માંદ્ય ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી, 2020

૧૦/૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ મિથુન રાશિમાં માંદ્ય ચંદ્રગ્રહણ થશે. સાલ ૨૦૨૦માં થનારું આ પહેલું ગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ માંદ્ય અથવા તો ઉપચ્છાયા ગ્રહણ છે. તે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, અટલાંટિક મહાસાગર, ઉત્તર અમેરિકાના કેટલાંક ઉત્તર-પૂર્વી ક્ષેત્રો તેમજ દક્ષિણ અમેરિકાના કેટલાંક ક્ષેત્રોમાં દેખાશે.

૧૦/૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ના ગ્રહણ સ્પર્શ-મધ્ય-મોક્ષના સમય

ગ્રહણ સ્પર્શ – ૨૨.૨૮
ગ્રહણ મધ્ય – ૨૪.૪૦
ગ્રહણ મોક્ષ – ૨૬.૪૨

જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમની રાત્રે જ થાય છે કે જ્યારે સૂર્ય અને ચંદ્રની પ્રતિયુતિ હોય છે અને તે બંને એકબીજાની સામે હોય છે.

પૃથ્વીનો પડછાયો ત્રણ શંકુ બનાવે છે. પડછાયાના એક શંકુને પ્રચ્છાયા (Umbra), બીજા શંકુને છાયા અથવા ઉપચ્છાયા(Penumbra) અને ત્રીજાને Antumbra કહે છે.


1. અમ્બ્રા (Umbra) – ગાઢો મધ્ય ભાગ – પ્રચ્છાયા
2. પેનમ્બ્રા (Penumbra) – બહારનો ભાગ – ઉપચ્છાયા
3. એંટમ્બ્રા (Antumbra) – અમ્બ્રાથી પર આંશિક રૂપથી છાયાંકિત ક્ષેત્ર

પ્રચ્છાયા સૌથી વધારે ગાઢ અને અંધકારવાળો ભાગ છે. તેમાં ચંદ્રના પ્રવેશથી પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે. ઉપચ્છાયા એ ક્ષેત્ર છે જેમાં પ્રકાશ સ્ત્રોતનો એક ભાગ જ અવરોધાય છે. આ સ્થિતિ અંશ-ગ્રહણ કહેવાય છે. Antumbra છાયાનું હલકું ક્ષેત્ર હોય છે, જે પ્રચ્છાયાથી પર દેખાય છે. તેમાં એક પર્યવેક્ષક વલયાકાર ગ્રહણનો અનુભવ થાય છે.

ચંદ્રગ્રહણની ઘટના વખતે ચંદ્ર સૌથી પહેલાં ઉપચ્છાયામાં પ્રવેશ કરે છે. ત્યારે ચંદ્રની કાંતિ ઝાંખી પડવાની શરૂઆત થાય છે. જ્યારે તે પ્રચ્છાયામાં આવે ત્યારે ગ્રહણનો સ્પર્શ થાય છે અને જે ક્ષણે પ્રચ્છાયામાંથી સંપૂર્ણ ચંદ્રબિમ્બ બહાર નીકળી આવે છે ત્યારે ગ્રહણનો મોક્ષ થાય છે. એ પછી જ્યારે બિમ્બ ઉપચ્છાયામાંથી બહિર્ગત થાય છે ત્યારે ચંદ્રની કાંતિ નિર્મળ બને છે. આ પ્રકારે ચંદ્રગ્રહણ પહેલાં અને બાદમાં ચંદ્રની કાંતિ હંમેશા ઝાંખી પડે છે. પરંતુ ક્યારેક-ક્યારેક એવું પણ બને કે ચંદ્ર ઉપચ્છાયામાં તો પ્રવેશ કરે છે પરંતુ મૂળ કાળી છાયામાં આવ્યાં વગર ઉપચ્છાયામાંથી જ બહિર્ગત થઈ જાય છે. અર્થાત થોડાં સમય માટે ચંદ્રની કાંતિ ઝાંખી થઈને રહી જાય છે. ગ્રહણ લાગતું જ નથી. આને જ માંદ્ય ચંદ્રગ્રહણ કહેવાય છે. માંદ્ય ગ્રહણ છાયાકલ્પ અથવા છાયાગ્રહણ તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક દ્રષ્ટિથી માંદ્ય ગ્રહણની માન્યતા નથી.

૧૦/૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ થનારું ચંદ્રગ્રહણ પણ એક ઉપચ્છાયા ગ્રહણ છે. પ્રચ્છાયામાં કોઈ ગ્રહણ નથી. આ ઉપચ્છાયા ગ્રહણ પૂર્ણ નહિ હોય. અધિકતમ ગ્રહણ દરમિયાન પૃથ્વીની ઉપચ્છાયા ૮૯% ચંદ્રને ઢાંકશે. ઉપચ્છાયા ગ્રહણ નરી આંખે દેખાતું નથી. એટલે ગ્રહણ દરમિયાન કરવામાં આવતાં ધાર્મિક સંસ્કાર આ ગ્રહણમાં માન્ય નથી.

મિથુન રાશિમાં ૨૫ અંશ ૫૩ કળાએ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રગ્રહણ ઘટશે. જે જાતકોને જન્મકુંડળીમાં મિથુન અથવા ધનુ રાશિમાં ૨૫/૨૬ અંશ આસપાસ જન્મના કોઈ ગ્રહો પડ્યાં હશે તો આ ગ્રહણ વધુ પ્રભાવિત કરનારું રહેશે. ચંદ્ર એ મન છે. સામાન્ય રીતે ચંદ્રગ્રહણ અને તેનાં આગળ-પાછળના દિવસો દરમિયાન મન ભારે-ભારે થઈ જાય છે. માનસિક પરિતાપ, મૂંઝવણ, તણાવ, દબાણ, અસ્થિરતા, લાગણીઓમાં ચડાવ-ઉતાર વગેરેનો અનુભવ થઈ શકે છે. આ દિવસોને સામાન્ય રીતે વ્યસ્ત રહીને પસાર કરવાની કોશિશ કરવી. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવું. કોઈ મહત્વના નિર્ણયો લેવાથી દૂર રહેવું. ખાસ કરીને મિથુન અને ધનુ રાશિ કુંડળીના જે ભાવોમાં પડતી હોય તે ભાવોને લગતી બાબતો અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું અને થોડો સમય રાહ જોવી.

વિક્રમ સંવત ૨૦૭૬માં થનાર આગામી ગ્રહણોની તારીખો:

1. ૫ જૂન, ૨૦૨૦ – વૃશ્ચિક રાશિમાં માંદ્ય ચંદ્રગ્રહણ – ભારતમાં દેખાશે
2. ૨૧ જૂન, ૨૦૨૦ – મિથુન રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ – ભારતમાં દેખાશે
3. ૫ જૂલાઈ, ૨૦૨૦ – ધનુ રાશિમાં માંદ્ય ચંદ્રગ્રહણ – ભારતમાં નહિ દેખાય  

જે ગ્રહણ દેખાવાનું ન હોય તેમજ માંદ્ય ચંદ્રગ્રહણમાં સૂતક-વેધ વગેરે નિયમો પાળવાનાં હોતાં નથી. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા