ઓગસ્ટ 2022 - ગોચર ગ્રહોનું ફળ

Shrinathji Temple, CC BY-SA 4.0, via Wikimedia Commons

સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ 

17 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 07.24 કલાકે સૂર્ય મહારાજે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. અહીં સૂર્ય એક માસ સુધી એટલે કે આગામી 17 સપ્ટેમ્બર સુધી ગોચર ભ્રમણ કરશે. આ સમય હવે જિંદગીનાં રંગમંચ પર કેન્દ્રમાં રહીને મુખ્ય પાત્રની ભૂમિકા ભજવવાનો છે. આસપાસના લોકોની પરવા કર્યા વિના સ્વની ઈચ્છાઓ, સપનાઓ અને મહાત્વાકાંક્ષાઓને માન આપવાનો છે. પોતાની જાતને પ્રેમ કરવાનો અને આત્મવિશ્વાસનો અનુભવ કરવાનો છે. ટોળામાંના એક બનીને નહીં રહેતાં કશુંક નોખું-અનોખું કરવાનો છે. નવું સર્જન કે નવી શરૂઆત કરવાનો છે. શું આજ સુધી તમે જીવનમાં જે કર્યું કે કરી રહ્યાં છો તેનાંથી તમે સંતુષ્ટ છો? જો જવાબ ના હોય તો આ સમય હવે એને બદલવાનો છે. સિંહ રાશિમાં સૂર્યનાં પ્રવેશ સાથે જ છેલ્લાં એક મહિનાથી સૂર્ય-શનિની પ્રતિયુતિને લીધે હેરાનગતિ અનુભવતાં જાતકો હવે રાહતનો અનુભવ કરી શકશે. આ સાથે જ હવે સિંહ રાશિમાં સૂર્ય પર વૃષભ રાશિમાં રહેલાં મંગળની અને મેષ રાશિમાં રહેલાં રાહુની દ્રષ્ટિ પડશે. મંગળ અને રાહુની દ્રષ્ટિ સૂર્યના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરશે.

જન્માષ્ટમી 

ભગવાન શ્રીવિષ્ણુના નવ અવતારોનો સંબંધ નવ ગ્રહો સાથે પણ છે. ઉદાહરણ તરીકે શ્રીરામનો સંબંધ સૂર્ય સાથે અને શ્રીકૃષ્ણનો સંબંધ ચંદ્ર સાથે છે. ભગવાન શ્રીરામ ૧૨ કલાઓના જ્ઞાતા હતાં તો શ્રીકૃષ્ણ ૧૬ કલાઓના જ્ઞાતા હતાં. શાં માટે અને કઈ રીતે ૧૨ અને ૧૬ કલાઓ? સૂર્યની ગતિને બાર ભાગોમાં વહેંચવામાં આવી છે, જે બાર રાશિઓ તરીકે ઓળખાય છે. સૂર્ય એક રાશિમાં આશરે એક માસ જેટલો સમય રહે છે અને બાર રાશિઓનાં બનેલાં એક રાશિચક્રનું ભ્રમણ પૂર્ણ કરતાં તેને એક વર્ષ લાગે છે. આથી સૂર્યવંશી શ્રીરામ ૧૨ કલાઓ યુક્ત અંશાવતાર કહેવાયાં. જ્યારે ચંદ્રની ૧૬ કલાઓ એ ચંદ્રના પ્રકાશની અવસ્થાઓ છે. જેમકે પ્રતિપદા, દ્વિતીયા, એકાદશી, પૂનમ વગેરે. આથી જ ચંદ્રવંશી શ્રીકૃષ્ણ ૧૬ કલાઓ યુક્ત અંશાવતાર કહેવાયાં. આપ સૌ મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ! 

અમાવસ્યા અને પિતૃ કર્મ 

જ્યારે સૂર્ય અને ચંદ્રનું આકાશમાં ભ્રમણ કરતાં મિલન થાય ત્યારે અમાવસ્યા આવે છે. ઓગસ્ટ ૨૭ના રોજ સિંહ રાશિમાં ૧૦ અંશ પર મઘા નક્ષત્રમાં સૂર્ય અને ચંદ્રનું મિલન થવાં જઈ રહ્યું છે. જ્યોતિષ અને ધર્મગ્રંથોમાં દરેક તિથિનું એક અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. દરેક તિથિના સ્વામીઓ પણ અલગ-અલગ દેવતા છે. એ મુજબ અમાવસ્યા તિથિના સ્વામી પિતરને માનવામાં આવ્યાં છે. વળી મઘા નક્ષત્રના દેવતા પણ પિતર છે. આથી આ અમાવસ્યા પિતૃ કર્મ એટલે કે શ્રાદ્ધ, તર્પણ વગેરે માટે વિશેષ શુભ રહી શકે છે. આપણાં પિતૃઓ એટલે કે પૂર્વજોને આ દુનિયામાં આપણને યોગ્ય માર્ગદર્શન આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ એવી માર્ગદર્શક શક્તિઓ છે જે પિતૃલોકમાં રહે છે અને પોતાનાં સંતાનને તક્લીફમાં જોઈને તરત યોગ્ય રાહ બતાવવાં આવે છે. સંતાન જો સાચાં રાહે ચાલીને પ્રગતિ કરી રહ્યાં હોય તો તે જોઈને ખુશ થઈ જાય છે. પિતૃઓના આ પ્રભાવને લીધે પિતૃ કર્મની પરંપરા મહત્વ ધરાવે છે. આ પરંપરા એક રીતે ભૂતકાળમાં રહેલાં આપણાં મૂળ સાથે જોડાઈ રહેવાની તક છે. આ વખતે અમાવસ્યા શનિવારે આવતી હોવાથી શનિશ્ચરી અમાવસ્યા કહેવાશે. જેથી આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. 

શુક્ર અને શનિની અંશાત્મક પ્રતિયુતિ 

હાલ શુક્ર મહારાજ કર્ક રાશિમાં અને શનિ મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરીને પ્રતિયુતિમાં રહેલાં છે. ઓગસ્ટ ૨૮ના રોજ બંને ૨૬ અંશ પર અંશાત્મક પ્રતિયુતિ રચી રહ્યાં છે. શુક્ર એ પ્રેમ અને સંબંધોનો કારક ગ્રહ છે. શનિની શુક્ર પરની દ્રષ્ટિ સંબંધની ગતિને ધીમી પાડી શકે છે અથવા થંભાવી શકે છે. આ અંશાત્મક પ્રતિયુતિ એ ખરેખર સંબંધમાંથી શું જોઈએ છે તે બાબતે ચિંતન કરવાની તક છે. પ્રણય સંબંધ કસોટીની એરણે ચડી શકે છે. અમુક આત્યંતિક કિસ્સાઓમાં કાર્મિક લેણ-દેણ પૂરી થવાથી સંબંધનો અંત આવી શકે છે અથવા સંબંધમાં લાંબા ગાળાનો વિરામ આવી શકે છે. વડીલોનું વલણ સંબંધ બાબતે ટીકાત્મક રહી શકે છે. સકારાત્મક કિસ્સાઓમાં સંબંધ પરત્વે ગંભીરતા અને જવાબદારીનો અનુભવ થઈ શકે છે. ઘણીવાર સાથી હોવા છતાં એકલાંપણાંની કે વિખૂટાપણાંની લાગણીનો અનુભવ થઈ શકે છે. પોતે અનાકર્ષક હોવાની લાગણી અનુભવાય શકે છે. આજના દિવસે સ્વયંના સાથી બનીને ધ્યાન કે ચિંતનમાં સમય વ્યતીત કરવો હિતાવહ રહે

શુક્રનો સિંહ રાશિમાં તેમજ ગંડાંતમાં પ્રવેશ 

ઓગસ્ટ ૩૧ના રોજ ૧૬.૨૦ કલાકે શુક્ર મહારાજ સૂર્યનું સ્વામીત્વ ધરાવતી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અહીં શુક્ર સપ્ટેમ્બર ૨૪, ૨૦૨૨ સુધી ભ્રમણ કરશે. સિંહ રાશિ એ કાળપુરુષની કુંડળીનું પંચમ સ્થાન છે. આ ભ્રમણ હવે પ્રેમ અને સર્જનાત્મકતાને પ્રાથમિકતા આપનારું બની રહે. અહીં હવે પ્રેમ સંકોચનો ત્યાગ કરીને પૂરી દુનિયાને જાણ થાય તે રીતે અભિવ્યક્ત થઈ શકે છે. આમ છતાં પ્રેમની આડે અહમ ન આવી જાય તેની કાળજી રાખવી. સિંહ એ અગ્નિતત્વ ધરાવતી રાશિ છે અને ઘણીવાર જળતત્વ ધરાવતાં શુક્રના પ્રેમના પ્રવાહને શુષ્ક બનાવી દે છે. ઓગસ્ટ ૨૮થી લઈને સપ્ટેમ્બર ૩ સુધી શુક્ર ગંડાંત ક્ષેત્રમાં રહેશે. જળરાશિ પૂરી થાય અને અગ્નિરાશિ શરૂ થાય તે સંધિસ્થળ ગંડાંત તરીકે ઓળખાય છે. જ્યાં સુધી શુક્ર ગંડાંતમાં છે ત્યાં સુધી સંબંધની બાબતમાં શાંતિ રાખવી. સંબંધની મુંઝવણ બાબતે વધુ પડતાં વિચારો કરવાથી દૂર રહેવું. સાથીના મૂડ કે વર્તનમાં બદલાવ જણાય તો તણાવ અનુભવવાથી દૂર રહેવું. કોઈ નિરર્થક સંબંધની પૂર્ણાહૂતિ થઈને એક નવી શરૂઆત થઈ શકે છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા