વૃષભ રાશિમાં રાહુ સાથે મંગળનું જોડાણ – ૨૦૨૧

Pixabay

આજે ફ્રેબ્રુઆરી ૨૨, ૨૦૨૧ના રોજ વહેલી સવારે ૦૪.૩૯ કલાકે મંગળ મહારાજે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં મંગળ એપ્રિલ ૧૪, ૨૦૨૧ સુધી ભ્રમણ કરશે. વૃષભ રાશિમાં અગાઉથી જ રાહુ મહારાજ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. આથી વૃષભ પ્રવેશ સાથે મંગળ અને રાહુની યુતિ રચાઈ છે.

વૃષભ રાશિ શુક્રનું સ્વામીત્વ ધરાવતી રાશિ છે. શુક્ર એ પ્રેમ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. યુદ્ધ, શક્તિ, શૌર્ય, સાહસ, વીરતા, આક્રમકતા અને ઉગ્રતાનો કારક એવો મંગળ સામાન્ય રીતે પ્રેમના ગ્રહ શુક્રની રાશિમાં આવીને થોડો શાંત પડે છે. પરંતુ આ વખતે વિશેષ પરિસ્થિતિ છે. આ વખતે મંગળનો સાથ આપવાં માટે રાહુ મહારાજ અગાઉથી જ વૃષભ રાશિમાં હાજર છે. મંગળ (અગ્નિતત્વ) આગ છે, તો રાહુ (વાયુતત્વ) આ આગને હવા નાખવાનું કાર્ય કરે છે. રાહુ જે પણ ગ્રહ સાથે જોડાય તે ગ્રહના કારકત્વનો વિસ્તાર કરે છે. અહીં હવે મંગળના આક્રમતા, ઉગ્રતા, લડાયકતા જેવાં ગુણોનો વિસ્તાર થઈ શકે છે. વૃષભ રાશિમાં ભ્રમણ હોવાથી આ આક્રમકતા અને ઉગ્રતા સંબંધોમાં અભિવ્યક્ત થવાની સંભાવના રહે. પ્રેમમાં સ્વાર્થી અને સ્વકેન્દ્રીત ન બની જઈએ તેમજ વર્ચસ્વ જમાવવાની કોશિશ ન કરીએ તેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત વૃષભ રાશિ એ કાળપુરુષની કુંડળીનું દ્વિતીય ધનસ્થાન છે. ધન-સંપતિ અને નાણાકીય વ્યવહારો બાબતે આવેશમાં આવીને કોઈપણ નિર્ણય લેવાથી દૂર રહેવું. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવાં પ્રયત્નો કરવાં. કટુ વાણીને લીધે સંબંધોમાં કડવાશ આવી શકે છે. તામસિક ખોરાક પ્રત્યેની રુચિમાં વધારો થઈ શકે છે.

વૃષભ રાશિ સ્થિર રાશિ છે. આ રાશિમાં એકવિધતા છે. રોજ એકનું એક કામ થાક્યાં વગર કરવું એ વૃષભ રાશિનો ગુણ છે. વૃષભ રાશિમાં મંગળની ઉર્જાને કોઈ એક કાર્યમાં કેન્દ્રિત કરીને કશુંક નક્કર નિર્માણ કે ઘડતર કરી શકાય છે. જેમ કે વૃષભ રાશિનું ચિહ્ન એવો બળદ રોજ એક જ ચીલે ચાલવામાં પોતાનું સંપૂર્ણ બળ લગાડે છે. રોજ એક જ કાર્ય કરીને ખેતર ખેડી નાખે છે અને અંતે પાક ઉગી નીકળે છે. વૃષભ રાશિમાં મંગળ ગતિ પકડવામાં થોડો ધીમો અને આળસુ રહે છે, પરંતુ એકવાર ગતિ પકડી લે પછી કોઈ તેને રોકી શકતું નથી.

માર્ચ ૨૮, ૨૦૨૧ના રોજ મંગળ અને રાહુ વચ્ચે અંશાત્મક યુતિ રચાશે. બંને ગ્રહો વૃષભ રાશિમાં ૨૦ અંશના થઈને ગોચર ભ્રમણ કરશે. માર્ચ ૨૮, ૨૦૨૧થી આગળ-પાછળના દિવસો ગણીને લગભગ એક સપ્તાહ સુધીના સમય દરમિયાન વિશેષ કાળજી રાખવી.

એપ્રિલ ૬, ૨૦૨૧ સુધી વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં મંગળ-રાહુ પર મકર રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની પંચમ દ્રષ્ટિ પડશે. ગુરુ અને રાહુ વચ્ચે અંશાત્મક ત્રિકોણયોગ રચાશે. (જુઓ વિડીયો ગુરુ અને રાહુનો ત્રિકોણયોગ) ગુરુની દ્રષ્ટિ મંગળ-રાહુ પર ડહાપણની લગામ પકડી રાખવાનું કાર્ય કરશે.  

હાલ મંગળથી શનિ નવમભાવ મકરમાં ભ્રમણ કરે છે અને શનિથી મંગળ પંચમભાવ વૃષભમાં ભ્રમણ કરે છે. માર્ચ ૨૨, ૨૦૨૧ના રોજ મંગળ અને શનિ વચ્ચે અંશાત્મક ત્રિકોણયોગ રચાશે. બંને ૧૬ અંશના થઈને અંશાત્મક ત્રિકોણ યોગની રચના કરશે. આ સમય ટેકનીકલ કાર્યો કરવાં માટે અનુકૂળ રહી શકે છે.  

મંગળ-રાહુના ગોચર ભ્રમણની રાશિ વૃષભનો સ્વામી શુક્ર હાલ કુંભ રાશિમાં અસ્તનો થઈને ભ્રમણ કરી રહ્યો છે. માર્ચ ૧૭, ૨૦૨૧ના રોજ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. રાશ્યાધિપતિ બળવાન બનતાં માર્ચ ૧૭, ૨૦૨૧થી મંગળ-રાહુની યુતિ પૂર્ણસ્વરૂપે પોતાનું ફળ પ્રગટ કરવાં શક્તિમાન બનશે. એપ્રિલ ૧૦, ૨૦૨૧ના રોજ શુક્ર મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે. એ સાથે જ અંતિમ ચાર દિવસો દરમિયાન શુક્ર અને મંગળ વચ્ચે પરિવર્તનયોગ રચાશે.

વૃષભનાં મંગળ ભ્રમણનો આ સમય બારેય જન્મરાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુ વગેરે અનેક પરિબળો પર રહેલો હોય છે. 

મેષ (, , ઈ): મંગળ દ્વિતીયભાવમાં ભ્રમણ કરશે. આર્થિક ખર્ચાઓ વધી જવાની સંભાવના રહે. ઉડાઉ બનીને ખર્ચ કરો જેથી ધનની હાનિ થઈ શકે છે. વાણી કટુ અને કટાક્ષયુક્ત બની શકે છે. કુટુંબીજનો સાથે ક્લેશ થવાની શક્યતા રહે. લોકોના અપશબ્દ સાંભળવાનો વખત આવે. જીવનસાથીને કષ્ટ પડે તેવી ઘટના ઘટી શકે. અકસ્માતથી સાવચેત રહેવું. વિદ્યાર્થીઓએ વિદ્યાનો ભંગ થવાથી સંભાળવું. સંતાનથી સંતાપ રહે. ભાગ્યની હાનિ થતી જણાય. આંખોની પીડા કે આંખના ઓપરેશનનો યોગ બને. ડેન્ટીસ્ટ પાસે જવા માટે આ સમય યોગ્ય રહે. વારસાગત સંપતિથી લાભ થાય.    

વૃષભ (બ, , ઉ): મંગળ લગ્નસ્થાનમાં ભ્રમણ કરશે. સક્રિય અને સ્ફૂર્તિલા બનો. જીવનમાં આવતાં પડકારોનો સામનો કરવાનું સાહસ આવે. પગ વાળીને સ્થિર બેસવું મુશ્કેલ બને. ઉગ્રતા અને આક્રમકતામાં વધારો થાય. સમય અને પરિસ્થિતિ પ્રમાણે ઝાઝું કે ઊંડુ વિચાર્યા વગર વર્તો તેવું બને. કેટલીકવાર કૃત્ય થઈ ગયા બાદ પસ્તાવાનો અનુભવ થાય. ક્રોધ અને આવેગથી ગુનાહિત કૃત્ય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. ચિત્ત વ્યગ્ર અને વિહ્વળ બને. પિત્તવિકાર થાય કે તાવ આવી શકે છે. બ્લડપ્રેશર વધી શકે છે. શસ્ત્ર અને અગ્નિનો ભય રહે. સર્જરી થવાના યોગ બને. માતાને કષ્ટ પડે. અપરિણીત જાતકોને લગ્ન થવાની સંભાવના ઉભી થાય. વ્યવસાયથી લાભ થાય.

મિથુન (ક, , ઘ): મંગળ દ્વાદશભાવમાં ભ્રમણ કરશે. ચિંતા રહ્યા કરે. સુખચેનભરી નિદ્રાની કમી રહે. ગુપ્ત શત્રુઓ જેવાં કે ચોર, ખિસ્સાકાતરું વગેરે દ્વારા ભય રહે. ધનની હાનિ કે ખર્ચ થઈ શકે છે. વિરોધીઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. આરોગ્ય માટે સમય પ્રતિકૂળ રહેવાની સંભાવના છે. આંખને લગતાં રોગથી સાવધાન રહેવું. ઘરની બહાર વ્યર્થ ભ્રમણ રહ્યાં કરે. અગાઉથી આયોજન કર્યા વગરની ઉતાવળમાં નક્કી કરાતી મુસાફરી કે વિદેશયાત્રા થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના રહે. જીવનસાથીનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. નોકરી બદલવા માટે આ સમય યોગ્ય રહે.

કર્ક (ડ, હ): મંગળ એકાદશભાવમાં ભ્રમણ કરશે. આ ગોચર શુભ નીવડવાનો સંભવ રહેશે. ધન લાભ થઈ શકે છે. ઐશ્વર્ય અને વૈભવમાં વૃદ્ધિ થાય. કૌટુંબિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. નવા કાર્યોની યોજના સફળ રહે. નોકરીમાં સત્તા કે ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવસાયમાં સફળતા મળે. સંતાનસુખની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતા મળે અને પ્રગતિના નવા દ્વાર ઉઘડે. પ્રણય કે સગાઈ માટે આ ગોચર અનુકૂળ રહે. મિત્રો અને મોટાં ભાઈ-બહેનો સાથે ક્લેશ કે મતભેદ થઈ શકે છે. મોસાળપક્ષને કષ્ટ પડી શકે છે. રમત-ગમત દ્વારા મનોરંજન મેળવી શકો.

સિંહ (મ, ટ): મંગળ દસમભાવમાં ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાયમાં પ્રારંભમાં મુશ્કેલી અનુભવ્યા બાદ પ્રગતિનો અનુભવ થાય. વધુ મહેનત કરવી પડે. જો કે મહેનત કરવા માટેની શક્તિ અને બળ પણ મંગળ પૂરું પાડે. નવી નોકરી કે નવી આજીવિકાની પ્રાપ્તિ થઈ શકે છે. કૌટુંબિક વ્યવસાયને અપનાવી શકાય અથવા વ્યવસાયમાં ઘરના સભ્યોની મદદ લઈ શકાય. વ્યવસાયમાં પિતાની સલાહ કે મદદ ઉપયોગી નીવડે. નવા કાર્યોમાં રુચિ વધે. સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે છે. વ્યાપારિક હેતુ સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે. સંતાનપક્ષ ચિંતા કરાવી શકે છે. માનસિક અકળામણ થઈ શકે.

કન્યા (પ, , ણ): મંગળ નવમભાવમાં ભ્રમણ કરશે. લોકોની સલાહ અવગણો તેવું બને. પિતા અને ગુરુજનો સાથે મતભેદ થઈ શકે છે. પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. ભાગ્યની હાનિ થવાનો સંભવ રહે. અગાઉથી આયોજન કર્યા વગરના યાત્રા-પ્રવાસ થવાની સંભાવના રહે. ઉચ્ચ અભ્યાસ, સંશોધન, પત્રકારિતા કે માહિતી એકઠી કરવાં હેતુ યાત્રા થઈ શકે છે. નાના ભાઈ-બહેનો સાથે મિલન સંભવે. જો કે નાના ભાઈ-બહેનોને લીધે માનસિક ઉદ્વેગનો અનુભવ પણ થઈ શકે છે. સ્થળાંતર કે બદલી થવાની સંભાવના રહે. નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે. ઘરમાં ક્લેશનું વાતાવરણ રહે. માનસિક ઉચાટનો અનુભવ થાય.

તુલા (ર, ત): મંગળ અષ્ટમભાવમાં ભ્રમણ કરશે. જીવનસાથી સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. વ્યાવસાયિક ભાગીદારી કરવાથી દૂર રહેવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી બનશે. ઓપરેશન કે બિમારી આવી શકે છે. કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના રહે. કુટુંબના સભ્યોનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે. વાણી પર નિયંત્રણ રાખવું. કુટુંબમાં માંગલિક પ્રસંગની ઉજવણીને લીધે ધનનો ખર્ચ થાય. વારસાગત ધન-સંપતિને લીધે આર્થિક લાભ થઈ શકે છે. યાત્રાઓ કષ્ટદાયી રહે. નાના ભાઈ-બહેનોને લીધે મુશ્કેલી પડી શકે છે.

વૃશ્ચિક (ન, ય): મંગળ સપ્તમભાવમાં ભ્રમણ કરશે. શારીરિક તંદુરસ્તી અને સક્રિયતામાં વધારો થાય. રોજબરોજની ટેવો, કસરત અને ખાન-પાનમાં સુધારો થાય. આંખોની પીડાથી સાવધ રહેવું. જીવનસાથીનો સ્વભાવ ક્રોધી અને ઉગ્ર બને તેવી સંભાવના રહે. લગ્નજીવનમાં લડાઈ-ઝઘડાંઓ અને દલીલો કરવાથી દૂર રહેવું. જીવનસાથીને અનુરૂપ પોતાને ઢાળવાની કોશિશ કરો. કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના રહે. નાણાકીય બચત થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. નોકરી-વ્યવસાય બાબતે સમય પ્રગતિજનક રહે. નવી નોકરી મળી શકે છે. સહકર્મચારીઓ સાથેના સંબંધોમાં સમાનતાનો અનુભવ થાય.

ધનુ (ભ, , , ઢ): મંગળ ષષ્ઠમભાવમાં ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય અર્થે યાત્રા થઈ શકે છે. વિદેશયાત્રા અથવા દૂરના સ્થળની યાત્રા થવાની પ્રબળ સંભાવના બને. આરોગ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી બને. અકસ્માતથી સાવધ રહેવું. શુભ માંગલિક કાર્યો પાછળ ધન ખર્ચ થવાની સંભાવના રહે. સહકર્મચારીઓ ગુપ્ત શત્રુ તરીકેની ભૂમિકા ભજવી શકે છે. જો કે શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. નિ:સ્વાર્થ સેવાના કાર્યો થઈ શકે. જેલ, હોસ્પિટલ કે આશ્રમ જેવાં સ્થળોએ નોકરીની પ્રાપ્તિ થઈ શકે. નોકરીમાં રચનાત્મક કાર્યો પર કામ થઈ શકે. ભાગ્યમાં વૃદ્ધિ થાય.

મકર (ખ, જ): મંગળ પંચમભાવમાં ભ્રમણ કરશે. બુદ્ધિ તીવ્ર બને. આર્થિક લાભ થવાની સંભાવના રહે. મિત્રો સાથે સુખમય સમય વ્યતીત કરી શકાય. મોટાં ભાઈ-બહેનોના સહકારની પ્રાપ્તિ થાય. નવી ઓળખાણો અને મૈત્રી સંબંધો રચાય શકે છે. વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. પ્રણયમાં કલહનો અનુભવ થાય. સંતાન સંબંધી ઉપાધિ થઈ શકે છે. રમત-ગમત થકી મનોરંજન મેળવો અથવા રમત-ગમતનાં આયોજનમાં ભાગ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં પ્રગતિ સાધી શકે. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. શેરબજારથી લાભ થવાની સંભાવના રહે.

કુંભ (ગ, , , ષ): મંગળ ચતુર્થભાવમાં ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાયમાં સફળતા મળે. નવી નોકરી મળી શકે અથવા નવો વ્યવસાય શરૂ કરી શકાય. વ્યવસાયમાં સાહસી નિર્ણયો લઈ શકાય. વર્ક ફ્રોમ હોમથઈ શકે. ઘર ખાલી કરતાં કે ઘર સંબંધી કોઈપણ ફેરફાર કરવાથી દૂર રહેવું જોઈએ. જૂના ઘરનું સમારકામ કરાવી શકાય. રાત્રે વિચારો વધુ આવે અને સુખચેનભરી નિદ્રાની કમી રહે. ગૃહક્ષેત્રે ક્લેશનું વાતાવરણ રહે. માતાને કષ્ટ પડવાની સંભાવના રહે. પેટ અથવા પેટની ઉપરના ભાગમાં પીડાનો અનુભવ થઈ શકે. હ્રદયને સંતાપ થાય. મનમાં દબાયેલો ગુસ્સો રહે. મિત્રો અને ભાઈઓથી મુશ્કેલી પડવાની શક્યતા રહે.

મીન (દ, , , થ): મંગળ તૃતીયભાવમાં ભ્રમણ કરશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય. ભાગ્યનો સાથ મળી રહે. લાભદાયી યાત્રા થવાની સંભાવના રહે. આર્થિક લાભ થઈ શકે છે. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. શત્રુઓને હંફાવી શકાય. ધાર્મિક કાર્યો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધર્મને લગતું લખાણ કે પ્રકાશન થઈ શકે. વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસ બાબતે આ ભ્રમણ શુભ રહે. પાડોશી સાથે કલહ ન થાય તેનું ધ્યાન રાખવું. નાના ભાઈ-બહેનોને લીધે નાણાકીય ખર્ચ થઈ શકે છે. સંદેશાવ્યવહારના સાધનો જેવા કે કોમ્પ્યુટર, ટીવી, ટેલિફોનના વધુ પડતાં ઉપયોગથી તણાવ રહે.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
મેડમ કુંડળી માં પહેલાં થી જ અંગારક યોગ હોય એમને આ યુતિ વધુ અસર કરી શકે ને ?
Vinati Davda એ કહ્યું…
@Unknown, જરૂરી નથી. કુંડળીમાં અંગારક યોગ ક્યાં ભાવમાં છે, કઈ રાશિમાં છે, કઈ દશા ચાલે છે વગેરે બાબતો મહત્વની છે.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા