ધનુર્માસ : શુભ માંગલિક કાર્યોને વિરામ

હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધનુમાં પ્રવેશ કરે છે તે સાથે ધનુર્માસનો પ્રારંભ થઈ જાય છે. ધનુર્માસ ખરમાસ કે મલમાસ અથવા કમૂર્હુતા તરીકે પણ ઓળખાય છે. સૂર્યની એક સંક્રાતિથી બીજી સંક્રાતિ સુધીના સમયને સૌરમાસ કહેવામાં આવે છે. એક રાશિમાં સૂર્ય આશરે એક માસ સુધી રહે છે. સૂર્યના ધનુ રાશિમાં ગોચર ભ્રમણનો એક માસ સુધીનો સમય ધનુર્માસ તરીકે ઓળખાય છે.  

વર્ષ ૨૦૧૯ની પંચાંગીય ગણના અનુસાર ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯ સોમવારના રોજ બપોરે ૧૫.૨૯ કલાકે સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ થશે. આ સમય દરમિયાન શુભ માંગલિક કાર્યો નિષેધ માનવામાં આવ્યાં છે. હવે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રાત્રિના ૦૨.૦૯ કલાકે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ બાદ માંગલિક કાર્યોની ફરી શરૂઆત થશે.

ધનુર્માસ એટલે કે કમુહૂર્તા દરમિયાન માંગલિક કાર્યો ત્યાજ્ય ગણાય છે. જ્યારે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરે કે ગુરુ સૂર્યની રાશિમાં પ્રવેશ કરે એ સમય સાંસારિક બાબતો માટે પ્રતિકૂળ ગણવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ઈશ્વરની ભક્તિ, ભજન, વ્રત અને દાન-ધર્મને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષમાં બે વખત સૂર્ય ગુરુની રાશિનાં સંપર્કમાં આવે છે. હવે પછી ૧૪ માર્ચ, ૨૦૨૦ના રોજ સૂર્ય ગુરુની મીન રાશિમાં આવતાં મીનાર્ક કમુહૂર્તાનો સમય માંગલિક કાર્યો માટે ત્યાજ્ય રહેશે.

હિંદુ ધર્મ અનુસાર ધનુર્માસ મલિન માસ હોય છે. આથી આ માસ દરમિયાન હિંદુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેવાં કે નામકરણ, યજ્ઞોપવિત, વિવાહ અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવાં કે ગૃહપ્રવેશ વગેરે સામાન્ય રીતે કરવામાં આવતાં નથી. મલિન માનવાને લીધે જ આ માસનું નામ મલમાસ પડ્યું છે. ધનુર્માસ સાધના, ઉપાસના, તીર્થાટનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માસ ગણાય છે. આ માસમાં ભક્તોએ ઈશ્વરના ભજન અને કથા પારાયણનું શ્રવણ કરવું જોઈએ. ધનુર્માસમાં દાનનું વિશેષ મહત્વ છે. સૂર્યદેવની અનુકૂળતા હેતુ સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ માસમાં ભગવાન વિષ્ણુની ઉપાસના પણ કરવામાં આવે છે. મનુષ્યનું મન વિચલિત ન થાય અને પૂરાં મનથી ઈશ્વરની ઉપાસના કરે તે હેતુ સગાઈ, લગ્ન વગેરે જેવાં શુભ માંગલિક કાર્યોને વિરામ આપવામાં આવે છે.

ધનુર્માસ મધ્ય માર્ગશીર્ષથી શરૂ થઈને મધ્ય પૌષમાં સમાપ્ત થાય છે. માર્ગશીર્ષ માસને સ્વયં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. આથી આ માસમાં ભગવાન શ્રીવિષ્ણુ અને તેમનાં અવતારોનું પૂજન વિશેષ મહત્વ ધરાવે છે. જ્યારે સૂર્ય કર્ક રેખાથી ઉત્તર તરફ આગળ વધે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણ થાય છે. એથી વિપરિત દક્ષિણાયણ હોય છે. અર્થાત ધનુર્માસ ઉત્તરાયણના સમયમાં હોય છે. આ માસ ધનુમાસ, ચાપમાસ, કોદંડા માસ, કાર્મુકા માસ અને શૂન્ય માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હાલ ધનુ રાશિમાં અગાઉથી ગુરુ, શનિ અને કેતુ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯ના સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરીને ગુરુ, શનિ અને કેતુ સાથે જોડાણ કરશે. આ સાથે ચર્તુગ્રહી યોગનું નિર્માણ થશે. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ બુધ પણ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જે પંચગ્રહી યોગનું નિર્માણ કરશે. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સૂર્યગ્રહણ હોવાથી અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ પ્રભાવ પડશે. આ કાળ દરમિયાન અમાનવીયતાને લઈને ધરણા, આંદોલન અને ઉગ્ર પ્રદર્શન થઈ શકે છે. ગ્રહયુતિનો પ્રભાવ અડધાં જાન્યુઆરી માસ સુધી રહેશે.

પૌરાણિક કથા અનુસાર ભગવાન સૂર્યદેવ સાત ઘોડાંના રથ પર સવાર થઈને નિરંતર બ્રહ્માંડની પરિક્રમા કરી રહ્યાં છે. તેમને ક્યાંય પણ રોકાવાની કે અટકવાની મંજૂરી નથી. તેમનાં અટકવાથી જનજીવન પણ અટકી જવાનો ભય છે. પરંતુ સૂર્યદેવના રથ સાથે જોડાયેલાં ઘોડાંઓ સતત ચાલવાથી તેમજ વિશ્રામ નહિ મળવાને લીધે ભૂખ અને તરસના માર્યા અત્યંત થાકી ગયા. તેમની દશા જોઈને સૂર્યદેવનું મન દ્રવિત થઈ ગયું. ભગવાન સૂર્યદેવ તેમને એક તળાવના કિનારે લઈ ગયાં. પરંતુ ત્યારે તેમને આભાસ થયો કે જો રથ રોકાયો તો અનર્થ થઈ જશે. ઘોડાંઓનાં સદભાગ્યે તળાવના કિનારે બે ગર્દભ હાજર હતાં. ભગવાન સૂર્યદેવે ઘોડાંઓને પાણી પીવાં તેમજ વિશ્રામ કરવાં છોડી દિધાં અને ખરએટલે કે ગર્દભોને પોતાનાં રથ સાથે જોડી દિધાં. રથની ગતિ ધીમી પડી ગઈ અને સૂર્યદેવનું તેજ ઝાંખું પડ્યું, પરંતુ તેમ છતાં જેમ-તેમ કરીને એક માસનું ચક્ર પૂર્ણ થયું. ત્યાં સુધીમાં ઘોડાંઓને પણ વિશ્રામ મળી ગયો હતો. આ રીતે આ ક્રમ ચાલતો રહે છે. ખરમાસ અંગ્રેજી કેલેન્ડર અનુસાર ૧૫ ડિસેમ્બર આસપાસ સૂર્યદેવના ધનુ રાશિમાં ગોચર ભ્રમણ સાથે શરૂ થાય છે અને ૧૪ જાન્યુઆરીના મકર રાશિમાં ગોચર ભ્રમણ સુધી રહે છે. આ જ રીતે ૧૪ માર્ચ બાદ સૂર્ય મીન રાશિમાં ગોચર ભ્રમણ કરે છે. તે દરમિયાન પણ સર્વ માંગલિક કાર્ય વર્જિત માનવામાં આવે છે.

ખરનો એક અર્થ દુષ્ટપણ થાય છે. આથી આ માસને દુષ્ટમાસ પણ કહી શકાય. આ માસમાં સૂર્યદેવ અત્યંત ક્ષીણ થઈને તેજહીન થઈ જાય છે. માર્ગશીર્ષ અને પૌષનો સંધિકાળ ખરમાસને જન્મ આપે છે. માર્ગશીર્ષ માસનું બીજું નામ અર્કગ્રહણ પણ છે. જે કાળાતંરે અપભ્રંશ થઈને અર્ગહણ થઈ ગયું. અર્ગહણ અને પૌષની મધ્યમાં જ ખરમાસ પડે છે. આ માસમાં સૂર્યના કિરણો નિર્બળ પડે છે અને ધનુ રાશિમાં પ્રવેશ સાથે જ રાશિ સ્વામી ગુરુનું તેજ પણ પ્રભાવવિહીન રહે છે. આ સાથે ગુરુના સ્વભાવમાં પણ ઉગ્રતા આવી જાય છે. ગુરુના સ્વભાવને ઉગ્ર કરનાર આ માસને એટલે જ ખરમાસ-દુષ્ટમાસથી ઓળખવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિનો ઉગ્ર સ્વભાવ તેમજ સૂર્યના ધનુ રાશિમાં ગોચર ભ્રમણના સંયોગને લીધે માંગલિક કાર્યો નિષેધ કહ્યાં છે. આ દિવસોમાં સૂર્યના રથની સાથે અંશુ તથા ભગ નામક બે આદિત્ય, કશ્યપ અને ક્રતુ નામક બે ઋષિ, મહાપદ્મ અને કર્કોટક નામક બે નાગ, ચિત્રાંગદ તથા અરણાયુ નામક બે ગાંધર્વ, સહા તથા સહસ્યા નામક બે અપ્સરાઓ, તાર્ક્ષ્ય તથા અરિષ્ટનેમિ નામક બે યક્ષ અને આપ તથા વાત નામક બે રાક્ષસ ચાલે છે.

ખરમાસમાં લગ્ન, ગૃહ આરંભ જેવાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતાં. આ દરમિયાન કરેલાં શુભ કાર્યોનું ફળ પ્રાપ્ત થતું નથી. આ મહિના દરમિયાન સંપતિની ખરીદી કરવી પણ અશુભ માનવામાં આવે છે. નવું વાહન ખરીદવાથી પણ દૂર રહેવું જોઈએ. દરેક પ્રકારના ભૌતિક સુખ અને પૃથ્વી પરના ઐશ્વર્યને પામવાની ઈચ્છા ધરાવનાર જાતકોએ ધનુર્માસમાં પ્રાત:કાળે સૂર્યની આરાધના કરવી જોઈએ.

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
ઘણી રસભર અને ઉપયોગી માહિતી !!!
Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા