મકર રાશિમાં શનિ માર્ગી (29.09.2020)

જ્યોતિષની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મહત્વની ઘટનાઓ ઘટી છે. એક તો 13 સપ્ટેમ્બરના રોજ ગુરુ મહારાજ ધનુ રાશિમાં માર્ગી બન્યા. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરીને વૃષભ-વૃશ્ચિકમાં પ્રવેશ્યાં. ત્રીજી મહત્વની ઘટના આજે 29 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 10.43 કલાકે ઘટી કે જ્યારે શનિ મહારાજ મકર રાશિમાં માર્ગી થયાં. આ એક સકારાત્મક સમયની શરૂઆત કહી શકાય. હાલ ગુરુ અને શનિ બંને પોતાની સ્વરાશિઓ અનુક્રમે ધનુ અને મકરમાં રાહુ-કેતુના પાપ પ્રભાવથી મુક્ત થઈને માર્ગી ભ્રમણ કરી રહ્યાં છે. વળી રાહુ-કેતુ પણ પોતાની ઉચ્ચ રાશિઓ વૃષભ-વૃશ્ચિકમાં ભ્રમણ કરી રહ્યાં છે. ધીમી ગતિના ગ્રહોનું સ્વ/ઉચ્ચ રાશિ ભ્રમણ ધીમી પરંતુ મક્કમ ગતિએ પરિસ્થિતિમાં સુધાર અને સકારાત્મકતા લાવશે. કાચબાભાઈ ધીમે-ધીમે અને ઠચૂક-ઠચૂક ચાલીને પણ હરીફાઈ જીતશે જ એ વિશ્વાસ રાખજો! આ સમય એક તક છે કે જ્યારે આપણે આપણાં સપનાની ઈમારત માટે મજબૂત પાયો ચણવાની શરૂઆત કરી શકીએ છીએ. 

મે 2020થી વક્રી બનેલો શનિ આજે સ્વરાશિ મકરમાં 1 અંશે માર્ગી બન્યો છે. પોતના ભાવ મકરથી મીન, કર્ક અને તુલા રાશિ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. શનિ એ આપણે ભૂતકાળમાં કરેલાં કર્મોનો ન્યાય તોળનારો ગ્રહ છે. વક્રી થાય છે ત્યારે કર્મનું ફળ તીવ્રતાથી અનુભવાય છે. શનિના વક્રી ભ્રમણ દરમિયાન ઉદાસી, હતાશા, નિરાશાભર્યા અને નકારાત્મક વિચારો તેમજ એકલતાનો અનુભવ થઈ શકે છે. હવે જ્યારે આજથી શનિ માર્ગી બન્યો છે ત્યારે નકારાત્મકતાનું સ્થાન સકારાત્મકતા લઈ શકે છે. વક્રી શનિના ભ્રમણ દરમિયાન ઊભા થયેલાં અવરોધો અને ચિંતાઓ દૂર થતી જણાશે. અટકેલાં કાર્યો સરળતાથી પૂર્ણ થતાં જણાશે. શનિ લગભગ દર બાર મહિને આશરે સાડા ચાર માસ સુધી વક્રી બને છે. હવે પછી શનિ ફરી મે 2021માં વક્રી થશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા