જુલાઈ ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

Pixabay

બુધનો મિથુન રાશિમાં પ્રવેશ : જુલાઈ ૭, ૨૦૨૧ થી જુલાઈ ૨૫, ૨૦૨૧ સુધી

જુલાઈ ૭, ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૬ કલાકે બુધ મહારાજ સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. બુધ મહારાજ પોતાની રાશિમાં બળવાન બને છે. આ સમય હવે બુધના આ ગોચરનો આનંદ ઉઠાવવાનો છે. લાંબો સમય વૃષભ રાશિમાં રાહુની સાથે અને વક્રી-માર્ગી ભ્રમણ કર્યા બાદ હવે સ્વરાશિમાં બુધ આરામ અને આનંદનો અનુભવ કરશે. મિથુન રાશિમાં જુલાઈ ૧૬, ૨૦૨૧ સુધી બુધ સૂર્યની સાથે યુતિમાં રહીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. જુલાઈ ૧૬, ૨૦૨૧ના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ બુધ એકલો જ મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. મિથુન રાશિના બુધ ઉપર હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની પંચમ દ્રષ્ટિ રહેશે.

બુધના મિથુન રાશિનો આ સમય મુસાફરી કે યાત્રાઓ સંબંધી શુભ રહી શકે છે. વધુને વધુ લોકો ઘરથી બહાર નીકળીને યાત્રા-પ્રવાસો કરી શકે છે. આ સમય વિશેષ કરીને અભ્યાસ સંબંધી યાત્રા કે કશુંક નવું શીખવાં માટે કરાતી યાત્રા અર્થે વધુ શુભ રહી શકે છે. યાત્રા, બૌદ્ધિક કાર્યો અને કમ્યુનિકેશનમાં સરળતાનો અનુભવ થાય. આ સમય દરમિયાન આપણે આપણાં વિચારોને વધુ સારી અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરી શકીશું. મિથુન, કન્યા, ધનુ અને મીન જન્મલગ્ન કે જન્મરાશિ ધરાવતાં જાતકો માટે પંચ મહાપુરુષ પૈકીના ભદ્ર મહાપુરુષ યોગનું નિર્માણ થશે. આ યોગને લીધે આ જાતકો જીવનમાં શુભ સમય અને શુભ તકોની પ્રાપ્તિ કરી શકશે.

સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ: જુલાઈ ૧૬, ૨૦૨૧ થી ઓગસ્ટ ૧૭, ૨૦૨૧ સુધી

જુલાઈ ૧૬, ૨૦૨૧ના રોજ ૧૬.૫૫ કલાકે સૂર્ય મહારાજ મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય અગાઉથી જ ભ્રમણ કરી રહેલાં શુક્ર અને મંગળ સાથે જોડાણ કરશે. જો કે સૂર્યના પ્રવેશના બીજા જ દિવસે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ જુલાઈ ૨૦, ૨૦૨૧ના રોજ મંગળ પણ સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે.

આ સાથે જ હવે દક્ષિણાયનમાં સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરૂઆત કરશે. એક વર્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. સૂર્યનાં મકર રાશિથી લઈને મિથુન રાશિ સુધીનાં ભ્રમણને ઉત્તરાયણ અને કર્ક રાશિથી લઈને ધનુ રાશિ સુધીના ભ્રમણને દક્ષિણાયન કહેવામાં આવે છે. દક્ષિણાયનથી દેવતાઓની રાત્રિની શરૂઆત થાય છે અને અસુરોનો દિવસ શરૂ થાય છે. આ સમય પિતૃકાર્ય કરવા માટે ઉપયુક્ત રહે છે. જુલાઈ ૨૦, ૨૦૨૧ના રોજ દેવશયની એકાદશી છે અને તે દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થશે.  

કર્ક રાશિ ચંદ્રનું સ્વામીત્વ ધરાવતી સ્ત્રીરાશિ તેમજ જળરાશિ છે. સૂર્ય એ ક્રૂર ગ્રહ છે અને વર્ષમાં કદાચ આ એક મહિનો એવો સમય છે જ્યારે આગથી ધખધખતો પૌરુષીય ગ્રહ એવો સૂર્ય સ્ત્રીરાશિ/જળરાશિમાં આવીને નરમ પડે છે. તેનામાં લાગણીઓ અને સંવેદનાઓ જાગે છે. આ સમય ઘર-પરિવાર-બાળકો અને મિત્રો સાથે લાગણીઓના બંધનને મજબૂત કરવામાં વીતાવી શકાય છે. ઘરની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપી શકાય. બાળકોના ઉછેર માટે સમય ફાળવી શકાય. લાગણીઓ કે મૂડમાં ચડાવ-ઉતારનો અનુભવ થઈ શકે છે. હ્રદયની સ્પર્શતી વાતો વધુ મહત્વની બને. સૂર્યનું સ્વામીત્વ ધરાવતી સિંહ જન્મરાશિ અથવા જન્મલગ્ન ધરાવતાં જાતકોએ આ ભ્રમણ દરમિયાન નાણાકીય ખર્ચાઓ વધી ન જાય તેની કાળજી રાખવી.

કર્ક રાશિમાં સૂર્ય પર સ્વરાશિ મકરમાં બળવાન બનીને ભ્રમણ કરી રહેલાં શનિની દ્રષ્ટિ પડશે. પિતા અને પુત્ર એવાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા રહેલી છે. લગભગ એક માસ જેટલાં સમય સુધી આ બંને શત્રુઓ આમને-સામને રહેશે અને તેથી આ એક માસ જેટલાં સમયગાળા દરમિયાન જીવનમાં સંઘર્ષ કે વિસંવાદિતાનો અનુભવ થઈ શકે છે. સામાન્ય લોકો તેમજ સત્તામાં રહેલી વ્યક્તિઓ માનસિક અશાંતિનો અનુભવ કરી શકે છે. વધુ પડતી કે હદ ઉપરાંતની મહત્વાકાંક્ષા સેવવાથી દૂર રહેવું. વ્યવહારિક અભિગમ બનાવી રાખવાથી કાર્યો પૂર્ણ કરવામાં સરળતા રહી શકે છે. આ સમય દરમિયાન કર્ક જન્મરાશિ કે જન્મલગ્ન ધરાવતાં જાતકોએ આરોગ્યની વિશેષ કાળજી રાખવી. 

સિંહ રાશિમાં શુક્ર અને મંગળની યુતિનું ફળ: જુલાઈ ૨૦, ૨૦૨૧ થી ઓગસ્ટ ૧૧, ૨૦૨૧ સુધી

જુલાઈ ૧૭, ૨૦૨૧ના રોજ શુક્ર મહારાજ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તુરંત ત્રણેક દિવસની અંદર જુલાઈ ૨૦, ૨૦૨૧ના રોજ મંગળ મહારાજ પણ સિંહ રાશિમાં આવશે અને શુક્ર-મંગળની યુતિનું નિર્માણ થશે. આ શુક્ર-મંગળની યુતિ પર કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની શુભ દ્રષ્ટિ પડશે. જેને લીધે એક શુભ અને સકારાત્મક ઉર્જા ઉદ્ભવી શકે છે.

શુક્ર એ આનંદ અને પ્રેમનો કારક ગ્રહ છે. આવો શુક્ર જ્યારે મંગળ સાથે જોડાય ત્યારે જોશ, ઉત્સાહ અને કામનાઓનું સર્જન થાય છે. ગુરુની તેમનાં પર દ્રષ્ટિ સકારાત્મક ફળ તરફ દોરી જઈ શકે છે. શુક્ર સ્ત્રી ગ્રહ છે અને મંગળ પુરુષ ગ્રહ છે. આ બંનેની યુતિ જ્યોતિષ જગતમાં પ્રણય અને રોમાંસ માટે પ્રચલિત છે. વ્યક્તિગત કુંડળી અનુકૂળતા સૂચવતી હશે તો આ સમય દરમિયાન અમુક જાતકો પ્રણય કે સગાઈથી વિજાતીય પાત્ર સાથે જોડાઈ શકે છે.

સિંહ રાશિમાં શુક્ર અને મંગળની યુતિ બાર જન્મરાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળી, ગ્રહો, દશા વગેરે પર રહેલો હોય છે. 

મેષ: શુક્ર અને મંગળ પંચમસ્થાનમાંથી ભ્રમણ કરશે. આ સમય માનસિક અને ભાવનાત્મક રીતે જોશ અને ઉત્સાહથી ભરેલો રહી શકે છે. સંતાનો સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. સર્જનાત્મક અને મનોરંજન પૂરું પાડતી પ્રવૃતિઓને વેગ મળી શકે છે. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. આર્થિક રીતે આ ભ્રમણ શુભ રહે. અટકેલાં કાર્યોને પૂર્ણ કરવાં જરૂરી ઉર્જા અને બળ મળી રહે.

વૃષભ: શુક્ર અને મંગળ ચતુર્થસ્થાનમાંથી ભ્રમણ કરશે. ઘરમાં અને ઘર-પરિવારના સભ્યો સાથે વધુ સમય વીતાવવાની ઈચ્છા ધરાવી શકો છો. ઘરની સુંદરતા વધારવા હેતુ નાણાકીય ખર્ચ કરી શકો છો. વાહનની ખરીદી કે વાહન પાછળ પણ ખર્ચ થઈ શકે છે. આ સમય યાત્રા કરવાં હેતુ શુભ રહી શકે છે. નોકરી-વ્યવસાયના કાર્યો સંબંધી મહત્વાકાંક્ષામાં વૃદ્ધિ થઈ શકે છે. કામકાજને લીધે વ્યસ્ત રહો તેવું બને.

મિથુન: શુક્ર અને મંગળ તૃતીયસ્થાનમાંથી ભ્રમણ કરશે. યાત્રા કરવાની ઈચ્છા પ્રબળ બને. ટૂંકા અંતરની યાત્રાઓ, પ્રવાસ-પર્યટનો થઈ શકે છે. માહિતી એકઠી કરવાં હેતુ અથવા ભાઈ-બહેનો સાથે મેળ-મિલાપ હેતુ પણ યાત્રા થઈ શકે. વિવિધ આનંદમય પ્રવૃતિઓ સાથે સંકળાય શકાય. લેખન, સંગીત વગેરે જેવી સર્જનાત્મક પ્રવૃતિઓ સાથે સંકળાય શકાય. પોતાના વિચારોને કલાત્મક રીતે અભિવ્યક્ત કરી શકો છો.

કર્ક: શુક્ર અને મંગળ દ્વિતીયસ્થાનમાંથી ભ્રમણ કરશે. આ સમય નાણાં કમાવાનો અને ખર્ચવાનો છે. આર્થિક બાબતોમાં જોશ અને ઉત્સાહથી રસ દાખવી શકો છો. નાણાકીય આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે જ વૈભવી તેમજ કલાત્મક વસ્તુઓસ્વાદિષ્ટ ભોજન, વાહન, મિત્રો વગેરે પાછળ નાણાકીય ખર્ચ કરો તેવું પણ બને. સ્થાવર સંપતિની ખરીદી થઈ શકે. કુટુંબના સભ્યો સાથે આનંદમય સમય વ્યતીત થઈ શકે.

સિંહ: શુક્ર અને મંગળ પ્રથમ/લગ્નસ્થાનમાંથી ભ્રમણ કરશે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે કાર્યો પૂર્ણ થઈ શકે. અન્ય લોકોનો સાથ-સહકાર અને મદદ મળી રહે. આ સમય યાત્રા કરવાં હેતુ કે ઘરથી દૂર જવાં હેતુ શુભ રહી શકે છે. વ્યક્તિત અને શારીરિક સુંદરતા અને મોહકતામાં વૃદ્ધિ થઈ શકે છે. વિજાતીય વ્યક્તિ આકર્ષણનો અનુભવ કરે. જીવનમાં પ્રેમ કે સંબંધનું આગમન થઈ શકે છે.

કન્યા: શુક્ર અને મંગળ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. ઘરથી દૂરના સ્થળની કે વિદેશયાત્રા કરવાની પ્રબળ ઈચ્છા જાગી શકે છે. ઉચ્ચ અભ્યાસ હેતુ વિદેશ જવામાં સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન યોગ-ધ્યાન કે આધ્યાત્મિક પ્રવૃતિ હેતુ કોઈ એકાંતમય સ્થળ કે આશ્રમ વગેરેની મુલાકાત પણ લઈ શકાય છે. વૈભવી વસ્તુઓ કે મોજ-શોખ હેતુ નાણાકીય ખર્ચ થઈ શકે છે.

તુલા: શુક્ર અને મંગળ એકાદશભાવમાંથી ભ્રમણ કરશે. મિત્રો સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. સમૂહમાં રહીને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. આ સમય આર્થિક બાબતો હેતુ શુભ રહી શકે છે. અટકેલાં કે અધૂરાં કાર્યો પૂર્ણ થઈ શકે. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓ અને સપનાઓ ફળતાં જણાય. જીવનમાં પ્રણયસંબંધ કે લગ્નસંબંધથી વિજાતીય પાત્ર સાથે જોડાવાનું બની શકે છે.

વૃશ્ચિક: શુક્ર અને મંગળ દસમભાવમાંથી ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે કાર્ય પૂર્ણ કરી શકાય. કામકાજ બાબતે વધુ જોશ અને ઉત્સાહનો અનુભવ કરી શકશો. નવી તકોની પ્રાપ્તિ થઈ શકે. કામકાજ હેતુ યાત્રા થઈ શકે. આ સમય વ્યાવસાયિક ભાગીદારીમાં કાર્યો કરવાં હેતુ શુભ રહી શકે છે. પ્રણય કે લગ્નની ભાગીદારી હેતુ પણ સમય શુભ રહે.

ધનુ: શુક્ર અને મંગળ નવમભાવમાંથી ભ્રમણ કરશે. લાંબી યાત્રા કે વિદેશ યાત્રા હેતુ સમય શુભ રહી શકે છે. આ સમય ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓ કરવાં માટે શુભ રહે. ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ થઈ શકે. જ્ઞાનની વૃદ્ધિ થવાની સંભાવના રહે. લોકોને સલાહ આપો કે લોકો પાસેથી સલાહ મેળવો તેવું બને. આર્થિક રીતે આ ભ્રમણ લાભદાયી રહી શકે છે. જીવનમાં પ્રણયનું કે વિજાતીય પાત્રનું આગમન થઈ શકે.

મકર: શુક્ર અને મંગળ અષ્ટમભાવમાંથી ભ્રમણ કરશે. જીવનસાથી કે ભાગીદારને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે બદલાવ લાવવાની ઈચ્છા ધરાવી શકો છો. કાર્યશૈલીમાં પરિવર્તન આવી શકે. ઘર કે રહેઠાણના સ્થળમાં બદલાવ આવી શકે. લગ્નેત્તર સંબંધ અથવા ગુપ્ત પ્રણય સંબંધમાં સંકળાય ન જવાય તેની કાળજી રાખવી.

કુંભ: શુક્ર અને મંગળ સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. લગ્નસંબંધ નક્કી થઈ શકે છે. પ્રણયસભર આકર્ષણ હેતુ સમય શુભ રહે. લોકો સાથે વાતચીત અને કામ લેતી વખતે જોશ અને ઉત્સાહનો અનુભવ થઈ શકે. વ્યવસાય બાબતે સમય શુભ રહી શકે છે. વ્યવસાયિક ભાગીદારી રચાઈ શકે છે. વ્યવસાય સંબંધી નાના-મોટાં કરારો કરવાં હેતુ શુભ સમય રહે.

મીન: શુક્ર અને મંગળ ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. આ સમય આરોગ્યની તંદુરસ્તી સુધારવાનો છે. કસરત કરવામાં કે જીમમાં સમય વ્યતીત કરી શકાય. નોકરીના સ્થળે જોશ અને ઉત્સાહનો અનુભવ થઈ શકે છે. સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહે તેમજ તેમની સાથે આનંદમય સમય વ્યતીત કરી શકાય. 

બુધનો કર્ક રાશિમાં પ્રવેશ: જુલાઈ ૨૫, ૨૦૨૧ થી ઓગસ્ટ ૯, ૨૦૨૧ સુધી

જુલાઈ ૨૫, ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૪૨ કલાકે બુધ મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ બુધ હાલ કર્ક રાશિમાં ભ્રમણ કરી રહેલાં સૂર્ય સાથે યુતિમાં અને મકર રાશિમાં ભ્રમણ કરી રહેલાં શનિ સાથે પ્રતિયુતિમાં આવશે. આ સાથે જ સૂર્યની નજીક જવાને લીધે જુલાઈ ૨૪, ૨૦૨૧ના રોજ બુધ અસ્ત પામશે. જો કે બુધ એ બધાં ગ્રહોમાં અસ્ત થવાની ઘટના પ્રત્યે સૌથી ઓછો સંવેદનશીલ ગ્રહ છે.

બુધ એ બૌદ્ધિકતાનો કારક છે અને કાળપુરુષની કુંડળીમાં ચતુર્થસ્થાનમાં પડતી કર્ક રાશિ હ્રદયનું પ્રતિનિધિત્વ કરે છે. બુદ્ધિ તર્કથી ચાલે છે જ્યારે હ્રદય લાગણીથી દોરવાય છે. આથી કર્ક રાશિમાં બુધનું ભ્રમણ પડકારજનક બની રહે છે. આમ છતાં બુધ એ વાણી છે અને હાલ ચાલી રહેલી સૂર્ય-શનિની પ્રતિયુતિથી હ્રદયને પહોંચતી વેદનાને હવે વાચા મળી શકે છે. કાળપુરુષની કુંડળીનું ચતુર્થસ્થાન અને કર્ક રાશિ ઘર-પરિવારનો નિર્દેશ કરે છે. ઘર-પરિવારના સભ્યોને અથવા ઘર-પરિવારના સભ્યોને લીધે પહોંચતી વેદના હવે વાણી દ્વારા અભિવ્યક્ત કરી શકાશે. પરિવારના સભ્યોની લાગણીને બુદ્ધિ દ્વારા સમજી શકાય. મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી જરૂરી બને. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા