ઓગસ્ટ ૨૦૨૧ – ગોચર ગ્રહોનું ફળ

Raja Ravi Varma, Public domain, via Wikimedia Commons

બુધનો સિંહ રાશિમાં પ્રવેશ : ઓગસ્ટ ૯, ૨૦૨૧થી ઓગસ્ટ ૨૬, ૨૦૨૧ સુધી

ઓગસ્ટ માસમાં યુવરાજ બુધ બે વાર રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. પહેલીવાર ઓગસ્ટ ૯ અને ત્યારબાદ ઓગસ્ટ ૨૬ના રોજ બુધ રાશિ પરિવર્તન કરશે. ઓગસ્ટ ૯, ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૧.૩૫ કલાકે બુધ કર્ક રાશિમાંથી સૂર્યનું સ્વામીત્વ ધરાવતી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં પ્રવેશ કરતાં બુધની હાલ સિંહ રાશિમાં જ ભ્રમણ કરી રહેલાં શુક્ર અને મંગળ સાથે યુતિ રચાશે. મંગળ તો સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન સિંહ રાશિમાં જ વિચરણ કરવાનો છે, પરંતુ શુક્ર ઓગસ્ટ ૧૧, ૨૦૨૧ના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે. જો કે ત્યારબાદ ઓગસ્ટ ૧૭, ૨૦૨૧ના રોજ સૂર્ય મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ-મંગળ સાથે જોડાણ કરશે. બુધના આ સમગ્ર સિંહ રાશિ ભ્રમણ દરમિયાન તેનાં પર હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની દ્રષ્ટિ રહેશે.

બુધના સિંહ રાશિમાં પ્રવેશ સાથે આપણાં વિચારો અને કમ્યુનિકેશનમાં સ્પષ્ટતા જોવાં મળી શકે છે. વિચારો સિંહની માફક શક્તિશાળી રીતે અથવા સત્તાવાહી સૂરે વાણી દ્વારા પ્રગટ થવાની સંભાવના રહે. મંગળ એ શસ્ત્રોનો કારક છે અને બુધ એ શબ્દોનો કારક ગ્રહ છે. મંગળ અને બુધની યુતિ શબ્દોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરાવી શકે છે. વાણીની ધાર કોઈના હ્રદયને ઈજા ન પહોંચાડે તેની કાળજી રાખવી. મંગળ-બુધની આ યુતિ ટેકનીકલ કાર્યો માટે, તર્કબદ્ધ કરાતી દલીલો માટે (વકીલોને ખાસ ઉપયોગી નીવડતી યુતિ) તેમજ રમત-ગમતના ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકો માટે શુભ રહી શકે છે. ગુરુની બુધ પરની દ્રષ્ટિ લીધે વાણી અને વિચારોનો ઉપયોગ અન્યોને પ્રેરણા પૂરી પાડવા માટે કે સાચી સલાહ આપવાં માટે કરી શકાય. કશુંક નવું શીખવાં માટે, અભ્યાસ હેતુ, નવા સાહસ કે પ્રોજેક્ટની શરૂઆત માટે આ સમય શુભ રહી શકે છે. ખાસ કરીને જ્યારે બુધનો રાશ્યાધિપતિ સૂર્ય ઓગસ્ટ ૧૭ના સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારબાદનો સમય બુધને વધુ બળ પ્રદાન કરનારો બની રહે. 

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ : ઓગસ્ટ ૧૧, ૨૦૨૧થી સપ્ટેમ્બર ૬, ૨૦૨૧ સુધી

ઓગસ્ટ ૧૧, ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૩૪ કલાકે શુક્ર મહારાજ મંગળનો સાથ ત્યાગીને સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધની રાશિ કન્યામાં શુક્ર નીચત્વ ધારણ કરે છે. આ રાશિમાં શુક્રના ગુણો અને કારકત્વ પૂર્ણ સ્વરૂપે પ્રગટ થવામાં નિષ્ફળ નીવડે છે.

શુક્ર એ પ્રેમ, સંબંધો, સૌંદર્ય, સર્જનાત્મકતા અને વૈભવનો કારક ગ્રહ છે. બુધ એ બૌદ્ધિકતાનો કારક ગ્રહ છે. દરેક વસ્તુને ઝીણવટથી તપાસવી અને તેનું વિશ્લેષણ કરવું એ બુધનું કામ છે. કન્યા રાશિ એ સંપૂર્ણતાની આગ્રહી રાશિ છે. પરંતુ જ્યારે ઝીણું ઝીણું કાંતો ત્યારે ફરિયાદો, દલીલો અને ટીકાઓ થઈ શકે. પ્રેમ તો ન થઈ શકે! કન્યા રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન આપણે સંબંધોમાં વધુ ટીકા કરનારા ન બની જઈએ તેનું ધ્યાન રાખવું. વર્ષમાં એક વખત શુક્ર મહારાજ પોતાની નીચ રાશિમાંથી પસાર થાય છે. ઘણેખરે ભાગે શુક્ર કન્યા રાશિમાં હોય ત્યારે બુધ પણ કન્યા રાશિમાંથી પસાર થઈ રહ્યો હોય છે. કારણકે બુધ અને શુક્ર ક્યારેય એકબીજાથી ૭૬ અંશ કરતાં વધારે દૂર જતાં નથી. આ વખતે પણ બુધ ઓગસ્ટ ૨૬, ૨૦૨૧ના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને એ સાથે શુક્રનો નીચભંગ થશે. ત્યારબાદ બુધના સહારાથી શુક્રને બળ મળશે.

શુક્ર એ સૌંદર્ય અને આનંદનો કારક છે. કન્યા રાશિમાં શુક્રનું ગોચર ભ્રમણ આપણને આપણી આસપાસ રહેલાં સૌંદર્ય અને આનંદની નોંધ લેવા માટે અસમર્થ બનાવે છે. દરેક વસ્તુમાં દોષ અને ખામીઓ શોધવાનું વલણ રહે છે. કાળપુરુષની કુંડળીમાં કન્યા રાશિ ષષ્ઠમસ્થાનમાં પડે છે, જે સેવાનો નિર્દેશ કરે છે. શુક્રનું કન્યા રાશિમાં ભ્રમણ સ્ત્રીઓ, સૌંદર્ય અને સર્જનાત્મકતાની સેવા-ઉપાસના કરવાં માટે શ્રેષ્ઠ રહે છે. સ્ત્રી દાક્ષિણ્ય દાખવવાનો અને સ્ત્રીઓને/કન્યાઓને આગળ આવવામાં મદદ કરવાનો આ સમય છે. મા લક્ષ્મીજીની પૂજા-આરાધના કરી શકાય.

કન્યા રાશિમાં ભ્રમણ કરી રહેલાં શુક્ર પર હાલ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ્ટિ પડશે. વૃષભ રાશિ પર શુક્રનું સ્વામીત્વ રહેલું છે. રાહુની દ્રષ્ટિ હકીકતમાં શુક્રનો જ પ્રભાવ કન્યા રાશિ પર પાડી રહી છે. હવે જ્યારે શુક્ર મહારાજ પોતે કન્યા રાશિમાં ભ્રમણ કરશે ત્યારે આ સમય કન્યા જન્મરાશિ અથવા જન્મલગ્ન ધરાવનાર જાતકો માટે નવી તકોના દરવાજા ઉઘાડનારો શુભ સાબિત થઈ શકે છે. શુકની રાશિમાં રાહુનું ભ્રમણ અને શુક્ર પર રાહુની દ્રષ્ટિ કામનાઓની વૃદ્ધિ કરી શકે છે.

સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ : ઓગસ્ટ ૧૭, ૨૦૨૧થી સપ્ટેમ્બર ૧૭, ૨૦૨૧ સુધી 

ગ્રહોના દરબારમાં છડી પોકારવાની ઘડી આવશે. ઓગસ્ટ માસમાં મહારાજાધિરાજ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં સ્થાન ગ્રહણ કરશે. વર્ષમાં એક વખત ઘટતી ભવ્ય એવી આ ઘટના ઓગસ્ટ ૧૭, ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૧.૧૮ કલાકે ઘટશે. સ્વરાશિમાં સૂર્ય બળવાન બનશે અને પોતાના ગુણોનું પૂર્ણરૂપે ફળ આપવાં માટે શક્તિમાન બનશે. સોને પે સુહાગા જેવી વાત એ રહેશે કે સિંહ રાશિમાં રહેલાં સૂર્ય પર હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની શુભ દ્રષ્ટિ પડશે. જેને લીધે સૂર્યની શુભ ફળ આપવાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ શકે છે. એમ કહી શકાય કે ગુરુની સૂર્ય પરની દ્રષ્ટિ એ એક રાજાને ડહાપણથી ભરેલાં ગુરુ/મંત્રીની સલાહ સાંપડવા જેવી શુભ ઘટના છે. સિંહ રાશિમાં પ્રવેશ સાથે સૂર્ય પરથી શત્રુ શનિની દ્રષ્ટિ હટી જશે.  ફક્ત સૂર્ય પરથી જ નહિ, પરંતુ હાલ ગોચરમાં રહેલાં સર્વે ગ્રહો હવે શનિની દ્રષ્ટિથી મુક્ત બનશે. જેથી એક પ્રકારની હળવાશનો અનુભવ થઈ શકે છે. સિંહ રાશિમાં પ્રવેશ સાથે જ સૂર્યનું મંગળ અને બુધ સાથે જોડાણ થશે. બુધ તો સૂર્યથી દૂર છે, પરંતુ મંગળ સૂર્યની નજીક જવાથી અસ્ત પામશે.

સિંહ રાશિમાં સૂર્યના ભ્રમણ દરમિયાન સમૂહને બદલે વ્યક્તિગત ઈચ્છાઓ, સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય. ઘેટા ચાલ ચાલવાને બદલે કશુંક અનોખું કરવાનો અને નેતાગીરી લેવાનો આ સમય છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે કાર્યો હાથ પર લઈ શકાય. જીવનમાં નવું સર્જન કે નવી શરૂઆત થઈ શકે છે. સત્ય માટે લડત આપી શકાય. પોતાની જવાબદારી અને સત્તાના સદુપયોગ દ્વારા સફળતાની પ્રાપ્તિ થઈ શકે. આત્મબળ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. જીવનમાં આવતાં પડકારોને પહોંચી વળી શકાશે તેવી આશા જાગે. જીવનની ભવ્યતાને જાણી અને માણી શકાય. સિંહ રાશિમાં સૂર્યના ભ્રમણનો સમય સરકાર અને સત્તામાં રહેલી વ્યક્તિઓ માટે લાભદાયી પૂરવાર થઈ શકે છે. સૂર્ય પર ગુરુની દ્રષ્ટિને લીધે નેતાઓ જનતા અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લઈ શકે છે.

બુધનો કન્યા રાશિમાં પ્રવેશ : ઓગસ્ટ ૨૬, ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૧ સુધી

ઓગસ્ટ ૨૬, ૨૦૨૧ના રોજ બુધ મહારાજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિ બુધની સ્વરાશિ તેમજ ઉચ્ચ રાશિ છે. કન્યા રાશિમાં બુધ બળવાન બનીને શુભ ફળ આપવાં માટે સમર્થ બનશે. આ વખતે બુધ મહારાજ વક્રી-માર્ગી થઈને લાંબો સમય પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં ભ્રમણ કરવાનાં છે, જે એક શુભ સંયોગ કહી શકાય. પોતાની રાશિમાં રહેલાં બુધનું શુભ ફળ લાંબા સમય માટે પ્રાપ્ત થશે. બુધ બે ભાગમાં કન્યા રાશિમાં ગોચર ભ્રમણ કરશે. પ્રથમ ૨૬ ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર અને ત્યારબાદ ફરી ૨ ઓક્ટોબરથી ૨ નવેમ્બર સુધી કન્યામાં ભ્રમણ કરશે.

બુદ્ધિ, વાણી, વાતચીત અને સંદેશાવ્યવહારના કારક બુધનું કન્યા રાશિમાં ભ્રમણ બુદ્ધિને તેજ કરી શકે છે. આ સમય લેખન-અભ્યાસ કરવા માટે અને નવી વિદ્યાની પ્રાપ્તિ માટે ઉત્તમ રહે. વાણી અને વાતચીતના વ્યવહારો સ્પષ્ટ બને. વિચારોને યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકાય. માહિતીનું આદાન-પ્રદાન અને માહિતીનું વિશ્લેષણ સરળ બને. આમ છતાં વધુ પડતાં વિશ્લેષણ અને ટીકાઓ કરવાના સ્વભાવથી દૂર રહેવું જોઈએ. બુધના કન્યા રાશિના ભ્રમણની ઉર્જાને અન્યોમાં વાંક અને વાંધા શોધવા પાછળ લગાવવા કરતાં બૌદ્ધિક કાર્યોમાં ખર્ચ કરવી હિતાવહ રહે.

હાલ કન્યા રાશિમાં જ ભ્રમણ કરી રહેલાં શુક્ર સાથે બુધની યુતિ પ્રેમસંબંધ અને લગ્નસંબંધ બાબતે વિચાર, ચિંતન, મંથન કરવા માટે ઉત્તમ છે. આ સમય એ આપણે આપણાં સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેને કઈ રીતે મધુર બનાવી શકાય તેનું બૌદ્ધિક વિશ્લેષણ કરવાનો રહે.

ટિપ્પણીઓ

Vinati Davda એ કહ્યું…
@કુલદીપ કારિયા, Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા