શનિ ઉપાય : કાળા ઘોડાની નાળ

ભગવાન શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ અલગ-અલગ ઉપાયો કરી શકાય છે. તેમાંનો એક ઉપાય કાળા ઘોડાની નાળના પ્રયોગનો છે. ભારત દેશમાં દેવી-દેવતાઓ સાથે પ્રકૃતિનું અને મનુષ્ય ઉપરાંતના જીવોનું મહત્વ રહેલું છે. રસપ્રદ બાબત છે કે વિદેશોમાં પણ અલગ-અલગ રીતે ઘોડાની નાળનો પ્રયોગ લોકપ્રિયતા ધરાવે છે.

ઘોડાના પગમાં લાગનારી નાળ લોખંડ કે હાર્ડ સ્ટીલની બનેલી હોય છે. લોખંડ અને સ્ટીલ પર શનિ ગ્રહનું પ્રભુત્વ રહેલું છે. કાળો રંગ પણ શનિના પ્રભાવ હેઠળ આવે છે. આથી લોખંડની બનેલી ઘોડાની નાળ અને તેમાં પણ કાળા રંગના ઘોડાની નાળ શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ વિશેષ મહત્વ ધરાવે છે. ઘોડો એ શક્તિ, બળ, ઉર્જા અને તાકાતનું પ્રતીક છે. આપણે યંત્રોની શક્તિ માપવાં માટેનાં પરિમાણને પણ હોર્સપાવરકહીએ છીએ! અપાર શક્તિ ધરાવતું આ પ્રાણી મહેનત કરનાર હોય છે. મહેનતના ગુણ પર પણ શનિનું પ્રભુત્વ રહેલું છે. જે ઘોડાની નાળ પૂરાં ઉપયોગમાં લેવાયાં બાદ ફેંકી કે છોડી દેવામાં આવી હોય તેને ઉપયોગમાં લેવામાં આવે છે. ઘોડાના પ્રત્યેક કદમ દોડતી વખતે ઉત્પન થયેલી ઉર્જા આવી પૂરાં ઉપયોગમાં લેવાયેલી નાળમાં સમાયેલી હોય છે. જેટલો ઉપયોગ વધારે થયો હશે તેટલી વધુ ઉર્જા એ નાળ દ્વારા ગ્રહણ થયેલી હશે. આવી ઘોડાની શક્તિથી ઉર્જાવાન બનેલી નાળનું દર્શન જાતકને જીવન જીવવાનું અને જીવનની મૂશ્કેલીઓનો સામનો કરવાનું બળ પૂરું પાડે છે. નાળને જોવાથી તેના ડર, ચિંતા અને વ્યગ્રતા દૂર થાય છે. તમે જાણતાં હશો કે શીખોના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંઘજીએ તેમનાં અનુયાયીઓ માટે હાથમાં સ્ટીલનું કડું ધારણ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ પ્રથાએ શીખોને સિંહ સમાન નિર્ભય અને શૂરવીર બનાવ્યાં છે. 

ઘોડાની નાળનું શુદ્ધિકરણ કરીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે. ઘર કે વ્યવસાય સ્થળના મુખ્ય પ્રવેશદ્વાર પર બહારની બાજુએ ઉપરના ભાગમાં સામાન્ય ઊંચાઈએ નજર પહોંચે તે રીતે લગાવવામાં આવે છે. નાળને કાચું દૂધ, ગંગાજળ કે પંચામૃતથી શુદ્ધ કરીને શનિવારના દિવસે લગાવવી શુભ રહે છે. ધૂપ-દીપ પ્રગટાવીને અને સિંદૂરનો હલકો સ્પર્શ કરીને લગાવવી. નાળને બે રીતે લગાવી શકાય છે. અંગ્રેજી વર્ણમાળાના અક્ષર ‘U’ ના આકારમાં લગાવવાથી દૈવીય કૃપાની પ્રાપ્તિ થાય છે તેમજ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યારે ઉલટાં ‘U’ આકારમાં લગાવવાથી ઘર કે વ્યવસાય સ્થળનું નકારાત્મક ઉર્જાથી રક્ષણ થાય છે. જે રીતે ઘોડાની નાળ ઘોડાના પગને સુરક્ષા પ્રદાન કરે છે, તે જ રીતે ઘર કે વ્યવસાય સ્થળને પણ સુરક્ષા પ્રદાન કરે છે.

જે સ્ત્રી કે પુરુષોને શનિની સાડાસાતી, પનોતી કે દશા-અંતર્દશા ચાલી રહી હોય તેઓ શનિના પ્રકોપથી બચવાં હેતુ કાળા ઘોડાની નાળમાંથી બનેલી વીંટી ધારણ કરી શકે છે. આ વીંટી જમણાં હાથની મધ્યમા આંગળી એટલે કે વચ્ચેની સૌથી મોટી આંગળીમાં ધારણ કરવામાં આવે છે. વીંટી ધારણ કરતાં અગાઉ તેને કાચા દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરીને, ધૂપ-દીપ પ્રગટાવીને, સિંદૂરનો સ્પર્શ કરાવીને શનિના મંત્રના ૧૦૮ વખત જાપ કરીને શનિવારના દિવસે સંધ્યાકાળે ધારણ કરવી શુભ રહે છે. આ વીંટી ક્યારેય નુક્સાન નથી પહોંચાડતી. 

માન્યતા છે કે કાળા ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટીને અનાજમાં મૂકી દો તો ક્યારેય અનાજની કમી રહેતી નથી. એ જ રીતે કાળા ઘોડાની નાળની કાળા વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મૂકી દો તો તિજોરીના ધનમાં વૃદ્ધિ થાય છે. કાળા ઘોડાની નાળમાંથી ચાર ખીલ્લીઓ બનાવીને શનિ પીડિત જાતકના પલંગમાં જડાવી દેવામાં આવે તો તે શનિના પ્રકોપથી મુક્ત થઈ શકે છે. કાળા ઘોડાની નાળમાંથી ખીલ્લી બનાવીને તેને સવા કિલો અડદની દાળમાં રાખીને એક નાળિયેર સાથે જળમાં પ્રવાહિત કરવાથી આરોગ્યની તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. જે લોકો ભૂત-પ્રેત કે આત્માઓમાં વિશ્વાસ ધરાવતાં હોય તેઓ ઘોડાની નાળનું કડું બનાવીને પહેરે તો પ્રેત આત્માઓના પ્રભાવથી મુક્તિ પામે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા