તુલા રાશિમાં બુધ (22.09.2020થી 28.11.2020 સુધી)

22 સપ્ટેમ્બર, 2020ના રોજ ગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ પોતાનાં પરમ મિત્ર શુક્રની રાશિ તુલામાં પ્રવેશ્યાં છે. મિત્રની રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે અને પોતાના કારક ગુણોનું પરિણામ આપવાં ઉત્સુક હોય છે. બુધનું આ ભ્રમણ નવા સામાજીક સંપર્કો સ્થાપવા માટે, સર્જનાત્મક કે કળાને લગતાં કાર્યો કે પ્રોજેક્ટ પર કામ કરવાં માટે, કોઈ કિંમતી કલાકૃતિની ખરીદી કરવા માટે, કળા કે શોખને લગતી ચર્ચાઓ કરવાં માટે તેમજ વ્યાપારી કરારો કરવાં માટે અનુકૂળ રહે.

તુલા રાશિમાં બુધ 28 નવેમ્બર, 2020 સુધી એટલે કે લગભગ બે મહિના સુધી ભ્રમણ કરશે. સામાન્ય રીતે બુધ એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. તુલા રાશિમાં લાંબા ભ્રમણનું કારણ બુધની વક્રી થવાની ઘટના છે. 14 ઓક્ટોબર, 2020થી 3 નવેમ્બર, 2020 સુધી બુધ વક્રી બનશે. નવ ગ્રહોમાં બુધ એક મેસેન્જરની ભૂમિકામાં છે. જ્યારે વક્રી બને છે ત્યારે આપણાં સંદેશાઓ અટવાઈ જાય છે, સંદેશાઓ ક્યાં તો પહોંચતા નથી અથવા પહોંચે છે તો ગેરસમજ પેદા કરાવે છે, જવાબ મળવામાં વિલંબ થાય છેમુલાકાતો પાછી ઠેલાય છે, મુસાફરીમાં વિલંબ થાય છે અથવા મુસાફરીનું આયોજન રદ કરવું પડે છે. આથી બુધના વક્રી ભ્રમણ દરમિયાન આ બાબતો અંગે સચેત રહેવું હિતાવહ રહે.

17 ઓક્ટોબર, 2020ના રોજ સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં ભ્રમણ કરી રહેલાં બુધની સાથે જોડાણ કરશે. સૂર્યના નજીક આવવાને લીધે 19 ઓક્ટોબર, 2020થી 30 ઓક્ટોબર, 2020 સુધી બુધ અસ્ત પામશે. આ દિવસો દરમિયાન કામના ભારણને લીધે અથવા અન્ય કોઈ કારણોસર તણાવનો અનુભવ થઈ શકે છે.

23 ઓક્ટોબર, 2020ના રોજ શુક્ર બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરશે અને ત્યારે બુધ શુક્રની રાશિ તુલામાં ભ્રમણ કરી રહ્યો હશે. આથી શુક્ર અને બુધ વચ્ચે પરિવર્તન યોગ રચાશે. આ સમય દરમિયાન જીવનમાં કે પરિસ્થિતિમાં બદલાવનો અનુભવ થઈ શકે છે. 17 નવેમ્બર, 2020ના રોજ શુક્રના તુલા રાશિ પ્રવેશ સાથે પરિવર્તન યોગ સમાપ્ત થશે અને શુક્ર-બુધનું જોડાણ શરૂ થશે. તુલા રાશિમાં શુક્ર બુધની યુતિ સંબંધોમાં સંવાદિતાનો અનુભવ કરાવે. સંબંધો કે કળાને લગતી વાતો-ચર્ચાઓ કરી શકાય. બૌદ્ધિક રીતે જીવનના સૌંદર્યને માણી શકાય. પ્રેમને શબ્દોમાં અભિવ્યક્ત કરી શકાય.

બુધના આ સમગ્ર ભ્રમણ દરમિયાન તેમનાં મિત્ર એવાં શનિ મહારાજ મકર રાશિમાંથી દસમી દ્રષ્ટિ તુલાના બુધ પર કરશે. શનિની આ દ્રષ્ટિ બુધને ગંભીર, જવાબદાર અને વ્યવહારુ બનાવશે.

મહત્વની તારીખો:

તુલા રાશિમાં બુધ: 22.09.2020 થી 28.11.2020

બુધ વક્રી: 14.10.2020 થી 03.11.2020 

બુધ-સૂર્ય યુતિ: 17.10.2020 થી 16.11.2020

બુધ અસ્ત: 19.10.2020 થી 30.10.2020

બુધ-શુક્ર પરિવર્તન યોગ: 23.10.2020 થી 17.11.2020

બુધ-શુક્ર યુતિ: 17.11.2020 થી 28.11.2020

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા