બુધના કન્યા ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ – ઓગસ્ટ 2022

Pixabay
નવગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ ઓગસ્ટ ૨૧, ૨૦૨૨ના રોજ રાત્રિના ૦૨.૦૬ કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. અહીં બુધ ઓક્ટોબર ૨૬, ૨૦૨૨ સુધી ગોચર ભ્રમણ કરશે. સામાન્ય રીતે એક રાશિમાં એક માસ જેટલો રહેતો બુધ આ વખતે કન્યા રાશિમાં વક્રી-માર્ગી થઈને આશરે બે માસ જેટલાં સમય સુધી રહેશે. આથી આ ભ્રમણ અતિ મહત્વનું બને છે. આ ભ્રમણ દરમિયાન બુધ પર હાલ મીન રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુની દ્રષ્ટિ પડશે. કન્યા રાશિ એ બુધની સ્વરાશિ તેમજ ઉચ્ચ રાશિ છે અને તેથી આ ભ્રમણ દરમિયાન બુધ બળવાન બનીને પોતાનું સંપૂર્ણ ફળ આપવાં માટે સક્ષમ બને છે. મીન રાશિ એ ગુરુની સ્વરાશિ છે અને તેથી મીન રાશિમાં રહેલાં ગુરુની બુધ પરની દ્રષ્ટિ બુધના સકારાત્મક ફળમાં વૃદ્ધિ કરનાર બની રહેશે. બુધ એ બૌદ્ધિક ગ્રહ છે. ગુરુની મદદથી બુધ સંવાદ, વાતચીત, માહિતીનું આદાન-પ્રદાન, અભ્યાસ, વિશ્લેષણ કરવાની આવડત વગેરેમાં સુધારો કરશે.

આ કન્યા રાશિમાં ભ્રમણ દરમિયાન સપ્ટેમ્બર ૧૦, ૨૦૨૨થી ઓક્ટોબર ૨, ૨૦૨૨ સુધી બુધ ગ્રહ વક્રી બનશે. વક્રી બુધનો આ સમય અગાઉ કરી ચૂકેલાં કાર્યો પર ફરી એક નજર નાખી લેવાનો રહેશે. સુધારા-વધારા કરી કાર્યોને વધુ સફળ બનાવવાની એક તક આપનારો બની રહેશે.

બુધનું સ્વરાશિ કન્યામાં ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જાણીએ. આ ફળને આપ જન્મલગ્ન અને સૂર્યલગ્નથી પણ ચકાસી શકશો. જો કે નોંધ લેશો કે આ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા વગેરે અનેક પરિબળો પર રહેલો હોય છે.

મેષ: બુધ ષષ્ઠમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય આરોગ્યમાં સુધારો કરનારો રહે. શારીરિક તંદુદસ્તી વિશે કશુંક બૌદ્ધિક અને માહિતીપ્રદ વાંચવા કે જાણવાં મળી શકે છે. મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર ધ્યાન એકાગ્ર કરી શકાય તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ થઈ શકે છે. દૈનિક નાની-મોટી પ્રવૃતિઓનું વિશ્લેષણ કરીને તેમાં સુધાર લાવી શકાય. કાર્યક્ષેત્રે સહકર્મચારીઓ સાથે સંવાદ અને માહિતીની આપ-લે શક્ય બને. આ સમય મુસાફરી કરવાં માટે પણ શુભ રહી શકે છે.

વૃષભ: બુધ પંચમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય અભ્યાસ સાથે જોડાયેલી પ્રવૃતિઓ અર્થે શુભ રહી શકે છે. નવાં-નવાં સર્જનાત્મક વિચારો સ્ફૂરી શકે છે. લેખન કાર્ય હાથ ધરી શકાય. સંતાનોને લગતી બાબતોમાં પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો અનુભવી શકાય. પ્રણય સાથી સાથે બૌદ્ધિક ચર્ચાઓ થઈ શકે છે. બૌદ્ધિક પ્રવૃતિઓ આનંદ આપી શકે. બુદ્ધિ દ્વારા રમાતી રમતો રસપ્રદ લાગી શકે છે.

મિથુન: બુધ ચતુર્થસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. બુધનું આ ભ્રમણ ઘર-પરિવાર અને આર્થિક બાબતો માટે લાભદાયી નીવડી શકે છે. પરિવારના સભ્યો સાથે ઘરેલું બાબતો પર ચર્ચાઓ થઈ શકે છે. માતા તરફથી મદદ કે સહકાર મળતો જણાય. અભ્યાસ સાથે સંકળાયેલી પ્રવૃતિઓમાં પ્રગતિ થઈ શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિ થતી અનુભવી શકાય. ખાસ કરીને કોમ્યુનિકેશન, માહિતીના આદાન-પ્રદાન, વિશ્લેષણ, વ્યાપાર હેતુ સમય શુભ રહે.

કર્ક: બુધ તૃતીયસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય ટૂંકી મુસાફરીઓ હેતુ શુભ રહી શકે છે. કામ સંબંધી નાની-મોટી ખેપ થઈ શકે છે. શહેરની અંદર કે આસપાસ ફરવાનું બની શકે છે. ગુરુની દ્રષ્ટિને લીધે લાંબા અંતરની મુસાફરી પણ શક્ય બને. સોશિયલ મીડિયા/ફોન પર વધુ સમય વ્યતીત થઈ શકે છે. પાડોશીઓ, ભાઈ-બહેનો, સંબંધીઓ સાથે વાતચીત અને મુલાકાત કરવામાં સમય પસાર થાય. જુદાં-જુદાં પ્રકારની અનેક પ્રવૃતિઓમાં રસ પડતો જણાય.

સિંહ: બુધ દ્વિતીયસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. દ્વિતીય ધનસ્થાનમાંથી પસાર થતો બુધ આર્થિક બાબતોમાં પ્રગતિનો અનુભવ કરાવી શકે છે. અષ્ટમસ્થાનમાં રહેલાં ગુરુની બુધ પરની દ્રષ્ટિ પગાર ઉપરાંત અન્ય રીતે આર્થિક લાભ જેમ કે રોકાણ પરનું વળતર કે વ્યાજ, વારસાકીય ધનલાભ, જીવનસાથીથી ધનલાભ વગેરેનો નિર્દેશ કરે છે. આ સમય આહારની આદતો બદલવાં માટે કે યોગ્ય આહારની પસંદગી કરીને સમજદારીપૂર્વક આહાર ગ્રહણ કરવાં માટે શ્રેષ્ઠ રહે.

કન્યા: બુધ પ્રથમ/લગ્નસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. લોકો સાથે વાતચીત કરવામાં આત્મવિશ્વાસનો અનુભવ થઈ શકે છે. લોકો સાથેની વાતચીત વધુ અર્થસભર અને લાભદાયી પરિણામ આપનારી નીવડતી હોય તેવું અનુભવી શકાય. શારીરિક તંદુરસ્તીમાં સુધારો થઈ શકે છે. સ્વતંત્ર રીતે કામકાજ સંબંધી નિર્ણયો લેવાનું વલણ રહે. કોઈપણ પ્રકારના અધ્યયન કે લખાણ સંબંધી પ્રોજેક્ટ સાથે સંકળાવાનું લાભદાયી રહે.

તુલા: બુધ દ્વાદશભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આધ્યાત્મિક અધ્યયન કરવાં માટે શુભ સમય રહે. આધ્યાત્મિક પ્રવૃતિઓ જેવી કે ધ્યાન-સાધના વગેરે કરવાં માટે તેમજ આધ્યાત્મિક પ્રગતિ સાધવાં હેતુ શુભ સમય છે. કોઈક જગ્યાની મુસાફરી કરી શકો છો. મુસાફરી આરામપ્રદ રહે અને જે જગ્યાની મુલાકાત લઈ રહ્યાં હો તે વિશે વધુ જાણવાં-સમજવાંનુ વલણ રહે. આ સમય ભૂતકાળનું વિશ્લેષણ કરીને ભવિષ્ય સુધારવાનો રહે.

