સૂર્યના કુંભ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ફેબ્રુઆરી 2021

ગઈકાલે ફેબ્રુઆરી 12, 2021ના રોજ રાત્રે 09.13 કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયા. આ સાથે જ ફેબ્રુઆરી 9 થી ફેબ્રુઆરી 12 દરમિયાન મકર રાશિમાં ભેગો થયેલો છ (પ્લુટોનો સમાવેશ કરતાં સાત) ગ્રહોનો જમાવડો વિખેરાવાની શરૂઆત થઈ. ચંદ્ર મહારાજ તો સૂર્ય મહારાજની અગાઉ એમનું સ્વાગત કરવાં કુંભ રાશિમાં પહોંચી ગયા હતાં. હવે ફેબ્રુઆરી 21, 2021ના શુક્ર અને માર્ચ 11, 2021ના રોજ બુધ પણ મકર રાશિમાંથી નીકળીને કુંભમાં સૂર્ય સાથે જોડાઈ જશે. સૌથી છેલ્લે ગુરુ એપ્રિલ 6, 2021ના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ શનિ મહારાજ મકર રાશિમાં એકલાં રહીને ગોચર ભ્રમણ કરશે.

મકર અને કુંભ શનિનું સ્વામીત્વ ધરાવતી રાશિઓ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે. પિતા અને પુત્રનો સંબંધ હોવાં છતાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા રહેલી છે. પરસ્પર વિપરિત ગુણો અને પ્રકૃતિ ધરાવતાં આ બંને ગ્રહોનો સંબંધ સંઘર્ષમય કાળનું સૂચન કરે છે. આથી જ સૂર્યનું શનિની રાશિ કુંભમાં ગોચર ભ્રમણ ખાસ લાભદાયી હોતું નથી. પરંતુ આ વર્ષે વિશેષ પરિસ્થિતિ છે. મકર રાશિમાં ભેગાં થયેલાં છ ગ્રહોના જમાવડાંમાંથી સૂર્યનું છૂટાં પડવું રાહતનો શ્વાસ આપી શકે છે. મકર રાશિમાં સૂર્ય શનિ સાથે યુતિથી અને રાહુની દ્રષ્ટિથી પીડિત હતો. હવે કુંભ રાશિમાં શનિ અને રાહુના પ્રભાવથી મુક્ત સૂર્યનું ભ્રમણ પ્રમાણમાં રાહતરૂપ સાબિત થઈ શકે છે. સૂર્ય આ સમગ્ર ભ્રમણ દરમિયાન અન્ય કોઈપણ પાપગ્રહ સાથે યુતિ કે દ્રષ્ટિસંબંધમાં નહિ આવે જે વિશેષરૂપથી શુભ છે.

સૂર્ય કુંભ રાશિમાં લગભગ એક મહિના સુધી એટલે કે માર્ચ 14, 2021 સુધી ગોચર ભ્રમણ કરશે. સૂર્યનું આ ભ્રમણ બારેય જન્મરાશિઓ/જન્મલગ્ન પરત્વે કેવું ફળ આપશે તે જોઈએ.

મેષ: સૂર્ય એકાદશભાવમાંથી ભ્રમણ કરશે. હાલ આપનો જન્મલગ્ન/ચંદ્રલગ્નનો સ્વામી મંગળ મેષ રાશિમાં લગ્નમાંથી ભ્રમણ કરીને કુંડળીને વિશેષ બળ પ્રદાન કરી રહ્યો છે. તેમાં હવે સૂર્યનું ભ્રમણ નાણાકીય વૃદ્ધિ કરાવી શકે છે. મિત્રોથી લાભ થવાની સંભાવના રહે.

વૃષભ: સૂર્ય દસમભાવમાંથી ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વૃદ્ધિ અને વિકાસ થવાની શક્યતા રહે. નોકરી-વ્યવસાયને લીધે નાની-મોટી યાત્રાઓ થઈ શકે છે. કામને લીધે માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે.

મિથુન: સૂર્ય નવમભાવમાંથી ભ્રમણ કરશે. સૂર્ય આપના અષ્ટમભાવમાંથી બહાર નીકળી ગયો છે એ શુભ સમાચાર કહી શકાય. ઉચ્ચ અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્તિ માટે સમય શુભ રહે. યાત્રા-પ્રવાસો થઈ શકે.

કર્ક: સૂર્ય અષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. આરોગ્યની કાળજી રાખવી. નાણાકીય ખર્ચાઓ પર કાબુ રાખવો. જ્યોતિષ, યોગ, અધ્યાત્મ વગેરે ગૂઢ બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય.

સિંહ: સૂર્ય સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. હાલ છ ગ્રહો આપના ષષ્ઠમસ્થાનમાં ભેગા થયા હોવાથી શત્રુઓ અને વિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો હોય. પરંતુ હવે સૂર્યનો સપ્તમભાવમાં પ્રવેશ શત્રુઓ, વિરોધીઓ, હરીફો અને ટિકાકારો પ્રત્યે જતુ કરવાનું વલણ આપી શકે. આમ છતાં એપ્રિલથી વધુ રાહતનો અનુભવ થઈ શકે. લગ્નજીવનમાં સમજદારીથી કામ લેવું.  

કન્યા: સૂર્ય ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. આ સમય આરોગ્યની સમસ્યાઓ પરત્વે ધ્યાન આપવાનો રહે. મોટા ભાઈ-બહેનોને કષ્ટ પડે અથવા તેમની સાથે મતભેદ થવાની શક્યતા રહે.

તુલા: સૂર્ય પંચમભાવમાંથી ભ્રમણ કરશે. ઉર્જા અને ઉત્સાહમાં વૃદ્ધિ થઈ શકે છે. નવા-નવા સર્જનાત્મક વિચારો કે કાર્ય કરી શકાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે બદલાવ થવાની સંભાવના રહે.

વૃશ્ચિક: સૂર્ય ચતુર્થભાવમાંથી ભ્રમણ કરશે. આ સમય ઘર-પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે. માતા-પિતાના આરોગ્યને કાળજી રાખવી.

ધનુ: સૂર્ય તૃતીયભાવમાંથી ભ્રમણ કરશે. આ સમય સ્વપ્રયત્ન અને સ્વપરાક્રમ બળથી આગળ વધવાનો છે. દ્રઢ નિશ્ચયી બની કાર્યો પૂર્ણ કરવાં તરફ ધ્યાન આપવું. નાની-મોટી યાત્રાઓ થઈ શકે. ભાઈ-બહેનો સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી.

મકર: સૂર્ય દ્વિતીયભાવમાંથી ભ્રમણ કરશે. આપના જન્મલગ્ન/ચંદ્રલગ્નમાં એકઠાં થયેલાં ગ્રહોના જમાવડાંમાંથી સૂર્ય બહાર આવી ગયો એ રાહતરૂપ ઘટના કહી શકાય. ધનલાભ કે નાણાકીય બચત થવાની સંભાવના રહે. કૌટુંબિક પ્રશ્નો ચિંતા કરાવી શકે છે.

કુંભ: સૂર્ય પ્રથમ/લગ્નભાવમાંથી ભ્રમણ કરશે. આત્મવિશ્વાસ અને ઉર્જામાં વૃદ્ધિ થઈ શકે છે. સકારાત્મકતાનો અનુભવ થાય. કાર્યોને પૂર્ણ કરી શકવાનાં બળની પ્રાપ્તિ થઈ શકે છે.

મીન: સૂર્ય દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. આ સમય ધ્યાન અને અધ્યાત્મને લગતી બાબતોમાં રુચિ લેવાં માટે અનુકૂળ રહે. નાણાકીય ખર્ચાઓ વધી ન જાય તેની કાળજી રાખવી.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
મને જ્યોતિષ શીખવાની બહુ જ ઇચ્છા છે.અને તમારી આ સાઈટ ગુજરાતી માં છે જે મને ખૂબ ઉપયોગી થાય એવી છે. તો ન સમજતા પ્રશ્નો માટે તમારું માર્ગદર્શન જોઈએ તો કેવી રીતે સંપર્ક કરી શકાશે તે જણાવશો. પ્લીઝ.આભાર.
Vinati Davda એ કહ્યું…
@Unknown, મારી સાઈટ આપને ઉપયોગી બને એમ છે તે જાણીને આનંદ થયો. આપને ન સમજાતાં પ્રશ્નો અહીં જ કોમેન્ટ સેક્શનમાં પૂછવા વિનંતી છે. હું ચોક્ક્સ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અહીં પૂછવાથી આપના જેવાં જ જ્યોતિષ શીખવાં-સમજવાં માગતા અન્ય લોકોને પણ આપના પ્રશ્નોથી મદદ મળશે. આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા