નવવર્ષ ૨૦૨૦ માટે રાશિ અનુરૂપ સંકલ્પ

‘‘આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.’’

-કિરણસિંહ ચૌહાણ


પરિવર્તન એ જીવનનો નિયમ છે. વીતેલું વર્ષ જીવનમાં સુખદ અને દુ:ખદ ઘટનાઓ, પ્રસંગો, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ, વિચારો અને અનુભવોની લ્હાણી કરતું જાય છે. આ લ્હાણી પોતાની જાતનો વિકાસ કરવાની તક બની રહે છે. નવું વર્ષ એ પોતાની જાતને નવી રીતે ઘડવાની એક નવી તક લઈને આવે છે. નવાં વર્ષના રિઝોલ્યુશન એટલે કે સંકલ્પ દ્વારા આ ઘડવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. નવવર્ષ ૨૦૨૦ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અભ્યર્થના સાથે આવો જોઈએ બાર રાશિઓને અનુરૂપ નવ વર્ષના સંકલ્પોની માહિતી.

મેષ (અ, , ઈ): સાહસી, પરાક્રમી, બળવાન અને ઉર્જાથી ભરપૂર જાતકો હોય છે. ધીરજનો અભાવ જોવા મળે છે. ઘણીવાર નવા વર્ષે સંકલ્પ લઈને પછી તેને આખું વર્ષ વળગી રહેવાની ધીરજ ગુમાવી દે છે. જોશ અને ઉત્સાહથી ભરેલાં મેષ જાતકો માટે એક જગ્યાએ સ્થિર બેસવું મુશ્કેલ હોય છે. ૨૦૨૦ની સાલની શરૂઆતે વધુ ધીરજવાન બનવાનો સંકલ્પ લઈ શકાય. શારીરિક ઉર્જાનો યોગ્ય ઉપયોગ થાય તે હેતુ કોઈ નવી શારીરિક રમત રમવાનો શોખ કેળવવાનો સંકલ્પ લઈ શકાય. કોઈ સાહસ અને જોખમથી ભરેલી યાત્રા પર જવાનો સંકલ્પ પણ મેષ રાશિના સ્વભાવને અનુકૂળ છે.

વૃષભ (બ, , ઉ): વૃષભ જાતકો જીવનમાં નવીનતા અથવા બદલાવનો જલ્દીથી સ્વીકાર કરી શકતાં નથી. બીબાઢાંળ જિંદગી જીવવાનું અને અગાઉથી ઘડેલી યોજનાઓ અનુસાર કાર્યો કરવાનું પસંદ કરનાર હોય છે. સલામતી અને સ્થિરતાની ઝંખના કરનાર હોય છે. નવવર્ષ ૨૦૨૦નો વૃષભ જાતકો માટે સૌથી યોગ્ય સંકલ્પ જીવનમાં ફેરફારોને આવકારવાનો હોઈ શકે. કશુંક નવું કે અનોખું કરવું જે અગાઉ ક્યારેય ન કર્યું હોય. અગાઉથી યોજનાઓ ઘડ્યાં વગર અચાનક કે તત્ક્ષણ કોઈ નિર્ણય લઈ જીવનને અલગ અંદાજથી માણવું એ વૃષભ જાતકો માટે નવવર્ષનો સૌથી શ્રેષ્ઠ સંકલ્પ હોઈ શકે.

મિથુન (ક, , ઘ): મિથુન રાશિના જાતકો હંમેશા નવું નવું જાણવાં અને શીખવાં તત્પર રહે છે. પરંતુ ઘણીવાર એકસાથે અનેક કાર્યો હાથ પર લેતાં હોય છે. તેઓ એક કરતાં વધુ વિષયોમાં રસ ધરાવનાર છે. ઘણીવાર એક કરતાં વધુ કાર્યો કે વ્યવસાયો સાથે સંકળાઈને મૂંઝવણમાં પડી જાય છે. કોઈ કાર્ય કંટાળાજનક બને એટલે અધૂરું મૂકી દઈ ફરી કોઈ નવું કાર્ય હાથ પર લઈ લે છે. મિથુન જાતકો માટે સાલ ૨૦૨૦નો શ્રેષ્ઠ સંકલ્પ હાથ પર લીધેલાં દરેક કાર્યને અંત સુધી વળગી રહેવાનો હોઈ શકે. એક સમયે એક જ કાર્ય પર ધ્યાન આપવાથી વિચારોમાં રહેલી અસ્થિરતા દૂર થઈ શકે.

કર્ક (ડ, હ): મૃદુ, સૌમ્ય, લાગણીશીલ અને સંવેદનશીલ જાતકો હોય છે. પોતાના ઘર-પરિવાર અને મિત્રોને સમર્પિત હોય છે. હંમેશા નિ:સ્વાર્થપણે સૌની મદદ કરતાં રહે છે. પોતાની નજીક રહેલાં લોકોની એક માતાની માફક કાળજી લે છે. હંમેશા અન્યો માટે વિચારતાં રહેતાં કર્ક જાતકોએ નવવર્ષ ૨૦૨૦માં સ્વયંની કાળજી લેવાનો અને પોતાની જરૂરિયાતોને સંતોષવાનો સંકલ્પ લેવો જોઈએ. પોતાનો મોટાભાગનો સમય ઘર-પરિવાર સાથે વીતાવતાં આ જાતકો નવવર્ષમાં ઘરથી દૂર રહી બહારની દુનિયાને માણવાનો અને જાણવાનો સંકલ્પ લઈ શકે. લાગણીઓને કાબુમાં રાખીને વધુ મજબૂત બનવું. 

સિંહ (મ, ટ): સિંહ જંગલનો રાજા છે અને એક રાજામાં હોય તેવાં બધાં જ ગુણો સિંહ જાતકો ધરાવનાર હોય છે. તેમને લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનવું અને લોકો તેમના પર ધ્યાન આપે કે મહત્વ આપે તે ગમતું હોય છે. નેતૃત્વના ગુણો ધરાવનાર સિંહ જાતકો અન્યોને આદેશ આપનાર અને વર્ચસ્વ જમાવવાની કોશિશ કરનાર હોય છે. વર્ષ ૨૦૨૦માં નેતૃત્વના ગુણનો સદઉપયોગ કરીને કોઈ સામાજીક બદલાવ લઈ આવવાનો સંકલ્પ કરી શકાય. ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ આપનો આદેશ ન સ્વીકારે અથવા આપની અવગણના કરે તો વિચલિત થયાં વગર તેનો સ્વીકાર કરવો એ નક્કી કરી શકાય.

કન્યા (પ, , ણ): કન્યા રાશિનાં જાતકો સંપૂર્ણતાનાં આગ્રહી હોય છે. તેઓ એક સાફ સુથરી, વ્યવસ્થિત અને પૂર્ણ દુનિયા જોવા ઈચ્છે છે. સંબંધોમાં આદર્શ વ્યક્તિને ઝંખે છે. વ્યક્તિ કે પરિસ્થિતિ માટે તેમણે ઊંચુ સ્તર સ્થાપિત કરેલું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ એ સ્તરની ન હોય ત્યારે ટીકા કરનાર કે સતત ટોકનાર હોય છે. નવવર્ષ ૨૦૨૦માં ટીકાત્મક સ્વભાવ ઓછો કરવો અને જે વ્યક્તિ કે પરિસ્થિતિ જેવી હોય તેવો તેનો સ્વીકાર કરવો એ સંકલ્પ લઈ શકાય. આ દુનિયામાં કોઈ જ કે કશું જ સંપૂર્ણ હોતું નથી. સંબંધોમાં થોડાં ઓછાં કઠોર બનવાથી અને બિનશરતી પ્રેમ કરવાથી જીવનને સુંદર બનાવી શકાય.

તુલા (ર, ત): તુલા રાશિનાં જાતકો પણ હંમેશા જીવનનાં દરેક ક્ષેત્રોમાં સંતુલન અને સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે છે. સંબંધોમાં હંમેશા સુખ અને શાંતિ જાળવી રાખવાં ઈચ્છુક હોય છે. પોતાની આસપાસ રહેતાં લોકોના ચહેરા હંમેશા હસતાં રહે તે જોવા ઈચ્છે છે. સદા લોકોને મદદ કરવાં તત્પર હોય છે. આથી ઘણીવાર એવું બને છે કે તેમને પોતાની જાત માટે સમય મળતો નથી. તેમનો દિવસ તણાવ અને થાક સાથે પૂરો થાય છે. તેમનું જીવન ગુંચવાયેલું અને અવ્યવસ્થિત બની જાય છે. વર્ષ ૨૦૨૦માં પોતાના જીવનમાંથી ગુંચવણો દૂર કરીને જીવનને વધુ વ્યવસ્થિત બનાવવાનો સંકલ્પ લઈ શકાય.

વૃશ્ચિક (ન, ય): વૃશ્ચિક રાશિના જાતકો વૈરવૃતિ ધરાવનારાં અને પોતાની સાથે થયેલો અન્યાય કે ખરાબ વર્તન ભૂલી નહિ શકનારાં હોય છે. તેઓ સમય આવ્યે મોકો જોઈને બદલો લેવાની ઈચ્છા ધરાવતાં હોય છે. લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. લાગણીશીલ હોવાથી પ્રેમ અને ઘૃણા બંનેની અભિવ્યક્તિમાં અતિરેક કરે છે. જ્યારે ઘૃણા કે શત્રુતા થાય ત્યારે અત્યંત શત્રુતાપૂર્ણ વ્યવહાર કરનારાં હોય છે. મિત્રતા અને શત્રુતા બંનેમાં અત્યંત ભાવનાપૂર્ણ વ્યવહાર કરે છે. વર્ષ ૨૦૨૦માં લોકોને તેમની ભૂલો બદલ માફ કરવાનો અને બદલાની ભાવનાનો ત્યાગ કરવાનો સંકલ્પ લઈ શકાય. લાગણીના અતિરેકથી દૂર રહેવું. 

ધનુ (ભ, , , ઢ): ધનુ રાશિના જાતકો ઉદાર હોય છે. કોઈપણ ભોગે અન્યોને ખુશ અને આનંદિત રાખવાં મથે છે. ઉદાર હોવું એ સારો ગુણ છે. પરંતુ ધનુ રાશિ જાતકો વધુ પડતાં ઉદાર થઈને અન્યો માટે ધન ખર્ચનાર હોય છે. નવવર્ષ ૨૦૨૦માં પોતાની આર્થિક બાબતો સમજણપૂર્વક સંભાળવાનો સંકલ્પ લઈ શકાય. ધનુ જાતકો સ્પષ્ટવક્તા હોય છે અને ઘણીવાર તેને લીધે સંકોચજનક પરિસ્થિતિમાં મૂકાય જાય છે. ન્યાયપ્રિય હોય છે અને ન્યાય માટે પારકી તકરાર પણ વહોરી લે છે. પોતાના સ્પષ્ટવક્તાપણાંને નિયંત્રણમાં રાખવું તેમજ પારકી તકરાર વહોરવાથી દૂર રહેવાનું નક્કી કરી શકાય.

મકર (ખ, જ): મકર રાશિનાં જાતકો વધુ પડતી ચિંતાઓ કરવાવાળો સ્વભાવ ધરાવે છે. ઘણીવાર નિરાશાવાદી અને નકારાત્મક વલણ ધરાવે છે. મનમાં આનંદની ઉણપ રહે છે. દરેક વસ્તુની નબળી બાજુ તેમનાં ધ્યાન પર પહેલાં ચડે છે. નવવર્ષ ૨૦૨૦માં જીવનમાં રહેલી દરેક વ્યક્તિ અને વસ્તુ માટે આભારની લાગણી કેળવવાનો સંકલ્પ કરી શકાય. એ યાદ રાખવું મહત્વનું છે કે જીવનમાં જો દુ:ખ આવે છે તો પછી સુખ પણ આવે જ છે. ઈશ્વરે અત્યાર સુધી જીવનમાં કરેલી કૃપાઓ અને આશીર્વાદને રોજ રાત્રે સૂતાં પહેલાં યાદ કરવા. રોજ રાત્રે સૂતાં પહેલાં ઈશ્વરનો આભાર માનવાનો સંકલ્પ શ્રેષ્ઠ રહે.

કુંભ (ગ, , , ષ): કુંભ રાશિનાં જાતકો સમગ્ર જગતના મનુષ્યો માટે સ્નેહની લાગણીથી ભરેલાં હોય છે. તેઓ માનવતાવાદી હોય છે અને સમાજની ઊંડી ચિંતા કરનારાં હોય છે. લાગણીશીલ હોય છે અને અન્યોની દુઃખ અને તક્લીફો જોઈ શકતાં નથી. સમાજનાં પ્રશ્નોનો ઉકેલ શોધવાં તત્પર રહે છે અને સામાજીક કાર્યો કરતી સંસ્થાઓ કે સંગઠનો સાથે જોડાય છે. નવવર્ષ ૨૦૨૦માં સામાજીક કાર્યોમાંથી થોડો સમય પોતાની જાત માટે ફાળવવાનો સંકલ્પ કરી શકાય. તમે તમારી પોતાની જાતના શ્રેષ્ઠ મિત્ર બની શકો એમ છો. થોડો સમય પોતાની જાતની કાળજી લેવામાં વીતાવવાનું નક્કી કરી શકાય.

મીન (દ, , , થ): મીન રાશિનાં જાતકો લાગણીશીલ, સંવેદનશીલ અને કરુણામય વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. લોકોની મદદ કરવાં હંમેશા તૈયાર હોય છે. પોતાનાં નાણાં અન્યોને મદદરૂપ થવામાં અને દાન આપવામાં ખર્ચી નાખે છે. ઘણીવાર તેમની વધુ પડતી ઉદારતા તેમની પોતાની પ્રગતિને અવરોધે છે. બીજાંને રાજી રાખવામાં પોતાની ઉર્જા ખર્ચી નાખે છે. ઘણીવાર અન્ય લોકોનાં નકારાત્મક અભિપ્રાયો તેમના સંવેદનશીલ મનને દુ:ખ પહોંચાડી જાય છે. નવવર્ષ ૨૦૨૦માં પોતાની જાતનાં સમર્થનમાં ઊભાં રહેવાનો સંકલ્પ લઈ શકાય. બીજાંને અને તેમનાં અભિપ્રાયોને ભૂલી જાઓ.

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
બહેન, કન્યા રાશિ માટે તમે ઘણો સરસ message આપ્યો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર