જ્યોતિષ : અધ્યાત્મનું દ્વાર ‍‍‍- ઓશો

 • જ્યોતિષ સૌથી જૂનો વિષય છે અને એક અર્થમાં સૌથી વધુ તિરસ્કૃત વિષય પણ છે. સૌથી જૂનો એટલાં માટે કે મનુષ્યજાતિના ઈતિહાસમાં જેટલું સંશોધન થઈ શક્યું છે, તેમાં એવો કોઈ પણ સમય નહોતો, જ્યારે જ્યોતિષ મૌજૂદ ન રહ્યું હોય. 

 • એમ માનવામાં આવે છે કે જ્યોતિષ વિકસિત વિજ્ઞાન નથી. તેનો પ્રારંભ થયો, અને પછી તે વિકસિત ન થઈ શક્યું. પરંતુ મારી દ્રષ્ટિમાં સ્થિતિ ઉલટી છે. જ્યોતિષ કોઈ સભ્યતા દ્વારા બહુ મોટું વિકસિત વિજ્ઞાન છે, પછી એ સભ્યતા ખોવાઈ ગઈ, ન રહી. 

 • આજ સુધી જ્યોતિષ માટે વૈજ્ઞાનિક સહમતી ન હતી, પરંતુ હવે સહમતી વધી રહી છે. આ સહમતીમાં ઘણાં નવા પ્રયોગ ઉપયોગી થયાં છે. એક તો, જેવાં આપણે આર્ટીફીશિયલ સેટેલાઈટ્સ, કૃત્રિમ ઉપગ્રહ અંતરિક્ષમાં છોડ્યાં તેવું જ આપણે જાણી શક્યાં કે પૂરાં જગતથી, પૂરાં ગ્રહ નક્ષત્રોથી, બધા તારાઓથી નિરંતર અનંત પ્રકારની કિરણોની જાળ પ્રવાહિત થાય છે, જે પૃથ્વી પર ટકરાય છે. પૃથ્વી પર કોઈ પણ ચીજ એવી નથી જે તેનાથી અપ્રભાવિત રહી જાય. 

 • એકવાર સમજાઈ જાય કે આપણે અલગ અને પૃથક નથી, સંયુક્ત છીએ, ઓર્ગેનિક છીએ, તો પછી જ્યોતિષને સમજવું સહેલું થઈ જશે. એટલે હું આ બધી વાત આપને કહી રહ્યો છું. ઘણાં લોકોનું એવું માનવું છે કે જ્યોતિષ એક અંધવિશ્વાસ છે. અસલમાં એ ચીજો જ અંધવિશ્વાસ લાગે છે જેનાં આપણે વૈજ્ઞાનિક કારણ બતાવવામાં અસમર્થ છીએ. આમ તો જ્યોતિષ બહુ વૈજ્ઞાનિક છે. અને વિજ્ઞાનનો અર્થ થાય છે કોઝ અને ઈફેક્ટ, કાર્ય અને કારણ વચ્ચે સંબંધની શોધ. 

 • જ્યોતિષ કહે છે આ જગતમાં જે કાંઈ ઘટિત થાય છે તેનાં કારણ છે. આપણને જ્ઞાત ન હોય એમ બની શકે છે. જ્યોતિષ એમ કહે છે કે ભવિષ્ય, જે થશે તે અતીતથી વિચ્છિન્ન ન હોઈ શકે, તેનાથી જોડાયેલ છે. આપ કાલ જે હશો તે આજથી જ જોડાયેલ હશે. જ્યોતિષ બહુ વૈજ્ઞાનિક ચિંતન છે. તે કહે છે કે ભવિષ્ય અતીતથી જ નીકળશે. આપની આજ, કાલમાંથી નીકળી છે, અને આવતીકાલ આજમાંથી નીકળશે અને જ્યોતિષ એમ પણ કહે છે કે જે કાલ થવાનું છે તે કોઈ સૂક્ષ્મ અર્થોમાં આજ પણ થઈ જવું જોઈએ. 

 • જ્યોતિષનું માનવું છે કે ભવિષ્ય આપણું અજ્ઞાન છે એટલે ભવિષ્ય છે. જો આપણને જ્ઞાન હોય તો ભવિષ્ય જેવી કોઈ ઘટના નથી. એ અત્યારે પણ ક્યાંક મોજૂદ છે. જ્યોતિષનું માનવું છે કે એ અધૂરી દ્રષ્ટિ છે કે અતીત ધક્કો દઈ રહ્યું છે અને ભવિષ્ય બની રહ્યું છે. પૂરી દ્રષ્ટિ એ છે કે અતીત ધક્કો મારી રહ્યું છે અને ભવિષ્ય ખેંચી રહ્યું છે. 

 • જ્યોતિષની દ્રષ્ટિ એ છે કે અતીત પરની દ્રષ્ટિ અધૂરી છે, અર્ધી વૈજ્ઞાનિક છે! ભવિષ્ય હંમેશાં પોકારી રહ્યું છે. આપણને ખબર નથી. આ આપણી દ્રષ્ટિની કમજોરી છે. આપણને કાલનું કાંઈ દેખાતું નથી. 

 • ભવિષ્ય બિલકુલ અનિશ્ચિત નથી. આપણું જ્ઞાન અનિશ્ચિત છે. ભવિષ્યનું આપણને કંઈ દેખાતું નથી એટલે આપણે કહીએ છીએ કે ભવિષ્ય નિશ્ચિત નથી. જ્યોતિષ ભવિષ્યમાં જોવાની પ્રક્રિયા છે. 

 • જ્યોતિષ ભવિષ્યને જોવાની ચેષ્ટા છે – અનેક અનેક માર્ગોથી. તેમાંથી એક માર્ગ, જે સૌથી વધારે પ્રચલિત છે, તે મનુષ્ય પર ગ્રહ-નક્ષત્રોનો પ્રભાવ. તેને માટે વૈજ્ઞાનિક આધાર રોજ મળતાં રહે છે. એટલું ચોક્કસ થઈ ગયું છે કે જીવન પ્રભાવિત છે, અને જીવન અપ્રભાવિત નથી રહી શકતું. 

 • જ્યોતિષ મૂળભૂત ભવિષ્યની શોધ છે, અને વિજ્ઞાન અતીતની શોધ છે. વિજ્ઞાન એ વાતની શોધ છે કે કારણ શું છે? અને જ્યોતિષ એ વાતની શોધ છે કે પરિણામ શું હશે? આ બંને વચ્ચે બહુ ફર્ક છે, પરંતુ છતાં પણ વિજ્ઞાનને રોજ રોજ અનુભવ થાય છે, જે વાત અસંભવ લાગતી હતી, તે સંભવ લાગે છે. 

 • જગતમાં ક્યાંય પણ જે ઘટિત થાય છે તે મનુષ્યના ચિત્તમાં પણ ઘટિત થાય છે. જ્યોતિષ તેનું જ સંશોધન છે. 

 • જ્યોતિષના નામ પર સોમાંથી નવ્વાણું છેતરપિંડી છે. અને એ નવ્વાણું સિવાય એક્સોમો જે માણસ છે તેને સમજવો બહુ મુશ્કેલ છે, કારણકે તે ક્યારેય એટલો ડોગમેટિક નથી થઈ શકતો કે તે કહી દે કે આમ થશે જ. કારણકે તે જાણે છે કે જ્યોતિષ બહુ મોટી ઘટના છે. 

 • જ્યોતિષના ત્રણ ભાગ છે. એક, એસેન્શિયલ – અનિવાર્ય, જેમાં કોઈ ફેર ન પડી શકે. તેને જાણી લીધાં પછી તેની સાથે સહયોગ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ધર્મોએ આ અનિવાર્ય તથ્યની શોધ માટે જ જ્યોતિષ શોધ કરી તે તરફ ગયા. બીજું છે સેમી એસેન્શિયલ, અર્ધ અનિવાર્ય. જો જાણી લેશો તો બદલી શકશો, જો નહિ જાણો તો નહિ બદલી શકો. અજ્ઞાત હશો તો જે થવાનું છે તે જ થશે. જ્ઞાન હશે તો વિકલ્પ છે, બદલી શકાય છે. અને ત્રીજું છે નોન એસેન્શિયલ. તેમાં કાંઈ જરૂરી નથી. બધું સાંયોગિક છે. 

 • આપણાં બધાના હાથ ભવિષ્યના ખભા પર રાખેલ છે. આપણાં બધાના પગ અતીતના ખભા પર પડ્યાં છે. નીચે તો આપણને દેખાય છે કે જો મારી નીચે જે છે તે ન હોય તો હું પડી જઈશ, પરંતુ ભવિષ્ય તરફ જે હાથ ફેલાયેલ છે એ જે ખભા પકડી રાખેલ છે, જો તે પણ ન હોય તો પણ હું પડી જઈશ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને આટલી આંતરિક એક્તામાં અતીત અને ભવિષ્ય વચ્ચે સંયુક્ત જુએ છે ત્યારે તે જ્યોતિષને સમજી શકે છે. જ્યારે જ્યોતિષ ધર્મ બની જાય છે, ત્યારે જ્યોતિષ અધ્યાત્મ બની જાય છે. 

 • સૂરજથી પૃથ્વી પ્રભાવિત થાય છે અને પૃથ્વી પ્રભાવિત થાય છે તો આપણે પણ પ્રભાવિત થઈએ છીએ. આ ખ્યાલમાં આવી જાય તો આપણે સારભૂત જ્યોતિષને સમજી શકીએ છીએ અને અસારભૂત જ્યોતિષની જે વ્યર્થતા છે તેનાથી બચી શકીએ છીએ. જ્યોતિષ સંબંધમાં આટલી વાત આપને કહી એ ખ્યાલમાં આવી જાય તો જ્યોતિષ આપના માટે અધ્યાત્મનું દ્વાર સિદ્ધ થઈ શકે છે.

~‍ ઓશો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો