શનિના મકર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ


જ્યોતિષ જગત માટે મોટી અને મહત્વની કહી શકાય તેવી ઘટના ૨૪ જાન્યુઆરીના રોજ ઘટવા જઈ રહી છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સવારે ૦૯.૫૧ કલાકે શનિ મહારાજ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. કર્મનું ફળ પ્રદાન કરનાર ન્યાયના દેવતા અને દંડાધિકારી એવાં શનિ મહારાજ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. બધાં ગ્રહોમાં શનિ સૌથી લાંબા સમય સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે. આથી શનિનું રાશિ પરિવર્તન સતત અઢી વર્ષ સુધી સુખ કે દુ:ખ આપનારું બની રહેતું હોવાથી મહત્વનું બને છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરતો શનિ અહીં ૨૯ એપ્રિલ, ૨૦૨૨ સુધી ભ્રમણ કરશે. ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. ફરી વક્રી થઈને ૧૨ જૂલાઈ, ૨૦૨૨ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. અંતે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ શનિ મકર રાશિમાંથી અંતિમ વિદાય લઈને કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ત્રણ વખત વક્રી બનશે. આ ઉપરાંત મકર રાશિમાં ભ્રમણ દરમિયાન શનિ ગુરુ સાથે જોડાણ પણ કરશે.

શનિના ગોચર ભ્રમણની તારીખો

જાન્યુઆરી ૨૪, ૨૦૨૦ – મકર રાશિ પ્રવેશ
એપ્રિલ ૨૯, ૨૦૨૨ – કુંભ રાશિ પ્રવેશ
જૂલાઈ ૧૨, ૨૦૨૨ – મકર રાશિ પ્રવેશ
જાન્યુઆરી ૧૭, ૨૦૨૩ – કુંભ રાશિ પ્રવેશ  

શનિના વક્રી અને માર્ગી ભ્રમણની તારીખો

મે ૧૧, ૨૦૨૦ – વક્રીસપ્ટેમ્બર ૨૯, ૨૦૨૦ – માર્ગી
મે ૨૩, ૨૦૨૧ – વક્રીઓક્ટોબર ૧૧, ૨૦૨૧ – માર્ગી
જૂન ૫, ૨૦૨૨ – વક્રી, ઓક્ટોબર ૨૩, ૨૦૨૨ – માર્ગી

શનિનું મકર રાશિમાં ભ્રમણ સમગ્ર દેશ-દુનિયા અને વ્યક્તિગત રીતે મહત્વનું ફળ આપનાર સાબિત થઈ શકે છે. મકર એ શનિની સ્વરાશિ છે અને સ્વરાશિમાં ગ્રહનું ભ્રમણ તેને પૂર્ણરૂપે ફળ આપવાં માટે સમર્થ બનાવે છે. શનિ એ કઠોર પરિશ્રમ, જવાબદારી, ધીરજ, સહનશીલતાગંભીરતા, એકાગ્રતા, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ધ્યાન, યોગ અને ચિંતનનો સૂચક છે. શનિના મકર ભ્રમણ દરમિયાન તેના આ ગુણોનો પૂર્ણ ઉપયોગ કરીને જીવનમાં પ્રગતિ કરવી શક્ય બને છે. શનિ એ સપનાને હકીકતનું સ્વરૂપ આપનારો ગ્રહ છે. અન્ય ગ્રહો સપનાઓ અને ઈચ્છાઓ આપી શકે, જ્યારે શનિ એ એકમાત્ર ગ્રહ છે જે સપનાઓ અને ઈચ્છાઓને હકીકતનું સ્વરૂપ આપી શકે છે. શનિના સકારાત્મક ફળની પ્રાપ્તિ માટેની શરત છે કઠોર મહેનત અને પરિશ્રમ. જો શનિના સ્વરાશિ મકરના ભ્રમણ દરમિયાન આળસનો ત્યાગ કરીને મહેનત કરવામાં આવે તો શનિ મહારાજ જરૂર એ મહેનતનું ફળ આપીને તેમની કૃપા વરસાવે છે. શનિથી કે શનિની પનોતીથી ડરવાની જરૂર નથી. જો શનિના મહેનત, ધીરજ વગેરે ગુણોને જીવનમાં અપનાવી લેવામાં આવે તો સંઘર્ષ અને ભયની સમાપ્તિ થઈ જાય છે. શનિનું મકર રાશિમાં ભ્રમણ સમગ્ર દેશ-દુનિયામાં લોકશાહીને પ્રોત્સાહન આપનારું બની રહે.

ચર રાશિઓ/જન્મલગ્ન મેષ, કર્ક, તુલા અને મકર માટે ગોચરમાં પંચમહાપુરુષ પૈકીના શશ મહાપુરુષ યોગની રચના થશે. આ યોગને લીધે આ જાતકોને અનેક શુભ તકો અને સકારાત્મક ફળની પ્રાપ્તિ થઈ શકે છે. શનિ જે ભાવમાં બેસે તે ભાવની વદ્ધિ કરે છે, પરંતુ જે ભાવ પર દ્રષ્ટિ કરે તે ભાવ સંબંધી કષ્ટ પ્રદાન કરે છે. ગોચરમાં ચંદ્રથી ૩, ૬ કે ૧૧માં ભાવ પરથી શનિનું ભ્રમણ શુભ રહે છે. શુક્રની રાશિઓનાં લગ્ન વૃષભ અને તુલા માટે શનિ યોગકારક બને છે અને અતિ શુભફળદાયક બને છે. મનના કારક ચંદ્રથી બારમે, પહેલે કે બીજે શનિનું ભ્રમણ મનને વિચલિત કરે છે. શનિના આ સાડા સાત વર્ષનું ભ્રમણ મોટી કે સાડાસાતી પનોતી તરીકે ઓળખાય છે. ચંદ્રથી ચતુર્થ અને અષ્ટમ ભાવમાંથી થતું શનિનું ભ્રમણ નાની પનોતી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે પ્રામાણિક અને સત્યનું આચરણ કરનાર વિનમ્ર જાતકો માટે શનિની દશા કે ગોચર કે પનોતી ઓછી કષ્ટદાયી રહે છે.

આવો જોઈએ શનિનું મકર રાશિમાં ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે. આ ફળને જન્મરાશિ, જન્મલગ્ન અને સૂર્યરાશિ ત્રણેય અનુસાર ધ્યાનમાં લેશો તો શનિના ફળ વિશે વધુ સારી રીતે જાણી શકશો. અહીં એ ચોક્ક્સ નોંધ લેશો કે આ વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે અનેક પરિબળો પર રહેલો છે.

મેષ: શનિ દસમભાવમાંથી ભ્રમણ કરશે. ગોચરમાં શશ મહાપુરુષયોગની રચના થશે. સફળતા માટેની આતુરતાનો અંત આવે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મોટો બદલાવ આવે તેમજ પ્રગતિ થઈ શકે. નવી નોકરી મળી શકે. વ્યાપારમાં વૃદ્ધિ શક્ય બને. કાર્યસ્થળે વધુ ફરજો અને જવાબદારીઓ આવી પડે. કામમાં વધુ સમય આપવાની અને પરિશ્રમ કરવાની તૈયારી રાખવી પડે. કામ કરવાની પદ્ધતિમાં શિસ્તતા અને નિયમિતતા લાવી શકાય. કામ પ્રત્યેના સમર્પણને લીધે સત્તા તેમજ ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે. કામને લીધે યાત્રાઓ કરવી પડે તેમજ ઘરથી દૂર રહેવાનાં સંજોગો ઊભા થઈ શકે છે. દરેક કાર્યોમાં સારું પરિણામ મળવાની અપેક્ષા રાખી શકાય. રાજકારણમાં રસ પડી શકે છે. ધીમી ગતિએ ધનનું આગમન થઈ શકે. પરંતુ નાણાકીય ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી બને. જીવનસાથીને લઈને જવાબદારી વધી શકે. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. ઘર-પરિવારમાં તણાવનું વાતાવરણ રહેવાની સંભાવના રહે. સ્થાવર મિલકતને લગતાં પ્રશ્નો ચિંતા કરાવી શકે છે.  

વૃષભ: શનિ નવમભાવમાંથી ભ્રમણ કરશે. આ સાથે જ નાની પનોતીનો અંત આવશે. મૂશ્કેલીઓમાંથી બહાર આવી શકાય. વૃષભ રાશિ માટે શનિ યોગકારક ગ્રહ છે. શનિનું સ્વરાશિ ભ્રમણ વૃષભ જાતકો માટે લાભદાયી પૂરવાર થઈ શકે છે. સ્વનો વિકાસ કરવા માટે શુભ સમય રહે. માન્યતાઓમાં બદલાવ આવે. કર્મસ્થાનના સ્વામીનું ધર્મભાવમાં ભ્રમણ કર્મને ધર્મ બનાવે. પરિશ્રમ વડે ધન એકઠું કરી શકાય તેમજ ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. કામને લીધે કે વ્યવહારુ કારણોસર મુસાફરીઓ થઈ શકે છે. આ સમય ઉચ્ચ અભ્યાસમાં મહેનત કરવાં માટે અને જ્ઞાનપ્રાપ્તિ હેતુ શ્રેષ્ઠ રહે. કમ્યુનિકેશન કે મીડિયા સંબંધિત આવડત વિકસાવી શકાય. પિતા કે વડીલો પ્રત્યેની ફરજ અને જવાબદારીઓ નિભાવવી પડે. રોજ-બરોજના કાર્યોમાં બદલાવ કે શિસ્તતા લાવી શકાય. ધાર્મિક વલણમાં વધારો થાય. વૃદ્ધ વયના ગુરુ કે સંત સાથે મુલાકાત થઈ શકે છે. પરદેશની કે ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાય. પરદેશમાં વસવાટ કરવો શક્ય બને. ભાઈ-બહેનો અને મિત્રોને લીધે બોજનો અનુભવ થઈ શકે છે. વિરોધીઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે.

મિથુન: શનિ અષ્ટમભાવમાંથી ભ્રમણ કરશે. આ સાથે જ લોઢાના પાયે નાની પનોતીની શરૂઆત થતી હોવાથી થોડો પડકારજનક સમય રહી શકે છે. જીવનમાં ઘણાં બદલાવનો અનુભવ થઈ શકે છે. અનપેક્ષિત ઘટનાઓ ઘટે. કાર્યોમાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની વિશેષ કાળજી રાખવી. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવાં પ્રત્યેની રુચિમાં વધારો થાય. ગુપ્ત કે વારસાકીય ધનલાભ થઈ શકે છે. જીવનસાથીના ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. પિતા માટે કષ્ટદાયી સમય રહી શકે છે. નોકરી-વ્યવસાયમાં બદલાવ આવી શકે છે. કાર્યસ્થળે ઉપરી અધિકારીઓની નારાજગીનો ભોગ બનવું પડી શકે છે. નોકરીને લીધે અણગમતાં સ્થળે સ્થળાંતર કે બદલી થઈ શકે. નાણાનો સંચય થવામાં મૂશ્કેલીનો અનુભવ થાય. નાણા કમાવા માટેની મહાત્વાકાંક્ષામાં વૃદ્ધિ થાય. નાણા કમાવા હેતુ કોઈ આવડતનો વિકાસ કરી શકાય. કુટુંબના સભ્યોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કુટુંબના અને સંતાનોને લગતાં પ્રશ્નો સતાવી શકે. શ્વસુરપક્ષના સભ્યો પ્રત્યેની ફરજ અને જવાબદારીઓ નિભાવવી પડે. જીવનમાં મહત્વના નિર્ણયો લેતાં અગાઉ અન્યોની સલાહ લેવી હિતાવહ રહે.   

કર્ક: શનિ સપ્તમભાવમાંથી ભ્રમણ કરશે. ગોચરમાં શશ મહાપુરુષયોગની રચના થશે. સપ્તમ એ દસમથી દસમ ભાવ હોવાથી કર્મક્ષેત્રે પ્રગતિ અનુભવી શકશો. વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે. પરદેશ સાથે સંકળાયેલાં વ્યાપારથી લાભ રહે. લાભાલાભનો વિચાર કરીને નવી વ્યાવસાયિક ભાગીદારીની શરૂઆત થાય. લગ્નજીવનને લગતાં પ્રશ્નો ઉદ્ભવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધમાં ધૈર્યથી કામ લેવાથી મધુરતા બની રહે. જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી. અપરિણીત જાતકોના વિલંબ બાદ લગ્ન થવાની સંભાવના રહે. લાગણીથી દોરવાઈને નહી પરંતુ વ્યવહારુ અભિગમ અપનાવીને લગ્નનો નિર્ણય લો તેવું બને. લગ્ન બાબતે પરંપરાઓને અનુસરવાનું વલણ રહે. પરિશ્રમ કરવાથી સ્થાવર સંપતિની પ્રાપ્તિ થઈ શકે. રહેઠાણ બદલવાની શક્યતા રહે. માતા-પિતાના આરોગ્યની કાળજી રાખવી. પિતા સાથે મતભેદ થવાની શક્યતા રહે. ઘર-પરિવારની સુખ-શાંતિનો ભંગ થઈ શકે છે. ધર્મ પ્રત્યેની રુચિમાં ઘટાડો થાય. વિપરિત દશા ચાલી રહી હોય તો આરોગ્યને લગતાં પ્રશ્નો ઉદ્ભવી શકે છે. માનસિક તણાવને લીધે શારીરિક ઉર્જામાં ઘટાડો થઈ શકે છે. નકારાત્મક વિચારો અને ચિંતાઓ કરવાથી દૂર રહેવું.   

સિંહ: શનિ ષષ્ઠમભાવમાંથી ભ્રમણ કરશે. ષષ્ઠમભાવમાંથી શનિનું ભ્રમણ શુભ સાબિત થાય છે. કાર્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થાય. કઠોર પરિશ્રમ કરવાથી સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. કામની જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. ધૈર્ય રાખવાથી નોકરીમાં પ્રમોશન મળી શકે. નમ્ર બની નાના-મોટા દરેક કાર્યો કરવા. કોઈ કામ નાનુ નથી એ હંમેશા યાદ રાખવું. વિરોધીઓ અને હરીફો પર કાબુ મેળવવાની આવડત હાંસલ કરી શકાય. નાણાકીય ખર્ચાઓમાં વૃદ્ધિ થઈ શકે છે. જૂની કે લાંબા સમયથી ચાલી આવતી બીમારીને લીધે ખર્ચ થવાની સંભાવના રહે. આરોગ્યની કાળજી રાખવી. બેદરકારી દાખવવાથી લાંબો સમય ચાલનારી બીમારીના ભોગ બનવું પડી શકે છે. જીવનસાથીનું આરોગ્ય પણ ચિંતા કરાવી શકે છે. જીવનસાથી વિદેશયાત્રા કરે તેવી સંભાવના રહે. જીવનસાથીના નામે નાણાકીય રોકાણ થઈ શકે છે. ઋણથી મુક્તિ મળી શકે. સહેલાઈથી નવી લોન મળી શકે. રોજ-બરોજના કાર્યોમાં શિસ્તતા અને નિયમિતતા લાવી શકાય. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

કન્યા: શનિ પંચમભાવમાંથી ભ્રમણ કરશે. આ સાથે જ નાની પનોતીનો અંત આવશે. આમ છતાં હજુ થોડી સાવધાની રાખવી જરૂરી બનશે. સંતાનોને લગતી જવાબદારીનો અનુભવ થઈ શકે છે. સંતાનના અભ્યાસના ખર્ચ હેતુ લોન લેવી પડી શકે છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા દંપતિઓને વિલંબ બાદ સંતાન જન્મનું સુખ મળી શકે. બુદ્ધિશક્તિ અને જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે. અભ્યાસ કરવાની આદત પાડી શકાય છે. પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિનો વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે વિચારી શકાય. વ્યવસાયમાં સર્જનાત્મકતાનો ઉપયોગ કરવાથી લાભ રહે. નોકરી-વ્યવસાયમાં પરિવર્તન આવવાની સંભાવના રહે. જૂની નોકરી કે વ્યવસાય છૂટીને નવી નોકરી કે વ્યવસાયની શરૂઆત થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં મૂશ્કેલીઓ આવવાની સંભાવના રહે. નાણા અટવાઈ કે રોકાઈ જવાની સંભાવના રહે. લગ્ન કરવાની ઈચ્છા ધરાવતાં જાતકો આ સમય દરમિયાન કોઈ પાત્રના પરિચયમાં આવી શકે છે. જો કે પ્રણયસંબંધમાં ઉષ્માનો અભાવ કે અસલામતીની ભાવના પીડા આપી શકે. પરિણીત જાતકોને લગ્નજીવનમાં તણાવનો અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થીમિત્રોને કઠોર પરિશ્રમ બાદ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે.

તુલા: શનિ ચતુર્થભાવમાંથી ભ્રમણ કરશે. ગોચરમાં શશમહાપુરુષ યોગ રચાશે અને તે સાથે જ લોઢાના પાયે નાની પનોતીની શરૂઆત પણ થશે. તુલા રાશિ માટે શનિ યોગકારક ગ્રહ છે. જો સકારાત્મક દશા ચાલી રહી હશે તો આ ભ્રમણ શુભ રહેવાની સંભાવના રહેશે. સ્થાવર સંપતિની ખરીદી કરી શકાય. ઘરમાં ફેરફારો કરવાં શક્ય બને. ઘરથી દૂર યાત્રાઓ થઈ શકે. વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. માનસિક ઉદાસી કે હતાશા ન અનુભવાય તેની કાળજી રાખવી. ચિંતા કે તણાવનો અનુભવ થઈ શકે છે. કાર્યોમાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડે. કાર્યક્ષેત્રે પ્રગતિ ધીમી પડી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવાની સંભાવના રહે. કામની જવાબદારીઓમાં વધારો થાય. ઘર-પરિવારમાં તણાવનું વાતાવરણ રહે. માતાના આરોગ્યની કાળજી રાખવી. માતાને મદદ કરવાની કે સંભાળવાની જવાબદારીનો અનુભવ થાય. રોજ-બરોજના કાર્યોમાં પરિવર્તન આવી શકે. સંતાન પોતાનાથી દૂર કે વિદેશ જાય તેવી સંભાવના રહે. પ્રણયસંબંધ તૂટે, છૂટે કે કટુ બને તેવી શક્યતા રહે. અનિદ્રાનો ભોગ બનવું પડી શકે છે.   

વૃશ્ચિક: શનિ તૃતીયભાવમાંથી ભ્રમણ કરશે. આ સાથે જ સાડાસાતી પનોતીનો અંત આવશે. તૃતીય ભાવમાંથી શનિનું ભ્રમણ શુભ રહે. ઘરથી દૂરના સ્થળે જવાના કે પરદેશમાં વસવાટ કરવાનાં સંજોગો ઉદ્ભવી શકે છે. વારંવાર નાની કે મોટી યાત્રાઓ થઈ શકે છે. યાત્રાઓ દરમિયાન કષ્ટ પડવાની સંભાવના રહે. માતા-પિતાને સાથે લઈને યાત્રા કરો તેવું બને. કમ્યુનિકેશનમાં પરિપક્વતા અને ગંભીરતા આવે. માહિતી એકઠી કરવાનું વલણ રહે. પોતાના શોખ કે આવડત પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન આવવાની સંભાવના રહે. નવા વ્યાવસાયિક સાહસની શરૂઆત થઈ શકે. પરાક્રમ દ્વારા ભાગ્યની વૃદ્ધિ શક્ય બને. મહેનત કરવાથી પ્રમોશન કે ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે. આર્થિક સ્થિરતા બની રહે. નાના ભાઈ-બહેનોને લગતી ઘટનાઓ ઘટવાથી કે તેમની બીમારીને લીધે તણાવનો અનુભવ થઈ શકે છે. પ્રણયસંબંધમાં અંતર આવી શકે છે. સંતાનોના પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. વધુ પડતી મહાત્વાકાંક્ષાઓ ધરાવવાથી દૂર રહો તેવું બને. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડી શકે છે.  

ધનુ: શનિ દ્વિતીયભાવમાંથી ભ્રમણ કરશે. સાડાસાતી પનોતીના અંતિમ તબક્કાની ચાંદીના પાયે શરૂઆત થશે. માનસિક તણાવ ઘટવાની સંભાવના રહે. દ્વિતીયભાવમાં શનિ નાણાકીય બચત કરવાં માટે પ્રોત્સાહન આપશે. બચત કરવાના નવા રસ્તાઓ શોધવા શક્ય બને. ખર્ચાઓ કરવાની વૃતિ પર કાબુ રાખવો. આર્થિક બાબતોમાં શિસ્તતા દાખવવાથી નાણાકીય લાભ થઈ શકે છે. સ્વ પ્રયત્ને મહેનત દ્વારા નાણાકીય આવક થઈ શકે છે. ઋણથી મુક્તિ મળી શકે છે. સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે છે. ગુપ્ત, આકસ્મિક કે વારસાકીય ધનલાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. ઉપરી અધિકારીઓનો સહકાર મેળવવામાં મૂશ્કેલીનો અનુભવ થાય. કુટુંબમાં તણાવનું વાતાવરણ રહેવાની સંભાવના રહે. કુટુંબના સભ્યની બીમારી ચિંતા કરાવી શકે છે. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. ઘર-પરિવારથી દૂર રહેવું પડી શકે છે. વાણીમાં કઠોરતા ન આવે તેની કાળજી રાખવી. લગ્નજીવનમાં અસ્થિરતાનો અનુભવ થઈ શકે છે. જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી. જો વિપરીત દશા ચાલી રહી હોય તો પોતાને અકસ્માત અને ઈજાઓ ન થાય તેની કાળજી રાખવી.   

મકર: શનિ પ્રથમ/લગ્નભાવમાંથી ભ્રમણ કરશે. સોનાના પાયે સાડાસાતી પનોતીનો બીજો તબક્કો શરૂ થશે. મકર રાશિ માટે શનિનું આ ભ્રમણ બેવડું ફળ આપનારું સાબિત થઈ શકે છે. એક બાજુથી શશ મહાપુરુષ યોગની રચના થશે. જેથી જીવનમાં નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે બીજી બાજુ મકરનો ચંદ્ર ધરાવતાં જાતકોને સાડાસાતીના દબાણનો અનુભવ પણ થઈ શકે છે. આ સમય પોતાની જાતની જવાબદારી લેવાનો છે. પોતાના આરોગ્યની કાળજી રાખવી અને તંદુરસ્તી જાળવી રાખવા જીવનમાં શિસ્તતા અને નિયમિતતા લાવવી. વ્યક્તિત્વ અંતર્મુખી બનવાની સંભાવના રહે. ઉદાસી અને હતાશાનો અનુભવ થઈ શકે છે. કાર્યોમાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડી શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવી શકો છો. કાર્યોમાં મળતી નિષ્ફળતા કે વિલંબને લીધે આત્મવિશ્વાસમાં ઘટાડો થાય. લગ્નજીવનમાં તણાવનો અનુભવ થઈ શકે છે. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. નાના ભાઈ-બહેનો અને મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના રહે. લોકોની ટીકા કે અપમાનનો ભોગ બનવું પડી શકે છે.

કુંભ: શનિ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. સાડાસાતી પનોતીના પ્રથમ તબક્કાની લોઢાના પાયે શરૂઆત થશે. નાણાકીય બાબતો અંગે સાવધ રહેવું. ખર્ચાઓ વધી ન જાય તેની કાળજી રાખવી. મુસાફરીઓ થાય અને મુસાફરીને લીધે થતાં ખર્ચાઓનું ધ્યાન રાખવું. ધીરજપૂર્વક અને સમજી-વિચારીને જીવનમાં નિર્ણયો લેવાં. નવા આર્થિક સાહસો કરવાથી દૂર રહેવું. કુટુંબના સભ્યોના વિયોગનો સામનો કરવો પડી શકે છે. દૂરના સ્થળે બદલી થઈ શકે છે. કુટુંબથી દૂર પરદેશમાં વસવાટ થઈ શકે. કુટુંબના સભ્યો પર નાણાકીય ખર્ચ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મહેનતનું ફળ મળતું ન જણાય. સહકર્મચારીઓ સાથ-સહકાર ન આપે. આધ્યાત્મિક સ્થળની મુલાકાત હેતુ યાત્રાઓ કરી શકાય. આ સમય ધ્યાન, મંત્ર જાપ અને આધ્યાત્મિક પ્રવૃતિઓ કરવાં માટે શ્રેષ્ઠ રહે. આરોગ્યની કાળજી રાખવી. ખાન-પાનની બેજવાબદારી ભરી આદતો મૂશ્કેલી પેદા કરી શકે છે. અનિદ્રાનો ભોગ બનવું પડી શકે છે. ચિંતા, ડર કે અપરાધની લાગણીનો અનુભવ થઈ શકે છે. શારીરિક ઉર્જામાં ઘટાડો થઈ શકે છે. જીવનસાથીથી અંતર વધી જવાની સંભાવના રહે.

મીન: શનિ એકાદશભાવમાંથી ભ્રમણ કરશે. શનિનું આ ભ્રમણ શુભ અને સકારાત્મક રહેશે. નાણાકીય બાબતો માટે શુભ સમય સાબિત થાય. ધીમી પરંતુ સ્થિર આવક થઈ શકે છે. નાણાકીય લાભ હેતુ વ્યવહારુ બનીને અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીને નિર્ણયો લેવાં હિતાવહ રહે. પોતાની બુદ્ધિશક્તિ અને જ્ઞાનનો લાભ ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. ગુપ્ત, આકસ્મિક કે વારસાકીય ધનલાભ થઈ શકે છે. કઠોર પરિશ્રમ દ્વારા સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ થવી શક્ય બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય પ્રગતિજનક રહે. ઉપરી અધિકારીઓથી લાભ થવાની સંભાવના રહે. વ્યવસાયમાં મદદરૂપ બને તેવી નવી ઓળખાણો થઈ શકે છે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવાં પ્રત્યેની રુચિમાં વધારો થાય. મોટા ભાઈ-બહેનો અને મિત્રો સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે અથવા તેમની બીમારી ચિંતા કરાવી શકે છે. મોટી ઉંમરના અને પરિપક્વ મિત્રનો સાથ દુ:ખ હળવું કરે. પ્રણયસંબંધ તણાવ આપી શકે છે. લગ્નજીવનમાં સુખ-શાંતિ બની રહે. જીવનમાં અચાનક અને અનપેક્ષિત ઘટનાઓ ઘટી શકે છે. સંતાનના પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને.

મકર રાશિમાં શનિના પ્રવેશ સાથે પનોતીની માહિતી મેળવવા હેતુ વાંચો લેખ ‘વિક્રમ સંવત 20૭૬ (૨૦૧૯-૨૦૨૦)માં રાશિ અનુસાર પનોતી’

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો