તુલામાં વક્રી બુધ (14.10.2020 થી 03.11.2020)

આજે 14 ઓક્ટોબર, 2020ના રોજ સવારે 06.35 કલાકે બુધ મહારાજ તુલા રાશિમાં 17 અંશે વક્રી બન્યાં છે. 3 નવેમ્બર, 2020 સુધી વક્રી રહ્યાં બાદ તુલાના 1 અંશે ફરી માર્ગી બનશે. બુધ એક વર્ષમાં 3 થી 4 વખત આશરે 24 દિવસ માટે વક્રી બને છે. બુધ વાણી, અભિવ્યક્તિ, વાતચીત, સંવાદ, વિચારોના અને માહિતીના આદાન-પ્રદાન, ચર્ચા વિચારણા, લેખન, વાંચન, પ્રકાશન, મુસાફરીઓ, વેપાર-વાણિજ્ય વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે પણ વક્રી થાય છે ત્યારે આ સર્વે બાબતોને અવળી અસર પહોંચે છે. 

તુલા રાશિ કાળપુરુષ કુંડળીનું સપ્તમસ્થાન છે, જે વિવાહ અને સંબંધોનો નિર્દેશ કરે છે. તુલા રાશિમાં વક્રી બનેલો બુધ જીવનસાથી, પ્રિયજન કે વ્યાપારિક ભાગીદાર સાથે ગેરસમજ કરાવી શકે છે. સાથી સાથેના સંવાદ અને તાલમેલમાં અભાવ જોવા મળી શકે. શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે. અતીતમાં થયેલાં અને હ્રદયના એક ખૂણામાં ધરબાવી રાખેલાં મનદુ:ખ કે મતભેદો ફરી સપાટી પર ઊભરી શકે. આ સમય ધીરજ રાખવાનો અને સાથીની વાતોને ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરવાનો રહે. 

તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર શાંતિ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. જ્યારે બુધ તુલામાં માર્ગી હોય ત્યારે બાહ્ય જગતમાં અને સંબંધોમાં વાતચીત દ્વારા સંવાદિતા સ્થાપવાનો પ્રયત્ન કરે. પરંતુ વક્રી બુધનો સમય આંતરિક મનોજગતમાં શાંતિ અને સંવાદિતાની પ્રાપ્તિ કરવાનો છે. પોતાની જાત સાથે કે પોતાના મન સાથે વાતો કરીને ફરી મનને શાંત અને સંવાદિતાભર્યુ બનાવવાનો પ્રયત્ન કરો. તુલા રાશિનું પ્રતીક ત્રાજવાધારી પુરુષ એ સંતુલનનો નિર્દેશ કરે છે. તુલા રાશિમાં વક્રી બુધનો સમય જીવનમાં આંતરિક સંતુલન સાધવાનો બની રહે. 

તુલા રાશિમાં બુધના વક્રી ભ્રમણ દરમિયાન તેનાં પર મીન રાશિમાં વક્રી બનેલાં મંગળની દ્રષ્ટિ રહેશે. વાતચીત, ચર્ચા-વિચારણા દરમિયાન ક્રોધ ઉદ્બવી શકે છે. દલીલો અને વિચારોમાં અસહમતી હોવાની સંભાવના પ્રગટે. વાણી પર સંયમ રાખવો અને શબ્દોનો ઉપયોગ કરતાં પહેલાં વિચાર કરવો. મંગળ ઉપરાંત બુધ ઉપર મકર રાશિમાં ભ્રમણ કરી રહેલાં શનિની દ્રષ્ટિ પણ પડશે. જેથી ગેરસમજોને લીધે નિરાશા અને નકારાત્મકતાનો અનુભવ થઈ શકે. પરંતુ આ બધાં કાળા વાદળમાં રૂપેરી કોર સ્વક્ષેત્ર ધનુમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજ છે. સત્યના પ્રયોગથી અને ડહાપૂણપૂર્વક કામ લેવાથી તમામ સમસ્યાઓનો ઉકેલ શક્ય બનશે!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા