેલું હોય. પ્રેમ કરતાં યુગલને કુંડળી
નથી મળતી એમ કહીને જ્યારે છૂટાં પાડવામાં આવે ત્યારે કોઈ ગેરંટી હોતી નથી કે તેમને
ભવિષ્યમાં એક સંપૂર્ણ કે ઉત્તમ મેળાપ ધરાવતું પાત્ર મળી જ જશે.
ઉત્તમ મેળાપક થયાં પછી પણ સુખી
લગ્નજીવનનો આધાર લગ્નના મુહૂર્ત પર રહેતો હોય છે. જેની મહત્તા આપણાં સમાજમાં
ભાગ્યે જ કોઈ સમજે છે અને મુહૂર્ત જાળવવાની કોશિશ કરે છે. જે રીતે ચોક્ક્સ સમયે
બાળકનો જન્મ થાય તે સમયની કુંડળી બને અને તેનાં ઉપર બાળકના ભાવિનો આધાર હોય છે. તે
જ રીતે શુભ મુહૂર્તમાં જ્યારે લગ્ન થાય ત્યારે લગ્ન નામની ઘટનાનો જન્મ થાય છે અને
તે સમયે બનતી કુંડળી ઉપર ભાવિ લગ્નજીવનના સુખ-દુ:ખનો આધાર હોય છે. ભાગ્યમાં
લખાયેલું હોય તો મુહૂર્ત જાળવવાનું સૂઝે કે મુહૂર્ત જાળવવા જેવી પરિસ્થિતિ રહે.
બાકી અંતે ઈશ્વરને જે કરવું હોય તે જ કરે છે. વળી આજકાલ તો શુભ મુહૂર્ત કાઢી શકવાં
જેટલી સ્વતંત્રતા જ રહી નથી. મેરેજ હોલ ખાલી હોય કે ઓફિસમાંથી રજા મળે એમ હોય કે
વિદેશથી ટૂંક સમય માટે આવતાં હોય તે ગાળામાં ‘પરાણે’ મુહૂર્ત
કાઢીને આપવાનું રહેતું હોય છે. આ બધું જ્યારે જાણીએ-સમજીએ ત્યારે થાય કે લગ્ન એ
માત્ર અને માત્ર ભાગ્યથી ઘટતી ઘટના છે.
જન્મ, મરણ અને લગ્ન એ કર્મ તેમજ ઈશ્વરને આધીન હોય છે. જ્યારે એક સુખી લગ્નજીવનમાં આટલાં બધાં પરિબળો ભાગ ભજવતાં હોય ત્યારે બે પ્રેમ કરતી વ્યક્તિઓને છૂટાં પાડવાનું પાપ કરીને આપણાં પોતાનાં કર્મ ન બાંધીએ તેમાં જ ભલાઈ છે.
ટિપ્પણીઓ