વૃશ્ચિક: બુધ એકાદશભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. સામાજીક પ્રવૃતિઓ તેમજ મૈત્રી સંબંધો માટે લાભદાયી સમય રહે. અન્યો સાથે વિચારોની આપ-લે થઈ શકે. આ સમય ઓનલાઈન કે ઓફલાઈન કોઈ ક્લાસ લેવાં કે ક્લાસમાં જોડાવાં હેતુ શુભ રહે. લાંબા ગાળાના સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. જીવનમાં રહેલી મુશ્કેલીઓનો ઉકેલ શોધી શકાય. આર્થિક બાબતો અને સંતાન સંબંધી બાબતો હેતુ આ ભ્રમણ શુભ રહી શકે છે.

ધનુ: બુધ દસમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય નોકરી અને વ્યવસાય હેતુ શુભ રહેવાની સંભાવના છે. મહાત્વાકાંક્ષી કાર્યો કે પ્રોજેક્ટ હાથ પર લઈ શકાય. આ સમય ક્લાયન્ટ, સાથી કે ભાગીદારો સાથે મળીને કામ કરવા માટે લાભદાયી રહે. કાર્યક્ષેત્રે વધુ સંવાદ કે વાતચીતની આવશ્યકતા રહે. કાર્ય સંબંધી યોજનાઓ ઘડવા માટે શ્રેષ્ઠ સમય રહે. એક કરતાં વધુ કાર્યો સંભાળી શકાય. પોતાના વિચારોને જાહેરજીવનમાં પ્રગટ કરી શકાય.

મકર: બુધ નવમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. અભ્યાસ સંબંધી પ્રવૃતિઓ હેતુ સમય શુભ રહે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો અનુભવી શકાય. આ સમય દરમિયાન લાંબા અંતરની યાત્રાઓ થઈ શકે છે. પિતા, ગુરુ, શિક્ષક કે સલાહકાર સાથે સંવાદ કે વાતચીત થઈ શકે છે. દૂરના સ્થળે રહેતી કોઈ વ્યક્તિ સાથે પણ સંવાદ સ્થપાય શકે છે. વિચારો બહોળાં બને. જ્ઞાન અને જાણકારીનો વિસ્તાર કરવાની ઈચ્છા જાગી શકે છે. સ્વભાવમાં ભૂલકણાંપણાનો અનુભવ થઈ શકે.

કુંભ: બુધ અષ્ટમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. કોઈ પ્રકારે આર્થિક સ્થિતિમાં સુધાર આવતો અનુભવી શકાય. ભાગીદારી, લોન, વીમા, કરારો કે જીવનસાથીને લીધે આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. આ સમય આર્થિક યોજનાઓ ઘડવાં માટે અને સંશોધનાત્મક પ્રવૃતિઓ માટે શુભ છે. જ્યોતિષ, મનોવિજ્ઞાન, યોગ વગેરે જેવી ગૂઢ બાબતો શીખવી શક્ય બની શકે છે. લોકોની વાતોમાં રહેલાં ગૂઢાર્થને કે ન કહેવાયેલી વાતોને સમજી શકો. અંત:સ્ફૂરણા પ્રબળ બને.

મીન: બુધ સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. જીવનસાથી અને વ્યાવસાયિક ભાગીદારો સાથે વધુ સારી રીતે વાતચીત થઈ શકે તેમજ તેમની સાથે સંવાદ સાધી શકાય. આ સમય વ્યવસાય હેતુ શુભ રહી શકે છે. જો પરિણીત હો તો જીવનસાથીની તેમનાં કાર્યક્ષેત્રમાં થતી પ્રગતિ અનુભવી શકશો. અન્યોના વિચારોને માન આપવાને લીધે પોતાના જીવનમાં અનિર્ણયાત્મકતાનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમિયાન સામાન્ય કરતાં વધુ વ્યવહાર કુશળ વલણ ધરાવો તેવું બને. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર