સપ્ટેમ્બર ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

Pixabay

શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ : સપ્ટેમ્બર ૬, ૨૦૨૧થી ઓક્ટોબર ૨, ૨૦૨૧ સુધી

સપ્ટેમ્બર ૬, ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૦.૫૧ કલાકે શુક્ર મહારાજ સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. તુલા રાશિના સ્વામીનું પોતાની રાશિમાંથી ભ્રમણ થવું એ એક શુભ ઘટના કહી શકાય. શુક્ર બળવાન બનશે અને તુલા રાશિ પણ શુભ ફળ આપવાં માટે શક્તિમાન બનશે. વ્યક્તિગત કુંડળીમાં તુલા રાશિ જે ભાવમાં પડતી હશે તે ભાવ સંબંધિત બાબતો અને ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે. શુક્રના શરૂઆતનાં ભ્રમણના દિવસો દરમિયાન દરમિયાન એટલે કે સપ્ટેમ્બર ૬ થી સપ્ટેમ્બર ૧૪ સુધી તેનાં પર ગુરુની નવમ શુભ દ્રષ્ટિ રહેશે. આ શરૂઆતી દિવસો વિશેષ શુભ કહી શકાય. સપ્ટેમ્બર ૧૪ના રોજ ગુરુ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ ફક્ત શનિની દસમ દ્રષ્ટિ શુક્ર પર રહેશે.

શુક્રના તુલા રાશિ ભ્રમણનું બાર જન્મરાશિઓ/જન્મલગ્નો પરત્વે ફળ

મેષ: જીવનમાં સંબંધો અને લગ્ન મહત્વનાં બને. અંગત કે વ્યાવસાયિક કોઈપણ પ્રકારની ભાગીદારી માટે શુભ સમય કહી શકાય. આસપાસ રહેલાં લોકો તરફથી વધુ પ્રમાણમાં પ્રેમ, લાગણી અને સ્નેહ મળતાં હોવાની અનુભૂતિ થાય.

વૃષભ: રોજબરોજનું કામકાજ વધુ આનંદપ્રદ અને સરળ બને. આરોગ્યની તંદુરસ્તીમાં વધારો થાય અથવા તંદુરસ્તી વધે તે માટે કોઈ પગલાં લઈ શકાય. સારી ખાનપાનની આદતો અને કસરતને વળગી રહેવાથી લાભ થઈ શકે.

મિથુન: સંતાન સંબંધિત બાબતો માટે સમય શુભ રહે. સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે. મનોરંજક પ્રવૃતિઓ અને સર્જનાત્મક કાર્યો હાથ ધરી શકાય. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ બાબતે આ સમય પ્રગતિ કરાવનારો રહે.

કર્ક: નવી સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે. જૂના ઘરનું નવીનીકરણ કે ઘરની સાજ-સજાવટ તેમજ સુશોભન કાર્ય થઈ શકે. માનસિક આનંદની અનુભૂતિ થઈ શકે. ગૃહસ્થ ક્ષેત્રે પ્રેમમય વાતાવરણ રહે.

સિંહ: આનંદ અને મનોરંજન હેતુ ટૂંકી યાત્રાઓ કે પ્રવાસ-પર્યટનો થઈ શકે. લોકો સાથે સરળતાથી સંવાદ સાધી શકાય. મોહક અને આકર્ષક રીતે વિચારોને અભિવ્યક્ત કરી શકાય. સર્જનાત્મક કાર્યો કરવાં માટે સમય શુભ રહે.

કન્યા: આર્થિક બાબતો માટે આ સમય લાભદાયી રહે. આવકમાં વૃદ્ધિ થઈ શકે. કૌટુંબિક ક્ષેત્રે પ્રેમ અને આનંદનું વાતાવરણ રહે. પોતાને સુખ આપતી કિંમતી અને વૈભવી વસ્તુઓ, વસ્ત્ર-પરિધાન, અલંકારો વગેરેની ખરીદી થઈ શકે.

તુલા: સુંદરતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. પોતાની જાતને આકર્ષક રીતે રજૂ કરી શકાય. વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ લાવવાં માટે શુભ સમય રહે. આરોગ્યની તંદુરસ્તીમાં વૃદ્ધિ થાય. સંબંધોમાં પ્રેમ અને સંવાદિતાની અનુભૂતિ થઈ શકે.

વૃશ્ચિક: વિદેશયાત્રા કે દૂરના સ્થળની યાત્રા થઈ શકે. વૈભવી અને મોજશોખની વસ્તુઓ પાછળ નાણાકીય ખર્ચ થઈ શકે. આધ્યાત્મિક પ્રવૃતિઓ, યોગ-ધ્યાન વગેરે મનને આનંદ અને શાંતિની અનુભૂતિ કરાવી શકે.

ધનુ: નાણાકીય લાભ થવાની સંભાવના રહે. મિત્રો સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. સામાજીક રીતે લોકોને હળવાં-મળવાંનુ બની શકે. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓ અને સપનાઓની પૂર્તિ થઈ શકે.

મકર: આ સમય કામને પ્રેમ કરવાનો રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સરળતાથી કામકાજ હાથ ધરી શકાય. નવી નોકરી કે નવા સાહસની શરૂઆત થઈ શકે. ઉપરી અધિકારી અને સહકર્મચારીઓ સાથે સંવાદિતાનો અનુભવ થાય.

કુંભ: દરેક પ્રકારની યાત્રાઓ માટે આ સમય શુભ રહી શકે છે. ભાગ્યની વૃદ્ધિ થતી જણાય. ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ થઈ શકે. જ્ઞાનપ્રાપ્તિની પ્રવૃતિ આનંદમય બને. આ સમય પિતા, ગુરુ અને શિક્ષક સાથે સંવાદિતા સાધવાં માટે શુભ બની રહે. 

મીન: વારસાકીય લાભ થઈ શકે છે. જીવનસાથીની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. ભાગીદારીને લીધે નાણાકીય લાભ થઈ શકે. ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રવૃતિ આનંદમય અને સરળ બને. વ્યક્તિત્વમાં બદલાવનો અનુભવ થઈ શકે. 

મંગળનો કન્યા રાશિમાં પ્રવેશ : સપ્ટેમ્બર ૬, ૨૦૨૧થી ઓક્ટોબર ૨૨, ૨૦૨૧ સુધી

સપ્ટેમ્બર ૬, ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૩.૫૮ કલાકે મંગળ મહારાજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં મંગળ બુધ સાથે યુતિ રચશે. જો કે હાલ મંગળ અને બુધ એકબીજાંથી અંશાત્મક રીતે દૂર રહેશે. ઓક્ટોબર માસમાં બુધ વક્રી થઈને ફરી કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મંગળ અને બુધ વચ્ચે અંશાત્મક યુતિ રચાશે. સપ્ટેમ્બર ૧૭, ૨૦૨૧ના રોજ સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ સાથે મંગળ સૂર્ય સાથે પણ યુતિ રચશે. ઓક્ટોબર ૮ ના રોજ સૂર્ય અને મંગળ સંપૂર્ણપણે એકબીજાંથી નજીક આવી જશે અને તેમની વચ્ચે અંશાત્મક યુતિ રચાશે. હાલ મંગળ સૂર્યની નજીકના અંતરે હોવાથી નવેમ્બર ૨૦, ૨૦૨૧ સુધી અસ્ત પામેલો છે. જ્યારે જ્યારે મંગળ સૂર્યથી આગળ કે પાછળ ૧૭ અંશના અંતરે આવે છે ત્યારે અસ્ત પામે છે.

મંગળનો અસ્ત અને સૂર્યથી મંગળની નજદીકી તણાવ, ક્રોધ, કડવાશ વગેરેમાં વૃદ્ધિ કરી શકે છે. સ્વભાવમાં વધુ પડતું સ્પર્ધાત્મક વલણ કે ચીડિયાપણું જોવા મળી શકે છે. મંગળની જોમ-જુસ્સાથી ભરેલી ઉર્જાને શારીરિક કસરત તેમજ રમત-ગમતની દિશામાં વાળવી હિતાવહ રહે. મંગળ અને બુધની યુતિ માનસિક ક્ષમતાઓને બળ પૂરું પાડી શકે છે.  

કાળપુરુષની કુંડળીમાં કન્યા રાશિ ષષ્ઠમસ્થાનમાં પડે છે, જે રોગનો નિર્દેશ કરે છે. કન્યા રાશિમાં મંગળનો પ્રવેશ હાલ ચાલી રહેલી મહામારીની સ્થિતિને વિકટ બનાવી શકે છે. રોગચાળામાં વૃદ્ધિ થવાની સંભાવના રહે. મંગળના કન્યા રાશિમાં ભ્રમણ દરમિયાન આ બાબતે સાવધાન રહેવું અત્યંત આવશ્યક છે.  

મંગળને એક રાશિમાં આશરે દોઢ માસ સુધી ગોચર ભ્રમણ કરે છે અને લગભગ ૧૮ માસમાં એક રાશિચક્રનું ભ્રમણ પૂર્ણ કરે છે. આ અગાઉ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ મંગળ કન્યા રાશિમાં પ્રવેશ્યો હતો અને નવેમ્બર ૧૦, ૨૦૧૯ સુધી રહ્યો હતો. એ ભ્રમણ વિશે માહિતી આપતો લેખ કન્યા રાશિમાં મંગળના ભ્રમણનું રાશિફળતે વખતે આ બ્લોગ પર પોસ્ટ કરેલો હતો. એ લેખમાં મે સ્પષ્ટપણે લખ્યું હતું કે મંગળના કન્યા રાશિમાં ભ્રમણ દરમિયાન દેશ-દુનિયામાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહે. બહુ મોટી સંભાવના છે કે સપ્ટેમ્બર ૨૦૧૯થી નવેમ્બર ૨૦૧૯ દરમિયાન જ કોરોના વાઈરસનો ઉદ્ભવ થઈ ચૂક્યો હોવો જોઈએ. જો કે કોરોના વાઈરસના ઉદ્ભવમાં રાહુ-કેતુ, ગુરુ, શનિ જેવા ધીમી ગતિના ગ્રહોએ પણે મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ બરાબર તે વખતે થયેલાં કન્યા રાશિમાં મંગળના ભ્રમણની ભૂમિકા પણ નકારી શકાય એમ નથી. 
ટિપ્પણીઓ

dhirens એ કહ્યું…
આશા છે કે આપ સ્વસ્થ હશો. આપનો બ્લોગ અપડેટ થયો નથી તેમ જ વોટ્સએપ બંધ થયું છે. આપના લેખની આતુરતા સાથે રાહ જોઈએ છીએ.
Vinati Davda એ કહ્યું…
@dhirens, હું સ્વસ્થ છું, આભાર. આશા રાખું છું આપ પણ સ્વસ્થ હશો. હાલ એક અંગત કાર્યમાં અતિ વ્યસ્ત હોવાથી બ્લોગ અપડેટ કરી શકતી નથી. લગભગ ડિસેમ્બર માસથી ફરી બ્લોગ પર સક્રિય થઈ શકીશ. વોટ્સએપ/સોશિયલ મીડિયાથી શક્ય તેટલો દૂર રહેવાનો પ્રયાસ કરું છું અને ફક્ત કામ પૂરતો ઉપયોગ કરું છું. આપે કરેલ પૃચ્છા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો