જ્યોતિષની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૨

Pixabay

ગ્રેગોરિયન નવવર્ષ ૨૦૨૨ એ ૬ના અંક (૨+૦+૨+૨=૬) સાથે સંબંધ ધરાવનારું વર્ષ છે. અંકશાસ્ત્રમાં ૬નો અંક શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર એ સુંદરતા, વૈભવ, કળા, પ્રેમ, મનોરંજન અને સંવાદિતાનો કારક ગ્રહ છે. વર્ષ ૨૦૨૨માં શુક્રના કારકત્વને લગતી આ દરેક બાબતો પ્રમુખ બની રહેશે. શુક્ર એ સ્ત્રી ગ્રહ છે. આથી વર્ષ ૨૦૨૨માં જાહેરજીવન કે સમાજમાં સ્ત્રીઓ મુખ્ય અને સશક્ત ભૂમિકા ભજવી શકે છે. સ્ત્રીઓ માટે આ વર્ષ વિશેષરૂપથી કલ્યાણકારી સાબિત થવાની સંભાવના છે! શુક્ર એ સંજીવની વિદ્યાનો કારક ગ્રહ પણ છે. આથી કહી શકાય કે વર્ષ ૨૦૨૨ રોગોથી મુક્તિ અપાવીને તંદુરસ્તી પ્રદાન કરનારું બની રહી શકે છે.

જો આપનો જન્મ ૬, ૧૫ અથવા ૨૪ તારીખના થયો છે અથવા આપની જન્મતારીખના અંકોનો સરવાળો ૬ થાય છે ( દા.ત. ૯.૧૨.૧૯૯૨ = ૩૩ = ૬) અથવા આપ જીવનના ૬, ૧૫, ૨૪, ૩૩, ૪૨, ૫૧, ૬૦ ઉંમર વર્ષમાંથી પસાર થઈ રહ્યાં છો તો વર્ષ ૨૦૨૨ આપના જીવનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટાવનારું સાબિત થઈ શકે છે. આ વર્ષ આપના માટે યાદગાર વીતે તેવી પૂર્ણ સંભાવના છે.

લખાણમાં વર્ષ ૨૦૨૨ને ટૂંકમાં ફક્ત ૨૨ ન લખતાં પૂર્ણ સ્વરૂપે ૨૦૨૨ લખવું વધારે હિતાવહ રહેશે. ૨૨ના અંકોનો સરવાળો ૪ થાય છે, જે પાપગ્રહ રાહુનો અંક છે. જ્યારે ૨૦૨૨ના અંકોનો સરવાળો ૬ થાય છે, જે શુભગ્રહ શુક્રનો અંક છે. વર્ષ ૨૦૨૦ એ ૪ના અંકનું પ્રતિનિધિત્વ કરનારું વર્ષ હતું. રાહુના એ વર્ષમાં મહામારીને લીધે પડેલ કષ્ટને કેમ ભૂલી શકાય? શુક્રના શુભ પ્રભાવ અને સ્પદંનોને આવકારવાં હંમેશા ૨૦૨૨ જ લખવાની આદત રાખવી.

વર્ષ ૨૦૨૨ બે સૂર્યગ્રહણો અને બે ચંદ્રગ્રહણોનું એમ કુલ ચાર ગ્રહણોનું સાક્ષી બનશે. એક વર્ષમાં વધુમાં વધુ પાંચ ગ્રહણો ઘટી શકે છે. ભારતમાં ચારમાંથી બે ગ્રહણો દેખાશે. સામાન્ય રીતે ગ્રહણો સૂર્ય-ચંદ્ર અથવા ચંદ્ર-સૂર્ય એમ જોડીમાં ઘટતાં હોય છે. સૂર્યગ્રહણની પહેલાં ચંદ્રગ્રહણનું ઘટવું અશુભ ગણાય છે. જ્યારે પહેલાં સૂર્યગ્રહણ અને ત્યારબાદ ચંદ્રગ્રહણ ઘટિત થાય તો તે શુભ ગણાય છે. વર્ષ ૨૦૨૧માં પહેલાં ચંદ્રગ્રહણ અને ત્યારબાદ સૂર્યગ્રહણ એમ અશુભ રીતે ઘટીત થયાં હતાં. પરંતુ નવવર્ષ ૨૦૨૨માં પહેલાં સૂર્યગ્રહણ અને ત્યારબાદ ચંદ્રગ્રહણ ઘટીત થશે. જે શુભ કહી શકાય એમ છે. સામાન્ય રીતે ગ્રહણ એ જીવનમાં અસ્થિરતા, માનસિક દબાણ, તણાવ, પરિતાપ કે મૂંઝવણ પેદા કરનારાં હોય છે. આથી ગ્રહણ અને તેની આસપાસના દિવસો દરમિયાન મહત્વના કાર્યોનું આયોજન કે મુસાફરી કરવાથી દૂર રહેવું જોઈએ. મહત્વના નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. આ દિવસો દૈનિક સામાન્ય કામકાજોમાં વ્યસ્ત રહીને સરળતાપૂર્ણ રીતે વીતાવી શકાય તે પ્રકારનું આયોજન કરવું હિતાવહ રહે.

વર્ષ ૨૦૨૨માં ગ્રહણની તારીખો:

૩૦.૦૪.૨૦૨૨ – સૂર્યગ્રહણ

૧૬.૦૫.૨૦૨૨ – ચંદ્રગ્રહણ

૨૫.૧૦.૨૦૨૨ – સૂર્યગ્રહણ

૦૮.૧૧.૨૦૨૨ – ચંદ્રગ્રહણ

નવવર્ષ ૨૦૨૨નું આગમન કાળસર્પયોગની સાથે થયું છે. જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુની મધ્યમાં બધાં ગ્રહો આવી જાય ત્યારે કાળસર્પયોગનું નિર્માણ થાય છે. હાલ રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ડિસેમ્બર ૧૪, ૨૦૨૧થી બધાં ગ્રહો રાહુ-કેતુની મધ્યમાં આવી ગયાં છે, જે એપ્રિલ ૨૪, ૨૦૨૨ સુધી રહેશે. ચંદ્ર એક રાશિમાં આશરે સવા બે દિવસ સુધી ભ્રમણ કરે છે. આથી આ સમય દરમિયાન વચ્ચે-વચ્ચે ચંદ્ર રાહુ-કેતુની મધ્યમાંથી બહાર નીકળીને કાળસર્પયોગનો ભંગ કરશે. ફરી જ્યારે ચંદ્ર રાહુ-કેતુની મધ્યમાં આવશે ત્યારે ફરી કાળસર્પયોગનું નિર્માણ થશે. વર્ષ ૨૦૨૨નો શરૂઆતનો એપ્રિલ સુધીનો આ કાળસર્પયોગનો સમય અસ્થિરતા અને ભાગ્યની પકડમાં જીવન હોવાનો સૂચક છે. પુરુષાર્થ કરવાં છતાં ઈશ્વરની મરજી સર્વોપરી રહી શકે છે અને સંઘર્ષનો અનુભવ કરવો પડી શકે છે. જ્યારે ચંદ્ર કાળસર્પયોગનો ભંગ કરશે તે સમયે પણ ચંદ્ર એકલો હોવાથી કેમદ્રુમયોગનું નિર્માણ થશે અને તેથી મન ચંચળ, અસ્થિર તેમજ અનિર્ણયાત્મક રહી શકે છે. આથી એકંદરે કાળસર્પયોગનો આ સમગ્ર સમય લાચારી અને નિસહાયતાનો અનુભવ કરાવી શકે છે.

વર્ષ ૨૦૨૨માં એપ્રિલ માસ મહત્વપૂર્ણ બદલાવ લાવનારો માસ બની રહેશે. એપ્રિલ માસમાં ધીમી ગતિના ચાર ગ્રહો ગુરુ, શનિ અને રાહુ-કેતુ પોતાની રાશિ બદલશે. એપ્રિલ ૧૨, ૨૦૨૨ના રોજ રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પ્રવેશ કરશે. એપ્રિલ ૧૩, ૨૦૨૨ના રોજ ગુરુ મહારાજ સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે. માસના અંતિમ સમયમાં એપ્રિલ ૨૯, ૨૦૨૨ના રોજ શનિ મહારાજ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે જીવનમાં બદલાવ ત્યારે આવે છે કે જ્યારે ધીમી ગતિનો કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. વર્ષ ૨૦૨૨માં એકસાથે ચાર ધીમી ગતિના ગ્રહોનું એક માસની અંદર રાશિ પરિવર્તન ચોક્ક્સપણે આપણાં જીવનરૂપી પુસ્તકનું પાનું બદલીને એક નવા પ્રકરણની શરૂઆત કરાવી શકે છે. આ પ્રકરણ હોઠો પર સ્મિત લાવનારું બની રહેશે કે પછી આંખમાં આંસુ લાવનારું બની રહેશે તે તો જે-તે વ્યક્તિની વ્યક્તિગત કુંડળીના ગ્રહો જ નક્કી કરી શકશે.

વર્ષ ૨૦૨૨માં મીન જન્મરાશિ ધરાવતાં જાતકો માટે સાડાસાતી પનોતીનો પ્રારંભ થશે. આ સાથે જ ધનુ રાશિના જાતકોને માટે સાડાસાતી પનોતીનો અંત આવશે. કુંભ જન્મરાશિ ધરાવતાં જાતકો સાડાસાતી પનોતીના દ્વિતીય તબક્કામાં અને મકર જન્મરાશિ જાતકો તૃતીય તબક્કામાં પ્રવેશ કરીને કસોટીપૂર્ણ સમય પસાર કરી શકે છે. મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની નાની પનોતી પૂર્ણ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને નાની પનોતીની શરૂઆત થશે. પ્રામાણિક જીવન જીવી, સારા અને શુભ કર્મો કરીને તેમજ જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓને મદદરૂપ થઈને શનિ મહારાજની પનોતીના પ્રકોપથી બચી શકાય છે.

વર્ષ ૨૦૨૨નો એપ્રિલ માસ સુધીનો સમય મેષ, સિંહ, ધનુ અને કુંભ જન્મરાશિ કે જન્મલગ્ન ધરાવનાર વિવાહ ઈચ્છુક જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન આ જાતકોના જીવનમાં યોગ્ય સાથીનો પ્રવેશ થઈ શકે છે અથવા લગ્નની વિધિ સંપન્ન થઈ શકે છે. એપ્રિલથી લઈને ડિસેમ્બર ૨૦૨૨ સુધીનો સમય વૃષભ, કન્યા, મકર અને મીન જન્મરાશિ અથવા જન્મલગ્ન ધરાવનાર જાતકો માટે લગ્ન સંબંધી બાબતો માટે શુભ નીવડી શકે છે. આ જાતકોને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે.

મિત્રો, વીતેલાં વર્ષમાં મારા આ બ્લોગની મુલાકાત લેનાર, ફેસબુક પેઈજ લાઈક-ફોલો કરનાર, યુટ્યુબ ચેનલ પર વિડીયો જોનાર, લાઈક-કોમેન્ટ-સબસ્ક્રાઈબ-શેર કરનાર આપ સૌ મિત્રોનો ખૂબ-ખૂબ આભાર. વર્ષ ૨૦૨૨માં પણ આપ આ બ્લોગની આમ જ મુલાકાત લેતાં રહો અને હું આપની સમક્ષ જ્યોતિષના નવા લેખો-માહિતી લઈને ઉપસ્થિત થઈ શકું તેવી ઈશ્વરને પ્રાર્થના. નૂતન વર્ષ ૨૦૨૨ આપ સૌ મિત્રો માટે શુભ અને કલ્યાણકારી નીવડે તેવી હ્રદયપૂર્વક શુભેચ્છાઓ. ઈશ્વર કરે આપણાં સૌનું જીવન સુખ અને શાંતિમય બને. આભાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા