શૂલયોગ


હાલ 25 ડિસેમ્બર, 2019થી 30 ડિસેમ્બર, 2019 સુધી ગોચરમાં શૂલયોગ રચાયો છે. શૂલ અથવા તો શૂળયોગ એ નાભસ યોગમાંનો એક છે. જ્યારે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં સ્થિત હોય ત્યારે શૂલ યોગ રચાય છે. આ યોગમાં રાહુ-કેતુને ધ્યાનમાં લેવામાં આવતાં નથી. હાલ રાહુ સિવાયના બધાં ગ્રહો વૃશ્ચિક, ધનુ અને મકર રાશિમાં રહેલાં છે.

શૂળ શબ્દ ત્રિશૂળ પરથી આવેલો છે. ત્રિશૂળના ત્રણ પાંખિયા હોય છે, એ રીતે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં પડેલાં હોય છે. ત્રિશૂળ ભગવાન શિવજીનું શસ્ત્ર છે, જેનો ઉપયોગ અજ્ઞાનતાનો નાશ કરવાં અર્થે થાય છે. પરંતુ જ્યારે આ જ ત્રિશૂળ ખોટાં હાથોમાં જઈ ચડે ત્યારે પીડા આપી શકે છે. આમ શૂલયોગ પીડા અને સંહારનો નિર્દેશ કરે છે.

શૂળનો અન્ય એક અર્થ કાંટો પણ થાય છે. આ યોગ ધરાવનાર જાતકો એટલાં આવેગી અને અડગ હોય છે કે ઘણીવાર અન્યોને કાંટા બનીને ભોંકાય છે. કાંટાની જેમ જ તીક્ષ્ણ વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં સાધનોથી વંચિત રહે છે. હિંસક વર્તન ધરાવનાર, ક્રૂર કે સરમુખત્યાર હોઈ શકે છે. સમાજ દ્વારા નકારાયેલાં કે અપમાનિત હોઈ શકે છે. ખૂબ બહાદુર અને લડાઈને લીધે પ્રસિદ્ધિ મેળવનાર હોય છે. ચતુર, રોગિષ્ટ, આજીવિકા હેતુ એક કરતાં વધુ વ્યવસાય કરનાર, ખરીદ-વેંચાણ દ્વારા કમાનાર તેમજ સંતાન તરફના સુખથી વંચિત હોય છે. તેમનાં સંપતિ અને વ્યવસાય ક્યારેય સ્થિર નથી રહેતાં. જીવનમાં અચાનક ચડતી-પડતીનો અનુભવ કરે છે.

શૂલયોગનું પરિણામ તે કુંડળીમાં ક્યાં ભાવ અને રાશિમાં રચાયો છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને કહેવું જોઈએ. જન્મલગ્નથી કેન્દ્રના ત્રણ ભાવમાં ગ્રહો પડ્યાં હોય ત્યારે એક ચતુર અને દાવ-પેંચ ખેલનાર રાજનેતાનો જન્મ થાય છે. આવી વ્યક્તિ સાથે કામ પાર પાડવું મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે જન્મલગ્નથી કેન્દ્ર કે ત્રિકોણસ્થાનોમાં રચાતો શૂલયોગ ઘણેખરે અંશે તટસ્થ પરિણામ આપે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા