મકર રાશિમાં છ ગ્રહોનો જમાવડો – ફેબ્રુઆરી ૨૦૨૧

 

આજે ફેબ્રુઆરી 9, 2021ના રોજ રાત્રે 20.32 કલાકે ચંદ્ર મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ મકર રાશિમાં છ ગ્રહો - સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિની (પ્લુટોનો સમાવેશ કરતાં સાત ગ્રહો) યુતિ સર્જાશે. છાયા ગ્રહો રાહુ-કેતુને બાદ કરતાં ફક્ત મંગળ આ છ ગ્રહોનાં જમાવડાંથી બહાર મેષ રાશિમાં રહીને બળવાન બનેલો છે. જો કે મંગળ સહિત બધાં જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જતાં હોવાથી કાળસર્પયોગની રચના થઈ રહી છે. બધાં જ ગ્રહો રાહુ અને કેતુના નિયંત્રણ હેઠળ આવી ગયાં છે. એટલું જ નહિ, રાહુ મકર રાશિ પર દ્રષ્ટિ કરીને આ સમગ્ર યુતિને પ્રભાવિત કરી રહ્યો છે.

એક નવ વ્યક્તિની ક્ષમતા ધરાવતી હોડીમાં બેઠેલ નવ વ્યક્તિઓ પૈકી છ વ્યક્તિઓ હોડીના એક જ ખૂણામાં ભેગા થઈને બેસે તો શું થાય? સ્વાભાવિક રીતે જ હોડી પલટી મારી જાય. બસ, આવું જ કંઈક અસંતુલન ગ્રહોની દુનિયામાં રચાવાં જઈ રહ્યું છે. પરિણામે આપણે સૌ કોઈ જીવનમાં અસંતુલન કે અસ્થિરતાનો અનુભવ કરી શકીએ છીએ. રાહુ મન:સ્થિતિ પર અસર કરનાર ગ્રહ છે અને આવેગમાં આવી જઈને કૃત્ય કરાવી શકે છે. શનિની મકર રાશિનો પ્રભાવ હોવાથી જીવનમાં હતાશા, ઉદાસી, નિરાશા કે ખાલીપાનો અનુભવ થઈ શકે. નકારાત્મક વિચારો આવી શકે.

કહેવાય છે ને કે આ દુનિયા દ્રષ્ટિનો ખેલ છે. કોઈકને અડધો ગ્લાસ ખાલી દેખાય તો કોઈકને ભરેલો! આ જ બાબતને એક જુદાં દ્રષ્ટિકોણથી જોઈએ તો ધારો કે હોડીમાં બેઠેલ નવ વ્યક્તિઓ પૈકી છ વ્યક્તિઓ એકમત થઈને હોડીને એક જ દિશામાં લઈ જવા માટે વિચારી રહી હોય તો? અદભૂત ઉર્જાનું પ્રાગટ્ય થાય. ધ્યેયને સરળતાથી હાંસિલ કરી શકાય. આપની કુંડળીમાં મકર રાશિ જે ભાવમાં પડી હશે તે ભાવ સંબંધિત ક્ષેત્રોમાં આવી જ કંઈક ઉર્જાનો અનુભવ કરી શકશો. દા.ત. જો મકર રાશિ પંચમસ્થાનમાં પડી હોય તો નવા-નવા સર્જનાત્મક વિચારો સ્ફૂરી શકે, નવમસ્થાનમાં પડી હોય તો શાસ્ત્રોનું અધ્યયન કે ઉચ્ચ અભ્યાસ થઈ શકે વગેરે વગેરે. સવાલ છે ગ્રહોએ પેદા કરેલ ઉર્જાનો સકારાત્મક રીતે ઉપયોગ કરવાનો!

ફેબ્રુઆરી 12, 2021ના રોજ રાત્રે 02.12 કલાકે ચંદ્ર મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. લગભગ સાથે-સાથે જ સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે એટલે ગ્રહોનો જમાવડો વિખેરાવાની શરૂઆત થઈ જશે. ત્યાં સુધીનો સમય ધીરજ અને શાંતિથી પસાર કરવો. યાદ રાખવું કે આ દુનિયામાં કશું જ કાયમી નથી. This too shall pass.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

નક્ષત્ર