રાહુના મેષ અને કેતુના તુલા પ્રવેશનું ફળ - ૨૦૨૨

એપ્રિલ ૧૨, ૨૦૨૨ના રોજ ૧૪.૪૨ કલાકે રાહુ પોતાની વૃષભ રાશિમાં ગોચર યાત્રા સમાપ્ત કરીને મેષ રાશિમાં ગોચર ભ્રમણ પ્રારંભ કરશે. કેતુ પણ આ જ દિવસે વૃશ્ચિક રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે.

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ-કેતુને ક્રૂર તેમજ પાપગ્રહ માનવામાં આવ્યાં છે. આમ છતાં જો કુંડળીમાં તેમની સ્થિતિ મજબૂત હોય તો શુભ પરિણામ આપી શકે છે. રંકમાંથી રાજા બનાવી શકે છે. રાહુ-કેતુનું રાશિ પરિવર્તન જીવનમાં આંતરિક અને બાહ્ય બદલાવ લાવી શકે છે.

રાહુનું મેષ રાશિમાં અને કેતુનું તુલા રાશિમાં ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. આ ફળને જન્મલગ્ન અનુસાર પણ ચકાસવાથી વધુ સ્પષ્ટતા મળી શકશે.

Rama19920, CC BY-SA 4.0, via Wikimedia Commons

મેષ: રાહુ જન્મલગ્ન/પ્રથમ ભાવમાંથી અને કેતુ સપ્તમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુનું આ ગોચર ભ્રમણ સંબંધોને અસર કરનારું બની રહેશે. સંબંધો ખાસ કરીને લગ્ન અને વ્યવસાયના ભાગીદારી સંબંધો કસોટીની એરણે ચડશે તેમજ સંબંધમાં રહેલાં મતભેદો સપાટી પર આવી શકે છે. જીવનસાથી કે ભાગીદાર સાથે ગેરસમજ થઈ શકે છે. જો લગ્નજીવનમાં અગાઉથી તણાવનો અનુભવ થઈ રહ્યો હોય તો આ ભ્રમણ દરમિયાન છૂટાં પડવાનો યોગ સર્જાય શકે છે. જો લગ્નસંબંધ મજબૂત હશે તો કસોટી થાય તેવી પરિસ્થિતિ તો આવે, પરંતુ બંને સાથે મળીને તેમાંથી પસાર થઈને સંબંધને વધુ મજબૂત બનાવી શકશે. આ સમય દરમિયાન જીવનસાથીની ટીકા કરવાથી દૂર રહેવું. જીવનસાથીને આરોગ્ય વિષયક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. એવું પણ બની શકે કે જીવનસાથીના કેરિઅરના પ્રશ્નો કે અન્ય અંગત પ્રશ્નો તેમનાં પોતાનાં જીવનમાં નિરાશા પેદા કરે અથવા તેમનાં આત્મવિશ્વાસમાં કમી કરે. આ ગોચર ભ્રમણ દરમિયાન અપરિણીત જાતકો ભૂતકાળમાં તેમનાં જીવનમાં રહેલી કોઈ વ્યક્તિ સાથે અથવા પૂર્વજન્મમાં સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિ સાથે કાર્મિક લેણ-દેણને લીધે લગ્નસંબંધ દ્વારા જોડાઈ શકે છે. આ સમય દરમિયાન સ્વભાવની આક્રમકતા અને અધીરાઈમાં વૃદ્ધિ થઈ શકે છે. એક સમયે એક જ કાર્ય હાથ પર લેવાનું વલણ રાખવું. મનમાં ડર, ભય કે ભ્રમણાઓ પેદા થઈ શકે છે. જીવનમાં નાટકીય ઘટનાઓ આકાર લઈ શકે છે. અગાઉથી ઘડેલી યોજના કે ધારણા અનુસાર કાર્યો પાર પડવાને બદલે સદંતર અલગ દિશામાં કાર્યો વળાંક લઈ શકે છે. જીવનમાં અને કાર્યોમાં આવતાં આ બદલાવનો સહર્ષ સ્વીકાર કરવો. આ બદલાવ સકારાત્મક હોઈ શકે છે. કાર્યો સંબંધી વ્યર્થ યાત્રાઓ થઈ શકે છે.

વૃષભ: રાહુ દ્વાદશ ભાવમાંથી અને કેતુ ષષ્ઠમ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય દરમિયાન યાત્રાઓ થઈ શકે છે. પરદેશ જવાની કે પરદેશની મુસાફરી કરવાની તક મળી શકે છે. આધ્યાત્મિક વલણમાં વૃદ્ધિ થઈ શકે. જો કે આધ્યાત્મિક વલણ થોડું વિચિત્ર કે અનોખું હોઈ શકે છે. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. શરીરની સહનશક્તિમાં ઘટાડો થાય. સતત રહેતો માનસિક અને ભાવનાત્મક તણાવ રોગો સામે લડવાની શક્તિમાં ઘટાડો કરી શકે છે. વધુ પડતી ચિંતાને લીધે અનિદ્રાનો રોગ લાગુ પડી શકે છે. આંખોની સંભાળ રાખવી. નિયમિત શારીરિક તપાસ કરાવતાં રહીને આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ ખીલી શકે છે. આમ છતાં વધુ પડતાં વિચારોને લીધે મન થાકનો અનુભવ કરે. આર્થિક જાવકનું પ્રમાણ વધી શકે છે. વ્યર્થ નાણાકીય ખર્ચાઓ પર કાબુ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બિમારીને લીધે પણ ખર્ચાઓ વધી જાય તેવું બની શકે. કાર્યક્ષેત્રે નિરાશાનું વાતાવરણ રહી શકે છે. જવાબદારીઓમાં વધારો થાય અને તેને લીધે માનસિક દબાણનો અનુભવ થઈ શકે છે. સહકર્મચારીઓના જરૂરી સાથ-સહકારની કમી રહેતી હોય તેવું લાગે. સહકર્મચારીઓ સાથે વાદ-વિવાદ કરવાથી દૂર રહેવું. કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ શકે છે. કાર્યક્ષેત્રે કોઈની અનૈતિકતા દુ:ખનો અનુભવ કરાવી શકે. એક નોકરીમાંથી બીજી નોકરીમાં જવાનું બની શકે છે. મોસાળપક્ષમાં કોઈ સંબંધીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. ગુપ્ત શત્રુઓ અને ટીકાકારોમાં વધારો થઈ શકે છે. આ શત્રુઓ અને ટીકાકારો ભૂતકાળ કે પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવતાં હોઈ શકે છે. તેઓ જે કંઈ પ્રશ્નો પેદા કરે તેનાંથી દૂર ભાગવાને બદલે તેમનો વર્તમાનમાં સામનો કરવો જોઈએ. ચોરી થવાનો ભય રહી શકે છે.   

મિથુન: રાહુ એકાદશ ભાવમાંથી અને કેતુ પંચમ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. નવી લાભદાયી ઓળખાણો થઈ શકે છે, જે જીવનને એક નવી દિશા તરફ લઈ જઈ શકે છે. મિત્રોને લીધે લાભ થવાની તેમજ નવી તકો મળવાની સંભાવના રહે. સામાજીક સંબંધોને લીધે સફળતાની પ્રાપ્તિ થઈ શકે. આ સમય નોકરી-વ્યવસાયમાં વિકાસ અને તેનાં દ્વારા સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો બની રહે. કાર્યસ્થળે પદોન્નતિ થાય કે અન્ય લાભ મળી શકે છે. વ્યવસાયમાં પ્રગતિ થાય. આર્થિક બાબતો માટે આ ભ્રમણ લાભદાયી નીવડે. બોનસના સ્વરૂપે કે પછી પ્રમોશન મળવાને લીધે આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. પરદેશમાં કામ કરવાની તક મળી શકે છે. નવી નોકરીની પ્રાપ્તિ થઈ શકે. કોઈ કોર્ટકચેરીનો કેસ ચાલતો હોય તો તેનો અંત આવે અને તેમાં પણ મોટું નાણાકીય વળતર પ્રાપ્ત થવાની સંભાવના રહે. નાણાકીય રોકાણો પરત્વે વધુ પડતું ઉત્સાહી કે આશાવાદી વલણ ધરાવી શકો છો. સંતાનો ચિંતાનું કારણ બની શકે છે. સંતાનો ક્યાં જાય છે, શું કરે છે વગેરે બાબતોની કાળજી લેતાં રહેવી જોઈએ. તેમની સોબત વિશે જાણકારી મેળવવી જરૂરી બને. સંતાનોથી છૂટાં પડવાનો કે દૂર જવાનો યોગ બની શકે. સંતાનો અભ્યાસ અર્થે દૂર જઈ શકે છે. સંતાનો અભ્યાસ અર્થે કે અન્ય કોઈ કારણસર દૂર જવાથી તેમની પાછળ થતાં નાણાકીય ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. સંતાનઈચ્છુક દંપતિઓને આ સમય દરમિયાન સંતાન પ્રાપ્ત કરવામાં વિલંબ કે અવરોધનો સામનો કરવો પડી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ આ ગોચર ભ્રમણ દરમિયાન આરોગ્યની વિશેષ કાળજી રાખવી. ભૂતકાળની બાબતો નકારાત્મક રીતે મન પર પકડ જમાવી શકે છે. જો મનનાં સર્જનાત્મક પાસાંને જાગૃત કરવામાં આવે તો આ સમય દરમિયાન કોઈ નવાં શોખ કે કળામાં રુચિ દાખવી શકાય. ધ્યાન, મંત્ર તેમજ ધાર્મિક ગ્રંથોના અધ્યયન પ્રત્યેની રુચિમાં વધારો થાય.

કર્ક: રાહુ દસમ ભાવમાંથી અને કેતુ ચતુર્થ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. કર્મક્ષેત્રે મોટો કે મહત્વનો બદલાવ આવી શકે છે. નવાં પ્રકારનું કામ હાથ ધરવાનો યોગ બની શકે. નોકરી છૂટવાથી કે પછી નવાં કામની શરૂઆત થવાથી જીવનને એક અલગ દિશા મળી શકે છે. નોકરીમાં બદલી થવાની સંભાવના પણ નકારી ન શકાય. જૂની નોકરી છૂટીને નવી નોકરી મળી શકે. કર્મક્ષેત્રે ઉતાર-ચડાવનો અનુભવ થાય. આમ છતાં એક સારી નોકરી કે વ્યવસાયને જાળવીને રાખી શકવું શક્ય બને. ગેરકાનૂની રીતે નાણાં કમાવવાથી કે ગેરકાનૂની કાર્યો કરવાથી દૂર રહેવું. ઉપરી અધિકારીઓ સાથે મતભેદ ઉદ્ભવી શકે છે. કર્મક્ષેત્રે ભય કે ભ્રમણાનો અનુભવ થઈ શકે. કામને લીધે નિવાસનું સ્થળ બદલાય તેવી સંભાવના રહે. પરદેશની યાત્રા થઈ શકે. ઘરથી દૂર વધારે સમય વીતે તેવી સંભાવના રહે. ઘર કે વાહન પાછળ નાણાકીય ખર્ચ થઈ શકે છે. સ્થાવર સંપતિ કે વાહન ખરીદવાં માટે આ સમય અનુકૂળ ન કહી શકાય. વાહન બગડી શકે છે અને તેની મરામત પાછળ ખર્ચાઓ થઈ શકે છે. ઘર અને પરિવારની સલામતીને લઈને પ્રશ્નો ઊભાં થઈ શકે છે. મન ખાલીપો અનુભવે અને ઘર-પરિવાર સાથે જોડાણની જરૂરિયાત અનુભવાય. લાગણી અને ભાવનાત્મક બાબતો માટે આ ગોચર ભ્રમણ પ્રતિકૂળ રહી શકે છે. આ એ સમય રહે કે જ્યારે કર્મક્ષેત્રે સારી એવી સફળતા મળવાં છતાં મન ખાલીપો કે ઉદાસીનતા અનુભવતું હોય. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. માતા સાથે વૈચારીક મતભેદો થવાની સંભાવના રહે. ઘર-પરિવારના સભ્યો સાથે કે માતા સાથે ગેરસમજ થઈ શકે છે. આ ગોચર ભ્રમણ સંબંધોમાં ભંગાણ પડાવી શકે છે. ગૃહસ્થ જીવનમાં મોટાં બદલાવ આવી શકે છે.

સિંહ: રાહુ નવમ ભાવમાંથી અને કેતુ તૃતીય ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. નવું-નવું શીખવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા જાગે. જ્ઞાનની શોધ ફિલસૂફી કે અધ્યાત્મનો અભ્યાસ કરાવી શકે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશગમન થઈ શકે છે. ઉચ્ચ અભ્યાસ સારો થઈ શકે પરંતુ તેનો પ્રભાવ પડતો ન જણાય. અભ્યાસ જીવનની દિશા બદલી શકે છે. વિચિત્ર કે અનોખાં વિષયના અભ્યાસ પ્રત્યે આકર્ષણ રહે. ગુરુ, શિક્ષક અને વડીલો સાથેનાં સંબંધ બાબતે આ સમય પ્રતિકૂળ રહી શકે છે. ગુરુ માની શકાય તેવી વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકતાં પહેલાં વિચાર કરવો. તેમના ઈરાદાઓ સંપૂર્ણ રીતે શુધ્ધ ન હોય તેવું બની શકે. વ્યવસાય અથવા નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. સરકાર દ્વારા સન્માનની પ્રાપ્તિ થાય. ઘણાં પ્રવાસો અને યાત્રાઓ થવાની સંભાવના રહે. નવાં લોકો અને નવી સંસ્કૃતિના પરિચયમાં આવવાનું બની શકે. આ સમય દરમિયાન વિદેશયાત્રા સહેલાઈથી થઈ શકે છે. ધર્મ અને પરંપરા-રિવાજોને લગતાં વિચારોમાં બદલાવ આવી શકે છે. ધર્મ વિમુખ કે નાસ્તિક બની જવાની શક્યતા રહે અથવા અન્ય ધર્મ પ્રત્યે આકર્ષણ અનુભવાય. ધાર્મિક કે આધ્યાત્મિક મહત્વ ધરાવતાં સ્થળની યાત્રા કે મુલાકાત શક્ય બને. પિતાના આરોગ્યની કાળજી લેવી. પિતા સાથે ગેરસમજ થવાની સંભાવના રહે. માતા માટે પણ આ સમય શારીરિક રીતે કષ્ટપ્રદ રહેવાની સંભાવના છે. પરાક્રમ ક્ષમતા બાધિત થઈ શકે છે. ભાઈ-બહેનોની અપેક્ષાઓ પ્રત્યે અલિપ્તતા દાખવો તેવું બની શકે. ભાઈ-બહેનોના વિવાહનો પ્રસંગ ઘટિત થઈ શકે છે. ભાઈ-બહેનોથી અલગ પડવાની કે દૂર જવાની ઘટના ઘટી શકે. પ્રારંભિક અવરોધ બાદ ભાગ્યની વૃદ્ધિ થાય.

કન્યા: રાહુ અષ્ટમ ભાવમાંથી અને કેતુ દ્વિતીય ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય દરમિયાન વ્યક્તિત્વમાં બદલાવ આવે. વ્યક્તિગત જન્મકુંડળીમાં જો આકસ્મિક લાભના યોગ હોય તો આ સમય દરમિયાન રેસ, શેર-સટ્ટા, લોટરી વગેરે દ્વારા અથવા વારસાકીય ધનલાભ થઈ શકે છે. જીવનસાથી અથવા શ્વસુરપક્ષથી ધનલાભ થઈ શકે છે. પોતાની મહેનત વડે ધન ઉપાર્જન થવાની ગતિ ધીમી પડે. સંચિત ધનનો વ્યય થવાની સંભાવના છે. આથી નાણાકીય ખર્ચ કરવામાં સાવધાની રાખવી. આર્થિક અસ્થિરતાનો અનુભવ થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં ઉતાર-ચડાવનો અનુભવ થઈ શકે. વ્યર્થ અને કારણ વગરની યાત્રાઓ થઈ શકે છે. વાણીની કટુતાને લીધે સંબંધોમાં તિરાડ પડી શકે છે. કુટુંબના સભ્યો સાથે મતભેદ થાય અથવા કુટુંબના સભ્યોનો વિરહ સહન કરવો પડે. કોઈ સભ્યના દૂર જવાથી, છૂટાં પડવાથી કે અન્ય કોઈ કારણોસર કૌટુંબિક જીવનમાં બદલાવ આવી શકે છે. ગૂઢ બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય તેમજ ગૂઢ વિદ્યાઓનો અભ્યાસ કરવો શક્ય બને. સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલાં જાતકો માટે આ સમય પ્રગતિજનક રહે. રહસ્યમય બાબતો અંગે રસ જાગે. લગ્નજીવનમાં કષ્ટ આવવાની સંભાવના રહે. આ સમય દરમિયાન આરોગ્યની કાળજી લેવી અને બિમારીઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આંખોની કાળજી લેવી. દાંત નબળાં પડી શકે છે. ભૂખ ઓછી લાગવાથી વજન ઘટી શકે છે. આર્થિક અડચણો, શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિનો અનુભવ થઈ શકે છે. જો કાળજી રાખવામાં ન આવે વ્યસન-આદતો અને માનસિક અસંતુલનને લીધે ભાવનાત્મક પ્રશ્નો સર્જાય શકે છે. નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થાય. જરૂર પડે તો મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.

તુલા: રાહુ સપ્તમ ભાવમાંથી અને કેતુ પ્રથમ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. દુનિયાથી કે લોકોથી કપાઈ ગયાની કે અલિપ્ત થઈ ગયાની લાગણીનો અનુભવ થાય. આ સમય પોતાની જાત વિશે ચિંતન અને સંશોધન કરવાં માટે શ્રેષ્ઠ રહે. પોતાની એક અલગ દુનિયામાં રહો તેવું બને. આધ્યાત્મિક પ્રગતિ સાધી શકાય. વ્યવસાયમાં આકસ્મિક વૃદ્ધિ થઈ શકે છે. લોકોની મદદ મળી રહે. વ્યવસાયને લીધે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે. જીવનમાં એક નવાં સંબંધનો પ્રવેશ થઈ શકે છે. પ્રેમલગ્ન થવાની સંભાવના પ્રબળ બને. અપરિણીત જાતકોના અણધાર્યા લગ્ન નક્કી થવાની સંભાવના રહે. વિદેશની કે અલગ સંસ્કૃતિ, અલગ ધર્મ અથવા અલગ રહેણીકરણી ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન થઈ શકે છે. પરિણીત જાતકો માટે આ ભ્રમણ જીવનસાથી સાથે મતભેદો પેદા કરાવી શકે છે. લગ્નજીવનમાં શાંતિ જાળવવી મુશ્કેલ બની શકે છે. આત્યંતિક તણાવ લગ્નજીવનમાં ભંગાણ પણ પડાવી શકે છે. વધુ પડતો અહંકાર છૂટાં પડવાનું કારણ બની શકે. જીવનસાથીનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે. વિજાતીય પાત્રોથી સંભાળીને રહેવું. વિજાતીય પાત્રને લીધે બદનામી કે વિશ્વાસઘાત થવાની સંભાવના રહે. વ્યવસાયમાં ભાગીદારો સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે છે. ત્વરિત નિર્ણયો લેવામાં મુશ્કેલીનો અનુભવ થાય. વાદવિવાદ અને દલીલો કરવાથી દૂર રહેવું. અદાલતી કાર્યોમાં અડચણનો અનુભવ થઈ શકે છે. શારીરિક પીડાઓ અને કષ્ટ આવી શકે છે. નાણાની આવક અંગે ચિંતાજનક સમય રહી શકે છે. અલિપ્તતા અને અતડાંપણાની લાગણી તીવ્ર બને. ઉત્સાહની કમી રહી શકે છે. જન્મના સ્થળથી દૂર જવાનો યોગ બની શકે. આ સમય દરમિયાન વજન ઘટાડવામાં સફળતા મળી શકે છે. 

વૃશ્ચિક: રાહુ ષષ્ઠમ ભાવમાંથી અને કેતુ દ્વાદશ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. જીવનમાં આવનારી સમસ્યાઓ અને પડકારો સામે લડવા માટે આત્મબળ કેળવી શકો. ચિંતાઓ દૂર થઈને વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે. ઋણ ચૂકવી શકાય. સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય. નોકરી-વ્યવસાય માટે આ સમય અનુકૂળ રહે. નવા સાહસની શરૂઆત કરી શકાય. નોકરીમાં અણધાર્યો કે અચાનક બદલાવ આવી શકે છે. સહકર્મચારીઓ પર વિશ્વાસ કે આધાર ન રાખી શકાય. સહકર્મચારીઓને સંવેદનશીલ વિગત જણાવવાથી દૂર રહેવું. વિચારોની ચોરી થઈ શકે છે. વધુ પડતો શ્રમ આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે આથી તે બાબતે સાવધ રહેવું. આરોગ્યની મૂશ્કેલીઓને લીધે હાનિકારક આદતોમાં બદલાવ લાવી શકાય, જેને લીધે ભવિષ્યમાં તંદુરસ્તીની પ્રાપ્તિ થઈ શકે. આ ભ્રમણ એ ખરાબ આદતો બદલવાની એક તક છે. સ્થાવર સંપતિને લઈને વિવાદો થઈ શકે છે. અદાલતી મામલાઓમાં યશની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજય મેળવી શકાય. સ્પર્ધાઓમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. રમત-ગમતના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વિવાદોને એક બાજુએ મૂકીને જીવનમાં આગળ વધો તેવું બને. દાંમ્પત્યજીવનની સમસ્યાઓના ઉકેલની પ્રાપ્તિ થાય. પરદેશ સાથેના સંબંધને લીધે લાભ થાય. જૂના મિત્રો લાભદાયી નીવડે. આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ થાય. રાત્રે સૂતી વખતે રહસ્યમય સપનાઓ આવી શકે છે. પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવતી લાગણીઓ ઊભરી શકે અથવા તો પૂર્વજન્મ કે ભૂતકાળમાં સંબંધ ધરાવતાં લોકો ફરી જીવનમાં સામે આવે. જૂની યાદો તાજી થઈ જાય. દરેક વસ્તુ કે બાબતને જતી કરવાનું વલણ રહે.

ધનુ: રાહુ પંચમ ભાવમાંથી અને કેતુ એકાદશ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. કુટુંબનો વિસ્તાર થવાની સંભાવના બને. સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. અભ્યાસ પૂર્ણ થઈને ડિગ્રીની પ્રાપ્તિ થાય. આમ છતાં વિદ્યા અને સંતાનને લગતી બાબતો માટે સમય ચિંતાજનક કહી શકાય. અભ્યાસ વધુ મહેનત માગી લે તેમજ અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહે. સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓએ આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી બને. શેર‌-સટ્ટાથી લાભ રહે. પ્રણયસંબંધમાં સફળતા મળી શકે છે. પ્રેમલગ્ન થવાની શક્યતા ઉભી થાય. પ્રેમ સંબંધી ભ્રમણાઓ થઈ શકે છે. આવેશમાં આવીને નિર્ણયો લેવાનું વલણ રહે. કળા અને સર્જનાત્મક બાબતો સાથે જોડાયેલાં જાતકો માટે આ સમય લાભપ્રદ રહે. સર્જનાત્મક વિચારોમાં વૃદ્ધિ થાય તેમજ કલ્પનાશીલતા ખીલી ઉઠે. મનોરંજન પ્રત્યેના આકર્ષણમાં વધારો થાય. બૌદ્ધિક કાર્યો સાથે સંકળાયેલાં જાતકો માટે સમય અનુકૂળ રહે. ભૂતકાળ સાથે સંકળાયેલી યાદો ફરી તાજી થઈ શકે. નાણાકીય લાભના સ્ત્રોતમાં કમી આવી શકે છે. આકસ્મિક ધનહાનિ થવાની સંભાવના રહે. અન્યોને આપેલાં નાણા પરત ન આવે. સંશોધન કાર્યો સાથે સંકળાયેલાં હો તો ધનલાભ થઈ શકે.  મિત્રોનો વિરોધ સહન કરવો પડે તેમજ અમુક મિત્રો ગુમાવવાં પડી શકે છે. મિત્રોની પસંદગી સાચવીને કરો તેવું બની શકે. મોટા ભાઈ-બહેનો સાથે ગેરસમજ કે મતભેદ થવાની શક્યતા રહે. મોટા ભાઈ-બહેનોથી દૂર જવાનો કે છૂટાં પડવાનો યોગ બની શકે. સામાજીક અને માનવતાવાદી કાર્યો, દાન-ધર્મ વગેરે કરી શકાય. નિવાસનું સ્થળ બદલી શકે. માતા સાથેનાં સંબંધમાં અસ્થિરતા આવી શકે. મન ચંચળ તેમજ અનિર્ણયાત્મક બને. મંત્ર સાધના થઈ શકે.

મકર: રાહુ ચતુર્થ ભાવમાંથી અને કેતુ દસમ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. માનસિક અશાંતિ અને પીડાનો અનુભવ થઈ શકે છે. માતાને શારીરિક કષ્ટનો અનુભવ થાય. જો કે માતા તરફથી લાભ પણ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસ ન થાય તેની કાળજી રાખવી. આપત્તિ, ચિંતા અને અસ્થિરતાને લીધે હેરાનગતિ અનુભવાય. ગૃહ ક્લેશ થવાની સંભાવના રહે. કર્મક્ષેત્રે બદલાવ આવે. નોકરી બદલે તેમજ નોકરી કે વ્યવસાય ક્ષેત્રે વિઘ્ન આવી શકે છે. આ સમય દરમિયાન નવા સાહસોની શરૂઆત કરવાથી દૂર રહેવું જોઈએ. કામના ભારણને લીધે કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ ન થાય તેની કાળજી રાખવી. ઉપરી અધિકારી સાથેનાં સંબંધો કથળી જવાનો ભય રહે. સરકારી કામકાજોમાં અવરોધનો અનુભવ થઈ શકે છે. સંશોધન કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. નોકરી કરતાં વ્યવસાય માટે સમય વધુ લાભદાયી રહી શકે છે. અમુક જાતકોને નોકરી છોડીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાની ફરજ પડી શકે છે. માતા-પિતા સંબંધિત કોઈ પ્રશ્ન સતાવી શકે છે. પિતાથી છૂટાં પડવાનો કે દૂર જવાનો યોગ બની શકે. સમાજમાં પિતાના માન-સન્માન અને પ્રતિષ્ઠામાં બદલાવ આવી શકે. નવી સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિને લીધે હાનિ ન થાય તેની કાળજી રાખવી. શક્ય હોય તો આ સમય દરમિયાન નવું વાહન ખરીદવાનું ટાળવું જોઈએ. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. ઘર અને કામના સ્થળમાં ફેરફાર થઈ શકે છે. અન્ય સ્થળે જઈને વસવાટ કરવાની શક્યતા ઉભી થાય. ઘરથી દૂર વિદેશ જવાની સંભાવના ઉદ્ભવી શકે છે. વિદેશથી વતનની મુલાકાત લેવાં પરત ફરી શકાય.  

કુંભ: રાહુ તૃતીય ભાવમાંથી અને કેતુ નવમ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ચિત્તનું સમાધાન થાય. વિઘ્નો દૂર થઈને કાર્યો પૂર્ણ થવાની શરૂઆત થાય. આત્મવિશ્વાસ, પરાક્રમ અને સાહસની વૃદ્ધિ થાય. ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. પ્રકાશન, લખાણો તેમજ સંદેશાવ્યવહારની પ્રવૃતિથી લાભ થઈ શકે છે. કોમ્પ્યુટર અને ટેકનોલોજી સાથે વધુ સંકળાઓ તેવું બની શકે છે. કોમ્પ્યુટર અને ટેકનોલોજી સંબંધિત અભ્યાસ પણ હાથ ધરી શકાય. સમાજમાં અને વ્યવસાયમાં માન્યતા તેમજ સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. યોગ્યતા અને કુશળતામાં વધારો થાય. નવા વ્યાપારી કરારો થઈ શકે છે. ઈન્ટરનેટ, ટેલિવિઝન, રેડિયો વગેરે માધ્યમને વ્યવસાય બનાવી શકાય અથવા તેમનાં દ્વારા વ્યવસાયને વિકસાવી શકાય. માહિતીના આદાન-પ્રદાન માટેનાં નવા રસ્તાઓ ખુલી શકે છે. વ્યવસાયને લીધે કે અન્ય કારણોસર ટૂંકી યાત્રાઓ થઈ શકે છે. નવા સ્થળની મુલાકાત લઈ શકાય. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. ધાર્મિક વલણમાં વધારો થાય. આધ્યાત્મિક માન્યતાઓ દ્રઢ બને તેમજ આધ્યાત્મિક બાબતો અંગેનો અભ્યાસ થઈ શકે. આધ્યાત્મિક વિકાસ અર્થે રહસ્યમય સ્થળોની મુલાકાત કે યાત્રા કરી શકાય. પિતાનું આરોગ્ય કાળજી માંગી લે. એવું બની શકે કે પિતા રીટાયર્ડ થઈ રહ્યાં હોય અથવા તેમનાં જીવનમાં કોઈ મોટો બદલાવ આવી રહ્યો હોય. પિતા પોતાનાં જીવનમાં નિરાશા અનુભવતાં હોય તેવું બની શકે. ભાઈ-બહેનો દ્વારા લાભ થાય. પરંતુ ભાઈ-બહેનોને શારીરિક કષ્ટ કે પીડા પહોંચી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધમાં બદલાવનો અનુભવ થાય. મિત્રો અને પડોશીઓ મદદરૂપ બને. વિદેશયાત્રા શક્ય બને. વારંવાર ટૂંકા યાત્રા અને પ્રવાસો થઈ શકે છે.  

મીન: રાહુ દ્વિતીય ભાવમાંથી અને કેતુ અષ્ટમ ભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ધનલાભ થવાની શક્યતા રહે. પરદેશના કામકાજને લીધે અથવા પરદેશ સંબંધિત કોઈ સ્ત્રોતને લીધે ધનલાભ થઈ શકે છે. આમ છતાં ધનને લીધે માનસિક ચિંતા રહ્યા કરે. ધન આવે પરંતુ ધનની બચત કરવી મુશ્કેલ બને. સ્થાવર સંપતિ જો ગીરવે રાખી હોય તો મુક્ત કરાવી શકાય. વારસાકીય ધન-સંપતિમાં અપેક્ષા કરતાં ઓછો ભાગ મળે. ધન-સંપતિના મામલે વિશ્વાસઘાત ન થાય તેની કાળજી રાખવી. કુટુંબના સભ્યોનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. કૌટુંબિક જીવનમાં હેરાનગતિનો અનુભવ થાય. ગેરસમજને લીધે કુટુંબના સભ્યો વચ્ચે મતભેદ ઉભા થવાની સંભાવના રહે. કૌટુંબિક જીવનમાં કોઈક અનોખી વિશેષતા જોવાં મળી શકે. જીવનસાથીના કુટુંબના સભ્યોનું આરોગ્ય પણ ચિંતા કરાવે. જીવનસાથીનું પોતાનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. અદાલતી મામલાઓમાં નુક્સાન પહોંચવાની સંભાવના રહે. પૂરાવાઓ મળવામાં વિલંબ થાય. ગૂઢ અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થઈ શકે છે. ગૂઢ વિદ્યાઓનો અભ્યાસ હાથ ધરી શકાય. ધ્યાન ધરવાં માટે કે આધ્યાત્મિક પ્રવૃતિઓ હાથ ધરવાં માટે શુભ સમય રહી શકે છે. આંતરિક વ્યક્તિત્વમાં બદલાવ આવી શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી બને. દાંત-આંખોની સંભાળ લેવી. અજાણ્યા ખાદ્યપદાર્થો અને અયોગ્ય ભોજન ગ્રહણ કરવાની આદતોથી બચવું. કોઈ આહાર કે પીણાંના વધુ પડતાં સેવનને લીધે તેનું વ્યસન લાગુ ન પડી જાય તેનું ધ્યાન રાખવું. ઈજા અને અકસ્માતો ન થાય તેની કાળજી રાખવી. તીક્ષ્ણ સાધનોનો ઉપયોગ કરતાં પહેલાં પોતાની સલામતીનો વિચાર કરવો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા