બુધના કુંભ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – માર્ચ ૨૦૨૧

Pixabay
માર્ચ ૧૧, ૨૦૨૧ના બપોરે ૧૨.૩૧ કલાકે બુધ મહારાજે મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. અહીં બુધ એપ્રિલ ૧, ૨૦૨૧ સુધીના ટૂંકા ગાળા માટે ભ્રમણ કરશે. કુંભ રાશિ બુધને મિત્ર ગણતાં શનિ મહારાજની રાશિ છે. આથી આ રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે. કુંભ રાશિ અગાઉ મકર રાશિમાં બુધનું ભ્રમણ પણ શનિ મહારાજની રાશિમાં હતું. પરંતુ મકર રાશિમાં બુધ પર ગુરુ-શનિની પકડ તેમજ રાહુની દ્રષ્ટિ પડી રહી હતી. આ ઉપરાંત મકર રાશિમાં છ ગ્રહોના જમાવડાંનો હિસ્સો બનેલાં અને વક્રી ભ્રમણમાં રહેલાં બુધ મહારાજ હવે કુંભ રાશિમાં કંઈક અંશે સ્વતંત્રતા અને મોકળાશનો અનુભવ કરી શકશે. આ ભ્રમણને લીધે વિચારો અને કમ્યુનિકેશનમાં સ્પષ્ટતાનો અનુભવ કરી શકાય. 

કુંભ રાશિમાં પ્રવેશ સાથે જ બુધનો પોતાના ‘બેસ્ટ ફ્રેન્ડ’ શુક્ર સાથે મેળાપ થયો છે, જે અગાઉથી કુંભ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ચ ૧૭, ૨૦૨૧ના શુક્રના મીન રાશિ પ્રવેશ સાથે બુધની શુક્ર સાથેની ‘મિત્ર ગોષ્ઠિ’ સમાપ્ત થશે! શુક્ર ઉપરાંત હાલ સૂર્ય મહારાજ પણ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. બુધના કુંભ રાશિ પ્રવેશ સાથે માર્ચ ૧૪, ૨૦૨૧ સુધી બુધાદિત્ય યોગની રચના થઈ રહી છે. ત્યારબાદ સૂર્ય મહારાજ મીન રાશિમાં પ્રસ્થાન કરી જશે. સૂર્ય અને શુક્ર બંનેના મીન રાશિમાં પ્રવેશ બાદ બુધ મહારાજ કુંભ રાશિમાં એકલાં શાંતિપૂર્ણ સમય વ્યતીત કરી શકશે. 

બુધના આ કુંભ ભ્રમણ દરમિયાન આપણે વધુ સામાજીક બનીએ અને લોકો સાથે હળવાં-મળવાંનું વલણ ધરાવીએ. મિત્રો સાથે વધુ સમય વ્યતીત થાય તેમજ તેમની સાથે થયેલી વાતચીત અને ચર્ચાઓ નવી ક્ષિતિજો ઉઘાડે. જૂના મિત્રોને મેસેજ કરી તેમની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની જીજ્ઞાસા ધરાવીએ. નવા અને અનોખાં વિચારો ધરાવતાં કે અલગ સંસ્કૃતિ ધરાવતાં લોકોને ખુલ્લા દિલે મળી શકીએ. કુંભ રાશિ ટેકનોલોજી અને ઈન્ટરનેટનું પ્રતિનિધિત્વ કરે છે અને બુધ કમ્યુનિકેશનનો કારક ગ્રહ છે. આથી આ સમય નવી વેબસાઈટ બનાવવાં, સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ઓપન કરવાં, બ્લોગ પોસ્ટ કરવાં કે ઈન્ટરનેટ પર લખાણ પ્રસિદ્ધ કરવાં માટે ઉપયુક્ત રહે. આ સમય દરમિયાન ઓનલાઈન શોપિંગ પણ કરી શકાય છે!! બુધના કુંભ રાશિમાં ગોચર દરમિયાન કુંભ, તુલા, મિથુન અને સિંહ જન્મરાશિ કે જન્મલગ્ન ધરાવતાં લોકો વધુ બોલકાં કે વાચાળ બની શકે છે! આ જાતકો કશુંક નવું શીખે, વિચારે કે નવા કરારો પર સહી કરે તેવું પણ બને. 

આવો જોઈએ બારેય જન્મરાશિઓ/જન્મલગ્નને બુધનું કુંભ રાશિમાં ભ્રમણ કેવું ફળ આપી શકે છે. સામાન્ય રીતે અંતર્વતી ગ્રહનું ટૂંકા ગાળાનું ભ્રમણ ઝડપી કે અચાનક ફળ આપતું જોવાં મળે છે. જો કે અહીં એક નોંધ જરૂર લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો, દશા વગેરે અનેક પરિબળો પર રહેલો હોય છે. 

મેષ: બુધ એકાદશભાવમાંથી ભ્રમણ કરશે. મિત્રો સાથે આનંદપૂર્ણ સમય વ્યતીત કરી શકાય. નોકરી-વ્યવસાય બાબતે લાભદાયી સમય રહી શકે છે. વિદ્યાર્થીમિત્રો અભ્યાસમાં પ્રગતિનો અનુભવ કરી શકે. 

વૃષભ: બુધ દસમભાવમાંથી ભ્રમણ કરશે. કર્મક્ષેત્રે ચર્ચાઓ-વિચારણાઓ હાથ ધરી શકાય. રચનાત્મક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય. નોકરી-વ્યવસાયને લીધે આર્થિક લાભ થઈ શકે છે. 

મિથુન: બુધ નવમભાવમાંથી ભ્રમણ કરશે. યાત્રા-પ્રવાસો થઈ શકે છે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે. પરદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીમિત્રો માટે શુભ સમય રહે. 

કર્ક: બુધ અષ્ટમભાવમાંથી ભ્રમણ કરશે. ઘર-કુટુંબથી દૂર જવાનો પ્રસંગ ઉદ્ભવી શકે છે. પરદેશથી આર્થિક લાભ થવાની સંભાવના રહે. યાત્રા દરમિયાન કાળજી રાખવી. 

સિંહ: બુધ સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. લગ્ન અને ભાગીદારીના કાર્યો માટે સમય શુભ રહે. જીવનસાથી સાથે ચર્ચા-વિચારણાઓ થઈ શકે. વ્યવસાયને લીધે આર્થિક લાભ થવાની સંભાવના રહે. 

કન્યા: બુધ ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. નોકરી બાબતે સમય શુભ રહે. સહકર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણાઓ થઈ શકે. ઉચ્ચ અભ્યાસ અથવા કામને લીધે યાત્રા થઈ શકે. આરોગ્ય સાચવવું. 

તુલા: બુધ પંચમભાવમાંથી ભ્રમણ કરશે. સંતાન પ્રાપ્તિ શક્ય બને. અભ્યાસને લીધે પરદેશ સાથે સંકળાઈ શકાય. પ્રણય સાથી સાથે સંવાદ અને વિચારોની આપ-લે થઈ શકે. 

વૃશ્ચિક: બુધ ચતુર્થભાવમાંથી ભ્રમણ કરશે. માતાના આરોગ્યની કાળજી રાખવી. સ્થાવર સંપતિ અથવા વાહનને લગતાં કરારો થઈ શકે છે. કર્મક્ષેત્રે ઘરના સભ્યો મદદરૂપ બને અથવા ‘વર્ક ફ્રોમ હોમ’ થાય. 

ધનુ: બુધ તૃતીયભાવમાંથી ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય સંબંધિત કમ્યુનિકેશન, માર્કેટીંગ, એડવર્ટાઈઝિંગ માટે સમય લાભદાયી રહે. સોશિયલ મિડીયામાં વધુ સક્રિય બનો. યાત્રા થઈ શકે. 

મકર: બુધ દ્વિતીયભાવમાંથી ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાયને લીધે ધનલાભ થઈ શકે છે. જીવનસાથી સાથે દલીલો કરવાથી દૂર રહેવું. કુટુંબના સભ્યોના આરોગ્યની કાળજી રાખવી. 

કુંભ: બુધ લગ્ન/પ્રથમભાવમાંથી ભ્રમણ કરશે. લગ્ન, સંતાન અને ભાગીદારી સંબંધિત બાબતો માટે શુભ સમય રહે. રચનાત્મક કાર્યો થઈ શકે. આરોગ્યની કાળજી રાખવી. 

મીન: બુધ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. પરદેશની કે દૂરના સ્થળની યાત્રા શક્ય બને. જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી. ખર્ચાઓ પર કાબુ રાખવો. સ્થાવર સંપતિને લગતાં વિવાદો થઈ શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા