કેવું રહેશે 2020નું વર્ષ આપના માટે?
સ્વાગતમ 2020. અંક જ્યોતિષની દ્રષ્ટિએ 2020ની સાલને જોઈએ તો 2020ના દરેક
અંકોનો સરવાળો (2+0+2+0=4) કરતાં જવાબ 4 મળે છે. અંક 4 પર રાહુનું પ્રભુત્વ રહેલું
છે. આમ વર્ષ 2020 રાહુના સ્પંદનો ધરાવતું વર્ષ બની રહેશે. રાહુ પરંપરાઓથી અલગ
વિચારનારો ગ્રહ છે. સામાજીક બંધનો અને જૂનાં રીત-રીવાજો સામે બળવો પોકારનારો ગ્રહ
છે. વર્ષ 2020માં સાર્વજનિક જીવનમાં નવા કાયદા-કાનૂનો આવી શકે. નવા નિયમો બને. અચાનક ઘટનાઓ ઘટે કે અચાનક ચડતી-પડતીનો અનુભવ થાય. મૂંઝવણો, ભય અને ભ્રમણાનું વાતાવરણ રહે. છળકપટ, યોજનાઓ અને
કાવતરાઓ ઘડાઈ શકે. વિદેશી બાબતો કે વિદેશી વ્યક્તિઓથી લાભ થવાની શક્યતા રહે. વિજ્ઞાન,
સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ થાય. રાહુ ગૂઢ અને રહસ્યમય
બાબતોનો કારક છે. જ્યોતિષનું જ્ઞાન મેળવવાં અંક 4 ના સ્પંદનો ધરાવતું વર્ષ 2020
સહાયરૂપ નીવડે.
કેવું રહેશે 2020નું વર્ષ આપના માટે?
કેવું રહેશે 2020નું વર્ષ આપના માટે?
મેષ:
લાભદાયક વર્ષ રહેવાની સંભાવના છે. હવે આ વર્ષ એ વિચારવાનો નહિ, કરવાનો સમય છે. કર્મક્ષેત્રે
જો મહેનત કરવામાં આવે તો પૂર્ણ લાભ થવાની શક્યતા છે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળે. વિદ્યાર્થીમિત્રોને
અભ્યાસમાં ઉત્તમ સફળતાની પ્રાપ્તિ થઈ શકે.
વૃષભ:
પાછલાં અઢી વર્ષથી ચાલી રહેલો કષ્ટદાયક સમય સમાપ્ત થવાં જઈ રહ્યો છે. અટકાયેલાં કામો
આગળ વધે. જીવન અને વ્યક્તિત્વમાં પરિવર્તન લાવનારું વર્ષ રહે. વારસાગત ધન-સંપતિની પ્રાપ્તિ
થઈ શકે. લાંબી યાત્રાનો યોગ બને.
મિથુન:
આ વર્ષ ધીરજપૂર્વક કામ લેવાનું રહે. નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી. આરોગ્યની
વિશેષ કાળજી લેવી. લગ્નજીવન અને વ્યાવસાયિક ભાગીદારી માટે વર્ષ શુભ નીવડે. અવિવાહિતોના
લગ્ન થવાની પ્રબળ સંભાવના રહે. ભાઈ-બહેનો અને મિત્રો મદદરૂપ બને.
કર્ક:
વિદેશયાત્રા કરવાં માટે અને વિદેશી બાબતો માટે વર્ષ શુભ રહે. આરોગ્યમાં યોગ્ય સારવાર
દ્વારા સુધારો થતો જણાય. નાણાકીય ખર્ચાઓ પર કાબુ રાખવો. લગ્નજીવનમાં જવાબદારીનો અનુભવ
થઈ શકે છે. નોકરી ક્ષેત્રે પ્રગતિ થવાની સંભાવના રહે.
સિંહ: સમય સારો છે, તેમ છતાં ધૈર્ય રાખીને કાર્ય કરવું. ઉતાવળ કરવાથી સમસ્યા ઉદ્ભવી શકે છે. નાણાકીય
આવકમાં વૃદ્ધિ થાય. આવકના નવા સ્ત્રોત ખૂલે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈ શકે.
જીવનમાં પ્રણયના અંકુર ખીલી શકે. આરોગ્યની કાળજી રાખવી.
કન્યા:
શુભ સમયની શરૂઆત થવાની છે. ઘર-પરિવાર ક્ષેત્રે રહેલી સમસ્યાઓ દૂર થતી જણાય. નવી સ્થાવર
મિલકત કે વાહનની ખરીદી થઈ શકે. નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થવાની સંભાવના રહે. માનસિક
સુખ-શાંતિનો અનુભવ થાય. માતાના આરોગ્યમાં સુધારો જણાય.
તુલા:
2020નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ લાભદાયી રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે કઠોર પરિશ્રમ બાદ
સફળતાની પ્રાપ્તિ થઈ શકે. સ્થળાંતર કે બદલી થઈ શકે. અવિવાહિત જાતકોના લગ્ન થવાની સંભાવના
રહે. માનસિક ચિંતાઓ અને નકારાત્મક વિચારો કરવાથી દૂર રહેવું.
વૃશ્ચિક:
સાડા સાતી પૂરી થશે અને એ સાથે જ મૂશ્કેલ સમયની સમાપ્તિ થશે. આર્થિક મૂશ્કેલીઓ ધીરે-ધીરે
દૂર થતી જણાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થવાની સંભાવના રહે. આરોગ્યની
કાળજી રાખવી. યાત્રા-પ્રવાસો થવાની પૂર્ણ શક્યતા રહે.
ધનુ:
શનિની સાડાસાતીનો કષ્ટદાયી બીજો તબક્કો સમાપ્ત થશે. આ વર્ષ હવે લાંબા સમયથી ચાલી આવતી
તક્લીફોમાં થોડી રાહત આપનારું સાબિત થાય. આરોગ્યમાં સુધારો થતો જણાય. અવિવાહિતોના લગ્ન
થવાની પ્રબળ સંભાવના બને.
મકર:
સાડાસાતી પનોતીનો બીજો તબક્કો શરૂ થશે. આર્થિક ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરવી.
નોકરી-વ્યવસાય ક્ષેતે મહેનત કરવી પડે. અધ્યાત્મ અને ધ્યાન ધરીને માનસિક શાંતિનો અનુભવ
કરી શકાય. નિયમિત હનુમાનજીની પૂજા-આરાધના કરવી.
કુંભ:
સાડાસાતી પનોતીની શરૂઆત થવા જઈ રહી છે. આમ છતાં શનિ સ્વરાશિમાં હોવાથી પનોતી વધુ કષ્ટદાયક
નહિ રહે. આમ
છતાં માનસિક તણાવ અને ચિંતાઓ ન ઉદ્ભવે તેની કાળજી રાખવી. નકારાત્મક વિચારો ન કરવા.
લગ્નયોગ પ્રબળ બને.
મીન:
જીવનમાં શુભ સમયનું આગમન થયું છે. આ સમયનો પૂર્ણ લાભ ઉઠાવવાની કોશિશ કરવી. ધનનું આગમન
થઈ શકે છે. સ્થાવર સંપતિમાં કરેલું રોકાણ લાભદાયી નીવડે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમય
શ્રેષ્ઠ રહે. અનેક પ્રકારે નવી તકો પ્રાપ્ત થવાની સંભાવના રહે.
નોંધ લેશો કે ઉપર વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 
ટિપ્પણીઓ